Revenge 3rd issue: - 9 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ તૃતીય અંક: - 9

Featured Books
Categories
Share

પ્રતિશોધ તૃતીય અંક: - 9

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-9

બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન

માધવપુરના રાજવી વિક્રમસિંહનું મેસોપોટેમિયન વિષ વડે થયેલું મૃત્યુ એમના નજીકના સ્નેહીજનો માટે ભારે તકલીફાદાયક હતું. આમ છતાં આ હત્યાના મૂળ સુધી પહોંચીને એના માટે જવાબદાર લોકોને મૃત્યુદંડ આપવાની ટેક મહારાણી અંબિકા, રાજગુરુ ભાનુનાથ અને પ્રધાન વિરસેન લઈ ચૂક્યા હતાં.

મહારાણીની માં રેવતીની સંડોવણી આ હત્યામાં છે એ બાબતે ચોક્કસ વિરસેન રેવતીની શોધમાં હોય છે ત્યારે રેવતીની શોધ માટે વિરસેને મોકલેલો એક સૈનિક એ બધાને માધવપુરમાં આવેલા જૂના કુવા પાસે લઈ જાય છે.

વિરસેન, ભાનુનાથ, સોમનાથ અને અંબિકા જ્યારે કુવા નજીક આવ્યા ત્યારે સૈનિક દ્વારા એમને કુવાની અંદર જોવાનું કહેવામાં  આવ્યું. આતુરતા અને ઉચાટ સાથે જ્યારે એ બધાએ કુવાની અંદર દ્રષ્ટિ નાંખી તો અંદરનું દ્રશ્ય જોઈને એમના રૂંવાડા ઊભા થઈ ગયા.

ખાલી કુવામાં રેવતીનો મૃતદેહ પાણી ખેંચવા માટેની રસ્સીથી બંધાયેલો હતો. રેવતીની આંખોનાં ડોળા બહાર આવી ગયા હતા અને એની છાતીના ભાગમાં એક ખંજર પણ ઊતારી દેવામાં આવ્યું હતું. જેમાંથી હજુપણ રક્ત નીકળી રહ્યું હતું.

વિક્રમસિંહની હત્યા માટે જવાબદાર રેવતીની આ હાલત જોઈને શું પ્રત્યાઘાત આપવો એ જ કોઈને નહોતું સમજાઈ રહ્યું. અંબિકા નિર્લેપ ભાવે ત્યાંથી બે ડગલા હટીને દૂર આવી ગઈ, જેથી પોતાના પતિની હત્યા કરનારનો ચહેરો જોવાની નોબત જ ના આવે.

આ દ્રશ્ય નિહાળતા જ રેવતીની કોઈએ હત્યા કરી છે એ વાત વિરસેનની સાથે ભાનુનાથને સમજાઈ ચૂકી હતી. જો આવું હોય તો રેવતીની સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ આ હત્યામાં સામેલ હોવાનો પૂરો વિશ્વાસ એમને બેસી ગયો.

"હું મહેલમાં જાઉં છું.., મહારાજની અંતિમક્રિયાની તૈયારીઓ માટે." આટલું કહી અંબિકા મહેલ તરફ ચાલી નીકળી.

 

અંબિકાના ત્યાંથી જતા જ વિરસેને પોતાના સૈનિકોને હુકમ આપતા કહ્યું.

"મૃતદેહને તુરંત બહાર કઢાવો..!"

 

સૈનિકોએ સાચવીને રેવતીનો મૃતદેહ નીકાળી કુવા નજીકની જમીન ઉપર રાખી દીધો. મૃતદેહની સ્થિતિને જોતા જ ભાનુનાથે કહ્યું.

 

"સેનાપતિજી, આ બાઈ પર પહેલા ખંજર ઘોંપીને એની હત્યા કરાઈ છે અને પછી એના મૃત શરીરને રાશ સાથે બાંધીને આ અવાવરું કુવામાં લટકાવી દેવામાં આવ્યું છે."

 

"તો પછી ગુરુવર આપણે સત્વરે એ વ્યક્તિની શોધ આદરવી જોઈએ જેને આ કર્યું હોય, કેમકે મારા મતે મહારાજની હત્યાની મુખ્ય સૂત્રધાર એ જ વ્યક્તિ છે જેને આનો જીવ લીધો છે." વિરસેન ઉત્કંઠાભર્યા સ્વરે બોલ્યો.

