ફરી મળીશું !!
પ્રકરણ - ૮
જ્યારે પોતાની મહેનત રંગ લાવે ત્યારે ચહેરાની ચમક આપોઆપ વધી જાય છે. ઈશાને તેની મહેનતનું પરિણામ મળી ચૂક્યું હતું. તેની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. ઇશાએ બેન્કની જોબની પરીક્ષા પાસ કરી લીધી હતી અને ઇન્ટરવ્યૂ પણ પાસ થઈ ગયું હતું. જ્યારે આજના જમાનામાં કોઈ છોકરી આવા ઊંચા સપના જોવે અને પુરા કરે એ ખૂબ જ મોટી વાત હતી. ઈશા માટે આ ફક્ત એક નોકરી ન હતી પણ તેના જીવનનું લક્ષ્ય હતું. આજે તે ખૂબ આનંદિત હતી. મને આ જણાવતા જણાવતા તેની આંખો ચમકી રહી હતી. તે આંખોમાં હું એ ખુશી નિહાળી શકતો હતો. તેના ગાલ લાલ થઈ ગયા હતા જે તેની ખુશીનું પ્રતિબીબ હતું.
" ધવન, આજે મારુ સપનું પૂરું થઈ ગયું છે. હવે આપણને આગળ વધતા કોઈ નહીં રોકી શકે " ઇશાએ કહ્યું
" ઈશા હું મારી ખુશીને શબ્દોમાં નહીં વર્ણવી શકું, એટલો ખુશ છું. બસ મારી તો એકજ પ્રાર્થના છે કે તું જીવનમાં હંમેશ આમજ ઝળહળતી રહે " મેં તેની આંગળીઓમાં મારી આંગળીઓ પરોવી તેની આંખોમાં જોતા કહ્યું.
" મને લાગે છે કે હવે આપણે આપણા પરિવારમાં તારા અને મારા સંબંધ વિશે ચર્ચા કરવી જોઈએ " ઈશા મારી સામે જોઈ કહેવા લાગી.
આ સાંભળીને થોડી ક્ષણો માટે હું વિચારોમાં ગરકાવ થઈ ગયો. ઈશાને જોબ મળી ગઈ છે હું ખુશ છું પણ મારું શું? મારી પાસે હાલમાં એવી કોઈ જોબ નથી જેનાથી થકી હું ઇશાના માબાપ સામે સક્ષમ લાગી શકું. મારા જેવા છોકરા સાથે કોઈ પણ માબાપ પોતાની દીકરી સોંપવા તૈયાર ન થાય તે હું જાણતો હતો.
" ધવન.....ધવન..... ક્યાં ખોવાઈ ગયો? " ઇશાએ મારો હાથ હલાવતા કહ્યું. હું એકદમ વિચારોમાંથી ઝબકી ગયો.
" જો મારા મમ્મીપપ્પા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે તે ક્યારેય મારી વાત નહીં નકારે. મેં આજ સુધી જ્યારે પણ તેમને મારા પર વિશ્વાસ અપાવ્યો છે તે કાર્ય પુરા વિશ્વાસથી પાર પાડ્યું છે " ઇશાએ કહ્યું.
" પણ ઈશા એમ નથી, જો તને તો બેંકમાં જોબ મળી ગઈ છે. હું હજુ આમને આમ છું કોઈ બાપ પોતાની આવી હોનહાર દીકરીને મારા જેવાના હાથમાં નહી આપે તેનો મને વિશ્વાસ છે " હું તૂટતા હૈયે મારી વેદના જણાવી રહ્યો હતો.
" ધવન, તું આવું કેમ વિચારે છે. તારી પાસે બસ એક સારી જોબ નથી એના સિવાય તારી પાસે બધુજ છે. તારી પાસે પ્રેમાળ હદય છે. તારા જેવો પાર્ટનર માંડવો એ નસીબની વાત છે." આમ કહી ઈશા મને હકારાત્મક વિચારો તરફ વાળવા લાગી.
આ સાંભળી હું હસતા હસતા કેહવા લાગો કે ઈશા એવા પણ ના વખાણ કર કે મને સાચ્ચે જ લાગે કે ઈશા જૂઠું બોલી રહી છે.
