Wolf Dairies - 34 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 34

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 34

“જેસ... આ શું બચપનો છે? એને જાણી જોઈને તારા પર પાણી નહોતુ નાખ્યું.” અકળાઈને ક્રિસએ કહ્યું.

“તું ક્યારથી આ અનાથ આશ્રમનો પક્ષ લેવા માંડયો ક્રિસ? તને તો એ પસંદ નહોતી ને? તો હવે તું કેમ એની બાજુ...? જેસ ક્રિસ તરફ જોઈને બોલી.

“એ મારી સાથે છે... એ કોઈ અનાથ આશ્રમ નથી. એને સોરી કહે હમણાં જ...” ક્રિસએ ગુસ્સામાં બુમ પાડીને કહ્યું.

“ક્રિસ... હું તારી ગર્લફ્રેંડ છું. અને આવી વાહિયાત છોકરી જેની કોઈ કિંમત જ નથી એના માટે તું મારા પર ગુસ્સો કરે છે એ પણ બધા સામે...” આજીજી ભર્યા અવાજમાં જેસએ કહ્યું.

“એની કિંમત નક્કી કરવાવાળી તું કોણ છે?” જેસને ગુસ્સેથી જોતા ક્રિસએ કહ્યું.

“આપણી વચ્ચે આવા વાળી આ છોકરી કોણ છે?” ગુસ્સામાં જોરથી જેસએ કહ્યું.

“મારુ બધું જ...” કહીને ક્રિસ પ્રિયા તરફ વધ્યો તેને કમરમાંથી પકડીને બધા વચ્ચે ક્રિસએ પ્રિયાના હોઠ ચુમ્યાં.

પ્રિયાની આંખોમાંથી હજુ પણ આંસુ વહી જ રહયા હતા. પણ આ વખતે આંસુ ખુશીના હતા.

આ જોઈને જેસ રડતી રડતી ત્યાંથી બહાર ભાગી ગઈ.

“તું ઠીક છે?” પ્રિયાને પોતાનું જેકેટ ઓઢાડતા ક્રિસએ પૂછ્યું.

પ્રિયાએ આંસુ લૂછીને હામાં માથું હલાવ્યું.

“વાહ... ક્રિસ તો બહુ જ રોમાન્ટિક નીકળ્યો.” હસીને સેમએ કહ્યું.
સેમની વાત સાંભળી બધા હસવા લાગ્યા.

“અને હું પણ..” સેમનો હાથ પકડી તેને નજીક લાવતા રાહુલએ કહ્યું.

“રાહુલ... તું...” સેમ બોલી રહી હતી. પણ રાહુલએ તેને અટકાવી.

“મને ખબર છે આપણી વચ્ચે બહુ જ બધા ઝગડા અને મસ્તી ચાલતી રહે છે. પણ મને એમાં હંમેશા પ્રેમ જ દેખાયો છે. મેં આ વાત કહેવામાં કદાચ બહુ મોડું કરી દીધું છે. એ છતાં આજે હિમ્મત કરી રહ્યો છું..” સેમનો હાથ પકડીને પોતાના ઘૂંટણના સહારે નીચે બેસતા રાહુલએ કહ્યું.

“સેમ.. તું મને બહુ જ ગમે છે. હું મારું આખું જીવન તારી સાથે વિતાવવા ઈચ્છું છું. શું તું એમા મારો સાથ આપીશ?” ગુલાબનું લાલ ફૂલ સેમ આગળ લંબાવતા રાહુલએ કહ્યું.

“હા ડફર હા...” નીચે બેસીને રાહુલને ગળે લગાવતા સેમએ કહ્યું.

પાછળ ઉભેલા બધા જ બુમો પાડવા લાગ્યા.

“આજે વેલેન્ટાઈન ડે તો નથી ને..?” મજાક ઉડાવતા પંછીએ કહ્યું.

“સાંજ થઈ જશે થોડી વારમાં. હવે આપણે ઘર તરફ જવા માટે નીકળવું જોઈએ.” શાંત અવાજમાં અક્ષયએ કહ્યું.

બહુ મોડું થઈ ગયું હોવાથી સેમ, પંછીનાં ઘરે જ રાત રોકાઈ ગઈ. બાકી બધા પોતપોતાના ઘર તરફ વળ્યાં.

“સેમ.. એક વાત પૂછું?” પથારી કરતા પંછીએ કહ્યું.

“હા બોલને.” બારી પાસે પવનમાં ઉભી સેમએ કહ્યું.

“પ્રિયા અને ક્રિસ... આ બંને વચ્ચે ચાલી શું રહ્યું છે?” પલંગ પર બેસતા પંછીએ કહ્યું.

“હા... આ ત્યારની વાત છે જ્યારે અમે બધા સ્કૂલમાં હતા.” સેમએ કહેવાનું ચાલુ કર્યું.

