બધા ત્યાંથી સેમના ઘરે ભેગા થયાં. બધા જ ખુબ ચિંતામાં હતા. આગળ હવે શું કરવું તેની તૈયારી ચાલી રહી હતી.
“શું વિચારે છે?” સેમને ક્યારની ચુપ બેઠેલી જોઇને જેકએ પૂછ્યું.
“મને ખબર નહિ કેમ પણ એવું લાગે છે કે મમ્મી પપ્પા આપણાથી કંઇક છુપાવી રહ્યા છે.” વિચારોમાંથી બહાર આવતા સેમએ કહ્યું.
“મને પણ એવું જ લાગી રહ્યું છે. એમણે આપણને બધી જ વાત પહેલાથી કહી. પણ છેલ્લે જે મુખ્ય લડાઈ થઇ અને જેનાથી બધા અલગ થયા એ જ એમને પૂરી નથી જણાવી.” રોમીએ કહ્યું.
“હા. અને તેમણે મને મારી શક્તિઓ વાપરવાની ના પાડી. આવું તેમણે પહેલા તો ક્યારેય નથી કહ્યું.” કિમએ પોતાના વિચાર જણાવ્યા.
“મને તો પર્સી વિશે પણ બહુ બધા સવાલ ઉભા થઈ રહ્યા છે. ક્યુરેટરમાં એવું કોણ હશે જે આપણને નુકશાન પહોચાડવા માંગતું હશે?” ઈવએ કહ્યું.
“હા, સવાલો તો મારા મનમાં પણ બહુ બધા છે. કદાચ મમ્મી પપ્પાએ કંઇક છુપાવ્યું પણ હશે તો જરૂર એની પાછળ કોઈક કારણ હશે.” જેકએ કહ્યું.
“હું સહેમત છું. સમય આવતા બધા રાઝ ખુલી જ જશે. આપણે એના માટે રાહ જોવી પડશે. પણ અત્યારે આપણું કામ મારા પપ્પાને બચાવવાનું છે.” શ્લોકએ અધીરા થઈને કહ્યું.
“ચાલો હવે બધા સુઈ જાઓ. હું અને ઈવ અત્યારે રાતે નીકળીશું ઇન્ડિયા જવા માટે. બાકી બધા પણ અલગ અલગ સમય પર નીકળજો. આપણે કાલ સાંજ સુધી જયપુર પહોચી જઈશું.” જેકએ કહ્યું.
બધા જ જયપુર પહોચી અને પછી ત્યાંથી મનાલી પહોચ્યા. તેઓ અક્ષયના જુના ઘરમાં રોકાયા. કેમકે તે શહેરથી બહાર હતું. અને કોઈનું ધ્યાન પડતું નહિ તેમ વિચારીને અક્ષયએ પોતાના વર્ષોથી ખાલી પડી રહેલા ઘરની ચાવી આપી હતી.
“આપણે આ અજાણ્યાં શહેરમાં તેમને કઈ રીતે શોધીશું?” કિમએ ત્યાં બેઠેલા બધા સામે જોઇને કહ્યું.
“એક કામ કરીએ, હું અને ઈવ પહેલા ટુરીસ્ટ બનીને બહાર જઈએ. અમે આખું શહેર ફરી લઈએ. ક્યાંકને ક્યાંક કોઈક સુરાગ જરૂર મળશે.” જેકએ કહ્યું.
“હા અને તમારા બંને પર કોઈક શક પણ નહિ કરી શકે.” શ્લોકએ કહ્યું.
“પણ ત્યાં સુધી તમે બધા ઘરમાં જ રહેજો. સેમ અને કિમનું ખાસ ધ્યાન રાખજો.” કહી જેક અને ઈવ બહાર નીકળ્યા.
કિમ કઈ પણ કહ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. તેને સંભાળવા માટે રોમી એની પાછળ ગયો.
“કિમ.. શું તને ખબર છે?” રોમીએ કિમ પાસે બેસીને કહ્યું.
“શું?” કિમએ ઉત્સુકતાથી પૂછ્યું.
“તું જયારે હશે છે ને તો એવું લાગે છે કે બહુ સરસ તાપ નીકળ્યો છે જે લીલાછમ ઘાસ પર પડી રહ્યો છે. તું હસે તો મારા મનના બગીચાના ફૂલ પણ ખીલી ઉઠે છે. પણ...” કહી રોમી ચુપ થઇ ગયો.
ઈવએ તેની સામે જોયું.
“પણ તું જયારે આમ ઉદાસ રહેને ત્યારે બધા ફૂલ મુરઝાઈ જાય છે. તો આ બગીચાને બચાવી લે ને.” પોતાના દિલ પર હાથ મુકતા રોમીએ કહ્યું.
“તું સાવ પાગલ છે રોમી.” તેની વાત સાંભળી કિમ હસવા લાગી. તેનું હાસ્ય અચાનક જ આંસુઓમાં બદલાઈ ગયું.
“મને પિતાનો પ્રેમ ક્યારેય નથી મળ્યો. એ એટલા દુર હોવા છતાં પણ હમેશાં મને મળવા આવતા હતા. એમને મને બધા જન્મદિવસ પર ગિફ્ટ અને ચિટ્ઠીઓ મોકલી છે. એ ઠીક તો હશે ને.” રોમીને વળગીને કિમ બાળકની જેમ રડવા લાગી.
