Wolf Dairies - 11 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 11

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 11

બીજા દિવસ સવારે પણ શ્લોક, સિયા ઉઠે તે પહેલા જ હોસ્પિટલ જવા નીકળી ગયો. અને રાતે પણ મોડો જ આવ્યો. આમને આમ તે સિયાને ત્રણ-ચાર દિવસ સુધી મળ્યો જ નહી. સિયા ટ્રેઈનીંગમાં પણ બહુ ઉદાસ રહેતી હતી. તેનું કોઈ કામમાં ધ્યાન નહોતુ.

બીજી તરફ શ્લોકની પણ એવી જ હાલત હતી. તે જાણી જોઇને પોતાને કામમાં વ્યસ્ત રાખતો હતો. જેથી તે બધું ભૂલી શકે. અને સિયા પણ જીવનમાં આગળ વધી જાય.

“શું થયું મારી ગુડીયાને? કેમ આમ ઉદાસ બેઠી છે?” નાનીએ સિયાને શાંત બેઠેલી જોઇને કહ્યું.

“નાની કેટલા દિવસ થઇ ગયા. શ્લોક મને મળ્યો જ નથી. મને ખબર છે તે કામમાં વ્યસ્ત છે. પણ એ એક મિનીટ તો કાઢી શકે ને?” મોઢું ફુલાવતા સિયાએ કહ્યું.

“એની પાસે સમય નથી તો શું થઇ ગયું? તારી પાસે તો છે ને?” નાનીએ કહ્યું.

“મતલબ? તમે કહેવા શું માંગો છો?” સિયાએ પૂછ્યું.

“સીધી વાત છે. એ ના આવી શકે તો તું એની પાસે જા.” નાનીએ હસીને કહ્યું.

“વાહ નાની. શું વિચાર છે. હું હમણાં જ જાઉં છું.” ખુશ થઈને ઉભા થતા સિયાએ કહ્યું.

“હું જાઉં નાની.” સિયાએ ફટાફટ જમવાનું પેક કર્યું અને બહાર જતા નાનીને કહ્યું.

“સાંભળ..” નાનીએ તેને રોકતા કહ્યું.

“હા.” સિયા પછી ફરી.

“આજે એને તારા દિલની વાત કહી જ દેજે.” હસીને નાનીએ કહ્યું.

“નાની..” શરમાઈને સિયા ઘરની બહાર નીકળી ગઈ.

રોમી અને શ્લોકના ગ્રુપના બધા મિત્રો કેન્ટીનમાં જ સિયાને મળી ગયા. તે બધા સાથે નીચે બેસીને સિયાએ થોડી વાતો કરી.

સિયા આસપાસ આંખો ફેરવી રહી હતી.

“તું જેને શોધે છે તે ઉપર ત્રીજા માળે વોર્ડમાં છે.” એક છોકરીએ હસતા કહ્યું.

“હું ત્યાં જઈ શકું?” સિયાએ પૂછ્યું.

“મારું આ એપ્રોન અને કાર્ડ લઇ જા. હવે જઈ શકાશે. કોઈ ઓળખશે નહિ.” તેણે પોતાનું એપ્રોન અને કાર્ડ આપતા કહ્યું.

“થેંક્યું.” સિયા તેને ભેટી પડી.

સિયા ફટાફટ એપ્રોન અને કાર્ડ પહેરી સીડીઓ ચડવા લાગી. તેના દેખાવ પરથી તે ડોક્ટર જ લાગી રહી હતી એટલે કોઈએ તેને રોકી નહિ.

તે ત્રીજા માળે પહોચી. આજુબાજુ જોઈ રહી હતી.

“ક્યાં શોધું એને..?” તેને બધા વોર્ડ એક જેવા જ લાગી રહ્યા હતા.

“સિસ્ટર... ડોક્ટર શ્લોક ક્યાં મળશે?” તેણે એક નર્સને પૂછ્યું.

“સામે.. ડોક્ટર રૂમમાં.” તેણે આંગળી ચીંધતા કહ્યું.

