Wolf Dairies - 49 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 49

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 49

“તું ઠીક છે?” રોહનએ કિમની નજીક જતા કહ્યું.

“દુર રહો મારાથી. અને મને સાચું જણાવો.” કિમએ પાછળ ખસતા કહ્યું.

“સાચું? તું શેના વિશે વાત કરી રહી છે છોકરી?” અજાણ બનતા તેણે કહ્યું.

“સાચે જ? તો કેમ તમે મારી રક્ષા કરો છો? એક વેમ્પાયર મને કેમ બચાવે છે? અને કેમ મને તમારી જોડે અજાણ્યું નથી લાગતું? કેમ મને તમારી માટે લાગણીઓ બંધાઈ રહી છે?” કિમએ તેની આંખોમાં જોઇને કહ્યું.

“એવું કઈ જ નથી. તું કંઇક વધારે જ વિચારી રહી છે.” રોહનએ તેની સામે જોયા વગર પોતાનું દુઃખ છુપાવતા કહ્યું.

“જો સાચે જ એવું છે તો મને મારી કેમ નથી નાખતા?” કિમએ તેને ઉશ્કેરવા કહ્યું.

“કિમ... હું આવું સપનામાં પણ ના વિચારી શકું. હું તને ફરી ખોવા નથી માંગતો.” રોહનએ આવેશમાં આવતા કહી દીધું.

“ફરી? શું મતલબ છે આનો? પ્લીસ મને સાચું જણાવો. હું કોણ છું? મારી ઓળખાણ શું છે?” કિમની આંખમાંથી આંખમાં હવે આંસુ ભરાઈ આવ્યા હતા.

“હું રોહન છું. તું મારી અને જેસની દીકરી છે.” કિમના માથે હાથ મુકતા રોહનએ કહ્યું.

“તમે ખોટું કહો છો. આ કઈ રીતે હોઈ શકે? મને બધું પહેલેથી જણાવો.” કિમએ રડતા કહ્યું.

“મને વર્ષોથી ચંદ્રમણીની તલાશ હતી. જે તે વંશની જ કોઈ સ્ત્રી મેળવી શકે તેમ હતું. એટલે મેં પંછીને ફસાવવાનું નક્કી કર્યું. પણ તેને અક્ષય સાથે પ્રેમ થઇ ગયો. અમને થોડાં સમય પછી જાણવા મળ્યું કે જેસ પણ તે વંશની જ છે. તેની પાસે પણ શક્તિઓ હતી. પણ પંછી જેટલી નહિ. એટલે મેં તેની સાથે લગ્ન કર્યા. તે મા બનવાની હતી.

એ જ દિવસ પ્રિયા અને સેમએ પણ બાળકોને જન્મ આપ્યો હતો. પંછી અને અક્ષય તેમને મળવા જઈ રહ્યા હતા. તેમને અમે ત્યાં જ પકડી લીધા. જેસ મને સાથ આપવાની હતી. પણ અમે કંઇક કરી શકતા તે પહેલા જ વુલ્ફએ અમારા પર હમલો કર્યો. તેમણે પંછી અને અક્ષયને છોડાવી લીધા. પંછીના જાદુ સામે હું ટકી શક્યો નહિ. અમારા બધા વચ્ચે લડાઈ થઇ. જેમાં એ લોકોએ તારી માને મારી નાખી. મેં બદલો લેવાની કોશિશ કરી પણ સફળ ના રહ્યો.

કદાચ મેં ક્યારેય તારી માને પ્રેમ આપ્યો જ નહિ. પણ એને હંમેશા મને પ્રેમ આપ્યો છે. મેં જયારે તને જોઈ ત્યારે સમજી ગયો કે તું મારી દીકરી છે. કેમકે તું બિલકુલ તારી મા જેવી દેખાય છે. તારી પાસે આ શક્તિઓ પણ એની જોડેથી જ આવી છે. હવે મને લાગે છે કે ત્યાં કંઇક એવું થયું હતું જે હું નથી જાણતો.” રોહનની આંખમાં આંસુ હતા.