“હા. એ ઠીક જ હશે. હું છું તારી સાથે. હું છું તારી સાથે. અને આપણે આટલા બધા લોકો છીએ,એમને થોડું કઈ થવા દઈશું? મારી સામે જો.. એમને કઈ નહિ થાય.” કિમનો ચહેરો પકડતા રોમીએ કહ્યું.
“રોમી.. આઈ લવ યુ.” કહી કિમએ રોમીના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા.
“આઈ લવ યુ ટુ.” ચૂમ્યા પછી કિમથી અલગ થઈને રોમીએ કહ્યું. અને કિમને ગળે લગાવી લીધી.
****
“સેમ..” શ્લોક સેમના રૂમમાં તેને શોધતો આવ્યો. પણ તે પોતાના રૂમમાં હતી નહિ.
“હમણાં તો અહી જ હતી. અચાનક ક્યાં ગઈ હશે?” વિચારી શ્લોક બહાર જઈ રહ્યો હતો, પણ તેનો પગ ટેબલ જોડે અથડાયો અને તેના પર મુકેલી ડાયરી નીચે પડી ગઈ.
શ્લોક તેને ઉઠવા ગયો પણ તેનું ધ્યાન તેમાં લખેલા લખાણ પર પડ્યું.
તેમાં સેમએ શ્લોક સાથે થયેલા પ્રેમ વિશે બધું જ લખ્યું હતું. તેનું ધ્યાન છેલ્લા પેજ પર પડ્યું.
ખબર છે જયારે તું જતો રહ્યો ત્યારે મેં અનુભવ્યું કે તું મારા માટે કેટલો જરૂરી છે. મેં હમેશા પોતાની જાતને તારાથી દુર રહેવા પ્રયત્નો કર્યા. અને મારી એવી બધી બચકાની હરકતોથી તું મારા પર હસતો. આપણી વચ્ચે એવો કોઈ સંબંધ નહોતો જેને આપણે નામ આપી શકીએ. કદાચ આપણે મિત્રો પણ નહોતા. પ્રેમ શબ્દ જ જાણે આપણા બંનેની ડિક્ષનરીમાં નહોતો. આપણે કારણ વગર મળતાં.. રખડતા.. ધમાલ કરતા.. ખબર નહિ કેવી કેવી હરકતો કરતા. હું બીમાર હોઉં ત્યારે તું મારી સંભાળ રાખતો. અને તું સમસ્યામાં હોય તો હું તારા માટે જોકર બની તને હસાવતી. આપણે એક બીજાને મારતા.. ભેટતા.. કોઈ જ જાતના સંબંધ વગર. એક બીજાનું આપણે બીજા જોડે નામ પણ જોડતા અને જરાય ઈર્ષ્યા ના થતી. આપણે ઝગડતા ત્યારે મને દુખ નહોતું થતું કેમકે મને ખબર હતી તું પાછો આવીશ જ..! અથવા એવું કહી શકાય કે ફર્ક જ શું પડતો હતો? મેં આ મજાક મસ્તીને પ્રેમ સમજ્યો. મને નથી ખબર કે મને ક્યારે પ્રેમ થયો. પણ તે જાણ્યા પછી મને છોડી દીધી. હું મારા જીવનમાં આટલી બધી અસહાય આજ પહેલા ક્યારેય નથી થઇ. મારા આ આંસુ મને યાદ અપાવે છે કે મને તારાથી કેટલો પ્રેમ છે. અને તારી ખામોશી યાદ અપાવે છે કે મેં એક સારો મિત્ર ખોઈ નાખ્યો.
પણ તને હું ક્યારેય નહિ ભૂલી શકું. ભલેને હું દુનિયાના ગમે તે ખૂણે જતી રહું. કદાચ હું ક્યારેય બીજા કોઈ વ્યક્તિ ને હવે પ્રેમ નહિ કરી શકું. પણ મને તારા થઈ આજે પણ એટલો જ પ્રેમ છે. જે હંમેશા રહેશે. છેલ્લા વાક્યના શબ્દો આંસુના કારણે ઝાંખા પડી ગયા હતા.
આ વાંચીને શ્લોકની આંખોમાં પણ આંસુ આવી ગયા.
“શ્લોક.. રોમી.. કિમ...” સેમએ બુમ પાડી.
“શું થયું?” બહાર થઈ સેમનો અવાજ આવતા બધા બહાર આવ્યા.
“જેક.. ઈવ..” બોલતા બોલતા સેમ ત્યાં જ ઢળી પડી.
“સેમ.. શું વાગ્યું તને..?” સેમને પકડતા કિમએ કહ્યું.
સેમને માથા અને હાથમાં વાગ્યું હતું. ત્યાંથી લોહી પણ વહી રહ્યું હતું.
“ઈવ અને જેકને બચાવો..” તે હજુ પણ બોલી રહી હતી.
“આ કોણે કર્યું તારી સાથે?” ગુસ્સામાં શ્લોકએ પૂછ્યું.
“વેમ્પાયર.. કરીશ એમની પાસે છે. જેક.. ઈવને બચાવો..” તે બોલતા બોલતા બેભાન થઇ ગઈ.
****
● સેમના પ્રેમને જાણ્યા પછી શ્લોક તેને સ્વીકારશે?
● શું જેક અને ઇવનો જીવ મુશ્કેલીમાં હતો?
● શું વેમ્પાયર હવે હમલો કરવાની તૈયારીમાં હશે?
ક્રમશઃ