“શું? એને કેન્ટીનમાં.. કઈ રીતે..? કિમ સેમને રોક યાર.” ગભરાતા ઈવએ કહ્યું.
“તું એની ચિંતા ના કરીશ. ચલ આપણે કેન્ટીનમાં જઈએ. સેમ આવી જશે.” કિમ ઈવને ખેચીને લઇ ગઈ.
“સેમ હજુ સુધી કેમ નથી આવી? ચાલને આપણે તેને જોવા માટે જઈએ.” કેન્ટીનમાં બેઠેલી ઈવએ ચિંતા કરતા કહ્યું.
“ચુપ ચાપ બેસ. સેમ આવી જશે.” કિમએ મોઢાં પર આંગળી મુકતા કહ્યું.
“અમે આવી ગયા.” પાછળથી આવીને સેમએ કહ્યું.
“સેમ તું પણ ક્યાં... શું..? જેક..?” ઈવ પાછળ ફરી બોલવા ગઈ, પણ સેમ જોડે જેકને જોયો ત્યારે એનું મોઢું ખુલ્લું રહી ગયું.
“જેક આ ઈવ છે. મારી રૂમમેટ.” ઓળખાણ કરાવતા સેમએ કહ્યું.
“હેલ્લો ઈવ.” હસીને જેકએ તેની તરફ હાથ લંબાવ્યો.
“જેક... તું સાચે જ બહુ હેન્ડસમ છે... લાગે છે હું કોઈ સપનું જોઉં છું.” ચક્કર આવતા ઈવ ત્યાં જ જેક પર ઢળી પડી.
“આ ને શું થઇ ગયું?” ઈવને પકડતા જેકએ સેમ સામે જોયું.
“લાગે છે એની તબિયત નથી સારી. અમે એને રૂમ પર લઇ જઈએ. આપણે પછી મળીએ.” કહી સેમ અને કિમ, ઈવને લઈને રૂમ પર આવ્યા.
“જેક..” પલંગ પરથી બેઠા થતા ઈવએ ચીસ પાડી.
“તું ઠીક છે?” સેમએ તેની પાસે બેસતા કહ્યું.
“હા. પણ જેક.. શું એ સાચે જ.. કે હું સપનું..” માથા પર હાથ રાખતા ઈવએ કહ્યું.
“હે ભગવાન આ છોકરી સાવ પાગલ છે. એ સાચે જ જેક હતો.” કિમએ હસીને કહ્યું.
“પણ સેમ.. જેક ત્યાં કઈ રીતે આવ્યો?” ઈવએ કહ્યું.
“ઈવ, જેક મારો ભાઈ છે. એટલે મારા કહેવા પર એ આવ્યો હતો.” આગળ શું થશે તે પહેલાથી જાણતી સેમએ ધીમેથી કહ્યું.
“શું સાચે જ?” ખુશીથી ઉછળતા ઈવએ કહ્યું.
“પાગલ પ્રેમી..” કિમએ કહ્યું. અને બધા હસવા લાગ્યા.
“શું આટલો બધો કોઈને પ્રેમ થઇ શકે ખરો?” સેમએ પૂછ્યું.
“તને થશે ને ત્યારે સમજાશે.” ઈવ પાછળથી સેમને ગળે વળગી.
ત્રણેય બહેનપણીઓ વાત કરવામાં ખોવાઈ ગઈ.
****
“હેય દોસ્તો.. તમે સાંભળ્યું? બધા ડીપાર્ટમેન્ટમાં નવો નિયમ આવ્યો છે.” રૂમમાં આવતા જ કિમએ કહ્યું.
“શું?” સેમ અને ઈવ એક સાથે બોલ્યા.
“બધા ડીપાર્ટમેન્ટના સિનયર પોતાના કોઈ એક જુનીઅરને પસંદ કરીને ટ્રેઈનીંગ આપશે. એ પણ એક મહિના સુધી.” કિમએ કહ્યું.
“વાહ. આ તો બહુ સારી વાત કહેવાય.” સેમએ કહ્યું.
“પણ આવું કેમ? આપણી પાસે ફેકલ્ટી તો ઘણી છે.” ઈવએ પૂછ્યું.
