Aahvan - 29 in Gujarati Moral Stories by Dr Riddhi Mehta books and stories PDF | આહવાન - 29

Featured Books
Categories
Share

આહવાન - 29

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૨૯

વિકાસે વિડીયો શરું કર્યો એ સાથે જ એમાં જે દેખાયું એ જોઈ સુપ્રિટેન્ડેન્ટ તો સ્તબ્ધ જ થઈ ગયાં. ડૉક્ટર આલોકે એ વ્યક્તિનાં મોઢામાં ચેક કરવાને બહાને ધીમેથી એક સિક્કો સરકાવી દીધો. ધીમેધીમે એ દર્દીની ગભરામણ વધી ગઈ. એ સામે કોઈ તરફ સતત ઈશારો કરી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે...જાણે કોઈને કંઈ કહી રહ્યો છે પણ એ ખબર નથી પડતી કે સામે કોણ છે‌ ‌.એ વ્યક્તિએ પોતાનાં હાથને મોંઢાની નજીક લઈ જઈને સિક્કો નીકાળવાનો પ્રયાસ કર્યો પણ એ કદાચ એનાં શરીરની અશક્તિને કારણે ઘણો ખોંખારો ખાવા પ્રયત્ન કરી રહ્યો છે પણ સિક્કો તો ન જ નીકળ્યો પણ એનો અવાજ બંધ થઈ ગયો.

આ બધું વિકાસ જ્યારે કોપી પીવા ગયો એ સમયે બન્યું છે. એ વિકાસને બરાબર ખબર પડી ગઈ.

ડૉ. અંતાણી : " આ કોણે રેકોર્ડ કરેલું છે બધું મને જણાવી શકશો ?? "

વિકાસ : " મેં પોતે ...મને પહેલેથી જ શંકા હતી. રાતનાં ઉજાગરાને કારણે મારું માથું દુઃખી રહ્યું હતું આથી હું કોફી પીવા ગયો. પેશન્ટની ધ્યાન રાખવા હું મારો બીજો ફોન બાજું બાજુમાં રહેલાં બે દર્દીઓની સામે રેકોર્ડિંગ ચાલું રાખીને કોઈને ખબર ન પડે એ રીતે એક જગ્યાએ મુકીને ગયો હતો. "

ડૉ. જોશી : " તો પછી તમે એ સિક્કો કાઢીને એ દર્દીને સારો કરવા માટે કેમ પ્રયત્ન ન કર્યો ?? તમે એ કાઢીને એ દર્દીને બચાવી શક્યા હોત ને ?? "

વિકાસ : " હું આવ્યો ત્યારે ઓલરેડી ડૉ. આલોકે એ વ્યક્તિને હાઈડોઝનું સિડેશનનું ઇન્જેક્શન આપી દીધું હતું એ પણ તમને આગળ દેખાશે...અને એ ઇન્જેક્શનની વાયલ પણ મારી પાસે છે. જે આપણે ફક્ત અનકન્ટ્રોલેબલ ખેંચ હોય એનાં માટે જ એ પણ લો ડોઝમાં આપતાં હોય છે.

એ સમયે હું આવ્યો ત્યારે એ માથાકૂટ કરી જ રહ્યાં હતાં સાથે જ દર્દીની તબિયત વધારે લથડી પણ હતી આથી મને એ જોવાનો સમય જ ન રહ્યો. પણ એમનાં મૃત્યુ બાદ મેં એ વિડીયો જોયો ત્યારે બહું મોડું થઈ ગયું હતું કદાચ....."

સુપ્રિટેન્ડેન્ટ : " હમમમ...જે થઈ ગયું એ હવે ભૂલી જા...અત્યારે રોજનાં કોરોનાનાં કેટલાંય પોઝિટિવ દર્દીઓ આવી રહ્યાં છે ત્યારે આ બધું વસ્તુઓ પાછળ સમય બગાડી શકાય એમ નથી. પણ તારામાં ડૉ. બત્રાનો કેમ આટલો પ્રભાવ છે ?? બાકી આજકાલનાં છોકરાઓને એમની સિદ્ધાંત અને કડકાઈ અને શિસ્તની પરિભાષા ગળે જ નથી ઉતરતી..."

વિકાસ : " એ મારાં દાદા સસરા છે મતલબ મારી વાઈફનાં દાદા..."

