સુડતાલીસ
“કેમ છો?” વરુણની નજીક પહોંચતાની સાથેજ સુંદરીએ તેને પૂછ્યું.
“બસ મજામાં, તમે?” વરુણે વળતો જવાબ આપ્યો.
“કેવો રહ્યો તમારો દિવસ? બહુ દુઃખ્યું તો નથીને?” સુંદરીએ વરુણના પગના અંગુઠા પરના પાટા સામે જોઇને કહ્યું.
“ના બિલકુલ નહીં. તમે સમયસર ફર્સ્ટ એઇડ આપી દીધી હતી એટલે વધુ કોઈ તકલીફ નથી પડી.” વરુણે સ્મિત કરતાં જવાબ આપ્યો.
“એમાં વળી મેં શું કર્યું? કોઇપણ વ્યક્તિ એમ જ કરત.” સુંદરીએ વરુણની વાત માનવા ઇનકાર કર્યો.
“ડોક્ટર અંકલે કહ્યું એ મેં તમને કહ્યું.” વરુણે પણ સુંદરીને પોતાના જીવનમાં તેનું મહત્ત્વ કેટલી હદે વધી રહ્યું છે તે સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.
જો કે ડોક્ટરવાળી વાત તેણે ઉપજાવી દીધી હતી.
“ચાલો તમે કહ્યું તો મેં માની લીધું બસ?” સુંદરીએ હસતાં હસતાં કહ્યું.
વરુણને ખ્યાલ આવી ગયો કે સુંદરીનું આ હાસ્ય વરુણે તેના કરેલા વખાણનું જ પરિણામ છે અને એનું તીર યોગ્ય નિશાને જ વાગ્યું છે, પરંતુ તેને હજી ઘણી મહેનત કરવાની જરૂર છે.
“અચ્છા, હવે તમને જે વાત કરવા માટે રોકી રાખ્યા છે એ તો કહુંને? નહીં તો આપણી બીજી વાતો તો જરાય ખૂટશે નહીં.” સુંદરી હજી પણ હસી રહી હતી.
“હા ચોક્કસ. બોલોને?” વરુણે સુંદરીની હસતી આંખોમાં પોતાની આંખ નાખીને કહ્યું.
“મારી અને ભાઈની ગઈકાલે તમને ઘરે મુકીને પાછી અહીં આવી ત્યારે મુલાકાત થઇ ગઈ.” સુંદરીના ચહેરા પર હવે સંતોષનું સ્મિત હતું.
“અરે વાહ! બહુ સરસ. બધી વાત થઇ ગઈ?” વરુણને પણ સુંદરીના આનંદથી આનંદ થયો.
“હા, બધીજ વાત થઇ ગઈ અને એટલુંજ નહીં એમણે તરત કિશન અંકલ સામે સરેન્ડર પણ કરી દીધું.” સુંદરીનું સંતોષનું સ્મિત હવે વધુ પહોળું થયું.
“ધેટ્સ ગ્રેટ ન્યૂઝ! ખૂબ સરસ. આઈ એમ શ્યોર તમે એમને કન્વીન્સ કરવામાં કોઈજ કસર નહીં છોડી હોય, નહીં તો આ રીતે કોઈને પહેલીજ મુલાકાતમાં સરેન્ડર કરવા માટે તૈયાર કરી લેવા એ બહુ મોટી વાત કહેવાય.” વરુણે સુંદરીની પ્રશંસા કરવાનું ચાલુ રાખ્યું.
“સગા ભાઈની જિંદગીને સુધારવા માટે મારે કશું પણ કરવું પડે એ ઓછું છે.” સુંદરીના ચહેરા પર હવે જવાબદારીભર્યું સ્મિત આવી ગયું.
“બિલકુલ સાચું.” વરુણે સુંદરીની દરેક વાત સાથે સહમત થવા સિવાય બીજો કોઈ વિકલ્પ વિચાર્યો જ ન હતો.
“હવે મને ફરીથી તમારી મદદની જરૂર છે. તમારી આવી હાલત છે તેમ છતાં.” સુંદરીના સ્વરમાં વિનંતીનો સૂર ભળ્યો.
“ચોક્કસ, અને તમે મારી ચિંતા ન કરો, ફક્ત નખ ઉખડી ગયો છે, હા ફ્રેક્ચર હોત તો જરા તકલીફ પડી હોત.” વરુણને આ તક જવા દેવી ન હતી એટલે એણે સુંદરી હવે પોતાની વિનંતીથી પરત ન ફરે એનું પુરતું ધ્યાન રાખ્યું હતું.