" ધવન તું એ બધી વાત છોડ, તું મને એ કહે કે તારા મમ્મીપપ્પા મને સ્વીકારશે? " ઇશાએ પૂછ્યું.
" ઈશા, મારા મમ્મીપપ્પા તને સ્વીકારવામાં પોતાનું અહોભાગ્ય સમજશે. તારા જેવી હોશિયાર, દેખાવડી, ગુણવાન છોકરી મને મળે એમાં એ મારા ભાગ્યનો લાખલાખ આભાર માનશે " મેં કહ્યું.
" તે એમને મારા વિશે જણાવ્યું છે?" ફરી ઇશાએ પ્રશ્ન કર્યો.
"ના, ઈશા હજુ મમ્મીપપ્પા આપણા વિશે કંઈજ જાણતા નથી" મેં જવાબ આપ્યો.
" હા, તો તું હવે એમને જણાવી દે "
" ના, પહેલા તું તારા ઘરે વાત કર પછી હું મારા ઘરે જણાવીશ " હું આટલું કહી ને અટક્યો.
" ધવન, હું આજે જ માર પપ્પા સાથે વાત કરીશ. મને તેમની ઉપર પૂરેપૂરો ભરોસો છે તે ક્યારેય ના નહીં પાડે " ઈશા એટલું કહીને મારા ગાલ પર કિસ કરી ઘરે જાવા માટે નીકળી.
" ઈશા હું તારા ફોનની રાહ જોઇશ " મેં કહ્યું.
*
એ દિવસે રાત્રે હું ઇશાના ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મનમાં નેગેટીવ વિચાર આવી રહ્યા હતા. શુ ઈશાન મમ્મીપપ્પા મારા જેવા છોકરાને તેમની દીકરી માટે સ્વીકારશે? નથી મારી પાસે સારી નોકરી કે નથી આમિર ખાનદાન. શા માટે તેઓ મને સ્વીકારે. મને સ્વીકારવા જેવી એક પણ ખૂબી મારામાં નથી તે હું જાણું છું. મને ઈશા પર વિશ્વાસ છે કે તે ગમે તેમ કરીને તેના મમ્મીપપ્પાને મનાવી લેશે. પણ હજુ સુધી ઇશાનો ફોન નહોતો આવ્યો માટે એ મને વધારે પરેશાન કરી રહ્યું હતું.
ટેબલ પરથી ફોન ઉઠાવી ફોન કરવાનો પ્રયત્ન કર્યો. ઈશાન ફોનમાં રિંગ નહોતી જઇ રહી. નેટવર્ક પ્રોબ્લેમ હશે તેમ સમજી હું બાલ્કનીમાં ગયો. ત્યાં જઈને મેં ઈશાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો ફોન સ્વીચઑફ બતાવી રહ્યો હતો. મારી બેચેની વધી રહી હતી. થોડા સમય વધુ રાહ જોયા બાદ મેં તેના ઘરના લેન્ડલાઈન નંબર પર ફોન કરવાનું વિચાર્યું. હિંમત કરીને મેં ફોન કર્યો, રિંગ જી રહી હતી પણ કોઈ ફોન નહોતું ઉપાડી રહ્યું. હવે મારી બેચેની નો કોઈ પાર નહોતો રહ્યો.