“બની શકે કે તમે મારા પિતા હોવ. પણ પ્રિયા અને ક્રિસએ મને ઉછેરી છે. તેમણે હંમેશા મને પ્રેમ આપ્યો છે. તે જ મારા માતા પિતા છે. એ લોકો તો શાંતિથી જ પોતાનું જીવન જીવી રહ્યા હતા ને? તમારા કારણે તે બધા પોતાના બાળકોથી અલગ થઇ ગયા. તમે અત્યારે પણ મને અહી કેમ લાવ્યા છો? ચંદ્રમણી માટે જ ને? અને મારી મા જેસ.. તમે જ એમના મોતનું કારણ છો. જીવતે જીવ તમે એમને ક્યારેય પ્રેમ નથી આપ્યો. અને હવે બદલો લઈને શું કરી લેશો? નફરત છે મને તમારાથી..” રોહનથી મોઢું ફેરવીને રડતા કિમએ કહ્યું.

“મને માફ કરી દે બેટા..” આજીજી કરતા રોહન કહી રહ્યો હતો.

“મને ખબર જ હતી.. કે આ થવાનું છે. તું સાચે જ બહુ કમજોર વેમ્પાયર છે રોહન.” પાછળથી આવતા પેલા વૃદ્ધએ કહ્યું.

“તું અહી કેમ..” રોહન કહેવા જઈ રહ્યો હતો.

પણ બીજા વેમ્પાયરએ આવીને તેમને ઘેરી લીધા.

“આ બધું શું છે? કરન? પર્સી? આ શું કરી રહ્યા છો?” આસપાસ જોતા તેણે પૂછ્યું.

“એક કમજોર વ્યક્તિ અમારું નેતૃત્વ કઈ રીતે કરી શકે છે?” કરનએ કહ્યું.

“અમે બધા હવે આમની સાથે છીએ.” પર્સીએ કહ્યું.

“તમને તો હું..” રોહન પોતાની આંખો લાલ કરી હમલો કરવા ગયો.
પણ તે વૃદ્ધએ તેના પેટમાં ચાંદીનું ચપ્પુ ઘુસાડી દીધું.

“પપ્પા..” કિમએ ચીસ પાડી.

“પકડી લો આને. જો તે અમારી વાત માની નહી તો તારા બંને બાપને ખોઈ નાખીશ.” ધમકાવતા તેણે કહ્યું.

રોહનના ઘાવમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેની આંખો લાલમાંથી ભૂરી થઇ ગઈ. અને તે ત્યાં જ ઢળી પડ્યો.

કિમ અને રોહનને તે બધા નીચે મુખ્ય ખંડમાં લઇ ગયા.

“પપ્પા..” ક્રિસને ત્યાં બંધાયેલો જોઇને કિમથી બોલાઈ ગયું.

“હા આજે આખા પરિવારનો અહી જ ખાતમો કરીશું. બસ થોડી રાહ જો. બાંધી દો આને પણ અહી.” રોહન સામે જોતા તેણે હુકમ કર્યો.

તેના સાથીઓએ રોહનને પણ ક્રિસની બાજુમાં બાંધ્યો. તે બંને બેભાન હાલતમાં હતા.

કિમને તેણે રૂમની વચ્ચે એક જગ્યાએ બેસાડી. તેની આસપાસ સફેદ અને કાળા રંગથી ગોળ અને તારાના આકારમાં આકૃતિઓ બનેલી હતી. અને તેની ફરતે બહુ બધી મીણબત્તીઓ લાગી રહી હતી.

તે વૃદ્ધએ કાળો કોટ પહેરીને, કંઇક મંત્ર જેવું બોલવાનું શરુ કર્યું જ હતું.

“આવું વિચારતો પણ નહિ.” એક વેમ્પાયરનું ગળું કાપતા નાનાએ ત્યાં દાખલ થતા કહ્યું.

