Pag Par Kuhadi in Gujarati Short Stories by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” books and stories PDF | પગ પર કુહાડી

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પગ પર કુહાડી

લેખક : - મનીષ ચુડાસમા

“સ્નેહનું પવિત્ર ઝરણું”

દુનિયામાં અમુક વ્યક્તિ પોતાને મહાન માનતી હોય છે. એટલી હદે મહાન કે, ‘હું જ કંઈક છું. હું જે કરું તે બધું બરાબર જ હોય. મારી જેવું કોઈ કરી જ ન શકે. મારી જેટલું હોશિયાર આ દુનિયામાં બીજું કોઈ છે જ નહિ.’ આવા લોકો જાતે કરીને પોતાનાં પગ પર કુહાડી મારતા હોય છે અને કેટકેટલીય ઠોકર વાગવા છતાં પણ, હું પણું કદી નથી મૂકતાં હોતાં.

૩ વર્ષ પહેલાની આ ઘટનાનો હું સાક્ષી છું. મારા કુટુંબી સુરેશદાદાની સાળી વર્ષાબહેનની દીકરી ભાવિનીને જોવા માટે મહેમાન આવવાનાં હતાં. વર્ષાબહેનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતાં. ભાવિની સૌથી મોટી હતી. વર્ષાબહેન અમદાવાદમાં મણિનગરમાં રહેતા હતાં. વર્ષાબહેનનાં પતિનું કેન્સરની બીમારીને લીધે ૬ મહિના પહેલાં જ મૃત્યુ થયું હતું. કુટુંબમાં જેઠ જેઠાણી હતાં, પણ પતિનાં મૃત્યું પછી વર્ષાબહેને જેઠ જેઠાણી સાથે સંબંધ રાખ્યા ન હતાં, તેથી મહેમાન આવવાનાં હતાં એ દિવસે સવારે વર્ષાબહેને સુરેશદાદાને ફોન કરીને જાણ કરી અને ઘરે આવવાં કહ્યું હતું.

એ દિવસે સાંજે ૪:૩૦ વાગ્યે સુરેશદાદા વર્ષાબહેનનાં ઘરે પહોંચી ગયાં. અડધો કલાક પછી મિનેશ અને એનું ફેમિલી પણ આવી ગયું. ભાવિની પાણી લઈને આવી. મિનેશ અને ભાવિનીએ એકબીજાને પસંદ કરી લીધાં. સુરેશદાદાએ મિનેશનાં પિતા સાથે વાતચીત કરી. નામ, ગામ અને જરૂરી પૂછપરછ કરી અને ચા નાસ્તો કરાવીને માનભેર વિદાય કર્યા.

૪ દિવસ પછી વર્ષાબહેન, ભાવિની અને સુરેશદાદા બંને પક્ષ તરફની વચેટ વ્યક્તિને લઈને મિનેશનાં ઘરેય જઈ આવ્યાં. બંને પક્ષ તરફથી એકબીજાને અનુકૂળ હતું. મિનેશનાં પિતા તરફથી ફાઇનલ હા નો જવાબ પણ આવી ગયો હતો, પણ મિનેશ અને એનાં ફેમિલી વિશે જાણવાનું બાકી હતું. મિનેશ અને એનું ફેમિલી અમદાવાદમાં જ રહેતું હતું, અને એ લોકોનું મૂળ ગામ બાવળા હતું.

સુરેશદાદાએ બાવળા એક સંબંધીને ફોન કર્યો. મિનેશ અને એના પિતાનું નામ જણાવી વિગતવાર વાત કરી. સંબંધીએ સુરેશદાદાને જણાવ્યું કે, “તમે જે છોકરાની વાત કરો છો, એ છોકરાને માનસિક બીમારી છે. આમ જોવામાં અને વાતચીત કરવામાં ખ્યાલ નહિ આવે, પણ જ્યારે તકલીફ થાય છે ત્યારે છોકરાને બે બે મહિના સુધી તો વળી ક્યારેક ૪ મહિના સુધી હોસ્પીટલમાં દાખલ રાખવો પડે છે. હું એ લોકોને બહુ સારી રીતે ઓળખું છું.”