મને ખબર નહોતી પડતી કે શું કરવું? મેં ઈશાન ઘરે જવાનું નક્કી કર્યું પણ પછી થયું કે કદાચ મને જોઈને તેના મમ્મીપપ્પા વધારે નારાજ થઈ જશે તો? શું તેમને અમારા સંબંધની જાણ થઈ ગઈ હશે? શુ તેમને એ મંજુર નહીં હોય? આવા અઢળક વિચારો આવી રહ્યા હતા છતાં પણ હું આવી પરિસ્થિતિમાં ઈશાને એકલી છોડવા માંગતો ન હતો. હું બસ એકવાર તેને મળવા માંગતો હતો. હિંમત જુટાવી મેં ઉષાના ઘરે જવાનું નક્કી કર્યું. એક મિત્રનું બાઇક લઈને હું ઇશાના ઘરે જવા નીકળ્યો. તેની સોસાયટીની બહાર પહોંચી ઘડિયાળમાં જોયું તો રાતના 11 વાગી ચુક્યા હતા. સોસાયટીમાં એકદમ સન્નાતો છવાઈ ગયો હતો. સ્ટ્રીટ લાઈટ સિવાય બધા મકાનોમાં લાઈટ બંધ હતી. મેઇનગેટની બહાર વોચમેન બેઠો હતો. તે મને જોઈને વધારે સતર્ક થઈ ગયો. મેં સોસાયટીમાં પ્રવેશ કરવાની કોશિશ કરી પણ તેને મને ત્યાંજ બહાર થોભાવી દીધો. મેં આમતેમ ભાન કાઢી અંદર જાવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તેણે મને અંદર પ્રવેશવા દીધો નહીં.
થોડીવાર સુધી હું ત્યાંજ ઉભો રહ્યો પણ તે વોચમેન મને બિલકુલ ઢીલાશ મુકતો ન હતો. આખરે હારમાની હું બીજા કોઈ ઉપાયની શોધમાં ત્યાંથી થોડે દુર ખસી ગયો. સોસાયટીના મેન ગેટથી થોડે દુર બાઇક સ્ટેન્ડ કરી તેના ઉપર બેઠો. અંદર જવાના વિચારમાં હું આખી સોસાયટીની ચારે બાજુ ફરી આવ્યો પણ અંદર જવાનો કોઈ રસ્તો મળ્યો નહી. પાછળથી જવાનું વિચાર્યું પણ ત્યાં ઊંચી દીવાલ ચણેલી હતી અને એની ઉપર કાંટાળા તારની વાડ કરેલ હતી. હવે મારી પાસે સોસાયટીમાં ઘૂસવા માટે કોઈ ઉપાય રહ્યો ન હતો. છેલ્લે હતો ત્યાં બાઇક પર આવીને પાછો બેસી ગયો. ત્રણ કલાલ જેટલો સમય વીતી ગયો હતો હું હજુ પણ ત્યાંજ હતો. ઠંડો પવન વહી રહ્યો હતો જેથી મને ઠંડી લાગી રહી હતી. ઠંડીના કારણે મારુ શરીર ધ્રુજી રહ્યું હતું. વોચમેનની નજર હજુ પણ મારી ઉપર હતી. થોડા સમય પછી પેલો વોચમેન મારી નજીક આવ્યો. મારી આવી ધ્રૂજતી હાલત જોઈને કદાચ તેને મારા પર દયા આવી હશે. તેણે મારા તરફ ચાનો કપ ધર્યો. મેં ધ્રુજતા હાથે ચાનો કપ લઈને ફટાફટ ચા ગટગટાવી લીધી પછી તે વોચમેનને મારી હાલત સમજાવી. તેને હવે મારા ઉપર થોડો ભરોસો આવવા લાગ્યો હતો. થોડીવાર વિચાર્યા પછી તેણે મને જણાવ્યું કે તમે જેના ઘરે જવા માટે જીદ્દ કરી રહ્યા છો તે ઈશા બહેનના ઘરે આજે કોઈ બીમાર થઈ ગયું છે. તેમના ઘરના બધા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ગયા છે માટે અત્યારે એમના ઘરે લોક લગાવેલું છે. ઘરે કોઈ છે નહીં.