“ઓહ મારો જુનો મિત્ર.. બહુ વર્ષો થઇ ગયા તને જોયાને. જો આપણું વર્ષો જુનું સપનું પૂરું થઇ રહ્યું છે.” તેણે હસતા કહ્યું.

“કેયુર, કોઈ નિર્દોષને મારીને તને કઈ નથી મળવાનું. અને આ છોકરીમાં એ શક્તિ નથી કે એ તને ચંદ્રમણી લાવી આપે. તો એને છોડી દે. નહિ તો એનું પરિણામ સારું નહિ આવે.” નીરજભાઈએ કહ્યું.

“ખતમ કરી દો એને..” ગુસ્સામાં કેયુરભાઈએ હુકમ આપ્યો.

“અમે છીએ ત્યાં સુધી તો બિલકુલ નહિ.” જેકએ વચ્ચે આવતા કહ્યું.

જેક, ઈવ, સેમ, શ્લોક, રોમી, અને નાની બધા જ ત્યાં આવી ગયા હતા.

“હવે આવશે મજા.” પોતાની શક્તિ વાપરીને બહાર જવાની કોશિશ કરતા કિમએ કહ્યું. પણ તે બહાર નીકળી શકી નહિ. તેની શક્તિ ત્યાં કામ કરી રહી નહોતી. તે ત્યાં કુંડાળામાં ફસાઈ ગઈ હતી.

બધા જ વેમ્પાયર તે બધા પર તૂટી પડ્યા.

“ભાગે છે ક્યાં? તારી જોડે લડવા તો હું વર્ષોથી રાહ જોઉં છું.” પર્સી આગળ આવતા સેમએ કહ્યું.

“મને છોડી દે. હું તને હવે ક્યારેય પરેશાન નહિ કરું.” ડરતાં પર્સીએ કહ્યું.

“હું તને એવો મોકો જ નહિ આપું.” સેમએ પોતાના હાથમાંથી નીકળતા પ્રકાશથી તેને હવામાં ઉછાળ્યો અને તે ત્યાંથી નીચે પડતા મૃત્યુ પામ્યો.

બાકી બધા પણ લડી રહ્યા હતા. ઈવ અને જેક કરન સાથે લડી રહ્યા હતા.

“કિમ..” તે કુંડાળામાં પ્રવેશ કરવા જતા રોમીએ કહ્યું. પણ તે દુર જઈને પછડાયો.

“હું કેમ અંદર નથી આવી શકતો?” કિમ સામે લાચાર થઇ જોતા તેણે પૂછ્યું.

“લાગે છે હું અહી પૂરાઈ ગઈ છું.” કિમએ ફરી શક્તિ વાપરતા કહ્યું. પણ તેને ફરી નિરાશા જ મળી.

“પપ્પા, તમે ઠીક છો?” ક્રિસના હાથ ખોલતા શ્લોકએ તેને જગાડવાની કોશિશ કરી.

તેના હાથ ચાંદીની સાંકળોથી છુટા પડ્યા એટલે તેને ભાન આવવા લાગ્યું.

“શ્લોક.. તે મને પપ્પા કહ્યું?” ક્રિસ વર્ષોથી જે સંભાળવા તરસતો રહ્યો તે શબ્દ સંભાળતા તેની આંખો ભરાઈ ગઈ.

“હા પપ્પા.” કહી શ્લોક તેને ગળે વળગ્યો.

“ખબરદાર જો કોઈએ હોશિયારી કરી છે તો.. આ છોકરી પોતાનો જીવ ગુમાવશે.” પોતાના બનાવેલા કુંડાળામાં પ્રવેશી કિમના ગળા પર ચપ્પુ મુકતા કેયુરભાઈએ કહ્યું.

“નહિ.. એને છોડી દો.” રોમીએ ગભરાતા કહ્યું.

****

● શું કિમ તે કુંડાળામાંથી બહાર નીકળી શકશે?

● શું કેયુરભાઈને ચંદ્રમણી મળી જશે?

● શું જેસને મારવામાં પ્રિયાનો હાથ હશે?

ક્રમશઃ