એક અંધારા ઓરડામાં તે ઉભો હતો. તેને શરીર પર એક લાંબો કાળો કોટ પહેરી રાખ્યો હતો. જે જમીન સુધી અડતો હતો.
“શું થયું આ બધું તને?” જેવો કરન હાંફતો તે ઓરડામાં દાખલ થયો તેવું તેણે પાછળ ફરીને કહ્યું.
તેનો ચહેરો તો સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો. પણ અંધારામાં તેની લાલ આંખો ચમકી રહી હતી. તે એક વેમ્પાયર હતો.
“બોસ.. આ એ ક્યુરેટરના માણસોનું કામ છે.” માથું ઝુકાવી કરનએ કહ્યું.
“ક્યુરેટરની હિંમત દિવસે દિવસે વધી રહી છે. તેમને એક ઝટકાની જરૂર છે. હવે આ સંસ્થાનો નીચે પડવાનો સમય આવી ગયો છે.” ખુરશી પર બેસતા તેણે કહ્યું.
“ખાલી હું જ બચ્યો છું. બાકી બધા માણસો પકડાઈ ગયા છે.” કરનએ કહ્યું.
“એનાથી મને કોઈ ફર્ક નથી પડતો. મેં તને જે કામ આપ્યું હતું એ થયું કે નહિ?” તેણે ગુસ્સામાં કહ્યું.
“હા. એ કામ પૂરું થયું. પણ એવી જાદુની શક્તિવાળી એક નહિ પણ બે છોકરીઓ છે.” કરનએ કહ્યું.
“બે શક્તિ એક જ સાથે.. આ શક્ય નથી. તારી કંઇક ગેરસમજ થઇ છે.” તેણે કહ્યું.
“નહિ બોસ. મેં મારી આંખોથી જોયું.” કરનએ સફાઈ આપતા કહ્યું.
“જરૂર આ બધા આપણાથી કંઇક છુપાવી રહ્યા છે. પેલો ક્રિસ ક્યાં છે એ ખબર પડી?” તેણે શાંતિથી પૂછ્યું.
“હા બોસ. એ જયપુરમાં છે. એ જલ્દી જ શહેર છોડવાનો છે તેવી જાણકારી મળી છે.” કરનએ કહ્યું.
“એ જરૂર પેરિસ જઈ રહ્યો હશે. આટલા વર્ષો પરિવારથી દુર જે રહ્યો છે. પેલી માયાવી પંછીની શક્તિઓ સામે હું કઈ નહિ કરી શકું એટલે આપણે ક્રિસને અહી જ પકડવો પડશે. જલ્દીથી એને પકડી લો. એની પાછળ એને બચાવવા બીજા લોકો આપમેળે જ બહાર આવી જશે. આપણે કઈ કરવું જ નહિ પડે. અને ક્યુરેટરમાં આપણો જે સાથી છે તેને ખબર કરી દે, કે મને પર્સીની જરૂર છે. આ પહેલા પણ એણે મારા માટે કામ કર્યું જ છે.” મોટેથી હસતા તેને હુકમ આપ્યો.
“જી.” કહી કરન ક્રિસને શોધવા નીકળી પડ્યો.
ક્રિસ બીજા જ દિવસએ રાતે પેરિસ જવા માટે ઘરેથી નાના નાનીની રજા લઈને નીકળ્યો તો ખરો. પણ રસ્તામાં જ વેમ્પાયરના ટોળાએ તેના પર હમલો કર્યો. તે એકલો હોવાથી જીતી શક્યો નહો. અને આખરે તેને વેમ્પાયરના હવાલે થવું જ પડ્યું.
તે લોકોએ તેને એક રૂમમાં ચાંદીની સાંકળોથી બાંધીને જતા રહ્યા. જેથી તેની શક્તિઓ જાગૃત ના થઇ શકે.
સવાર પડતા જ કિમ અને સેમ તૈયારીઓમાં લાગી ગયા હતા. જેક અને ઈવ બંને હજુ સુધી આવ્યા નહોતા.