હોસ્પિટલનું નામ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ લાગ્યું. ઈશાને શુ થઈ ગયું હશે? બસ આજ વિચાર પહેલો મારા મગજમાં આવી ગયો. હું વોચમેન પાસેથી હોસ્પિટલનું નામ જાણીને ફટાફટ એ તરફ મારુ બાઇક ભગાડ્યું. ઘડિયાળમાં જોયુતો રાતના 2:30 વાગી ચુક્યા હતા. મારુ બાઇક હોસ્પિટલ તરફ જઈ રહ્યું હતું. શિયાળો હોવાથી ઠંડી પણ વધારે હતી છતાંપણ આટલી રાત્રે મને બિલકુલ ઠંડી નહોતી લાગી રહી ઉલટાનું પરસેવાના રેલા મારા કપાળથી ગાલ પર ઉતરી રહ્યા હતા. હોસ્પિટલના ગેટની અંદર પ્રવેશ કરવા જતો જ હતો ત્યાં મને વોચમેને રોકી દીધો. ઘણીબધી રિકવેસ્ટ કર્યા બાદ તરત પાછા ફરવાની શરતે અંદર જવા દીધો. હોસ્પિટલની અંદર પ્રવેશતાની સાથે હું રિસેપ્સનિસ્ટ ના ટેબલ આગળ આવી ચડ્યો પણ ત્યાં કોઈ હાજર ન હતું. મારી અધીરાઈ ખૂબ વધી રહી હતી. હું દોડીને ઈમરજન્સી વોર્ડ તરફ ભાગ્યો ત્યાં પણ એક બે અકસિડેન્ટ પેશન્ટ સિવાય કોઈ હતું નહીં. હું આમતેમ દોડી બધી રૂમોમાં જોવા લાગ્યો. મને ક્યાંય ઈશા કે તેના પરિવારની ભાળ મળી નહીં. છેલ્લે મને એક સફાઈવાળા બહેને કીધું કે આઇસીયુમાં ત્રણ કલાક પહેલા એક ઈમરજન્સી કેસ આવ્યો છે તો હું દોડી આઇસીયું તરફ ભાગ્યો.
વોર્ડમાં દાખલ થયાની સાથે જ મારી નજર ઇશાના મમ્મીપપ્પા ઉપર પડી. ઇશાના મમ્મી ઇશાના પપ્પાના ખભા ઉપર માથું મૂકીને બેસી રહ્યા હતા. તેમની આંખોમાંથી વહેલા આંસુના ડાઘ હજુ પણ તેમના ચહેરા ઉપર તાજા હતા. તેમના વિખરાઈ ગયેલા વાળ તેમના આક્રંદની પરિસ્થિતિ બતાવી રહ્યા હતા. ઇશાના પપ્પાનો ચહેરો પણ એકદમ ગંભીર લાગી રહ્યો હતો. તેઓની આવી હાલત જોઈને મારા દિમાગમાં ઈશા માટે ખોટા વિચારો વહેવા લાગ્યા હતા. મારુ હૈયું બેસી ગયું હતું.
મેં જેવી ઇશાના મમ્મીપપ્પાની નજીક જવાની કોશિશ કરી તેવી જ તેમની નજર મારા ઉપર પડી. ઇશાના પપ્પાનો ચહેરો મને જોઈને લાલ થઈ ગયો હતો. તેમણે મને ત્યાંજ થોભી જવા કહ્યું. હું એશા વિશે કાંઈ પૂછું એ પહેલાં તેમણે મારા ગાલ પર બે લાફા ચોંટાડી દીધા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ઈશાની આવી હાલત પાછળ તેઓ મને જવાબદાર ગણી રહ્યા હતા. તેમણે મને જણાવ્યું કે મારા કારણે જ ઈશાની આવી પરિસ્થિતિ છે.
" ધવન, તું ઈશાની જિંદગીમાંથી દૂર થઈ જ એમાજ ઈશાની ભલાઈ છે. તારા કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ બધાની પાછળ ફક્ત અને ફક્ત તુજ જવાબદાર છે" ઇશાના પપ્પાએ કહ્યું.
" અંકલ, ઇશાતો મારી સાથેથી ખુશીથી ગઈ હતી. એ આજે અમારા બન્નેના સંબંધ વિશે તમને જણાવની હતી. અમે આજે બપોરે મળ્યા ત્યારે પણ એ મરાઠી ખુશ હતી. અંકલ, તમે જૂઠું બોલી રહ્યા છો. ઈશા મારા જેવા ગરીબ અને નોકરી વગરના સામાન્ય છોકરાને પ્રેમ કરે છે માટે તમારાથી એ સહન નથી થતું એટલે તમેજ તેની સાથે કઈક કર્યું હશે? " મેં કહ્યું. હું આવેશમાં ઇશાના પપ્પા સામે શુ બોલી રહ્યો હતો તેનું પણ મને ભાન ન હતું.
