Hiyan - 9 in Gujarati Love Stories by Alish Shadal books and stories PDF | હિયાન - ૯

Featured Books
Categories
Share

હિયાન - ૯

હિયા હજી પણ કોલ કરવાનો પ્રયત્ન કરતી રહે છે. પણ આયાન કોઈ ફોન ઊંચકતો નથી. થોડીવાર પછી સામેથી કોઈ ફોન ઉચકે છે.
"હેલ્લો!" સામે વાળી વ્યક્તિ જવાબ આપે છે. હિયા તરતજ સામે વાળી વ્યક્તિનો અવાજ ઓળખી જાય છે.
"અરે તમે? તમે ત્યાં શું કરો છો? તમે કેમ કોલ ઊચક્યો? આયાન ક્યાં છે? શું તમે આયાનને કહી દીધું બધું? એ હવે વાત કરવાની ના પાડે છે. હવે શું કરું? દીદી તમે કેમ કહી કીધું આયાનને?" હા સામે વાળી વ્યક્તિ માલવિકા હતી.
"અરે બસ કર રડે કેમ છે? હું એક કેસ ને લગતા કામ માટે સુરત આવી હતી. તો મને ત્યાં આયાન મળી ગયો. તો અમે ત્યાં અમે નજીકના કેફેમાં ગયા. ત્યાં મે તેને બધું કહી દીધું કે હું તારી બહેન છું. અને તું આ હકીકત આયાનને કહેતા ગભરાય છે. તો એને કહ્યું કે એમાં શું થઈ ગયું. તમે તમારી ડ્યુટી જ તો કરતા હતા. મને નાતો તમારી સામે કોઈ ફરિયાદ છે કે નાતો હિયા સામે."
"તો એણે એમ કેમ કહ્યું કે હવે તે મારી સાથે વાત નઈ કરશે?" તેના ડુસકા હજી પણ ચાલુ હોય છે.
"એ તો હવે તું એને જ પૂછી લે."
"હેલ્લો! સોરી હું જસ્ટ મજાક કરતો હતો." હિયા આયાનનો અવાજ ઓળખી જાય છે. તે તરતજ રડતા રડતા બોલવાનું ચાલુ કરી દે છે.
"તને કંઈ ભાન પડે છે? તું શું કરતો હતો? આવી કોઈ મજાક થતી હશે? હું કેટલી ગભરાય ગઈ હતી. તે વાત કરવાની ના પાડી તો જાણે મારું બધું જ લૂંટાય ગયું હોય એવું લાગતું હતું." હિયાનું રડવાનું હજી પણ ચાલુ જ હતું.
"બસ ચૂપ થઈ જા હવે. ફરીવાર સોરી. હવેથી બીજીવાર આવું નઈ કરું. પણ મને એક વાત નથી સમજાતી. હજી તો આપણે એક જ વાર મળ્યા છે. તો મારા વાત કરવાથી કે નઈ કરવાથી શું ફરક પડે તને?"
"ખૂબ મોટો ફરક પડે. કારણકે હું તને ચાહું છું ઇડિયટ. તારી તે નાના બાળક પ્રત્યેની જવાબદારી, સંભાળને ચાહું છું. તારી બેન પ્રત્યેની તારી લાગણી ને ચાહું છું. સ્ટેશન પર તારી જે દર્દભરી મુસ્કાન હતી તેને ચાહું છું. તું જ્યારે બેભાન હતો ત્યારે તારા હોઠ ઉપર મુસ્કાન હતું તેને ચાહું છું. તારા મુખ પરની નિર્દોષતાને ચાહું છું. હા હું તને ચાહું છું." હિયા રડતા રડતા તેની વાત જણાવી દે છે. પણ પછી તેને ખબર પડે છે કે તે શું બોલી ગઈ. થોડીવાર સુધી બંને બાજુથી કોઈ બોલતું નથી. જાણે એક બીજા વચ્ચે મૌનથી વાત કરતા હોય. હિયાને થાય છે કે મે ઉતાવળ કરી નાખી કહેવામાં. કદાચ આયાનને એવું કંઈ નઈ હોય. એટલે તે ફરી બોલે છે.
"આયાન જો આ ફક્ત મારી લાગણી છે. મે માત્ર તને જણાવી. જો તને આવી કોઈ લાગણી ન હોય તો પણ મને કોઈ વાંધો નથી. પણ આપણે ખાલી મિત્રતો રહી જ શકીશું ને? પ્લીઝ એ ના નઈ પાડતો." મિત્ર તરીકે પણ કાયમ મળતા રહેવાનુ થશે એ વિચારીને હિયા આજીજી કરતા બોલે છે. તેના હીબકા હજી ચાલતા હોય છે. આયાન હજી પણ કંઈ બોલતો નથી.
"આયાન કંઈ તો બોલ. પ્લીઝ મારી સાથે વાતતો કર. હું તને પ્રેમ જ કર એવું નથી કહેતી. પણ એક મિત્ર તરીકે વાતતો કર." હિયાના હીબકા વધી જાય છે.
