કવિતા એક ગ્લાસમાં પાણી કાઢી વર્ષાને પીવા માટે આપ છે. વર્ષા સ્માઈલ કરેી ગ્લાસ હાથમાં લે છે. પોતે પણ પાણી પી લે છે. વર્ષાની સામે બેસી , પોતાની વાતની શરૂઆત કરે છે.
"આપણાં વચ્ચે એક સમયે ખૂબ જ સારો સંબંધ હતો. તને મળીને મને પણ સારું લાગતું હતું. આપણે એકબીજા સાથે ઘણી સુખ-દુ:ખની વાતો કરી છે. મારાં માટે એવાં સંજોગો કે પરિસ્થિતિ આવી ગઈ કે આપણાં વચ્ચે વાતચીત કરવાનો જે સેતુ હતો એ તૂટી ગયો. એક નજીવી વાતને લીધે તને મનદુ:ખ થઈ ગયું ને આપણાં સંબંધમાં તિરાડ પડી ગઈ."
વર્ષા થોડી ચિંતાતુર નજરે કવિતાને જોવા લાગી. કવિતાએ એની સામે આંખ પટપટાવી આગળ વાત કરવા માંડી,
"ચિંતા નહિ કર. તારો વાંક નહોતો. આવે વખતે હું જ સંબંધ સાચવવામાં પાછી પડી. એક્સીડન્ટનું નામ સાંભળી જરા ડરી ગઈ હતી, કોઈ સાથે હતું નહિ એકલે હાથે જ બધું કરવાનું હતું એટલે સમય હતો એનાં કરતાં વધારે જ વ્યસ્ત થઈ ગઈ હતી. એ સમયે આકાશ સિવાય કશાની જ પ્રાથમિકતા મને જણાતી ન હતી. તારી પાસે જ મદદની ઉમ્મીદ હતી, પણ નાની અમસ્તી વાતમાં વાંકું પડ્યું. આપણી વચ્ચેનો સંપર્ક તૂટ્યો. એકલા હાથે ઘર, વર અને પોતાને પણ સંભાળતી હતી. એટલે તારી સાથે વાત કરવા માટે સમય ન ફાળવી શકી."
"પ..ણ...હું..તો..."
" ના, તારી એકલીનો આમાં જરાય વાંક નથી. હું પણ જરા અતડી જ રહી હતી. જીવનમાં પહેલી જ વાર આવી મુસીબત આવી પડી હતી એટલે કદાચ......."
"હવે આ બધી વાત કરવાનો શું મતલબ?"
"જણાવું છું." આરામથી બેસ.
કવિતાએ પોતાની વાત ફરી શરૂ કરી.
"આકાશનાં ઈલાજમાં ઘણાં પૈસા ખર્ચાઈ ગયાં હતાં. એનું કામ પણ બંધ થઈ ગયું હતું. એટલે બે પૈસાની આવક થાય એ હેતુથી પાર્લરનું કામ શરૂ કર્યું. ભગવાનની દયાથી જામી પણ ગયું. હું વ્યસ્ત જ થતી ગઈ. તને લાગ્યું કે હું પૈસા કમાતી થઈ એટલે મને ઘમંડ આવી ગયું. તને પોતાને મારાથી ચડિયાતા થવું હતું કારણ કે તારા વિચાર મુજબ તો જ હું તારી સાથે સામેથી બોલવા માટે આવત. ને આપણો અચાનક તૂટેલો સંબંધ પહેલાં જેવો જ થઈ જાય. ને એ માટે તેં વનિતા સાથે સંબંધ વધાર્યો."
"તું વિચારે છે એવું કશું જ મારાં મનમાં નહોતું."
"માન્યું કે તારાં મનમાં એવું નહોતું તો પછી વનિતાને અને એનાં દ્વારા બિલ્ડિંગમાં રહેતાં બીજા લોકોને મારાં જીવનની એકદમ જ અંગત વાતની જાણ કેવી રીતે થઈ? મેં જે પણ કંઈ કર્યુ હતું એ તને નીચી બતાવવા કે મને સારી સાબિત કરવા માટે નહિ પણ મારાં ઘરની પરિસ્થિતિ મુજબ કર્યુ હતું. "
"હું એ વાત સમજી ગઈ. મને ઘણો જ ખેદ છે આ વાત માટે."