 

વિરસેન જ્યારે આ કહી રહ્યો હતો ત્યારે ભાનુનાથ રેવતીના શરીરમાં ઊતરી ગયેલ ખંજરને બહાર નીકાળી એનું બારીકાઈથી અવલોકન કરવા લાગ્યા. આ એક ચાંદીનું સર્પાકાર ખંજર હતું, જેના હાથા પર લખેલું હતું.

با نام مستعار''"

"સેનાપતિજી આ સર્પાકાર ખંજર ધ્યાનથી જોવો, એના નીચે આ હાથા પર બનેલા હસ્તાક્ષર પણ જોવો." લોહી નીતરતા ખંજરનું અવલોકન કર્યા બાદ એ ખંજર વિરસેનને બતાવતા ભાનુનાથે કહ્યું.

"આ તો પર્શિયન બનાવટનું ખંજર છે..અને નીચે જે હસ્તાક્ષર છે એ શક્યવત ઉર્દુ છે." વિરસેનની આંખોમાં દુનિયાભરનું આશ્ચર્ય ડોકાતું હતું.

 

"એ હસ્તાક્ષર ઉર્દુ નહિ, પણ પર્શિયન જ છે." ભાનુનાથે કહ્યું. "અને એનો ઉચ્ચાર થાય આકા વઝુમ.!"

 

આકા વઝુમનો ઉલ્લેખ જાણે વીજળી બનીને ત્રાટક્યો હોય એવું આ વાત સાંભળી રહેલા વિરસેન અને ભાનુનાથના પુત્ર સોમનાથની ચહેરાની તંગ રેખાઓ પરથી પ્રતીત થતું હતું.

 

"પણ ગુરુવર, આકા વઝુમ  નામનાં પર્શિયન મહાતંત્રીકનું તો દસ વર્ષ પહેલા ત્યાંના સુલતાન નાદિર શાહના હાથે જાહેરમાં શિરવિચ્છેદન કરવામાં આવ્યું હતું." વિરસેને પોતાના મગજ પર જોર આપતા કહ્યું. "સુલતાનના પિતાજીની કાળી શક્તિઓ વડે હત્યા કરાવવાનો એની પર અપરાધ સાબિત થયો હતો."

 

"હા પિતાજી, મેં પણ આ વિષયમાં સાંભળ્યું છે." ઘણા સમયથી મૌન ધારણ કરીને ઊભેલો સોમનાથ બોલ્યો. "પિતાજીની હત્યાનો પ્રતિશોધ વાળવા નાદિર શાહે આકા વઝુમની સાથે એના તમામ અનુયાયીઓનો ખાત્મો કરી દીધો. નાદિર શાહે આકા વઝુમના પરિવારનો ખાત્મો કરી દીધો હતો પણ નાદિર શાહના પ્રતિશોધની આગમાં આકા વઝુમની એક દીકરી બચી ગઈ હોવાનું બધાનું કહેવું હતું."

 

"હા, હવે તમે મુદ્દાની વાત પર આવ્યા..!" ભાનુનાથ  બોલ્યા. "અહીં પગ મૂકતા જ મારી છઠ્ઠી ઈન્દ્રિયએ મને અહીં કાળી શક્તિઓનો પડછાયો હોવાનો ઈશારો કરી દીધો હતો. હવે વિક્રમસિંહની મેસોપોટેમિયન વિષથી હત્યા કરવામાં જેની પર અપરાધ હતો એવી રેવતીની પર્શિયન ખંજરથી હત્યા થવી એ તરફ સ્પષ્ટ સંકેત કરે છે કે આકા વઝુમની પર્શિયાથી ભાગેલી દીકરી અહીં માધવપુરમાં છે."

 

"જો એવું છે તો એને તાબડતોબ શોધીને એનો અંત કરવો પડશે, નહિ તો ખબર નહિ એ અહીં બીજો શું બખેડો ઊભો કરશે." ચિંતા વ્યક્ત કરતા સોમનાથ બોલ્યો.