“એવું સાંભળવામાં આવ્યું છે કે કોઈક જાતની ઈમરજન્સી આવી ગઈ છે. તેથી ક્યુરેટર નામની એક સંસ્થા અને આપણી આર્મી સાથે કામ કરી રહી છે. કોઈક ખાસ મિશન માટે. મને વધારે તો નથી ખબર, પણ બધા આવી વાતો કરે છે.” કિમએ સમજાવતા કહ્યું.
“ઓકે. તો હવે આપણું પાર્ટનર કોણ બનશે એ પણ ચિંતાનો વિષય છે.” વિચારતા સેમએ કહ્યું.
“એમાં શું વિચારવાનું છે? હું તારી સિનીયર છું ડફર. તો હું તને જ પસંદ કરીશ ને. આપણે બંને સાથે કામ કરશું.” કિમએ સેમને ટપલી મારતા કહ્યું.
“હા, આ વિચાર તો મને આવ્યો જ નહિ. મજા આવશે સાથે.” કિમને ભેટતા સેમએ કહ્યું.
“કાશ મને પણ કોઈ સારું વ્યક્તિ મળી જાય..” ટેબલ પર માથું ઢાળતા ઈવએ કહ્યું.
“મારી પાસે એક વિચાર છે.” કિમએ સેમને ધીમેથી કહ્યું.
આંખના ઇશારાથી તેણે સેમને બહાર નીકળવા કહ્યું.
“હા બોલ.” રૂમની બહાર નીકળતા સેમએ કહ્યું.
“આપણે જેક સાથે વાત કરીએ કે એ ઈવને પાર્ટનર બનાવે, તો કેવું રહેશે?” કિમએ ખુશ થતા કહ્યું.
“પણ શું જેક માનશે? અને આવું કરવું શું ઠીક રહેશે? તને ખબર છે ને જેક કેવો છે?” વિચારતા સેમએ કહ્યું.
“એટલે જ તો કહું છું. ઈવ જેટલો પ્રેમ જેકને બીજુ કોઈ નહિ આપી શકે. જેકના જીવનમાં ઈવ સુધારા લાવી શકે તેમ છે. પ્રયત્ન કરવામાં શું વાંધો છે?” કિમએ સમજાવતા કહ્યું.
“હા સાચી વાત છે. હું હમણાં જ જેકને ફોન કરું.” ખુશ થતા સેમએ કહ્યું.
“હેય જેક.” સેમએ ફોન લગાવ્યો.
“હેય. આટલી રાતે ફોન કર્યો. બધું ઠીક છે ને?” જેકએ ચિંતા કરતા કહ્યું.
“હા, બધું ઠીક છે. મારે તારી જોડે કંઇક વાત કરવી હતી.” સેમએ ધીમેથી કહ્યું.
“હા બોલને.” જેકએ વાત સાંભળતા કહ્યું.
“મારી પેલી દોસ્ત ઈવ તને યાદ છે ને? એ આજકાલ ટ્રેઈનીંગમાં કઈ ખાસ ધ્યાન આપી નથી શકતી. અને એને લાગે છે કે એ કઈ નહી કરી શકે. એની હિંમત તૂટી ગઈ છે. તો મેં સાંભળ્યું છે કે એ હમણાં સિનીયર પોતાના જુનીઅરને ટ્રેઈનીંગ આપવાના છે. તો જો તું એને પસંદ કરે તો એની ટ્રેઈનીંગ સુધરી જશે.” સેમએ ઈવ માટે ખોટું કહ્યું.
“પણ.. હું.. મને એ ઠીક..” જેક વિચારી રહ્યો હતો.
“ઇવલીન બહુ સારી છોકરી છે. તને કોઈ તકલીફ નહી આપે.” સેમએ આજીજી કરતા કહ્યું.
“ઇવલીન..” જેકના ચહેરાના ભાવ બદલવા લાગ્યા.
“હા એનું આખું નામ ઇવલીન છે. પણ બધા ઈવ જ કહે છે.” સેમએ જવાબ આપ્યો.
“હું એને જ પસંદ કરીશ.” ગંભીરતાથી જેકએ કહ્યું. તેનું આખું હૃદય દુઃખથી ભરાઈ ગયું હતું.
“તું દુનિયાનો સૌથી બેસ્ટ ભાઈ છે.” ખુશ થતા સેમએ ફોન મુક્યો.