તેનો આભાર માની સિયા ઝડપથીએ રૂમ તરફ દોડી. રૂમનો દરવાજો ખુલ્લો જ હતો, અને બારી પણ. શ્લોક અને રોમી બંને ઉંધા ફરીને ઉભા હતા. તેથી સિયા તેમને દેખાઈ નહિ. પણ સિયાએ બારીમાંથી તે બંનેને જોઈ લીધા.

“સિયા તને પસંદ કરે છે શ્લોક.” રોમીએ કહ્યું.

“તો હું શું કરું?” શ્લોકએ કહ્યું.

તેમની વાત સાંભળીને સિયાના પગ ત્યાં જ રોકાઈ ગયા.

“મને લાગ્યું તને પણ એ પસંદ..” રોમી બોલી રહ્યો હતો.

“શું તું પણ રૂમી. મારી સામે જો, હું એક ડોક્ટર છું. મારું કોલેજ અને હોસ્પિટલમાં કેટલું નામ છે. કેટલીય છોકરીઓ મારી પાછળ હશે. અને હું સિયાને પસંદ કરું? એ તો બહેનજી લાગે છે. એને તો મેં કોઈ દિવસ જીન્સમાં પણ નથી જોઈ. હું એની સાથે કઈ રીતે?” શ્લોકએ જવાબ આપ્યો.

“તો તારે એને સાચું કહી દેવું જોઈએ.” રોમીએ કહ્યું.

“એમાં કહેવાનું શું છે? એને જાતે જ સમજી જવું જોઈએ. બે દિવસ સરખી વાત કરી એને પ્રેમ થોડો કહેવાય?” શ્લોકએ કહ્યું.

“એ દુઃખી છે બે ત્રણ દિવસથી.” રોમીએ નિરાશ થતા કહ્યું.

“મને એનાથી કોઈ ફર્ક નથી પડતો. મારે અહી હજાર કામ છે. એ છોડીને હું એના દુઃખ દુર કરવા થોડો નવરો છું.” બેફીકરાઈથી શ્લોકએ કહ્યું.

દરવાજા પાસે ઉભેલી સિયાના હાથમાંથી ડબ્બો પડી ગયો.

“સિયા..” રોમીએ અચાનક જ અવાજ આવતા પાછળ ફરીને સિયાને જોઇને કહ્યું.

સિયાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. આ બધું સાંભળીને તેને ચક્કર આવવા લાગ્યા હતા. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે શ્લોકએ આ બધું કહ્યું.

તે ત્યાંથી દોડીને ઘર તરફ રડતા રડતા ભાગી.

ઘરે આવીને તે નાનીને વળગીને રડવા લાગી.

“જયા પાણી લાવ જલ્દી.” નાનીએ બુમ પાડીને કહ્યું.

“સિયા બેટા શું થયું?” સિયાના માથા પર હાથ ફેરવી તેને ચુપ કરાવતા નાનીએ કહ્યું.

નાના પણ ત્યાં જ ઉભા હતા. તે પણ સિયાને આમ રડતી જોઈ શકતા નહોતા.

“નાની.. શ્લોક..” સિયા હજુ પણ રડી રહી હતી.

“હા શ્લોકનું શું?” આ વખતે નાનાએ કહ્યું.

“એને કહ્યું કે હું એને પસંદ નથી.. એ આવું કઈ રીતે કહી શકે..? મને તો લાગે છે કે હું કોઈ બહુ જ ખરાબ સપનું જોઈ રહી છું...” તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.

“સિયા..” રોમીએ ઘરમાં આવતા કહ્યું. શ્લોક પણ તેની પાસે જ ઉભો હતો.

“તું રડીશ નહિ. ચાલ મારી સાથે રૂમમાં.” નાની તેને સમજાવીને રૂમમાં લઇ ગયા.

નાનીએ તેને શાંત પાડીને સુવડાવી દીધી.

“શ્લોક... તે આ બરાબર નથી કર્યું. અમે તારી બધી વાતમાં સાથ આપ્યો છે. પણ આ વાતમાં નહિ.” નાનાએ પહેલી વાર સિયાનો પક્ષ લેતા કહ્યું.

“હા શ્લોક. તે એને બહુ જ દુઃખ પહોચાડ્યું છે. એના જેટલો પ્રેમ તને બીજી કોઈ છોકરી નહિ આપે. એને સ્વીકારી લે બેટા.” દુઃખી થતા નાનીએ કહ્યું.