“હા, તમે આજે જ કૉલેજ આવી ગયા એટલેજ મને થયું કે તમને હેરાન કરવામાં વાંધો નથી.” સુંદરીની આંખો હસી રહી હતી અને એ જોઇને વરૂણનું હ્રદય પણ.
“બસ ત્યારે અને હેરાન કરવાનું પ્લીઝ ન કહેતા. મને ગમશે જો હું તમારા કોઈ કામે આવી શકું.” વરુણે તમારા શબ્દ પર ભાર મુકીને કહ્યું.
“બીજું, મારી અને મારા ભાઈ વચ્ચે શું થયું એની માત્ર તમને અને સોનલને જ ખબર છે એટલે આ કામમાં હું તમારી જ મદદ લઇ શકું એમ છું. અરુમાને મારે આ વાતમાં ઇન્વોલ્વ નથી કરવા અને મારે આ વાત વધુ ફેલાવવી પણ નથી.” સુંદરીના સ્વરમાં પોતે જે કહી રહી હતી તેમાં ભારોભાર શ્રદ્ધા હતી.
એક હકીકત સ્પષ્ટ છે, શ્યામલ દ્વારા સુંદરીનો પીછો કર્યા બાદ જે ઘટનાઓ તેની સાથે એક પછી એક બની અને તેણે શરૂઆતમાં આ ઘટનાઓનો ડરતાં ડરતાં અને બાદમાં મક્કમતાથી અને ત્યારબાદ પરિપક્વતાથી તેનો સામનો કર્યો તેને કારણે હવે સુંદરીનું આખું વ્યક્તિત્વ બદલાઈ રહ્યું હતું. પહેલાં એ ઓછું બોલતી, ગભરુ અને પોતાની જ નક્કી કરેલી મર્યાદાઓની બહાર નીકળતાં ડરતી યુવતિ હતી, પરંતુ એક અઠવાડિયાની ઘટના બાદ સુંદરી પહેલાં કરતાં વધુ બોલકી, હિંમતવાળી અને મક્કમ યુવતિ બની ગઈ હતી.
આ પાછળ કદાચ બે કારણો હતા. એક તો તેને પોતાનો ભાઈ પરત મળી ગયો હતો અને પોતાના ગુનાની કબુલાત કરીને તેને પોલીસને સરેન્ડર થઇ જવાની વાત તેણે તેના ભાઈને સફળતાપુર્વક સમજાવી હતી. આ કારણે તેને કદાચ એવું લાગી રહ્યું હતું કે તે હવે દુનિયામાં સાવ એકલી નથી અને એનો ભાઈ હવે તેને સદાય સાથ આપશે. આ જ કારણસર તે પિતા પ્રમોદરાય સામે બોલવાની હિંમત જીવનમાં પહેલીવાર કરી શકી હતી.
બીજું કારણ હતું તેને વરુણનો મળેલો બિનશરતી સાથ અને આ સાથ પણ જેવો તેવો નહીં! વરુણને કારણેજ સુંદરી પોતાની તકલીફ અને એ તકલીફમાંથી બહાર નીકળવાનો માર્ગ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સમક્ષ બેસીને કાઢી શકી, આ કોઈ નાનીસુની ઘટના બિલકુલ ન હતી. આ ઉપરાંત વરુણ દ્વારા સુંદરીની ભૂખની કાળજી લેવી અને તેના માટે તેને કહ્યા વગર જ લંચ પેક પાર્સલ કરાવવું તે ઘટનાએ પણ સુંદરીના મન પર મોટી અસર છોડી હતી, કદાચ એ જ કારણ હતું કે જ્યારે વરુણને પ્રેક્ટીસ કરતી વખતે અંગુઠા પર બોલ વાગ્યો ત્યારે સુંદરીનું દૂર બેંચ પરથી અચાનક ઉભા થઈને વરુણ તરફ દોડી પડવું, તેને ડ્રેસિંગ કરી આપવું અને છેક ઘર સુધી મૂકી આવવું એ તેની કુદરતી પ્રતિક્રિયા જ હતી.
બીજી કોઈ વાત હોય કે ન હોય પણ સુંદરી છેલ્લા એક અઠવાડિયામાં વરૂણનું ખૂબ સન્માન કરવા લાગી હતી. જો કે વરુણને આ બધું ગમતું તો હતું પરંતુ તેના માટે સુંદરીનું તેના જીવનમાં એક ખાસ મહત્ત્વ હતું જે તે યોગ્ય સમયે તેને કહેવા માંગતો હતો.