“કામ થઇ ગયું. હવે કાલે મજા આવશે.” સેમએ કિમને તાળી આપતા કહ્યું.
સવારે વહેલા તૈયાર થઈને ઈવ ડીપાર્ટમેન્ટ પર પહોચી. બધા જ લોકો તેને ઘુરીને જોઈ રહ્યા હતા. તેને સમજાઈ નહોતું રહ્યું કે આવું કેમ થઇ રહ્યું છે.
તે બધાને અવગણતી નોટીસ બોર્ડ પર પોતાના સાથીનું નામ જોવા ગઈ.
“શું... જેક...?” જેકનું નામ વાંચીને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ.
“આ કઈ રીતે શક્ય છે? જરૂર કોઈક ભૂલ થઇ લાગે છે. મારે એની સાથે જ વાત કરવી જોઈએ.” આસપાસ જોતા તેને વિચાર્યું.
“મને શોધે છે?” પાછળથી આવતા જેકએ કહ્યું.
“હા. આપણા બંનેનું નામ સાથે.. મને લાગે છે કોઈ ભૂલ..” ધીમેથી ઈવ બોલી.
“મેં જ તારું નામ આપ્યું છે.” જેકએ તેની સામે જોયું.
“શું.. કેમ..?” ઈવને પોતાના કાન પર વિશ્વાસ ના થયો.
“કેમ? મારા સાથે કામ કરવામાં કોઈ વાંધો છે?” જેકએ આંખો પહોળી કરતા કહ્યું.
“ના કઈ વાંધો નથી.” ઈવએ માથું ઝુકાવ્યું.
“આવી રીતે સામે જોઇશ તો કોણ ના કહી શકે?” તે મનમાં વિચારી રહી હતી.
“સારું. તો કાલે 6 વાગે ગ્રાઉન્ડમાં મળીએ..” કહી જેક ત્યાંથી ચાલતો થયો.
“6 વાગે..???” ઈવ કઈ કહે તે પહેલા તો જેક ત્યાંથી જતો રહ્યો.
“સેમ.. શું તે જેકને મારું નામ આપવા માટે કહ્યું હતું?” બહાર બગીચામાં બેઠેલી સેમ પાસે જઈને ઈવએ કહ્યું.
“તું અહી બેસ પહેલા.” સેમએ નીચેથી હાથ લંબાવ્યો.
“હું સવારની તારી રાહ જોતી હતી. પણ તું ટ્રેઈનીંગમાં હતી” સેમની બાજુમાં બેસતા ઈવએ કહ્યું.
“હા. મેં જેકને કહ્યું હતું કે તને પસંદ કરે.” સેમએ કહ્યું.
“પણ કેમ? બધા પછી એવી વાતો કરશે કે મેં તારી મિત્ર હોવાનો ફાયદો ઉઠાવ્યો.” દુઃખી થતા ઈવએ કહ્યું.
“ઈવ.. તને ખબર છે ને જેક કેવો છે. એ બસ એના કામમાં જ ધ્યાન આપશે. તો લોકો શું કહેશે એ ના વિચારીશ. આ બસ એક ટ્રેઈનીંગ છે. તું વધારે વિચારી રહી છે.” સેમએ તેને શાંત કરી.
ઈવએ માથું હલાવ્યું.
“આ તારાઓ જો. કેવા સુંદર છે ને?” સેમએ તેનું ધ્યાન હટાવવા માટે કહ્યું.
“હા. બહુ જ.” ઈવએ ખુશ થતા કહ્યું.
“આપણે પણ આમ જ છીએ. આમ તો બધા એક સાથે પણ અલગ અલગ. પોતાની એક અલગ ઓળખાણ સાથે. તું પોતાની જાતને બીજા સાથે ના સરખાવ. તું જેક માટે બરાબર છે.” સેમએ કહ્યું.
“તું સાચી છે. હું કાલથી મારી ટ્રેઈનીંગ પર ધ્યાન આપીશ. ચલ હવે ઊંઘી જઈએ.” કહી બંને રૂમ તરફ વળ્યા.
****
● જેક કેમ ઇવલીનનું નામ સાંભળીને દુઃખી થયો?
● શું ઈવ અને જેકનો સંબંધ આગળ વધશે?
ક્રમશઃ