ડૉ.અંતાણી : " મતલબ સાસરી પક્ષનાં છે એટલે આટલું માને છે એમને ?? "

વિકાસ : " ના. અમારી એક ઓળખાણને કારણે હું એમને ત્યાં અવારનવાર જતો ત્યાં જ એમણે મને શીખવ્યું હતું બધું. જાણે અજાણે મારાં પરિવારમાં પણ આ જ સંસ્કારોને વસ્તુઓનું સિંચન થયું હતું આથી એ બધું મને સ્પર્શી જતું હતું...પછી એમનાં પરિવારે મને એમને દીકરી માટે પસંદ કર્યો..."

ડૉ. જોશી : " હમમમ..."

ત્યાં જ વિકાસનાં મોબાઈલમાં એક ફોન આવ્યો. એ ઉપાડીને વાત કરીને બોલ્યો, " સોરી સર...પણ એક ઈમરજન્સી છે જવું પડશે....પણ ઇન્જેક્શન તો બીજાં લાવવાં પડશે જ....રિક્વેસ્ટ મોકલાવું જ છું..." કહીને હસતો હસતો જતો રહ્યો.

**************

બપોર પડી ગઈ પણ જાણે બહારની ગરમી કરતાં એ એસીની ઠંડકમાં પણ કાજલને જાણે એક બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. એ મુંઝાઈ ગઈ છે કે શું કરે હવે ?? એને કંઈ થયું હોત તો મિકિન આવી રીતે બેસી રહેત ?? ભાગ્યેશભાઈનો રિપોર્ટ નેગેટિવ આવતાં એ અત્યારે બોમ્બેથી સ્પેશિયલ ગાડી કરીને અમદાવાદ આવી રહ્યાં છે. પણ એમને આવતાં રાત તો પડવાની છે એ પણ નક્કી છે.

એટલામાં જ લેન્ડ લાઈન પર રીંગ વાગી. સામાન્ય રીતે હવે સમય બદલાતાં આ ફોનમાં કોઈનાં ફોન ખાસ આવતાં જ નથી પણ આ તો મિકિનની સરકારી નોકરીને કારણે કોઈ પણનાં ફોન આવતાં હોય એટલે બધાંને મોબાઇલ નંબર ન આપી શકાય એટલે કોઈ કોઈ આ નંબર પર ફોન કરે. કાજલ ગભરાઈ કે ફરીથી મયુર તો નહીં હોય ને ??

આખી રીંગ વાગી પણ એણે ઉઠાવી નહીં. ત્યાં જ ફરીવાર બે મિનિટમાં ફરી રીંગ વાગી. શૈલી રમતાં રમતાં ફોન ઉપાડવા આવી આથી કાજલે એને રૂમમાં મોકલીને ફોન ઉઠાવી લીધો. ના છુટકે એણે ઉઠાવ્યો તો ખરો પણ ફરી કોઈ નવો અવાજ....

કાજલ : " કોણ બોલો તમે ?? શું કામ છે ?? કેમ ફોન કર્યો છે ?? "

સામેથી અજાણ્યો ઘેરો અવાજ આવ્યો, " મિસ્ટર મિકિન અહીં છે અમારી પાસે....તમે કાજલ ઉપાધ્યાય વાત કરો છો ને ?? "

કાજલ : " હા. પણ એ ક્યાં છે ?? કઈ જગ્યાએ ?? "

ફરી અવાજ આવ્યો, " હું કહું ત્યાં આવશો ને મેડમ ?? "

કાજલ : " પણ તમારી સાથે જ મિકિન છે એની શું સાબિતી છે ?? "

એ વ્યક્તિ બોલ્યો, " બે મિનિટ ચાલું રાખો ક્હ્યું એટલામાં મિકિનનો અવાજ આવ્યો, " પ્લીઝ મારે નાનાં બાળકો છે તમે મને છોડી દો... મેં કોઈનું કશું બગાડ્યું નથી હું જે પણ પોસ્ટ પર આવ્યો છું મારી મહેનતથી આવ્યો છું નહીં કે કોઈની ઓળખાણ કે લાગવગથી...તો શું કામ મારી સાથે આવું કરો છો...તમને આ બધું કોણે કરવાં માટે કહ્યું છે ??" આટલું બોલ્યો ત્યાં જ અવાજ બંધ થઈ ગયો પણ ત્યાં જ કોઈએ એને જાણે સટાક કરીને માર્યું હોય એવો જોરથી અવાજ આવ્યો.

કાજલથી ચીસ પડાઈ ગઈ એ બોલી, " પ્લીઝ મિકિનને કંઈ પણ ન કરતા હું આવું છું...તમે એડ્રેસ કહો મને... હું આવી જઈશ‌..."