“તમે મને ગમે ત્યારે કોઇપણ કામ કરવાનું કહી શકો છો.” વરુણે સુંદરીના વિશ્વાસમાં વધારો કર્યો.
“થેન્ક્સ. હવે વાત એવી છે કે ભાઈને અત્યારે સાબરમતી જેલમાં કાચાકામના કેદી તરીકે રાખ્યા છે. મારે કાલેજ કિશન અંકલ સાથે વાત થઇ. મારો વિચાર છે કે કાલે હું ભાઈને મળી આવું અને ટીફીન અલાઉ છે એટલે હું એમને ઘરેથી કશુંક બનાવીને આપી આવું. અહીંથી જો જાઉં તો ઘણું મોડું થઇ જાય અને સવારનો મુલાકાતનો સમય પણ વીતી જાય એટલે હું કાલે લિવ પર છું. હવે જેલમાં હું એકલી જાઉં એ મને યોગ્ય નથી લાગતું તો શું તમે કાલે મારી સાથે આવશો? ફક્ત મને કંપની આપવા? કારણકે કદાચ અંદર તો મને એકલીને જ જવા દેશે અને બીજું ભાઈ તમને જોઇને કદાચ એવા સવાલ કરશે જેનો હું કદાચ જવાબ નહીં આપી શકું. ઇફ યુ ડોન્ટ માઈન્ડ અને ફરીથી કાલે તમને સારું હોય તો જ.” સુંદરીએ પોતાની વાત રજુ કરી.
“કેમ નહીં. કાલે હું પણ નહીં જાઉં કોલેજ. તમે કહો એ સમયે હું તમને લેવા ઘરે આવી જઈશ.” વરુણને તો જાણે બગાસું ખાતાં પતાસું મોઢામાં પડ્યું હોય એમ સુંદરીએ સામેથી આવતીકાલની મુલાકાત માટે તેને બોલાવી લીધો હતો.
“ના, તમે કાલે રજા નહીં પાડો કોલેજમાં. હવે પ્રિલિમ્સ નજીક આવશે પ્લસ તમારે યુનિવર્સીટી કપની મેચ પણ બે વિકમાં શરુ થશે એટલે ઘણા લેક્ચર્સ જવા દેવા પડશે. કાલે રીસેસ સુધી લેક્ચર્સ ભરો અને પછી મને લેવા અહીંથી મારે ઘેર આવવા નીકળો એટલે મને કૉલ કરીને કહી દેજો એટલે હું ટીફીન લઈને મારા ઘરની ગલી પાસે આવી જઈશ. આપણે સેઈમ રિક્ષામાં જઈશું. અને કાલે નો કેબ પ્લીઝ અને રિક્ષાભાડું હું જ આપીશ.” સુંદરીએ વરુણને પોતે તાજી શોધી કાઢેલી મક્કમતાથી કહ્યું.
“ચાલો, હું કોલેજ તો આવીશ, પણ ઓટોનું ભાડું?” વરુણને એ ઠીક ન લાગ્યું કે એની હાજરીમાં સુંદરી કોઈ ખર્ચો કરે.
“તમે હજી સ્ટુડન્ટ છો વરુણ અને મને એ જરાય નહીં ગમે કે તમે તમારી પોકેટમની આ રીતે ખર્ચ કરો. હું કમાઉ છું અને મારે મારા અંગત કામે તમને લઇ જવાના છે એટલે એ કામનો કોઇપણ ખર્ચ મારે જ કરવો રહ્યો. સમજી ગયા?” સુંદરીએ હળવા સ્મિત સાથે વરુણને સમજાવતાં કહ્યું.
“ઓકે, હું સમજી ગયો. તો કાલે આપણે મળીએ તમારી ગલીના નાકે, આઈ થીંક લગભગ પોણાદસ સુધીમાં તો હું પહોંચી જઈશ.” વરુણે કહ્યું.
“હા એટલું તો તમને થઇ જશે.” સુંદરી વરુણની વાત સાથે સહમત થઇ.
“ડન છે! તો અત્યારે હું નીકળું ઘરે જવા?” વરુણને જવું તો ન હતું પરંતુ તે એમ કરીને ભવિષ્ય અંગે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવા નહોતો માંગતો.