 

આકા વઝુમની દીકરી એટલે કે કુબાને પકડવાની મુહિમ શરૂ કરવાની તૈયારી વિરસેન બતાવવા જતો હતો ત્યાં જ માધવપુરનો દરવાન વ્યગ્ર બની ત્યાં આવ્યો. એના ચહેરા પર જામેલી પરસેવાની બુંદો સ્પષ્ટ કરી રહી હતી કે એ દોડીને ત્યાં આવ્યો હતો.

 

"સેનાપતિજી, માધવપુર પર આક્રમણ થયું છે."

 

વિક્રમસિંહની હત્યા અને આકા વઝુમની દીકરીની માધવપુરમાં હાજરી, આ બે વાતોની કળ હજુ વળી નહોતી ત્યાં માધવપુર પર અચાનક થયેલા આક્રમણે ભાનુનાથ અને વિરસેનને ચોંકાવી દીધા.

આ કટોકટીનો સમય હતો, જ્યાં મનને શાંત રાખી યોગ્ય નિર્ણય લેવો જરૂરી હતી. વિક્રમસિંહની ગેરહાજરીમાં માધવપુરનું રક્ષણ કરવાની જવાબદારી કઈ રીતે નિભાવવી એ અંગે શાંત ચિત્તે મનોમંથન કરવાનો આ સમય હતો.

"સેનાપતિ, તમે તાત્કાલિક કિલ્લાની ફરતે સૈનિકો ગોઠવી માધવપુરના રક્ષણની કમાન સંભાળો. હું અને સોમનાથ કાળી શક્તિઓથી માધવપુરનો બચાવ કરી લઈશું પણ એ પહેલા હું મહેલમાં જઈને મહારાજના અંતિમક્રિયાની વિધિ પૂર્ણ કરી આવું. એમના પાર્થિવ શરીરનો સત્વરે અંતિમ સંસ્કાર કરવામાં જ ભલાઈ છે...લીધેલી ટેકનું પાલન કરવામાં હાલપૂરતો સમય બગાડવો હિતાવહ નથી."

 

ભાનુનાથની વાત યથાયોગ્ય હતી, એ સમજતા વિરસેને તત્ક્ષણ પોતાના સૈનિકોને કિલ્લાના ફરતે ગોઠવાઈ જવાનો આદેશ આપી દીધો અને પોતે તલવાર લઈને કિલ્લાના મુખ્ય દરવાજા તરફ ચાલી નીકળ્યો.

 

ભાનુનાથ અને સોમનાથ સમય વ્યય કર્યા વિના જ મહેલ તરફ અગ્રેસર થયાં.. ત્યાં પહોંચીને એમને માધવપુર પર આવેલા નવા સંકટ વિશે જણાવી અંબિકા અને ગૌરીદેવીને વિક્રમસિંહના અંતિમ સંસ્કાર માટે સમજાવ્યા. પ્રજા દર્શન માટે મહારાજના પાર્થિવ દેહની નગરયાત્રા કરાવવાનો વિચાર મનમાં હોવા છતાં સ્થતિની ગંભીરતાને પારખી ગૌરીદેવી અને અંબિકાએ વિક્રમસિંહનો તાબડતોડ અંતિમ સંસ્કાર કરાવવાની તૈયારી દાખવી.

 

ના છૂટકે પદ્માને પણ મહારાજ વિક્રમસિંહની મૃત્યુ અંગે જાણકારી આપવી પડી. આ ખબર કાને પડતા જ પદ્મા બેશુધ થઈને ફસડાઈ પડી. ગર્ભવતી પદ્માને આ સાથે જ પ્રસવ પીડા ઊપડી એટલે વૈદ્યરાજ અને એમની સહાયક નંદિતા પદ્માની સારવારમાં જોતરાઈ ગયા.

 

એક તરફ જ્યાં વિક્રમસિંહના અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ ચૂકી હતી તો બીજી તરફ માધવપુરના કિલ્લાને દુશ્મન આક્રમણકારોએ ચારે તરફથી ઘેરી લીધો હતો. આ સમયે આક્રમણ કરનાર બીજું કોઈ નહિ પણ અર્જુનસિંહ હતો..વિક્રમસિંહના મૃત્યુના સમાચારની રાહ જોઇને બેસેલો અર્જુનસિંહ કુબાના મોકલાવેલા સંદેશાને અનુસરતો પોતાના સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યો હતો.

