Wolf Dairies - 32 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 32

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 32

“શું થયું ભાઈ?” ક્રિસને કંઈક ઊંડા વિચારોમાં ખોવાયેલા જોઈને રાહુલએ કહ્યું.

“મને નથી સમજાતું રાહુલ કે તારા સવાલનો હું શું જવાબ આપું. હું ઈચ્છું છું કે આ બધું જ જે થઈ રહ્યું છે તે એક ખરાબ સપનું હોય અને હું જલ્દીથી એમાંથી બહાર નીકળી જઉં. આ બધું આપણી સાથે જ કેમ થઈ રહ્યું છે?” રાહુલ સામે જોતા ક્રિસએ કહ્યું.

“આમા આપણે કઈ પણ કરી શકીએ તેમ નથી ક્રિસ... આપણે આ બધાને હકારાત્મક રીતે પણ તો જોઈ શકીએ છીએ ને?” ક્રિસને સમજાવતા રાહુલએ કહ્યું.

“કઈ રીતે હું હકારાત્મક વિચારું? ક્યાં સુધી આપણે ખોટું બોલશું લોકો અને આપણા મિત્રો સામે? પોતાના આ ઘવાયેલા હાથ વિશે તું ક્યાં સુધી સેમને ખોટું કહીશ?” રાહુલના હાથ તરફ ઈશારો કરતા ક્રિસએ કહ્યું.

પોતાના ઘવાયેલા હાથ તરફ નજર કરતા રાહુલ બે દિવસ પહેલા ઘટેલી ઘટના યાદ આવી ગઈ.

રાહુલ અને બીજા બે ત્રણ લોકો એક વુલ્ફનો પીછો કરી રહ્યા હતા. રાહુલ અને તે વુલ્ફ બંને એક બીજાના સામસામે આવી ગયા હતા.

રાહુલએ તેના પર પોતાના હાથમાં રહેલું તિર ચલાવ્યું.

તિર તે વુલ્ફના પગમાં જઈને વાગ્યું. જ્યારે તે વુલ્ફએ પોતાના તીણા અને લાંબા નખ રાહુલના હાથ પર માર્યા. જેના લીધે તે ઘવાયો અને બેભાન થઈ ગયો. એને સંભાળવામાં જ તે વુલ્ફ ક્યાંક ગાયબ થઈ ગયું.

“એ ના ભૂલશો કે તમે રક્ષક છો. તમે બંધાયેલા છો એની રક્ષા કરવા માટે.” પાછળથી આવતા ક્રિસના પપ્પાએ કહ્યું.

ક્રિસ કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતો રહ્યો.

તેનું ધ્યાન અચાનક જ પોતાના ટેબલ પર પડેલા ફોટા પર પડ્યું. આ ફોટો તેમનો સ્કૂલ વખતનો હતો. જેમાં ક્રિસ, રાહુલ, સેમ અને અને પ્રિયા હતા.

“કેટલા સરસ હતા ને એ દિવસો?” રૂમમાં દાખલ થતાં રાહુલએ કહ્યું.

“હા બહુ જ. જેમાં કોઈ જ ચિંતાઓ નહોતી. અને ના તો આવા કોઈ રહસ્યો. જે આપણને આગળ વધતા અટકાવે.” નિરાશ થતા ક્રિસએ કહ્યું.

“જો કે તું અને પ્રિયા ત્યારે પણ સાથે જ હતા અત્યારની જેમ જ...” નિરાશ ક્રિસને ખુશ કરવા રાહુલએ મજાક કરી.

“શું? કંઈ પણ બકવાસ ના કરીશ. એમ તો તું અને સેમ પણ તો સાથે છો... હ? અને તું તો એને પ્રેમ પણ કરે છે.” હસતાં ક્રિસએ કહ્યું.

“એવું તો કઈ નથી...” ક્રિસ જોડે બેસતા રાહુલએ કહ્યુ.

“રાહુલ... બધા જ જાણે છે કે તમારા બંને વચ્ચે શુ ચાલે છે. તો હવે આમ છુપાવાનું બંધ કરો.” રાહુલના ખભે હાથ મુકતા કહ્યું.