બીજી તરફ પ્રિયા પોતાના રૂમમાં બારી પાસે જઈને ઉભી હતી. ઠંડો પવન તેના ખુલ્લા વાળને ઉડાવી રહ્યો હતો. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તે વિચારોના ભૂતકાળમાં ફરીથી ખોવાઈ ગઈ.

****
બે વર્ષ પહેલાં..

ક્રિસ એક મોટા બાપની બગડેલી સંતાન હતો. તેના પિતા દિલ્હીમાં પોલીસ વિભાગમાં કામ કરતા હતા. પોતાની માને તેણે બચપણમાં જ ખોઈ નાખી હતી.

મનાલીમાં તે પોતાની દાદી સાથે રહેતો હતો. તેની દાદીની તબિયત અચાનક જ બગડી હતી તો એમને સાચવવા માટે અને ઘરના કામ કરવા માટે તેમણે એક છોકરીને રાખી હતી.

ક્રિસ પોતાની સ્કૂલનો સૌથી પોપ્યુલર છોકરો હતો. બધી જ છોકરીઓ તેના પર મરતી હતી. સ્કૂલની સૌથી સુંદર છોકરી જેસ તેની ગર્લફ્રેંડ હતી.

સેંટ મેરી સ્કૂલ અને તેની હોસ્ટેલ બંને જેસના પિતાની માલિકીની હતી. તેથી તે હંમેશા અકડમાં રહેતી. મા વગર મોટી થયેલી અને પૈસામાં ઉછરેલી જેસ પણ કંઈ ઓછી નહોતી. તે હંમેશા બીજાને નીચા બતાવતી. ખાસ કરીને ક્રિસની આસપાસ જે છોકરીઓ જોવા મળે તેમને એ બધા વચ્ચે નીચી સાબિત કરતી.

“હાઈ સેમ...” ક્રિસ સ્કૂલની સીડીઓ ચડી રહ્યો હતો.

“ક્રિસ...” રાહુલએ પાછળથી તેને બૂમ પાડી.

ક્રિસ જેવો પાછળ ફર્યો તેવી જ એક છોકરી જે સીડીઓ ચડી રહી હતી તેનો પગ લપસ્યો. તેને પોતાનો હાથ ક્રિસ તરફ લંબાવ્યો. ક્રિસએ તેનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચી અને તેની કમર પકડી. પણ અજાણતામાં જ ક્રિસ અને તે છોકરીના હોઠ એકબીજાને સ્પર્શી ગયા.

ત્યાં ઉભેલા દરેક એ આ દ્રશ્ય જોઈ લીધું. બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા.

ગભરાઈને તે છોકરી ત્યાંથી ભાગી ગઈ.

એટલી હિમ્મત કોઈનામાં નહોતી કે ક્રિસ સામે કઈ બોલે એટલે બધા જ પોતાના કામમાં લાગી ગયા.

ક્રિસ પણ બધું જ ભુલાવીને કામમાં લાગી ગયો. તે જેવું સ્કૂલેથી ઘરે આવ્યો તેવો જ દાદીના રૂમમાં ગયો.

“દાદી.. હવે કેવું છે..” કહીને તે રૂમમાં પ્રવેશ્યો.

“તું?” સવારે સ્કૂલમાં જે છોકરી સાથે ઘટના ઘટી હતી તે દાદીના રૂમમાં હતી.

તે પણ ક્રિસને જોઈને આશ્ચર્ય પામી. પણ કઈ બોલી શકી નહીં.

“આ પ્રિયા છે ક્રિસ બેટા. મારી સારવાર માટે અને ઘરના કામ માટે ડોકટરએ આને મોકલી છે. બધું કામ બહુ સારું કરે છે. હવે આ આપણી સાથે જ રહેશે.” દાદીએ ખુશ થઈને કહ્યું.

ક્રિસને ગુસ્સો આવી રહ્યો હતો.

“એ તારી સ્કૂલમાં જ ભણે છે. તો તને કોઈ પરેશાની પણ નહીં થાય પ્રિયા. મારો ક્રિસ તને એકલી નહીં પડવા દે સ્કૂલમાં..” પ્રિયા સામે જોઇને દાદીએ કહ્યું.

પ્રિયાએ દાદી સામે જોઇને માથું હલાવ્યું.

“તમે આરામ કરો દાદી.” કહીને ક્રિસ રૂમની બહાર નીકળી ગયો.

થોડી વાર પછી પ્રિયા પણ બહાર આવી.

“તારા લીધે આજે સ્કૂલમાં મારી બેઇજ્જતી થઈ.” ક્રિસ તેને ગુસ્સાથી જોઈ રહ્યો હતો.

“સોરી. એ અજાણતા જ થયું...” તે બોલી રહી હતી.