એ વ્યક્તિ ફરી ગુસ્સામાં બોલ્યો, " પણ તું અને તારાં બાળકો સાથે... બીજું કોઈ નહીં... કંઈ પણ ચાલાકી કરવાની કોશિષ ન કરીશ... તું ઉભી છે ત્યાંથી બહાર સીધું જ બહાર જો...કોઈ દેખાય છે ?? "

કાજલે બહાર નજર કરી તો એને એમનાં બંગલાનાં વૉચમેન સિવાય કોઈ ન દેખાયું. એણે ક્હ્યું, " અહીં તો કોઈ નથી..."

એ વ્યક્તિએ ફરીથી સરખું જોવાં માટે કહ્યું. તો ફરી કાજલે સહેજ આજુબાજુ નજર કરીને કહ્યું કોઈ નથી અહીં તો ફક્ત વૉચમેન સિવાય...

કાજલને એકદમ ઝબકારો થયો કે કદાચ એ વોચમેન તો નહીં હોય ને જે બધી પળેપળની માહિતી આપતો હોય...એને થયું કે આ વૉચમેન લગભગ પાંચેક મહિનાથી છે જે વર્ષોથી હતો એણે તો ઘરે તફલીક હોવાથી ગામડે જતો રહ્યો છે... કદાચ આનો તો એટલો વધારે પરિચય પણ નથી.

એ કંઈ બોલી નહીં એટલે એટલે એ વ્યક્તિ બોલ્યો, " ઘર કા ભેદી નીકલા ના ?? "

કાજલ : " એને તો હું હમણાં જ ના પાડી દઉં છું..."

" ઉતાવળ નહીં ...જરાં પણ નહીં... નહીંતર બહું પસ્તાવાનો વારો આવશે..."

કાજલ : " પણ મિકિનને ગુમ કરવાનું કારણ ?? અને એ તમારી પાસે કેવી રીતે પહોંચ્યો ?? એ તો ઑફિસ જવાં નીકળ્યો હતો ?? અને તમે કોણ છો ?? "

એ વ્યક્તિનાં હાથમાંથી કોઈએ ફોન લીધો હોય એવું લાગ્યું બીજો કોઈ પડછંદ અવાજ આવ્યો. એણે કહ્યું, " શું છે આ બધી માથાકૂટ ?? હું હાફિઝ છું...પણ અમારી પાસે આટલો સમય નથી...ના આવવું હોય તો કહી દો સીધું સટ...એ સાથે જ એક ગોળી ને કામ તમામ થઈ જશે...અને ચાલાકી કરવાની જરાં પણ કોશિષ કરીશ નહીં..."

કાજલ : " નહીં પણ મિકિન તમારી પાસે જ છે એવું હું કેવી રીતે માની શકું ?? ભલે એ અવાજ મિકિનનો જ હતો પણ એ તો પહેલાં કોઈ પણ રીતે રેકોર્ડિંગ કરેલો પણ હોઈ શકે..."

એ વ્યક્તિ ગુસ્સામાં બોલ્યો, " તારાં મોબાઈલમાં જો એક વિડીયો આવશે હમણાં પછી તો વિશ્વાસ થશે ને તને?? "

એ સાથે જ કાજલ રિસિવર સાઈડમાં મૂકીને પોતાનાં રૂમમાંથી મોબાઈલ લઈ આવી. ને જોયું તો વિડીયો આવી પણ ગયો છે. એમાં કોઈ અજાણી હવેલી કે જુની ઈમારત ખંડેર જેવી જગ્યાએ મિકિન બંધાયેલો છે. પણ એ બેભાન હાલતમાં છે. પણ આજુબાજુ કોઈ જ દેખાતું નથી. કાજલ વિચારવા લાગી કે આ બધું કોણે કર્યું હશે ??

એટલામાં જ એનાં નંબર પર ફરી ફોન આવ્યો હજું વિશ્વાસ ના હોય તો એના જ નંબર પરથી વિડીયો કોલ કરીને બતાવું...??

કાજલને વિશ્વાસ તો આવી જ ગયો છે આ બધા પરથી પણ એનાં મગજમાં કંઈ અલગ ચાલી રહ્યું છે આથી એણે કહ્યું, " હા વિડીયો કોલ કરીને બતાવો...તો હું હમણાં નીકળીને આવી જઈશ..."

એ સાથે જ બે જ મિનિટમાં વિડીયો કોલ આવ્યોને ઉપાડતાં જ કાજલને જાણે ઝાટકો લાગી ગયો...!!

એવું શું જોયું હશે કે કાજલને ઝાટકો લાગ્યો ?? કાજલ એનાં બાળકો સાથે એ અજાણ્યા લોકો વચ્ચે જશે ખરી ?? શું થશે જો એ જશે તો ?? એ મિકિનને છોડીને પાછો હેમખેમ લાવી શકશે ખરી ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૩૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....