“હું પણ એ જ ઈચ્છું છું. પણ એ મને પ્રેમ નહીં કરતી હોય તો? મને એને ખોઈ નાખવાનો ડર લાગે છે.” ચિંતા કરતા રાહુલએ કહ્યું.

“એવું કંઈ નહીં થાય. આપણે એક કામ કરીએ. આપણે પેલી હવેલી જોવાનો પ્લાન તો બનાવ્યો જ હતો ને? તો ત્યારે તું એને તારા દિલની વાત કહી દેજે. એ જરૂર હા કહેશે.” ક્રિસએ કહ્યું.

“વાહ યાર.. શું આઈડિયા છે. હું એવું જ કરીશ. હું જઉં હવે. કાલે કોલેજમાં મળીએ.” કહીને રાહુલ પોતાના ઘર તરફ નીકળ્યો.

“શું સાચે જ મારા અને પ્રિયા વચ્ચે કંઈ બાકી રહ્યું છે?” રાહુલના ગયા બાદ ફોટો જોઈને ક્રિસ વિચારી રહ્યો હતો.

“હવે એવું કંઈ નથી. અમે બસ સારા મિત્ર છીએ. અને જેસ પણ તો છે મારા જીવનમાં..!” વિચારો ખંખેરીને ક્રિસ પણ સુઈ ગયો.

“સપના તો બહુ સારા જોઈ રહ્યાં છો તમે બધા. જોઈએ કિસ્મત ક્યાં સુધી સાથ આપે છે.” કાળો કોટ ઓઢીને ક્રિસના ઘરથી થોડે દુર ઉભેલા રોહનએ મનમાં વિચાર્યું.

પ્રિયા બે ત્રણ દિવસ પછી આજે કોલેજ આવી હતી. તેને ચાલવામાં હજુ પણ મુશ્કેલી થઈ રહી હતી.

પ્રિયા અક્ષય સાથે કોલેજ આવી હતી. બધા કોલેજની કેન્ટીનમાં બેઠાં હતાં.

“અરે પ્રિયા.. હવે તને કેવું છે?” પ્રિયાને ખભાથી પકડીને બેસાડતા પંછીએ કહ્યું.

“હવે સારું છે. મિત્રો આ અક્ષય છે. અક્ષયના પપ્પા અને મારા પપ્પા મિત્રો હતા. પણ એક એક્સિડન્ટમાં તે બંનેને અમે ગુમાવી દીધા. અક્ષય અને તેના મમ્મી હમણાં જ આપણા શહેરમાં શિફ્ટ થયા છે. હું તેમના ઘરે જ રહું છું હવે.” બધાને ઓળખાણ આપતા પ્રિયાએ કહ્યું.

“અક્ષયને તો હું ઓળખું છું. તે બાસ્કેટબોલ ટીમમાં છે. કાલે જ અમે મળ્યાં. તે ખૂબ સરસ રમે છે. આ વખતે મેચ આપણે જ જીતશું.” ક્રિસએ ખુશ થતા કહ્યું.

બધા અક્ષય સાથે વાત કરી રહ્યા હતા. પણ અક્ષયની નજરો પંછી પર જ હતી. જ્યારે પંછી તેના આમ જોવાથી બેચેન થઈ રહી હતી.

બધા જ સાથે બેસીને નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે જ રાહુલએ ક્રિસને આંખથી ઈશારો કર્યો.

“સાંભળો દોસ્તો... હવે આપણાં ગ્રુપમાં અક્ષય પણ આવી ગયો છે. અને પ્રિયા પણ પાછી આવી ગઈ છે. તો કેવું રહેશે કે આપણે બધા પિકનીક પર જઈએ.” ઉભા થતા ક્રિસએ કહ્યું.

“હા કેમ નહીં.” ખુશ થતા સેમએ કહ્યું.

“તો આ નક્કી રહ્યું. હવે ના રવિવારે આપણે બધા જ એ મહેલ જોવા જઈશું.” ક્રિસએ બેસતા કહ્યું.

“કયો મહેલ ક્રિસ?” પંછીએ પૂછ્યું.

