દિવાળી છટકી ને દેવદિવાળી મલકી..!
શ્રીશ્રી ભગાના મગજની ધરીનું કાંઈ નક્કી નહિ. ક્યારે છટકે, ક્યારે મલકે ને ક્યારે અટકે..? કોરોના જેવું નહિ કે, ચૂંટણી ને તહેવાર આવે એટલે અટકી જાય, ને પછી બેફામ થાય. જોગાનુજોગ ઘરવાળીનું નામ પણ દિવાળી. મૂળમાં દિવાળી એને ધારે જ નહિ..! જેમ તેમ ઘક્કો મારીને દિવાળી (તહેવારને) કાઢી હોય એમ, આજે પણ એનું માગઃ ધરી ઉપર ફરતું નથી. કહેવાય છે કે, શ્રીશ્રી ભગાને છટકેલા મગજ સાથે માણવો એ પણ એક લ્હાવો છે..! ચાલો માણીએ..!
રમેશીયા..! દિવારી હુધી તો સહન કયરું, તું હવે અડફટમાં આવતો જ ની..! બજારમાં તો ઠીક મારા ભેજામાં પણ મંદી આવી ગેઈલી સે એ ની માને...! મગજ ટપેલું ને ટપેલું રે’તું સે હંઅઅકે.? એટલે મગજમારી તો કરટો જ ની..! ની તો એવો બોમ ફોરા કે, કોઈનું બી સુરસુરિયું થેઈ જાહે..! સીધે પાટે ચાલતું મારું ભેજું હવે બીજા ભેજામાં ભેરવાઈ ગેયલું સે..! એમાં કોરોના કાં હંતાઈ ગેયલો તે પાસો ઉભો થયો..! વલહાડ જીલ્લાના બધાં દરિયાઈ હું પાપ કરેલા તે, દરિયાને ડોકાવવાનું પણ બંધ થેઈ ગીયું..! માટે ખબરદાર જો કોઈએ બી મારા ભેજામાં હોરી હલગાવવાની તરાઈ કરી સે તો. એક તો કોરોનાએ એવી પત્તર ફારી નાખી કે, આખા શરીરમાં મોતિયો આઇવો હોય, એમ શરીર બી કામ ની કરે, ને ભેજું બી કાટ ખાઈ ગીયું..! મસાક પે’રી-પે’રીને મારું તો મોરું બી હુણવા આઈવું, તો યે સાલો કોરોનો ઉઠતો નથી. એના કપારમાં કાંદા ફોરૂ, મને નથી લાગતું સાલો દેવ-દિવારી ને હોરી હુધી પણ જાય. હોરીને બદલે તને ને મને હલગાવીને જ જવાનો કે શું..? એની માને, જે કાઢી તેને કોઈ દિવારી કે’ય કે..? એમાં ઘેર આવીને ઘેર આવીને તું, પાછો ઘરવારી આગર. ખાખરા-ઘૂઘરા-ખરખરિયા-ચકરી કે મીઠાઈનો ભીંડો કાઢવા બેઠેલો...! એક તો સરકારી અનાજમાં જીવવાનું, ને લોકોના સુરસુરિયા જોયા કરવાના. તેં ઘેર આવીને જોયું ને, કે દીવારીમાં ઝબુકીયાને બદલે, દોરડી ઉપર ઘરવારાના લુંગરાં ટીંગાતા ઉતા..! ઓય, એ જ અમારા તોરણીયા ને એ જ અમારી સેનીમની..! એને સેનીમની નહિ કહેવાય, ભગેશ...! સેરેમની કહેવાય..! એની માને જે કે’વાય તે..! સીધી જ વાત કરું કે, આ વરહે દીવારીનું બહુ ઘેલું જ ની ઉતું...! ધંધા-પાની લોકદાઉન તો જા, દિવારી બી લોકદાઉન..! ઉ બી યાર, ફટાકરા જેવો થેઈ ગીયો સુ, ફૂઈટો તો ફૂઈટો, ને અવાય ગીયો તો અવાય ગીયો..! મઇલો તે ફટાકરો ફોરવાનો, ની તો પસી તમાચો મારીને ગાલ લાલ રાખવાનો, લોકોને તો લાલી જ જોવા જોઈએ ને..! ધત્ત્ત તેરીકી..!’ દીવારીના કપડાં ધોવાં કહારીને અવે દેવ-દિવારી આવવાની. પંદર દહાડામાં હું કાંદો કૈધો કે, હવે એમાં થનગનવાનું..! એ એકબાજુ કોરોના તો ફૂંફાડા જેવો મારે..!
