Rajkaran ni Rani - 25 in Gujarati Moral Stories by Mital Thakkar books and stories PDF | રાજકારણની રાણી - ૨૫

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

રાજકારણની રાણી - ૨૫

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૫

જતિનના ફોન પછી જનાર્દન અપસેટ થઇ ગયો હતો. પોતાની ચિંતા કોઇ કળી ના જાય એ માટે તેણે ઘણો પ્રયત્ન કરવો પડ્યો. તેની સ્થિતિ સમજી ગયેલી હિમાનીએ ઇશારાથી એને 'શું થયું?" એમ પૂછ્યું ત્યારે તેણે આંખો ઢાળી 'પછી વાત' નો ઇશારો કર્યો. જનાર્દનને થયું કે જતિનની આ વાત સુજાતાબેનને કરવી કે નહીં? જતિન રાજકારણમાં પાછો ફરવા માગે છે. મતલબ કે તે સુજાતાબેન સામે પડવાનો છે. તે બદલો લેવા ગમે તે કરી શકે છે. જતિન બદનામ થવાને કારણે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું માની આગળ વધતા સુજાતાબેન માટે અંતરાય ઊભો કરી શકે છે. જતિનની વાત પરથી લાગે છે કે તે રાજકારણમાં પાછો આવી રહ્યો છે. રાજકારણમાં મોટા ગુનાના આરોપીઓ ઊભા રહીને ચૂંટાઇ આવતા હોય ત્યારે જતિન જેવા માટે તક તો રહે જ છે. જનાર્દન મનમાં સતત જતિનના વિચારો કરી રહ્યો હતો ત્યારે સુજાતાબેન મોબાઇલમાં કંઇ કામ કરી રહ્યા હતા. જતિનની ફોન પરની વાત ક્યારની પતી ગઇ હતી. તેમણે માથું ઊંચું કરી જનાર્દન તરફ જોઇ હસીને કહ્યું:"જનાર્દન, તું કોઇ મોટી ચિંતામાં ડૂબી ગયો લાગે છે. ફોન પર વાત થઇ એના કરતાં વધારે સમયથી તું કંઇક વિચારી રહ્યો છે..."

"હં...એ વાત પછી કરીએ. પહેલાં તમારી વાત સાંભળવાની ઉત્સુક્તા છે. તમે આપણા વિરોધીઓના જ નામ આપી દીધા છતાં તમને ટિકિટ મળી ગઇ એ ચમત્કાર જ કહેવાય!" કહી જનાર્દને હસવાનો પ્રયત્ન કર્યો.

સુજાતાબેન કહે:"કહ્યું છે ને કે સાચને આંચ આવતી નથી. મેં જાણી જોઇને જ એ બંનેના નામ આપ્યા હતા. મને ખબર હતી કે એ બંનેને રાષ્ટ્રીય પ્રમુખનો ફોન આવશે તો એ પોતાના નામની જ ભલામણ કરશે. અને ત્યારે શંકરલાલજી સમજી જશે કે આ બંને પોતાના સ્વાર્થ માટે જ વાત કરી રહ્યા છે. અને મારા વિશે પૂછશે ત્યારે એમને એ વાતની માહિતી મળી જશે કે મેં પતિ વિરુધ્ધ કેવું પગલું ભર્યું હતું. બંને જણા મારા નેગેટિવ પોઇન્ટ તરીકે જતિનના કૃત્યનો વિરોધ કર્યાની વાત કરશે અને એ મુદ્દો શંકરલાલજી માટે પોઝિટિવ મુદ્દો હોવાથી મારી વાતની ખરાઇ આપોઆપ થઇ જશે. શંકરલાલજી સત્યને જ સાથ આપનારા છે. તે અન્યાય અને ભ્રષ્ટાચારની એકદમ વિરુધ્ધ છે...."

"બેન, તમે તો ગજબની બુધ્ધિ ચલાવી." હિમાની બોલ્યા વગર રહી ના શકી.