સંબંધીએ મિનેશ વિશે જે માહિતી આપી હતી, એ માહિતી સુરેશદાદાએ વર્ષાબહેન અને ભાવિનીને એનાં ઘરે જઈને જણાવી.

સુરેશદાદાની વાત સાંભળી ભાવિનીએ કહ્યું, “શું માસા, કેટલાય મુરતિયા જોયા પછી માંડ એક પસંદ પડ્યો અને એમાં વળી તમે આવા સમાચાર લઈને આવો છો.”

સુરેશદાદાએ કહ્યું કે, “મને મિનેશ વિશે જે બીમારી જાણવા મળી, એ હકીકતની મારે તમને જાણ કરવી એ મારી ફરજ છે.” મા દીકરીને સુરેશદાદા સારી રીતે જાણતાં હતાં. બંને પોતાનું જ ધાર્યું કરવા વાળા હતાં એની એમને ખબર હતી, પણ જે સત્ય જાણવા મળ્યું હતું એ જણાવવું સુરેશદાદાની ફરજ હતી, એથી સુરેશદાદાએ વધારે ચર્ચા ન કરતાં મિનેશ વિશેની બીમારી જણાવી મા દીકરીને ચેતવી દીધાં.

આ વાત થઈ એનાં ૭ દિવસ પછી સુરેશદાદા પર વર્ષાબહેનનો ફોન આવ્યો. કહ્યું કે, “આ સોમવારે ભાવિનીની સગાઈ છે, તો તમારે બધાએ આવવાનું છે.”

“ક્યાં નક્કી કર્યું ?” સુરેશદાદાએ પુછ્યું.

“મિનેશ સાથે.” વર્ષબહેને કહ્યું.

“સારું, અમે લોકો આવી જઈશું.” ‘જાતે કરીને પગ પર કુહાડી મારે છે’ મનમાં બોલતા સુરેશદાદાએ ફોન કટ કરી નાખ્યો.

૭ દિવસ પછી ભાવિનીની સગાઈ થઈ ગઈ. સગાઈ અને લગ્ન વચ્ચેનો ૨ મહિનાનો ગોલ્ડન ટાઈમ ભાવિની અને મિનેશે મનભરીને માણ્યો. દિવસ આખો મેસેજમાં ચેટ કરવું. રાત્રે ૨:૦૦ વાગ્યા સુધી વિડીયો કોલિંગમાં વાતો કરવી. હાથમાં હાથ પકડીને ગાર્ડનમાં ફરવું. અઠવાડિયામાં એકવાર મૂવી જોવા જવું.

૨ મહિના પછી ભાવિની અને મિનેશનાં ધામધુમથી લગ્ન થયાં. ધામધૂમ તો ખાલી કહેવા ખાતર જ કહી શકાય. લગ્નમાં વર્ષાબહેન તરફથી માંડ ગણ્યાગાંઠયા ૧૫ મહેમાન હશે. એમાં એક હું પણ હતો.

ભાવિનીનાં લગ્ન થયાનાં ૪ મહિના પછી સુરેશદાદાને એક સંબંધીએ જણાવ્યું કે, ‘તમારી સાળી વર્ષાબહેનની દીકરી ભાવિનીનાં છૂટાછેડા થઈ ગયાં. લગ્ન પછી ખબર પડી કે, છોકરાને માનસિક બીમારી છે એટલે ભાવિનીએ છોકરાને છૂટાછેડા આપી દીધાં.’

આજે આ ઘટનાને ૩ વર્ષ થઈ ગયાં, પણ આજ સુધી ભાવિનીનાં છૂટાછેડા વિશે વર્ષાબહેને સુરેશદાદાને કોઈ જ જાણ કરી નથી અને સુરેશદાદાએ પણ ભાવિનીનાં છૂટાછેડા વિશે વર્ષાબહેનને કદી પુછ્યું નથી.

(સત્ય ઘટના, પાત્રોનાં નામ બદલ્યાં છે.)

*********