શ્રીશ્રી ભગાને આટલો ગુસ્સામાં મેં ક્યારેય નહિ જોયેલો, બે વાર એના વિવાહ તૂટી ગયેલા ત્યારે પણ આટલો નહિ બગડેલો. આજે તો ગજબ કરી ભાઈ..! મેં એને શાંત કરવાના અથાગ પ્રયત્ન કર્યા. ચાર-પાંચ આઈસ્ક્રીમ ને બે-ત્રણ ઠંડા પીણા પણ પેટમાં નંખાવ્યા, થાય એવું કે, નાનું મગજ શાંત થાય તો મોટું ધમાલ કરવા માંડે. એમાં મારા મગજનું ફાલુદો તો નહિ, પણ કોરોનાનો કાઢો થઇ ગયું..! માંડ એનું મગજ બરફ થયું, ત્યારે મને કહે, “ રમેશીયા..! આ તે સાલી જિંદગી સે ? એક કંટાળેલો માણહ હૂં ધૂર દિવારી ઉજવે? માણહ દીવારીમાં લુગરા હિવડાવવા જાય કે, દીવારીમાં ભજીયા તરવા જાય. એમાં બેંકવારા તો એવાં ભીંડા કહારે કે, જાણે આપણને જ વિજય માઈલાના સીધી લીટીના વારસદાર ની હોય..? ભગેશ..! વિજય માઈલા ની, વિજય માલ્યા...! “ એ જે હોય તે, બધું હરખું જ..! સાલા કેવાં-કેવાં કાયદા લાવે..? લગન ચારવાર કરો તો વાંધો ની, પણ બેકમાંથી ચોથીવાર આપરા જ રૂપિયા ઉપારવા ગીયો તો દંડ..! સાલી મેરી બોલાડી મુઝસે જ મ્યાઉં...! એના કપારમાં..! કંટારેલો માણસ હૂં કારેલા દિવારી ઉજવવાનો..? આ લેંઘો ૪૮ મી વખત દીવારીમાં મેં પે’રી કાઇઢો બોલ..? લગન વખતના લેંઘા બી હૂં જીવ લાવે યાર..? એક લેંઘામાં ૪૭ દિવારી કા’રી. ને હવે આ ૪૮ મી દિવાળી બી લગન વખતનો લેંઘો પે’રીને જ કાઈઢો..! લોકો માણહની ગોલ્ડન જબેલી ઉજવે હું બે વરહ પછી આ લેંઘાની ગોલ્ડન જબેલી ઉજવવાનો સું..! ‘’ભગેશ..! ગોલ્ડન જબેલી ની, ગોલ્ડન જ્યુબીલી કહેવાય..!’’ એ જે હોય તે..! બધું હરખું જ..!
તને તો ખબર કે, સાદગીવારા લખણ તો મારામાં મુદ્દલે ની મલે..! છતાં, પૈણવા ગેયલો ત્યારે કફની-પાયજામો પે’રીને જ હું ગેયલો બોલ..! તીયારથી હું મારા હહરાની આંખે ચઢી ગેયલો. હહરો એમ પણ બોલેલો કે, આ બબૂચકમાં ઉં કાં ભેરવાઈ ગયો..! જે મારા કાનોકાન હાંભરેલું..! પેહલી દીવારીએ પગે લાગવા ગેઈલો, ત્યારે હહરાજી એ દીવારીની બોણીમાં શૂટ આપેલો, ને બંદા રંગાખુશ થેઈ ગયેલા..! બીજા વરહે બી શૂટ આપહે એમ માનીને ગીયો ને, ગયા વરહ કરતાં પગે લાગવાની આખી ઈસ્ટાઈલ બદલીને, શરીરના જેટલા ભાગ વાંકા વરે એટલા વારીને, લાંબો થૈને પગે લાઈગો તો, શૂટને બદલે પાયજામાનું કપરું પકરાવિયું. એના કપાળમાં કાંદા ફોડું, ત્રીજે વરહે ચડ્ડી બનિયાન, ને ચોથે વરહે, ખાલી ટુવાલ પકરાવ્યો..! સંબંધમાં કોઈ ઘટારો ની, પણ ભેટ આપવાની બાબતે ધરખમ ઘટાડો થતો ગીયો. મઝાની વાત કરું તો, લગનના ૨૫ વરહ થીયા, તીયારે પગે લાગવા ગીયો તો, હહરાએ બહાર ઉભેલી નવી નકોર ગારી બતાવી. મને થયું કે, નક્કી આજે ગારી પાકવાની. મને કહે, ‘ ભગેશલાલ..! આ ગારીનો કલર કેવો લાગે છે..? કલર હાવ કારો ડીબાંગ, સતા મેં કે’યુ ‘ મસ્ત કલર છે, વડીલ..! મને કે; તમારી લગનની ‘સિલ્વર-જબેલી’ માટે મેં આજ રંગની તમારા માટે ટોપી લીધી છે..! એના કપારમાં કાંદા ફોરું, કાપો તો લોઈ ની નીકરે, એવી હાલત થેઈ ગેઇ બોલ..!