“રતન મહેલ.. પાસેના ગામમાં એક જંગલ છે ત્યાં જ છે આ મહેલ.” ક્રિસની વાત સાંભળી અક્ષય અને પ્રિયા બંનેના હોશ ઉડી ગયા.

“હું આવું..” કહીને અક્ષય કેન્ટીનમાંથી બહાર નીકળી ગયો.

“આ ને શું થયું?” અક્ષયને જતા જોઈ પંછી મનમાં વિચારી રહી હતી.

પ્રિયા પણ જમીને અક્ષયની પાછળ ગઈ.

“અક્ષય તારે આમ ત્યાંથી જતું ના રહેવું જોઈએ.” અક્ષય પાસે જઈને પ્રિયાએ કહ્યું.

“અને એ લોકો તે મહેલમાં જઇ રહ્યા છે એનું શું? હું ત્યાં નથી આવાનો..” ગુસ્સામાં અક્ષયએ કહ્યું.

“તે જ કહ્યું હતું કે તને કોઈ ફર્ક નથી પડતો... તો હવે કેમ..? શું તું ડરે છે..?” હસતા પ્રિયાએ કહ્યું.

“પ્રિયા... હું બસ એ પંછીનું મોઢું જોવા નથી માંગતો... એ છોકરી... નફરત છે મને એનાથી..” અક્ષય ગુસ્સામાં બોલી રહ્યો હતો.

અચાનક જ કંઈક અવાજ આવતા તે બંને પાછળ ફર્યા.

પંછી ત્યાં પ્રિયાને બોલાવવા માટે આવી હતી. તેને અક્ષયના છેલ્લા શબ્દો સાંભળ્યા.. તેની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. તે ભાગીને ત્યાંથી જતી રહી.

“પંછી...” કહીને પ્રિયા પણ તેની પાછળ ગઈ.

“એ કેમ મારી સાથે આવું કરે છે.” પંછી રડી રહી હતી.

“કેમકે એ બેવકૂફ છે. તું એની વાતો ધ્યાન પર ના લઈશ. થોડા સમય પહેલા એની એક મિત્ર હતી જેનો ચહેરો બિલકુલ તારા જેવો હતો. પણ એ હંમેશા માટે અક્ષયને છોડીને જતી રહી. એટલે એ તારી સામે નથી આવતો. એ દુઃખી છે પંછી. માત્ર તું જ એને આ દુઃખમાંથી બહાર લાવી શકે તેમ છે.” પંછીને ચૂપ કરાવતા પ્રિયાએ કહ્યું.

“સાચે જ?” આંસુ લૂછતાં પંછીએ કહ્યું.

“હા. શુ તું એની મદદ કરીશ?” પ્રિયાએ કહ્યું.

“હા.” કહી પંછીએ હકારમાં માથું હલાવ્યું.

“લાગે છે આગ બહુ દૂર સુધી લાગી રહી છે આ વખતે..” પંછી અને પ્રિયાની વાત છુપાઈને સાંભળતા જેસએ મનમાં વિચાર્યું.

બાકીના દિવસ ફટાફટ પસાર થઈ ગયા. પંછી અક્ષય પર નજર રાખતી. તે પ્રિયા સિવાય બીજા કોઈ સાથે ખાસ વાત કરતો નહીં.

પંછી પોતાના રૂમમાં બારી પાસે ઉભી હતી. ઠંડો પવન આવી રહ્યો હતો. અચાનક જ તેનું ધ્યાન બારી બહાર સામેની ઝાડીઓમાં પડ્યું.

“અક્ષય.... અહીં...” તેને અક્ષય દેખાયો.

આંખો મચેડી તેને ફરી જોયું પણ ત્યાં કોઈ જ નહોતું.

“કદાચ મારો વહેમ હશે.” વિચારીને પંછી સુઈ ગઈ.

****

● રતનમહેલથી અક્ષયનું શું રાઝ છુપાયેલું છે?

● જેસ હવે આગળ શું કરશે?

● પંછીએ સાચે અક્ષયને જોયો હતો કે એ ખાલી વહેમ હતો?

● પ્રિયા અને ક્રિસનો શું ભૂતકાળ હતો?

● શું સેમ રાહુલના પ્રેમને સ્વીકારશે?

ક્રમશઃ