" ચૂપ થઈ જ નાલાયક, તને શું લગે છે. હું મારી ફૂલ જેવી દીકરીને તારા જેવા મામૂલી છોકરા માટે આ હાલતમાં મૂકું. ઇશાએ પણ હવે જણાવી દીધું છે કે તે તારી સાથે રહેવા નથી માંગતી " ઇશાના પપ્પાએ ગુસ્સામાં મને કહ્યું. આ સાંભળીને મારા શરીરનું લોહી નદીના પુરની જેમ વહેવા લાગ્યું હતું. મારી આંખો પહોળી થઇ ગઇ હતી. મને માન્યામાં નહોતું આવી રહ્યું કે ઈશા મારા વિશે આવું કહેશે.
" તમે ખોટું બોલી રહ્યા છો. ઈશા મને આમ ક્યારેય ના છોડી શકે, મને વિશ્વાસ છે ઈશા ઉપર. ક્યાંક ને ક્યાંક કઈક ખોટું થઈ રહ્યું છે. તમે મને એકવાર ઈશા સાથે મળાવો." મેં કહ્યું.
" ઈશા તારું મોઢું જોવા પણ તૈયાર નથી. તને એકવાર કીધું તો ખબર નથી પડતી. જો હું વધારે તમાશો કરવા નથી માંગતો. તું બને એટલો જલ્દી અહિયાથી ચાલ્યો જા નહીંતર મારે ના છૂટકે સિક્યુરિટી ગાર્ડને બોલાવી તને ધક્કા મારી અહિયાથી બહાર કઢાવવો પડશે " ઇશાના પપ્પાનો ગુસ્સો હોવી વધી રહ્યો હતો.
" તમે સિક્યુરિટી બોલાવો કે પોલીસ. હું ઈશાને મળ્યા વગર હિયાથી એક ડગલું પણ હટવાનો નથી " મેં પણ લડી લેવાના મૂળમાં જણાવ્યું.
" જો બેટા, ઈશાની સ્થિતિ ખૂબ નાજુક છે તું એનું ભલું ઈચ્છતો હોય તો હિયાથી ચાલ્યો જા. ઈશા હોવી તારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતી " ઇશાના મમ્મી રડતા રડતા મને કહેવા લાગ્યા.
" આંટી, હું પણ ઈશાને એટલી જ ચાહું છું જેટલી તમે. મારા મતે ઇશાથી વધારે આ દુનિયામાં બીજું કાંઈ નથી. હું આપના પગ પકડું છું બસ એકવાર ફક્ત એકવાર મને ઈશાને મળવા દો. ઈશા કહેશે તો હું અબઘડી હિયાથી ચાલ્યો જઈશ " મેં આંટીના પગોમાં બેસીને રડતા રડતા કહ્યું. ઈશાને શુ થયું છે ? કેમનું થયું છે? ઈશાની હાલત શુ છે ? મને કંઈજ ખબર નહતી.
" ચાલ, ઉઠ ઉભો થા. આવ મારી સાથે " ઇશાના પપ્પા ગુસ્સામાં મારો હાથ પકડીને ઢસડીને રૂમ તરફ લઈ જવા લાગ્યા. રૂમનો દરવાજો ખોલતાની સાથે ઈશાને પથારીમાં જોઈ મારુ શરીર શુસ્ત થઈ ગયું. ઇશાના મોઢામાં ઓક્સિજન માસ્ક લાગેલું હતું. ઈશાની નજર મારા તરફ પડતાની સાથે તેની આંખોમાંથી આંસુના મોજા છલકવા લાગ્યા.તેના હદયના ધબકારા વધારે સ્પીડમાં ધબકવા લાગ્યા. તેણે આંખોના ઇશારાથી મને તેની નજીક બોલાવ્યો. હું તેની નજીક ગયો. તેણે હળવેથી એક હાથ ઊંચો કરી અને તેનો માસ્ક હટાવ્યો. તેની નજીક બોલાવીને મારા કાનમાં ફક્ત એટલુંજ કહ્યું કે ધવન હવે હું તારી જિંદગીમાં નહીં રહી શકું. તું મને ભળી જજે. તે સ્પષ્ટ બોલી પણ નહોતી શકતી.
