અંગત ડાયરી
============
શીર્ષક : ઈંતજાર
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૨૯, નવેમ્બર ૨૦૨૦, રવિવાર
આપણી આસપાસ અનેક પ્રકારના લોકો હોય છે. અમુક લોકો ઈશ્વર, ગીતા, રામાયણ, વેદો, ઉપનિષદો અંગે જ વાતો કરતા હોય છે. તો અમુક લોકો અમિતાભ, સલમાન, કંગના, શાહરૂખની જ વાતો કરતા હોય છે. અમુકની ચર્ચા ઘૂઘરા, ગાંઠિયા, કાજુ બટર મસાલા અને ડ્રેગન પોટેટોની આસપાસ ફર્યા કરે છે, તો અમુક લોકો મોદી, શાહ, રાહુલ, મમતા અને ટ્રમ્પના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. અમુક લોકો ઢીશુમ-ઢીશુમ, મારા-મારી અને કાપા-કાપીની વાતો કરતા હોય છે અને અમુક લોકો મલ્હાર, ભૈરવી, ભૂપાલી, માલકૌંસ અને સારેગમપધનીસામાં ડૂબેલા હોય છે. અમુકને જીન્સ, ટીશર્ટ, શુઝ, સૅન્ટ, સ્પેક્ટ્સની ચર્ચામાં રસ હોય છે તો અમુકને ભૂત, પ્રેત, પલિત જેવા ગેબી સબ્જેક્ટ આકર્ષે છે.
"તુલસી ઈસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ,
સબસે હસ મિલ બોલીએ, નદી-નાવ સંજોગ."
ઘરમાં રહેતા ચાર જણામાં પણ વિવિધતા હોય છે. કોઈને તારક મહેતા કા ઉલટા ચશ્મા ગમે તો કોઈને ક્રાઈમ પેટ્રોલ, કોઈ સમાચારના શોખીન હોય તો કોઈ કેબીસીની આતુરતા પૂર્વક રાહ જોતા હોય. ભૂખ્યો માણસ રોટલીની, તરસ્યો પાણીની, કુંવારો જીવનસાથીની તો બેકાર નોકરીની રાહ જોતો હોય છે. તમે શાની રાહ જુઓ છો? દરેક વ્યક્તિ કંઈકને કંઈક પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરતો હોય છે. અપની અપની મંજીલો કા સબકો ઈંતજાર હૈ.
સાચી મજા શેમાં છે? પ્રાપ્તિમાં કે પુરુષાર્થમાં? પ્રશ્ન તમે ધારો છો એટલો સહેલો નથી. ગુડ ન્યુઝ એ છે કે ગિરનાર પર રોપવૅ શરુ થયો. પગથિયાં ચઢવાના પુરુષાર્થ વગર હવે બેઠા-બેઠા જ ગિરનારની ટોચ આંબી જવાશે. પહેલા પગથિયાંથી શરુ થતી વાતો, ધીમે ધીમે પગમાં શરુ થતો દુઃખાવો, લાગતો થાક, હમણાં આવી જશે, બસ હવે બહુ છેટું નથી એવા પ્રોત્સાહનો, ધમણની જેમ શ્વાસોચ્છવાસ ભરતી છાતી અને માંડ માંડ દેખાતી માતાજીની ફરકતી ધજાને જોઈ તનમનને થતી સાક્ષાત્કારની ઍક્ઝેટ અનુભૂતિ ટ્રોલી સવારોને થશે? આનંદ શેમાં વધુ આવે પ્રાપ્તિમાં કે પુરુષાર્થમાં?