“હા ચોક્કસ. કેવી રીતે જશો? કૃણાલ નથી દેખાતા?” સુંદરી આસપાસ જોવા લાગી.
“ના એને મેં મોકલી દીધો. અમારે છઠ્ઠું લેક્ચર નથી હોતું, પછી મારે પ્રેક્ટીસ અને આપણે મળવાની વાત થઇ હતી એટલે મને થયું કે એને ક્યાં સુધી રાહ જોવડાવવી? એટલે મેં એને ઘરે જવાનું કહ્યું.” વરુણે સુંદરીને કૃણાલના ત્યાં ન હોવાનું કારણ જણાવતા કહ્યું.
“તો તો તમારે છેક મેઈન રોડ સુધી ચાલીને જવું પડશે. ત્યારે જ રિક્ષા મળશે. અહીં કેમ્પસમાં તો રિક્ષા અલાઉડ જ નથી.” સુંદરીએ એની આદત અનુસાર પોતાના જમણા હાથની પહેલી આંગળી બંને દાંત વચ્ચે દબાવતા કહ્યું.
“હા તો કોઈ પ્રોબ્લેમ નથી, હું પહોંચી જઈશ, ધીમે ધીમે ચાલતા. અને કેમ્પસના દરવાજા પાસે તો ઢગલો ઓટો ઉભી જ હોય છે.” વરુણના ચહેરા પર સ્મિત હતું, આનંદનું કારણકે સુંદરી તેની ચિંતા કરી રહી હતી.
“ના ના, એમ તમારે હજી ધ્યાન રાખવાનું છે આમ આવી પરિસ્થિતિમાં કાળજી ન લ્યો એ ન ચાલે. હજી કાલે તો તમને વાગ્યું હતું. એક કામ કરો હું તમને રિક્ષા સુધી મૂકી જાઉં છું.” સુંદરીએ વરુણને રીતસર હુકમ કરતાં કહ્યું.
“પણ તમને તકલીફ પડશે...” વરુણ જરા ઓસંખાયો.
“અચ્છા, ગઈકાલે આ પહાડ જેવા શરીરનો આખેઆખો ભાર મારા પર રાખીને ગ્રાઉન્ડથી કેબ સુધી અને કેબથી તમારા ઘરના દરવાજા સુધી ચાલ્યા હતા ત્યારે મને કેટલી તકલીફ પડી હશે કે નહીં એનું તમને નહોતું ધ્યાન આવ્યું?” આટલું કહીને સુંદરી ખડખડાટ હસી પડી.
વરુણ પણ હસી પડ્યો પણ તે સુંદરીના હાસ્યને સતત જોઈ રહ્યો.
“સમજી ગયો. ચાલો મૂકી જાવ મને, મેઈન રોડ સુધી.” વરુણ હસ્યો.
સુંદરી પણ હસતાં હસતાં પોતાના વાહન પાસે ગઈ અને તેને પાર્કિંગમાંથી બહાર કાઢીને પહેલા તેની ડિકીમાંથી હેલ્મેટ અને હાથમાં પહેરવાના મોજાં કાઢ્યા. સુંદરી પોતાના દુધથી પણ સફેદ અને મરોડદાર હાથ પર પહેરી રહી હતી અને તે દ્રશ્ય જોઇને વરુણના કપાળ પર પરસેવો થઇ રહ્યો હતો.
“બેસી જાવ. વાંધો નથીને છોકરી પાછળ બેસવાનો? શરમ તો નહીં આવે ને?” સુંદરી વરુણની મશ્કરી કરી રહી હતી.
જવાબમાં વરુણે ફક્ત હસીને નકારમાં પોતાનું ડોકું ધુણાવ્યું.
વરુણ પોતાના ઘાયલ અંગુઠાને તકલીફ ન પડે એ રીતે ધીરેથી સુંદરીની પાછળ તેના વાહન પર બેઠો. સુંદરીએ ઓટોસ્ટાર્ટનું બટન દબાવીને વાહન ચાલુ કર્યું અને ચલાવી મુક્યું.
આ સમગ્ર ઘટનાને ક્યારનોય જોઈ રહેલો નિર્મલ પાંડે કૉલેજના દરવાજાની બહાર નીકળ્યો અને કેમ્પસમાંથી મેઈન રોડ તરફ જતા રસ્તા પર ચાલવા લાગ્યો.
==:: પ્રકરણ ૪૭ સમાપ્ત ::==