"આઈ લવ યુ ટુ." આયાન અચાનક બોલે છે.
"શું બોલ્યો? ફરી બોલ?" હિયા ખુશ થતા પોતાના આંસુ લુછતા બોલે છે.
"હા હું પણ તને ચાહું છું."
"તો અત્યાર સુધી કેમ નઈ બોલ્યો?"
"અરે હું શું બોલવું તે વિચારતો હતો. તે તો આટલું લાંબુ કહીને તારી લાગણી વ્યક્ત કરી દીધી પણ હું કેવી રીતે કવ તે વિચારતો હતો. પણ મેડમને નો થોડીક પણ શાંતિ નઈ."
"તું હવે મારી સાથે વાત જ નઈ કરશે એમ વિચારીને થોડી ગભરાય ગઈ હતી. ક્યાં છે હમણાં?"
"આ કોર્ટમાં એક કામ માટે આવ્યો હતો તો તારા દીદી મળી ગયા. તો અત્યારે એમની સાથે જ નજીકના કેફેમાં છીએ."
"ઓહ! મતલબ દિદીએ આપણી બધી વાત સાંભળી લીધી."
"હા હિયુ. મે બધું સાંભળું છે. ફોન સ્પીકર પર જ હતો. કેમ પૂછે છે આવું? તારે મને જણાવવું ન હતું?" માલવિકા બોલે છે.
"ના દીદી તમને તો હું સૌથી પેલા જણાવ. તમે તો મારા બેસ્ટી છો. જે દરેક પ્રોબ્લેમ માં મારી મદદ કરે. આતો થોડી શરમ આવે એટલે."
"ઓહ મારી હિયુ ને શરમ પણ આવે. તે દિવસે સ્ટેશન પર મારા સ્ટાફની વચ્ચે મને ગમેતેમ બોલતી હતી ત્યારે શરમ નઈ આવેલી?"
"દીદી તમે હજી નથી ભૂલ્યા તે વાત? સોરી. પણ તે વખતે પરિસ્થિતિ જ એવી હતી કે હું વિચારવા લાયક ન હતી. મને કોઈ સજા આપી દો પણ મારાથી નારાજ ન થાઓ, પ્લીઝ." હિયા એક દમ લાગણીભર્યા અવાજમાં જાણે રડતી હોય તેવા સ્વરે બોલે છે.
પણ સામેથી આયાન અને માલવિકા નો એક સાથે હસવાનો અવાજ આવે છે.
"હિયુ, આ આયાન એ ટિસ્યુ પેપર પર લખીને મને આવું બોલવા કહ્યું હતું. મારા મનમાં એવું કઈ નથી. રડ નઈ. તું નઈ કહેતે તો અસલી ગુનેગાર ભાગી જતે અને આયાન ફસાય જતે. મારે તો તને આભાર કહેવો જોઈએ."
"કેટલા લુચ્ચા છો તમે બંને. બંને ભેગા થઈને મને રડાવે છે તે. જાવ હવે હું પણ તમારી સાથે વાત જ નથી કરવાની." ખોટો ગુસ્સો દર્શાવતા હિયા બોલે છે.
"હિયુ, સોરી. મે જ કહ્યું હતું. ભૂલ થઈ ગઈ." આયાન બોલે છે.
"હિયુ, મને ગમ્યું કે તું આયાન સાથે છો. તમને બંનેને સાથે જોઈને હું ખુશ છું. પણ હું તમારી બંને પાસેથી આશા રાખું છું કે તમે હમણાં માત્ર ભણવા પર અને તમારા કરિયર પર ધ્યાન આપશો." માલવિકા મોટી બહેનની જેમ જવાબદારી ભર્યા અવાજે કહે છે.
"હા દીદી અમે તમને ફરિયાદનો કોઈ મોકો નઈ આપીએ. થેંક્યું અમને સમજવા માટે."
"હિયુ, હું અહીંયાથી સીધી દિલ્હી પાછી જાવ છું. આ અપહરણના કેસની તપાસ પતી એટલે ત્યાં પાછું જોબ પર જોડાવું પડશે."
"પણ દીદી. એમ કેમ મળ્યા વિના જ જતા રેહવાના. આજે પણ ઘરેથી કહ્યા વિના જ નીકળી ગયા."
"સોરી હિયુ. હું પણ શું કરું. હું પણ ગુજરાત ફક્ત આ કેસ માટે જ આવી હતી. હવે લાંબી રજા લઈને આવીશ."
"બવ સારું. હવે આવે ત્યારે જ વાત કરજો મારી સાથે" હિયા મોઢું ફૂલાવતા વાત કરે છે.
"પ્લીઝ હિયુ સમજને મારી મજબૂરી. મને પણ નઈ ગમે તારા વિના. પણ શું કરું આ જોબ જ એવી છે તે. આમ પણ તારા સિવાય મારું બીજું છે પણ કોણ? તું જ વાત નઈ કરે તો મારી સાથે બીજુ કોણ વાત કરશે. પ્લીઝ." માલવિકા એક દમ લાગણીભર્યા અવાજે બોલે છે.