સુજાતાબેન કહે:"મારી ગણતરી સાચી પડી. એમણે એ બંનેને એમના વિશે જ પૂછ્યું અને તેમણે સ્વાભાવિક જ પોતપોતાના બહુ વખાણ કર્યા. પછી શંકરલાલજીએ એ બંનેને અલ્ગ-અલગ એમ કહ્યું કે સુજાતાએ તમારા નામની ભલામણ કરી છે. ત્યારે તેમણે મારા વિશે સારું ના કહ્યું. એમણે હું રાજકારણમાં બિનઅનુભવી અને તેવર બતાવતી સ્ત્રી તરીકે હોવાનો અભિપ્રાય આપ્યો. મારા સાચા પગલાને તેમણે ખોટું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં પક્ષને ચૂંટણી લડવા માટે પોતાની સધ્ધરતાને કારણે આર્થિક રીતે કોઇ મુશ્કેલી નહીં પડે એવી વાત કરી. એમણે પોતાની જ બુરાઇઓ એવી રીતે કરી જાણે પોતાની લાયકાતો બતાવી રહ્યા હોય. એમને ખબર નથી કે શંકરલાલજી કઇ માટીના બનેલા માણસ છે. લોભ-લાલચ તેમને સ્પર્શી શકતા નથી અને ખોટા રસ્તા તેમને પસંદ નથી. રવિના અને રતિલાલનું ચરિત્ર તેમને થોડી જ મિનિટોની એમની વાત અને ઇરાદામાં દેખાઇ ગયું. તેમણે પછીથી મને ફોન કરીને આ બધી વાત કરીને એમ કહ્યું કે જે કારણોને લીધે મેં બીજાને ટિકિટ આપી નથી એનો અંશ પણ તારામાં ક્યારેય આવવો ના જોઇએ એ શરતે હું તને ટિકિટ આપવા માગું છું. મેં એમને વિશ્વાસ અપાવ્યો કે હું ન્યાય અને સચ્ચાઇના રસ્તે ચાલીને આગળ વધીશ. મારી ખાતરીના આધારે શંકરલાલજીએ મને ટિકિટ આપવાનું નક્કી કર્યું. તેમણે આ રીતે બીજા તાલુકાના પક્ષના અગ્રણીઓને પૂછીને ત્યાંની ટિકિટ પણ નક્કી કરી. જેથી એમ ના થાય કે એકમાત્ર મારા કારણે ટિકિટ વહેંચવામાં ઉતાવળ કરવામાં આવી છે...."

"બેન, શંકરલાલજી સાથે તમે વાત ના કરી હોત તો તમે લાયક ઉમેદવાર હોવા છતાં ટિકિટ મળી શકી ના હોત. પાટનગરમાં તો રવિના અને રતિલાલે એડીચોટીનું જોર લગાવ્યું છે. એક-બે જણ તો એમની પાસેથી ટિકિટ અપાવવાના બહાને મોટી રકમ લઇ ચૂક્યા છે. એક ખાનગી વાત તમને કહી દઉં...? એ બંનેએ મને પણ ઓફર આપી હતી. બંનેએ કરોડો રૂપિયાની ઓફર મને આપી હતી. મેં એમની વાતોનું રેકોર્ડિંગ પણ કરી લીધું છે. હું એમના ખોટા કામમાં સાથ આપવા ઇચ્છુક ન હતો એટલે હજુ સુધી હા પાડી ન હતી...." જનાર્દન રહસ્ય ખોલતો હોય એમ બોલ્યો. તેણે રવિના અને રતિલાલ સાથેની મુલાકાતો અક્ષરશ: કહી દીધી.

જનાર્દનની વાત સાંભળી સુજાતાબેન તેને અહોભાવથી જોઇ રહ્યા. પછી ખુશ થતાં બોલ્યા:"જનાર્દન, તારા અને હિમાની માટે મને ગર્વ છે. તેં કરોડો રૂપિયાની ઓફરો વિશે વિચારવાને બદલે મારા એક જ કોલથી દોડી આવી સાથ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો એ અહેસાન હું જિંદગીભર ભૂલી શકીશ નહીં. મિત્ર હોવા છતાં તેં જતિનનું સત્ય બહાર લાવવામાં પણ મારી મદદ કરી હતી. એ પરથી જ મને ખ્યાલ આવી ગયો હતો કે તારા વિચારો સારા છે. તું કોઇના લોભ-લાલચમાં આવી જાય એવો નથી..."

"પણ બેન, જતિનથી હજુ આપણો પીછો છૂટી ગયો નથી. આપણે એવું માનતા હતા કે બદનામ થયા પછી જતિન ભાગી ગયો છે. પણ તે વધારે જોરથી આવી રહ્યો છે. હમણાં થોડીવાર પહેલાં જ એનો ફોન હતો. તે મને મળવા માગે છે અને ફરી રાજકારણમાં આવવા માગે છે." જનાર્દન ચિંતા વ્યક્ત કરતાં બોલ્યો.