રાજાવિહોણા સૈન્યને હરાવવામાં સરળતા રહેશે એમ વિચારી  માધવપુર પહોંચેલો અર્જુનસિંહ એ ભૂલી ગયો હતો કે માધવપુરની રક્ષા કરવા હેતુ વિરસેન માથે કફન બાંધીને સામી છાતીએ એનો સામનો કરવા ઊભો હતો

વિક્રમસિંહના પિતરાઈ એવા અર્જુનસિંહનું આ વિકટ સમયમાં માધવપુર પર આક્રમણ કરવા આવી પહોંચવું એનો અર્થ ના સમજે એવા મૂર્ખ ભાનુનાથ નહોતા. રેવતી અર્જુનસિંહનું મોહરું હતી અને કુબાએ અર્જુનસિંહની સાથે મળીને વિક્રમસિંહની હત્યા અને ત્યારબાદ માધવપુર કબજે કરવાનું કાવતરું ઘડ્યું હતું એ હકીકતથી ભાનુનાથ વાકેફ થઈ ચૂક્યા હતાં.

વિક્રમસિંહના અંતિમસંસ્કારની વિધિ જોરાવરના હાથે કરાવવામાં આવી. જેવી જ વિક્રમસિંહની અંતિમક્રિયા પૂર્ણ થઈ એ સાથે જ ભાનુનાથે આદેશાત્મક સૂરમાં પોતાના પુત્ર સોમનાથને અંબિકા અને જોરાવરને લઈને માધવપુરમાંથી નીકળી જવા કહ્યું. એમની આ વાતને ગૌરીદેવીએ પણ ટેકો આપ્યો એટલે નાછૂટકે અંબિકા પોતાના દીકરા જોરાવરને લઈને સોમનાથ સાથે છૂપા રસ્તે ભાગી નીકળી.

ક્યારેક એક જ રાતમાં કોઈનું બધું છીનવાઈ જતું હોય છે, આનું જીવંત ઉદાહરણ હતી અંબિકા.!

અંબિકા અને જોરાવરને લઈને સોમનાથ હજુ માધવપુરની હદમાંથી બહાર નીકળ્યો જ હતો ત્યાં ખબર આવ્યા કે અર્જુનસિંહનું સૈન્ય માધવપુરના સૈન્ય પર ભારે પડવા લાગ્યું હતું. આ બધા વચ્ચે પદ્માની પ્રસવ પીડા વિતતા સમય સાથે અસહ્ય બની રહી હતી.

ભાનુનાથ દ્વારા કાળી શક્તિઓનો પડછાયો કઈ રીતે માધવપુરની સાથે રાજ પરિવાર પર પડ્યો એનું આંખો બંધ કરી ચિંતન કરવામાં આવ્યું તો એમની આંખો સમક્ષ કુબાનું ચિત્ર તરવરી ઊઠ્યું. કોઈ ભયંકર તાંત્રિક વિધિ કરતી હોય એ રીતે કુબા કોઈ અજાણી જગ્યાએ પાંચ લોકોના કપાયેલા માથાને અગ્નિકુંડ નજીક રાખી નિર્વસ્ત્ર બની મંત્રોચ્ચાર કરી રહી હતી. અમુક માનવ હાથની માળા બનાવીને એને પોતાની કમરે બાંધી હતી.

કુબા આ વિધિ પૂરી કરે એ પહેલા જ એનો ખાત્મો કરવાની આવશ્યકતા હોવાથી ભાનુનાથે પોતાના અંતરમનની શક્તિઓને કામે લગાડી માધવપુરમાં  કુબા અત્યારે ક્યાં છુપાઈને બેઠી છે એ પ્રશ્નનો ઉત્તર શોધવાની કોશિશ કરી.

 

આખરે ભાનુનાથે જાણી લીધું કે કુબા ધર્મશાળાના એક કક્ષમાં રહીને આ વિધિ કરી રહી હતી. આખરે આકા વઝુમની દીકરી ધર્મશાળામાં હતી એ જાણી લીધા બાદ એનો ખેલ ખતમ કરવા ભાનુનાથ ઉતાવળા ડગલે ધર્મશાળા તરફ અગ્રેસર થયાં.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)