"બસ દીદી. તમે દર વખતે આવી જ રીતે મને મનાવી લો છો. પણ મને તમારા વિના નથી ગમતું. તમે આ નોકરી છોડી કેમ નથી દેતા."
"શું કરું હિયુ? આપણે ક્યાં સુધી મામાં પર આધાર રાખીશું? તારા ભણવા માટે પણ કેટલો ખર્ચો થાય. એ બિચારા તો કંઈ નઈ બોલે પણ એમને પણ કેટલી તકલીફ થાય. એટલે જ હું આ જોબ કરું છું. તારુ ભણવાનું નઈ પટે ત્યાં સુધી તો નઈ જ છોડાય મારાથી આ જોબ."
"ઓહ દીદી. તમે વર્લ્ડ બેસ્ટ દીદી છો. થેંકસ મારા માટે આટલું કરવા માટે. કંઈ નઈ તમે ચિંતા કર્યા વિના જાવ."
"હા હું જાવ છું. જલ્દી મળીશું. અને અહીંયા હું આવી છું તો મે તારી રહેવાની વ્યવસ્થા પણ એક હોસ્ટેલમાં કરી દીધી છે. આયાનને બધું જણાવી દીધું છે. તમે બંને એક જ કોલેજમાં છો એટલે વાંધો નઇ આવે. બાય."
"ઓહ તમે મારું મોટું ટેન્શન સોલ્વ કરી આપ્યું. લવ યુ દી. બાય."
"બાય દીકુ. લવ યુ."
આમ વાત કરીને તેઓ ફોન મુકે છે. હિયા તો આજે થયેલી વાતો યાદ કરીને હસતી રહે છે. હવે આયાનનો સામનો કેવી રીતે કરશે તેની મીઠી મુઝવણ અનુભવે છે. તો આ બાજુ માલવિકા ફોન મુકે છે ત્યારે જુએ છે કે આયાનના મોઢા પર સ્માઈલ હોય છે. માલવિકા તેનું કારણ પૂછે છે.
"હસવાનું કારણ જાણી શકું હું?"
"એ તો તમારી બે બહેનોની પ્રેમ ભરી વાતો સાંભળીને આનંદ અનુભવું છું."
"ઓહ તો એવું છે. અમારું તો આવું જ છે. હિયા દરવખતે મારી સાથે નાની બાળકી હોય તે રીતે જ વર્તન કરે છે. એ મને ખૂબ જ ગમે છે. હું દસ વર્ષની અને એ ચાર વર્ષની હતી ત્યારે મારા મમ્મીપપ્પા એક એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી ભલે અમે મામાને ત્યાં રહ્યા. પણ મે હિયુને એક માં ની જેમ સાચવી છે. અમારા મામા અમને ખૂબ પ્રેમ કરે છે. પણ મામીને અમે પસંદ નથી. એટલે જ હવે એ અહીંયા ભણવા આવે છે."
"દીદી, સલ્યુટ છે તમારા પ્રેમને. એની સામે તો મારો પ્રેમતો કંઈ જ નથી. હું વચન આપું છું કે હું તમારા અને હિયા વચ્ચે કોઈ દિવસ નઈ આવ. અને અહીંયા પણ તમારી ગેરહાજરીમાં એનું ખુબજ ધ્યાન રાખીશ."
"ઓહ. સો સ્વીટ. હું ખુબજ ખુશ છું કે મારી હિયાને આટલો સમજુ છોકરો મળ્યો. ચાલ બાય. હવે મારે નીકળવું પડશે. ફરી મળીશું. અને મારો નંબર લઇ લે. કંઈ પણ કામ હોય તો મને જણાવજે."
"સારું. બાય દીદી. જલ્દી મળીશું. હવે આવો તો ઘરે અવાય એવી રીતે આવજો."
આમ તેઓ વાત કરતા કરતા છૂટા પડે છે. આયાન ત્યાંથી પોતાના ઘર તરફ જાય છે. જે તેઓ ઘરમાં જાય તેવી જ આરવી તેને જે વાત કહે છે તે સાંભળી સ્તબ્ધ થઈ જાય છે.
"ભાઈલું આવી ગયો. તારી જ રાહ જોતી હતી. તારા માટે એક ખુશીના સમાચાર છે. પપ્પાએ તારા માટે એક છોકરી પસંદ કરી છે. તેમને તે છોકરી ખુબજ ગમી એટલે અત્યારથી જ તારુ નક્કી કરી નાખ્યું છે. જ્યારે ભણવાનું પૂરું થશે ત્યારે તારા મેરેજ કરાવશે."

(ક્રમશ:)

(હવે આયાન અને હિયાના પ્રેમનું શું થશે? શું તેમના પ્રેમની શરૂઆત થતા જ અંત પામશે? જાણવા માટે રાહ જુઓ આગળના ભાગની.)

આપના પ્રતિભાવ જરૂર આપજો.

આભાર.