“મારાથી દુર રહેજે..” ગુસ્સામાં ક્રિસ પોતાના રૂમમાં જતો રહ્યો.

“શું કરે છે?” સાંજે ક્રિસ અચાનક જ પ્રિયાના રૂમમાં ગયો.

“તું અહીં?” એના આવવાથી પ્રિયાને ઝાટકો લાગ્યો.

“ખાલી કહેવા આવ્યો હતો કે મારે સ્કૂલની બાસ્કેટબોલ મેચની તૈયારી કરવાની છે. તો કાલથી તું મારી સાથે સાંજે રોજ પ્રેક્ટિસ કરીશ.” કહીને ક્રિસ બહાર નીકળવા ગયો.

“મને નથી આવડતું બાસ્કેટબોલ રમતા. અને મારે દાદીનું ધ્યાન પણ રાખવાનું છે સાંજે. હું નહીં આવું.” પ્રિયા જાણે ક્રિસના અભિમાનને તોડી રહી હતી.

ક્રિસ ગુસ્સામાં દરવાજો પછાડીને બહાર નીકળી ગયો.

બીજા દિવસ સ્કૂલમાં બધા છોકરા બાસ્કેટબોલ રમી રહ્યા હતા. પ્રિયા થોડેક દૂર સેમ જોડે વાત કરી રહી હતી.

ક્રિસનું અચાનક પ્રિયા તરફ ધ્યાન ગયું. પણ કાલ વાળી વાત યાદ આવતા ક્રિસએ પોતાના હાથમાં રહેલો બાસ્કેટબોલ પ્રિયા તરફ ફેંક્યો. બોલ જઈને પ્રિયાના માથામાં વાગ્યો.

સેમએ પ્રિયાને પડી જતા પકડી.

“સોરી. ભૂલથી ત્યાં આવી ગયો.” ક્રિસ હસીને ફરી રમવા લાગ્યો.

પ્રિયાએ નીચે પડેલો બોલ ઉઠાવ્યો અને ક્રિસ તરફ જોરથી ફેંક્યો. બોલ ક્રિસના માથામાં વાગ્યો. તેને ગુસ્સાથી પાછળ જોયું.

“સોરી. ભૂલથી ત્યાં આવી ગયો.” હસીને પ્રિયા ઘર તરફ જવા લાગી.

“છોકરીમાં કંઈક વાત તો છે યાર..” ક્રિસના ખભા પર હાથ મુકતા રાહુલએ કહ્યું.

રાહુલ, ક્રિસ, અને સેમ બાળપણના મિત્રો હતા. રાહુલ અને સેમ પણ પ્રિયાના સારા મિત્રો બની ગયા હતા. દિવસો આમ જ હસી ખુશીથી પસાર થઇ રહ્યા હતા.

એક રાતે પ્રિયા બહાર મુખ્ય હોલમાં વાંચી રહી હતી.

“તું અહીં કેમ વાંચે છે?” પ્રિયાને જોઈ ક્રિસએ કહ્યું.

“દાદીને કંઈક જરૂર પડી તો? એટલે અહીં જ બેઠી છું.” પ્રિયાએ ધીમેથી કહ્યું.

“હું પણ વાંચતો જ હતો. એકલા વાંચું એના કરતાં બંને સાથે વાંચીએ.” પ્રિયા પાસે સોફા પર બેસતાં ક્રિસએ કહ્યું.

ક્રિસ અને પ્રિયા બંને મોડી રાત સુધી સાથે વાંચતા રહ્યા. ક્રિસ વાંચતા વાંચતા જ ઊંઘી ગયો, પોતાનો હાથ પ્રિયાના હાથ પર મૂકીને.

“આ મને શું થઈ રહ્યું છે ક્રિસ. મેં આટલા વર્ષોમાં આવું ક્યારેય કઈ અનુભવ્યું જ નહોતું. હું ક્યારેય કોઈથી ડરી નથી. પણ જ્યારે તું મારી નજીક આવે છે તો મને લાગે છે કે તું મારી આંખો ના વાંચી લે. કેટલાય વર્ષોથી હું અહીથી તહીં ભટકી છું. મને કોઈ સાથે લાગણીઓ નથી બંધાઈ. પણ તને ખોવાથી ખબર નહીં કેમ મને ડર લાગે છે. મેં બહુ કરી લીધું બીજા માટે. મારે હવે મારા માટે જીવવું છે. તને પ્રેમ કરવો છે.” હસીને પ્રિયા ક્રિસને ચાદર ઓઢાડી પોતાના રૂમમાં જતી રહી.

****

● શું પ્રિયા ક્રિસને પોતાના મનની વાત કહી શકશે?

● એવું તો શું થશે કે પ્રિયા અને ક્રિસ અલગ થઇ જશે?

ક્રમશઃ