ઓહ તો હજુ એને પોતાના કૃત્યનો અફસોસ નથી...." બોલી સુજાતાબેન વિચારમાં પડી ગયા. પછી બોલ્યા:"મારે હવે એની સાથેના છૂટાછેડાનો કેસ જલદી ચલાવવો પડશે. એનું ચરિત્ર લોકો સમક્ષ લાવવું પડશે...."

"મને તો લાગે છે કે એ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઊભો રહી શકે છે. આપણા મત તોડી શકે છે. રવિના અને રતિલાલ તો પક્ષના જ માણસો છે એટલે બીજા કોઇ પક્ષ તરફથી ઊભા રહી શકવાના નથી. પણ અંદરખાને આપણા વોટ તોડવાના પ્રયત્ન કરશે. આપણે અનેક લોકોનો સામનો કરવાનો છે. બહારના અને અંદરના બંને વિરોધીઓ સામે લડવાનું છે. રાજકારણમાં આપણાને સાથ આપે એવા અગ્રણીઓ કોઇ નથી..."

"જનાર્દન, તું ચિંતા ના કરીશ. સત્યનો હંમેશા વિજય થાય છે. એ લોકો આપણી બુરાઇ કરે તો કરવા દે. આપણે એમની બુરાઇથી વધારે સંખ્યામાં સારા કામ કરીશું. લોકો વાતો સાંભળીને મત આપશે એના કરતાં કામ જોઇને વધારે આપશે એવો મને વિશ્વાસ છે..." સુજાતાબેન જનાર્દનનો જુસ્સો વધારવા બોલ્યા.

"હા જનાર્દન, બહેન સાચું કહે છે. આપણે ખૂબ મહેનત કરીશું. શંકરલાલજીનો સાથ છે એટલે આપણે જરૂર જીતી જઇશું..." હિમાનીએ પણ જનાર્દનનો ઉત્સાહ વધારવા કહ્યું.

"હું પણ માનું છું કે આપણે જીતી જઇશું. ટિકિટ મેળવીને અડધી બાજી તો જીતી ગયા છે. હવે લોકોના મન જીતીશું. આપણે એ માટેનું આયોજન શરૂ કરી દઇએ. આપણે ખોટું બોલીને ચૂંટણી જીતવાને બદલે સાચા કામો કરીને અને ખોટા લોકોનો પર્દાફાશ કરીને જીતીશું." બંનેની વાતોથી ઉત્સાહમાં આવેલા જનાર્દને જોશમાં આવીને કહ્યું.

સુજાતાબેન સાથે થોડીવાર ચર્ચા કરીને જનાર્દન અને હિમાની ઘર જવા નીકળ્યા. રસ્તામાં હિમાની કહે:"સુજાતાબેનની હિંમતને દાદ આપવી પડે. કોઇની ઓળખાણ કે લાગવગ વગર એ ટિકિટ લઇ આવ્યા છે."

"હા, હિમાની, આ બહુ મોટી વાત છે. મારા આટલા વર્ષોના રાજકારણમાં મેં આવો કિસ્સો જોયો નથી. પાટનગરમાં તો રાજકારણીઓ માથું ખંજવાળતા બેઠા હશે. રતિલાલ અને રવિના ટિકિટ ના મળતાં શોક મનાવતા હશે!" કહી જનાર્દન હસ્યો.

બીજા દિવસે જનાર્દન સુજાતાબેન માટેના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો હતો ત્યારે જતિનનો ફોન આવ્યો:"જનાર્દન, મારા ફ્લેટ પર આવી જા...એક અગત્યની વાત કરવી છે."

"અત્યારે?" જનાર્દને નવાઇથી પૂછ્યું.

"કેમ? તને કંઇ તકલીફ છે?" જતિને નારાજ થઇ પૂછ્યું.

"હું હવે સુજાતાબેન સાથે જોડાયો છું. તને મળી શકું એમ નથી..." જનાર્દને હિંમતથી કહી દીધું.

"એમ વાત છે ત્યારે...તો પછી પોલીસ કેસમાં તારું નામ પણ મારે લખાવવું પડશે."

"મારું નામ? પોલીસ કેસમાં?" જનાર્દને નવાઇથી પૂછ્યું.

"હા, મેં પોલીસમાં સુજાતા સામે આજે ફરિયાદ નોંધાવી છે. સુજાતાએ મને ટીના સાથે હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો કેસ નોંધાવ્યો છે. એમાં તું પણ સામેલ હોવોજોઇએ..." જતિનના સ્વરમાં હવે કડકાઇ હતી.

જતિનની વાત સાંભળી જનાર્દનના દિલમાં ગભરાટ થયો.

વધુ છવ્વીસમા પ્રકરણમાં...