"હા, ને એટલે જ તો આજે તું મને સોરી કહેવા માટે આવી. પણ ન ચાહવા છતાં મારાં વિશે ફેલાયેલી વાતોએ મારાં મનને ઘેરી લીધી હતી. હું માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી. મહા મહેનતે મેં એ વિચારોથી છુટકારો મેળવ્યો છે.ને હવે હું એ બધી જ વસ્તુથી દૂર રહું છું જે મને અનુકૂળ થતી નથી."
"એટલે?"
"એટલે કે હવે આ સંબંધ કે આવાં કોઈપણ પ્રકારનાં સંબંધથી મારે દૂર રહેવું છે."
"મતલબ કે તું હવે મારી સાથે સંબંધ નહિ રાખે એવું જ ને?"
"સંબંધ નહિ જ રાખીશ એવું નહિ પણ સંબંધ ઓછો રાખીશ એવું. પહેલાંની જેમ એકબીજાંનાં ઘરની વાતો હવે કરીશું નહિ. થોડીઘણી જ વાતચીત થશે એ પણ ક્યારેક જ. કારણ રોજ-રોજ વાતો કરવા માટે મળીએ છીએ તો સાવધાની રાખવા છતાં મનની વાત બીજાં સામે બોલી દેવાતી જ હોય છે. જે હવે મારે નથી કરવું.મારાં તરફથી હું એકદમ જ સીમિત પ્રકારનો સંબંધ સાચવીશ. " કવિતાએ ઘણી મક્કમતાથી કહ્યું.
"તારાથી સચવાય એટલો સંબંધ તું રાખજે ને મારાથી સચવાય એટલો સંબંધ હું રાખીશ, બસ." વર્ષાએ કવિતાનાં હાથ પર હાથ મૂકતાં કહ્યું.
"સંબંધની માત્રા પણ મીઠાં જેટલી જ રાખવી. જેમ વધુ પડતું મીઠું ખારાશ ને ઓછું મીઠું ફિક્કાસ લાવે છે તેમ સંબંધ પણ વધુ પડતો હોય તો ક્યારેક કડવાશ ઉત્પન્ન થાય અને એકદમ ઓછો હોય તો અતડાપણું લાવે છે." કવિતા ઉભી થતાં બોલી.
"એકદમ બરાબર છે તારી વાત. ભલે ત્યારે, હું હવે જાઉં છું. સમય હશે ત્યારે પાછી મળીશ. મારે પણ મારી અંદર છૂપાયેલી કળાને બહાર કાઢી, એને નિખારવી છે. મારી પાસે પણ હવે સમય ઓછો છે. ઘણી જ વ્યસ્ત છું. મને ડ્રોઈંગ ઘણું સારું આવડે છે. મારે ડ્રોઈંગ ક્લાસ ચાલુ કરવાં છે." આમ બોલી વર્ષા જતી રહે છે.
કવિતા હસતાં મોઢે એને જતાં જોઈ રહી છે.
વર્ષાએ ડ્રોઈંગ ક્લાસ શરૂ કરી દીધાં. પહેલાં એક-બે બાળકો જ આવતાં હતાં. પણ હવે ધીરે ધીરે વધવા માંડ્યાં હતાં. કવિતાએ પણ પાર્લરનું કામ પાછું શરૂ કરી દીધું હતું. બંને ક્યારેક જ હવે મળતાં હતાં એ પણ અનાયસે જ. ખબર અંતર પૂછવા જેટલું જ એકબીજાં સાથે બોલતાં હતાં. પોતપોતાનાં વ્યવસાય સાથે આનંદથી રહેવાં લાગ્યાં હતાં. આવક થવાથી આત્મવિશ્વાસ પણ વધી રહ્યો હતો.
(સમાપ્ત.)