“નાના નાની, અમે અજાણતા કઈ નથી કર્યું. અમારી મિત્રએ અમને પહેલા જ ફોન કરીને કહી દીધું હતું કે સિયા ઉપર આવે છે, તો અમે એને સામે લેવા માટે જઈએ. એને આવતા જોઇને જ અમે આ નાટક કર્યું.” રોમીએ ધીમેથી કહ્યું.

“નાટક? પણ કેમ?” નાનીએ અકળાતા કહ્યું.

“એની ખુશી માટે. શું એ એક વુલ્ફ સાથે સુખી રહેશે? એ જાણશે કે હું અડધો માણસ અને અડધો પ્રાણી છું, તો શું એ મને સ્વીકારશે? નહિ નાની.. મને કોઈ હક્ક નથી એનું જીવન બગાડવાનો.” શ્લોકએ દુઃખી થતા કહ્યું.

“એના જીવનનો નિર્ણય તું કઈ રીતે લઇ શકે છે? નિર્ણય લેવાનું કામ એના પર જ છોડી દેવું જોઈએ.” હમણાં જ આવેલા ક્રિસએ કહ્યું.

“ના સર. મેં નક્કી કરી લીધું છે. હું સિયાનું જીવન નહિ બગાડું. પ્રેમની મોટી વાતો કરવી સહેલી છે. પણ આમ આખું જીવન કાઢવું એ નર્ક સમાન છે. અને હું નથી ઈચ્છતો કે સિયા આવા નર્કમાં રહે. તેને અત્યારે દુઃખ થશે પણ એનું જીવન મારા આ નિર્ણયથી સુખી થઇ જશે.” પોતાના રૂમમાં જતા શ્લોકએ કહ્યું.

બધા જ દુઃખી થઈને પોતાના રૂમમાં જતા રહ્યા.

સાંજ પડી ગઈ હતી. શ્લોક, રોમી કે સિયા કોઈ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યું નહોતું. રડી રડીને સિયાની હાલત ખરાબ થઇ ગઈ હતી.

“નાની... જલ્દી ચાલો. સિયાબેનની તબિયત સારી નથી.” જયાએ બહાર આવીને નાનીને કહ્યું.

નાનીએ જલ્દી બધાને બોલાવ્યા. સિયા રૂમમાં નીચે બેભાન પડી હતી.

તેને ફટાફટ હોસ્પિટલ ખસેડાઈ. શ્લોકએ તેને બોટલ ચડાવી. અને જરૂરી સારવાર આપી.

રડવાથી તેનું નાક અને આખું મોઢું લાલ થઇ ગયું હતું. તેની આંખો પણ સુઝી ગઈ હતી. તેણે ત્રણ ચાર દિવસથી કઈ પણ ખાધું નહોતું એટલે શરીર નબળું પડી ગયું હતું.

“નાની.. એ ઉઠે તો એને કંઇક ખવડાવજો.” કહીને શ્લોક વોર્ડમાંથી બહાર નીકળ્યો.

“તું કેમ આમ પોતાને સજા આપે છે સિયા.” તે વિચારી રહ્યો હતો. તેને પોતાના આંસુ બહાર વહેવા ના દીધા.

“એ ઠીક થઇ જશે.” શ્લોકના ખભા પર હાથ મુકતા ક્રિસએ કહ્યું.

શ્લોક તેને ભેટી પડ્યો અને તેના ક્યારના રોકી રાખેલા આંસુ વહેવા દીધા.

“જાણે વર્ષોથી હું તને ભેટવાની તરસમાં હતો શ્લોક.” ક્રિસએ મનમાં વિચારી તેની પીઠ પર હાથ ફેરવી તેને શાંત પાડ્યો.

“હવે મારે જ કંઇક કરવું પડશે.” ક્રિસએ વિચારી લીધું હતું કે હવે શું કરવું છે.

****

● ક્રિસ હવે શું કરવા જઈ રહ્યો છે?

● શું શ્લોક સિયાને પોતાના મનની વાત કહી શકશે?

● સિયા હવે શું નિર્ણય લેશે?

ક્રમશઃ