શ્લોક અને રોમીએ પણ તૈયારીઓમાં તેમની મદદ કરી હતી. વીકેંડ હોવાથી ઓફિસમાં પણ રજા હતી. એટલે તેમને આખો દિવસ મળી ગયો હતો. બપોરની સાંજ થવા આવી હતી. ગાર્ડનના ઘાસમાં જ સેમએ ટેબલ ગોઠવી તેની ફરતે ખુરશીઓ ગોઠવી હતી.
તેને આખા ગાર્ડનમાં લાલ ગુલાબથી બધું જ સજાવ્યું હતું. અને બધે જ લાઈટ લગાવી હતી. તેના લીધે આખું ગાર્ડન ચમકી રહ્યું હતું. તેને સફેદ અને લાલ ફુગ્ગા પણ લગાવ્યા હતા.
ટેબલ પર બિયરની બોટલ અને ગ્લાસ સજાવીને મુક્યા હતા. એક બાજુ કિમએ જમવાનું બનાવીને મુક્યું હતું.
રોમી તેને પ્લેટ ગોઠવવામાં મદદ કરી રહ્યો હતો. જયારે શ્લોક મ્યુસિક અને લાઈટને ગોઠવી રહ્યો હતો.
“દોસ્તો.. જેકનો મને મેસેજ આવી ગયો છે. તે આવી જ રહ્યો છે.” કિમએ ફોન ખિસ્સામાં મુકતા કહ્યું.
“તો આપણે જલ્દીથી તૈયાર થઇ જઈએ.” કહીને બધા કપડા બદલવા ગયા.
“બધુ તૈયાર છે?” ગાર્ડનમાં આવતા જ સેમ તરફ જોતા જેકએ કહ્યું. જેકએ કાળું ફોર્મલ સુટ પેર્યું હતું. તે જાણે લગન કરવા નીકળ્યો હોય તેવો તૈયાર થયો હતો.
“હા.” સેમએ કહ્યું.
“ઓકે. તો આપણે બધા છુપાઈ જઈએ.” જેકએ કહ્યું.
સેમ અને કિમ ઝાડ પાસે છુપાઈ ગયા. શ્લોક અને રોમી પણ તેમનાથી થોડે દુર છુપાઈ ગયા. શ્લોક સવારનો જ ઉદાસ હતો. તેનું કોઈ કામમાં મન નહોતું, પણ સેમની ખુશી માટે તેણે બધું જ દુઃખ સહન કરી લીધું.
જેક ત્યાં જ ગાર્ડનમાં ઉભો હતો. પણ લાઈટ બંધ હોવાના લીધે કઈ દેખાઈ નહોતું રહ્યું.
“સેમ.. કિમ.. જેક.. ક્યાં ગયા બધા?” ગાર્ડનમાં પ્રવેશતા જ ઈવએ બુમ પાડી.
અચાનક કિમએ તેના પર પ્રકાશ પડે તેવી લાઈટ શરુ કરી. ઈવએ લાલ રંગનું લાંબુ ગાઉન પહેર્યું હતું.
જેક પણ પ્રકાશમાં આવ્યો અને સેમએ ધીમું મ્યુસિક શરુ કર્યું. અને તે બંને પર ગુલાબના ફૂલ વરસવા લાગ્યા.
“આ બધું શું છે?” વાળ સરખા કરતા ઈવએ કહ્યું.
અચાનક જ જેકએ ઇવનો હાથ પકડ્યો.
“ઈવ તને યાદ છે? આપણે નાના હતા ત્યારથી સાથે છીએ. મેં તને બહુ દુઃખ આપ્યું છે. હંમેશા તને હેરાન કરી છે. અને તું જયારે પણ રડતી ત્યારે તારી આ મોટી આંખો ઝીણી થઇ જતી. મને ત્યારે તું દુનિયાની સૌથી સુંદર યુવતી લાગતી. પણ કોઈ બીજું તને હેરાન કરે તો મને બહુ ગુસ્સો આવતો. મને ક્યારેય સમજાયું નહિ કે એવું કેમ થતું... પણ આપણે અલગ થયાં. કિસ્મતએ આપણને ફરી મળાવ્યા. હું સાચે જ બહુ ખડૂસ હતો. પણ તે મને ફરી હસતો કર્યો.