એક સંતે એક મસ્ત ઉદાહરણ આપેલું. જૂના જમાનામાં નાની વહુને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય એ દિવસો સુધી તો મનમાં જ રાખે. પછી માંડ માંડ સાસુને કહે, સાસુ મોકો જોઈ બેક દિવસે સસરાને કહે, સસરા વળી બેક દિવસે પરમિશન આપે, બજાર માંથી દહીં લઈ આવે, રાત્રે દહીનું પોટલું વાળી ઊંચે લટકાવવામાં આવે, આખી રાત દહીં નીતરે, મસ્કો બને, સવારે બજારમાંથી લાવેલા ફ્રુટ ચીકુ, દ્રાક્ષ વગેરે સમારીને મસ્કામાં ખાંડના પાવડર સાથે ભેળવવામાં આવે, ફ્રીઝમાં શ્રીખંડ ઠંડો થવા મૂકવામાં આવે. બપોરે નોકરી ધંધેથી ઘરે જમવા આવેલા પુરુષવર્ગને શ્રીખંડની વાટકીઓ ભરી વહુ પીરસે. સૌ ટેસથી જમે અને વખાણે. એ પછી ઘરની વડીલ મહિલાઓ જમે. છેલ્લે નાની વહુનો વારો આવે. પાંચ પંદર દિવસથી જે સ્વાદ સ્વપ્નમાં વાગોળ્યો હતો એ શ્રીખંડની પહેલી ચમચી વહુ મોંમાં મૂકે ત્યારે એના તન-મનમાં જે આનંદ વ્યાપે એ મજા શું આજના જમાનામાં બાર વાગ્યે શ્રીખંડ ખાવાનો વિચાર આવ્યો હોય અને એક વાગ્યે શ્રીખંડ થાળીમાં પીરસાઈ જાય એમાં આવે? મજા શેમાં છે? પ્રાપ્તિમાં કે પુરુષાર્થમાં કે રાહ જોવામાં?
એવું ઘણું છે જે તમે મેળવી ચૂક્યા છો. એ નહોતું ત્યારે તમે એનો આતુરતાથી ઈંતજાર કરતા હતા. હવે ઈંતજાર નથી. એ પ્રાપ્ત થઇ ચૂક્યું છે. વિચારીને કહો ઈંતજારમાં મજા હતી કે નહીં? જીવનસાથી, સરકારી નોકરી, સંતાન કે ઘરનું મકાન પ્રાપ્ત થયા નહોતા ત્યારે તમને કેવા કેવા સ્વપ્નો- કલ્પનાઓ-વિચારો એના વિશે આવતા? હજુયે એવું ઘણું છે જે તમારા સ્વપ્નો-કલ્પનાઓમાં રમી રહ્યું છે, જેનો તમને ઈંતજાર છે. પછી એ વર્લ્ડ ટૂર હોય કે હરિદ્વારની યાત્રા, બુક પબ્લિશ કરવાની મથામણ હોય કે કે.બી.સી.ની હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સામે બેસવાની ઈચ્છા, અત્યારે તો તમે એ ક્ષણનો ઈંતજાર કરતા પુરુષાર્થ કરી રહ્યા છો. જેમ જેમ પુરુષાર્થ વધતો જાય છે એમ એમ મજા અને આનંદ પણ વધતા જાય છે. ઊંચે નીચે રાસ્તે ઓર મંઝિલ તેરી દૂર... ગીત કેવું પ્રોત્સાહક લાગે છે પુરુષાર્થ સમયે નહીં! અને જે દિવસે તમારી મંઝિલ પર તમે પહોંચો છો ત્યારનો તમારો ખુમાર, તમારો આનંદ, તમારો વટ અનોખો જ હોય છે. એવો વટ, આનંદ કે ખુમાર સહજ અને તરત પ્રાપ્તિમાં ક્યાં હોય છે? તમે શું માનો છો?
અત્યારે માનવ જાતે ફરી પુરુષાર્થ આદર્યો છે. બે પાંચ દિવસ નહિ તો બે-પાંચ મહિનામાં માનવ જાત જંગ જીતી જશે. ઍન્ટીકોરોના રસીથી સુરક્ષિત આપણે સહુ ફરી રૂટિન લાઈફ જીવતા હોઈશું ત્યારે વર્તમાન પુરુષાર્થવાળા દિવસોમાં આપણે કરેલો આનંદ ચોક્કસ મિસ કરીશું. કોરોનાને સંયમ-શિસ્ત-સજાગતા-શાંતિ અને વિશ્વાસથી મ્હાત આપવા બદલ ત્યારે આપણો આનંદ અને ખુમાર જુદો જ હશે. કદાચ આપણી જિંદગીને જોવાની, જીવવાની રીત પણ જુદી જ હશે.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈંતજાર કરીએ છીએ હોં...!)