આવું બધું સાંભળીને, પછી તો મારી આંખમાં પણ ઝળહળિયા આવી ગયા દાદૂ..! માણસ ક્યાંથી દિવાળીમાં ધંધે લાગે..? બધાં જ એમ કહે કે, ધંધે લાગી જાવ. પણ આવી દશામાં શું ધૂળ ધંધે લાગે..? ચૂંટણીઓ ઉઘડે એટલે નેતાઓ કહે, ’ધંધે લાગી જાવ..!’ નિશાળ ખુલે એટલે, શિક્ષકો કહેશે, ‘ ધંધે લાગી જાવ,,! લગનના મૂહર્ત નીકળ્યા એટલે પૈણવાવાલા કહેશે, ધંધે લાગી જાવ..! દિવાળી આવી એટલે ઘરવાળી કહે, ‘ઉઠો જાગો ને ધ્યેયની પ્રાપ્તિ સુધી માળીએ ચઢો, ને ધંધે લાગી જાવ..!’ એક તો કોરોનાની કૃપાથી ઘરમાં બેઠાબેઠ ફાંદ વધી હોય, લુંગી કે બરમૂડા સિવાય બીજું પહેરવાની ફાવટ આવી ગઈ હોય, એમાં દિવાળી આવતાં માળીયા સાફ કરવાના આવે એટલે, હિપોપોટેમસને માળીએ ચઢાવીને નવડાવવાનો ‘ટાસ્ક’ આવ્યો હોય એટલું અઘરું લાગે.. એમાં અમારા ઘરનું તો માળિયું પણ નહિ કહેવાય..! ઘરવાળી પિયરથી કપડા ભરીને જે પેટી લાવેલી, એ પેટી પણ માળિયા કરતાં મોટી..! માળિયાને કાતરીને મીની કાતરીયું બનાવ્યું હોય એવું જ લાગે. ગયા વરસે આવું કાતરીયું સાફ કરવા ચઢેલો, એમાં એવો ફસાયેલો કે, બંબાવાળાની હેલ્પ લેવી પડેલી. શિયાળામાં હજી કમ્મર જવાબ આપે છે બોલ્લો..! આ દિવાળી એટલે ઘરવાળાનો બદલો લેવાનો તહેવાર પણ ખરો હંઅઅઅકે..? એકબાજુ પૈસાનો ધૂમાડો, બીજી બાજુ ફટાકડાનો ધૂમાડો....! એમાં સાલી સાલમુબારકની વિધિ તો રામ જાણે કોણે કાઢી હશે....? સાલમુબારક કરવા લોકો આવે કે, એમના ખરજવા ભેટ આપવા એ જ નહિ સમજાય..! એમનું ખરજવું ચોંટાડીને આપણને ધંધે લગાડી જાય..! સાલમુબારક ઉઘડે એટલે સવારથી લોકો મંડી પડે કે, આપનું નવું વર્ષ આપને ફળદાયી, સફળદાયી, મંગલદાયી, ને સુખદાયી નીવડે. ને તમારે ત્યાં લક્ષ્મીનો ભંડાર રહે...! થયું એવું કે, મારી કામવાળીનું નામ લક્ષ્મી, દિવાળી ગઈ ને આજે દશ દિવસ થયા, એ લક્ષ્મી પણ મારા ઘરે પાછી ફરી નથી...! શ્રી રામ જાણે એ ક્યાં રફુચક્કર થઇ ગઈ ઘોંચું ‘લક્ષ્મીના ભંડાર’ ની શુભેચ્છા આપે બોલ્લો..!
આ બધી વિધિ જ કહેવાય ભાઈ...! બાકી, એકેકના ચહેરા ઉપરના મ્હોરાં ઉતારીને જોઈએ તો. પોતીકું કોઈ નહિ લાગે. અમુક તો હજી મને યાદ છે કે, સાલા સાલમુબારક કરવા આવેલા કે, મને પોત નાંખવા આવેલા..? ચહેરા તો સાવ ફિક્કાફસ્સ જ હોય..!
જે હોય તે ઘરમાં જ રહેજો બાપલા..! કોઈનું સાંભળતા નહિ. ને બહાર નીકળતા નહિ. ગાંધીજીના ત્રણ વાંદરાની માફક મોઢે તો પાટો બાંધતા જ છે. જરુર જણાય તો આંખે ને કાને પણ પાટા બાંધજો. આપણે કોરોનાને કાઢવાનો છે, જમાઈની માફક પાળવાનો નથી...!
મતલબકી હૈ દુનિયા યહાં, કૌન કિસીકા હોતા હૈ,
ધોકા વોહી દેતા હૈ જીસપે જ્યાદા ભરોસા હોતા હૈ
_________________________________________________________________________