હું વર્ષો સુધી અપરાધભાવ નીચે દબાયેલો રહ્યો. મેં તને શોધી નહિ કારણ કે હું તારી સામે નહોતો જોઈ શકતો. પણ તે મને એમાંથી બહાર કાઢ્યો. મારા જીવનના બધા જ દુઃખ તારા આવવાથી પતી ગયા. મને લાગ્યું કે મારું જીવન અને અસ્તિત્વ તારી આસપાસ જ ઘેરાયેલું છે. એટલે જ મેં ક્યારેય વધારે વિચાર્યું જ નહી. મેં જયારે સેમને ખોઈ નાખી હતી અને પહેલી વાર વુલ્ફ બન્યો હતો એ સાચે જ બહુ કપરો સમય હતો મારા જીવનનો. તે જ મને મારા અસ્તિત્વને સ્વીકારવાની પ્રેરણા આપી હતી. ત્યારે બસ તું હતી મારી સાથે. મને તારા સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. મને તારાથી બહુ જ પ્રેમ છે. અને મેં પહેલા દિવસથી તારી આ સુંદર આંખોમાં મારા માટે પ્રેમ જોયો છે. તે મને એક વાર કહ્યું હતું કે હું તારો હીરો છું. પણ મારા માટે તું મારી હીરો છે. તું હંમેશા ત્યાં હતી જયારે મને તારી જરૂર હતી.
મને નથી ખબર કે હું તારા લાયક છું કે નહિ. પણ હું એટલું જાણું છું કે આ અકડું ખડૂસ કેપ્ટનને તારા સિવાય બીજું કોઈ નહિ સાચવી શકે.” જેકએ કહ્યું.
“તો હું આજે હિંમત કરી રહ્યો છું... મિસ ઇવલીન રિચર્ડ... હું જેક્શન ડિસુઝા તને બહુ જ પ્રેમ કરું છું અને તને જીવનભર ખુશ રાખવાનું વચન આપું છું. શું તું આમાં મારો સાથ આપીશ?” ઘૂંટણ પર બેસીને વીંટી ઈવ સામે ધરતા જેકએ કહ્યું.
“હા. હું પણ તને બહુ પ્રેમ કરું છું. પહેલા દિવસથી.. જયારે તે મને બચાવી હતી. મને તારી આ વાદળી આંખોમાં હંમેશા પ્રેમ જ દેખાયો છે જેક. હા આપણી વચ્ચે બહુ મુશ્કેલીઓ રહી છે. પણ મેં તને હંમેશા ચાહ્યો છે.” ઈવએ પોતાનો હાથ આગળ ધર્યો.
જેકએ તેની આંગળીમાં વીંટી પહેરાવી.
કિમ અને સેમ બંનેએ બુમો પાડી અને બહાર નીકળ્યા. બધી લાઈટ ચાલુ થઇ ગઈ હતી. કિમ અને સેમ, ઈવને ભેટી પડ્યા.
“આ બધું શું ચાલી રહ્યું છે?” બહાર નીકળતા શ્લોક સામે જોતા રોમીએ કહ્યું.
“એ જ હું સમજવાની કોશિશ કરી રહ્યો છું.” શ્લોકને હજુ પણ પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો. એક તરફ તેને ખુશી થઇ રહી હતી.. અને બીજી તરફ આશ્ચર્ય.
બધા જમ્યા અને પાર્ટી પતાવી પોતાના ઘર તરફ વળ્યા.
“ચાલ હું પણ જાઉં હવે ઘરે.” કિમએ સેમને કહ્યું.
“રોકાઈ જા ને. રાત બહુ થઇ ગઈ છે.” રોમીથી બોલાઈ ગયું.
“હા કિમ. સવારે જતી રહેજે.” સેમને રોમીની દિલની વાત સમજતા વાર ના લાગી.
કિમ ત્યાં જ રોકાઈ ગઈ.
****
● વેમ્પાયર કોણ છે? અને તેને કેમ સેમ અને કિમની જરૂર છે?
● પંછી કોણ છે?
● ઈવ અને જેક વચ્ચે શું ભૂતકાળ હશે?
● ક્રિસનું હવે શું થશે?
ક્રમશઃ