"એય દિવું, આયા આવતી રે હાલ."
ને સામે છેડે દીવું પણ ધીમે રહીને તેની મમ્મીની બાજુમાં બેસી ગઈ.
હું, S.T. બસ અને ઉપલેટા. અમારા ત્રણેય વચ્ચે ટ્રાયો રીલેશનશીપ રહી છે. કેમકે, ભાયવદરથી ઉપલેટા જાવું એટલે જાણે એક ઘરેથી બીજા ઘરે જાવું ! પાછું જવા-આવવાનું માત્ર S.T. બસમાં જ. ને જ્યારે જાવ ત્યારે મારી પાસે ત્રણ વસ્તુ હોય જ : એક બેગ, એક નોવેલ અને ત્રીજો મોબાઈલ, ભલે સાદો પણ ગીત વાગે એવો. બસ ! પછી તો શું? ભાયાવદર કે ઉપલેટા સુધી ગીત સાંભળતા સાંભળતા નોવેલ વાંચો ને મજ્જાની લાઇફ..!
આજ રીતે એકવાર ઉપલેટાની મુલાકાત. નિયમિત હું ઉપલેટા બસ સ્ટેન્ડથી ભાયાવદર જવા કંડકટરની પાછળની બેની સીટમાં બેસી ગયેલો. એઝ ઓલવેય્ઝ હું ગીત સાંભળવા ઇયરફોન કાનમાં લગાવી રહ્યો હતો ત્યાં સુધીમાં બસ નાગનાથ ચોક પર પહોંચી ચૂકી હતી. બપોર પછીના સાંજના સમયે રિટર્ન થતી બસમાં આજે મુસાફરો વધુ હતા. જોકે આ લીધે જ હું હંમેશા નાગનાથ ચોકને અવોઇડ કરીને બસ સ્ટેન્ડથી ચડવાનો વિકલ્પ પસંદ કરું છું. ત્યાં એક આંટી તેમની દીકરી સાથે બસમાં ચડ્યા. તેમને ક્યાંય જગ્યા મળી નહિ માટે તેમણે ઉભા રહેવું પડ્યું. તે બંને મારી સીટથી જસ્ટ આગળની સીટને અડીને ઉભા હતા. ને મારી નજર નોવેલમાંથી હટીને પેલી છોકરી પર સ્થિર થઈ..! જોકે યે તો હોના હી થા ! કારણ કે, એને જોઈ એટલે તરત જ લાગ્યું કે ક્યાંક જોયેલી છે આને. ક્યાં ? એ છેક સુધી યાદ ના આવ્યું. ને તેની બાજુ એટ્રેક્ટ થવાનું એક કારણ હતું તેની સાવ સિમ્પલ પર્સનાલિટી. પછી મારું ધ્યાન તેના જમણા હાથમાં કાંડા પહેલા અને કોણીથી નીચે રહેલા ટેટૂ પર ગઈ. શેનું હતું એ ટેટુ? હું મારી સીટ પરથી તેના હાથ પર રહેલું ટેટૂ જોવા મથી રહ્યો. ના ખબર પડી. તો પણ એટલી ખબર પડી ગઈ હતી કે તેમને ભાયાવદર જવાનું છે. ને ખુદ દિવુંને પણ એટલી ખબર પડી ગઈ હતી કે હું તેની સામે જોઈ રહ્યો છું ! ને આખરે મેં મારી બૂક સીટ નીચે પાડવાનું નાટક કરીને તેના હાથ પરનાં ટેટુને જોયું. બોવ જ સ્ટાઇલથી મ્યુઝિકલ આઈકન જોઇન્ટ હોય તેવો "D" કરેલો હતો.
અત્યાર સુધી, ના તો તેના મમ્મી કે ના તો એ પોતે. કોઈએ કંઈ વાતચીત કરેલી નહિ. હા, તે બંનેને જોઈએ એટલે તરત ખબર પડી જાય કે બેય મા-દીકરી છે. પણ મારે તો બસ તેનું નામ જાણવું હતું. હું વિચારી રહ્યો "D" થી શરૂ થતાં નામ..! દિયા, દીપ્તિ, દિશા ને ધેન... "દિવ્યા" જાણે મેં જ મને ખુદને કહી દીધું કે હા, તેનું નામ દિવ્યા જ હશે. તો પણ જ્યાં સુધી સામે છેડેથી કન્ફર્મ ન થાય ત્યાં સુધી "લગભગ"માં જ રમવાનું હતું.
આમ, કોઇ છોકરીના એક અમથા ટેટુ ને જોવા 'ભગીરથ પ્રયાસો' કરવા કે પછી તેના નામને જાણવા 'અતિગંભીર વિચાર' કરવા -તેનું મુખ્ય ને અનન્ય કારણ માત્ર ટીનએજમાં મદમાતું એ તન વત્તા મન સમજવું. જોકે, એક વાત છે કે મારો આવો નેચર રહ્યો નથી. પણ આ રીતે તેનું ટેટુ જોવા માટેની અદમ્ય ઈચ્છાનું કારણ એટલું જ કે હું સાઉથ ઇન્ડિયન મુવિઝનો ફેન છું ને ગઇકાલે જોયેલી મૂવીમાં ઉપર વર્ણવ્યું એ જ દ્રશ્ય જોયેલું ને આજે ફિલ પણ કરી લીધું. જોકે તેમાં નામ જાણવા ની બાબત નહોતી. એ બસ આપણી સ્ક્રિપ્ટ માં નવું હતું..!
-તો શું નામ જાણવા મળ્યું???
હા, સ્ટોરીની શરૂઆતમાં જે શબ્દો લખ્યા ; બસ ! એ જ શબ્દો મોજીરા ગામને વટવ્યા પછી તેના મમ્મીએ દિવુંને કહ્યાં ને મારો અંદાજ સાચો પડ્યો ! તેનું નામ દિવું એટલે કે દિવ્યા જ હતું.
આજે પણ લાઈફમાં આવેલી એ Krossing ગર્લ ભૂલી નથી શકાઈ.