" ધવન, આપણે સાથ બસ અહીંયા સુધી જ હતો. આપણે ફરી મળીશું !! કે નહીં તે મને નથી ખબર પણ આપણે હોવી સાથે નહીં રહી શકીએ " ઇશાએ કહ્યું.
આ બધું મારા માટે એક સપના જેવું હતું. ફક્ત 12 કલાકમાં મારી જિંદગી આખી બદલાવા લાગી હતી. હું કોઈ સપનામાં હોવ તેવું લાગી રહ્યું હતું. મને કાઈ ખબર જ નહોતી પડી રહી કે મારી સાથે શુ થઈ રહ્યું છે.
" ઈશા કોઈપણ કરણ વગર આમજ બસ એકક દિવસમાં તું મને રિઝળતો મૂકી દઈશ. 10 કલાકમાં એવું તો શું બન્યું કે તું મને તારાથી દૂર કરી રહી છું. તું કાલે સાજી થઈ જઈશ અને કદાચ આજીવન બીમાર રહીશ તો પણ હું તારી સેવા કરવા તૈયાર છું પણ મને આમ તરછોડીશ નહીં. " મેં કહ્યું.
" મને કોઈ તકલીફ નથી કે નથી કોઈ બીમારી. ડોકટરે કીધું છે કે મને બે દિવસમાં રજા મળી જશે પણ હું મારા માબાપને દુઃખી કરીને તારી સાથે જીવન નહીં જીવી શકું, બસ આથી આગળ મારે કાંઈ નથી કહેવું " ઇશાએ કહ્યું.
" તું અહિયાથી ચાલ્યો જા અને મને ભૂલી જજે બસ એજ મારી છેલ્લી ઈચ્છા છે " ઇશાના આ શબ્દો સાંભળીને તેના પપ્પાએ મારો હાથ પકડીને મને રૂમમાંથી બહાર ધકેલી દીધો. સિક્યુરિટીવાળા મને પકડીને હોસ્પિટલની બહાર ફેંકી ગયા અને કહ્યું કે ફરી અહીંયા આવ્યો તો તારા હાથ પગ તોડી નાખીશું.
મારી સાથે શુ થઈ રહ્યું હતું મને જ નહોતી ખબર. આટલા વર્ષોનો પ્રેમ એક ક્ષણમાં નષ્ટ થઈ જશે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. મારી આંખોમાં આંસુ વહી રહ્યા હતા. મારા ગળામાંથી એક શબ્દ પણ નહોતો નીકળી રહ્યો.
હું સવાર સુધી ત્યાંનો ત્યાં રોશની સાઈડમાં ગેટની બહાર પડ્યો રહ્યો. બીજા દિવસે બપોર સુધી હું ત્યાંજ હતો. મારી હાલત ભિખારી જેવી લાગી રહી હતી. આવતા જતા લોકો પણ મારી સામે જોઈ રહેતા હતા. ફક્ત એક દિવસમાં મારી જિંદગી બદલાઈ ગઈ હતી. મારુ સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. હું આક્રંદ કરી રહ્યો હતો. છેલ્લા 48 કલાક માં મેં પાણીની એક બુંદ પણ લીધી ન હતી. મારી આંખો ભારે ભારે લાગવા લાગી અને હું ત્યાં બેહોશ થઈ ગયો. પછી ત્યાંથી કોણે અતુલ અને કૃણાલને જાણ કરી અને હું મારી રૂમ પર પહોંચ્યો એ કશુંજ મને ખ્યાલ નથી.
મમ્મીપપ્પા બસ આજ હતી મારી છેલ્લા પાંચ વર્ષની જિંદગી. મારી આત્મહત્યા કરવાનું કારણ બીજું કંઈ નહીં પણ ઈશાની જુદાઈ હતી. હું જિંદગીથી હાર મણિ ચુક્યો છું. ઈશા વિનાની જિંદગીની હું કલ્પના પણ નથી કરી શકતો.
...............................( ક્રમશઃ )..................................
- રોહિત ભાવેશ