Dear Paankhar - 16 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ -૧૬

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ -૧૬

નીનાએ ટૂર પરથી પરત આવી શિવાલીને ફોન કર્યો ,
" હલો ! શિવાલી શું કરે છે ? "
" હમણાં જ ઘરે આવી ! તું કહે ! કેવી રહી તારી ટૂર ? " શિવાલીએ ઉત્સાહિત થઈને પૂછ્યું.
" મસ્ત ! ઉંટી ખુબ જ સુંદર છે . આજે સવારે જ ફ્લાઈટથી ઉતર્યા. એક દિવસ ડિનર સાથે લઈએ ને ! આજે અનુકૂળ હોય તો આજે જ આવી જા? " નીના ભારપૂર્વક આમંત્રણ આપતાં કહ્યું.
" હા ! ચોક્કસ ! અહીં આવી જાવ ! બનાવી દઉં ડિનર ! " શિવાલી એ કહ્યું.
" અરે ! ના ! તું અહીં આવી જા ! ટીફીન બંધાવ્યુ હતું ને મમ્મી પપ્પા અને બાળકો માટે, એમને જ એક્સ્ટ્રા ટીફીન કહી દઉં છું. શાંતિથી બેસીને વાતો કરીએ. " નીનાએ ફરી આગ્રહ કર્યો.
" સરસ પ્લાન છે ! તો એકાદ કલાકમાં મળીએ. " શિવાલીએ એનું આમંત્રણ સ્વીકારતા કહ્યું.
" ચોક્કસ ! સૌમ્યા શું કરે છે ?" નીના અચૂક સૌમ્યા વિશે પૂછી જ લેતી.
" સ્ટડી કરે છે. એપણ ચોક્કસ આવશે. તને અને એના અંકલને મળવા તો એ હંમેશા તૈયાર હોય જ ને ! " શિવાલીએ હસીને કહ્યું.
" ઓકે તો મળીએ !" કહી ‌નીનાએ ફોન મૂક્યો.

એકાદ કલાક પછી શિવાલી અને સૌમ્યા નીનાનાં ઘરે પહોંચ્યા. રિયા અને રિતેશ એમને જોઈને દોડીને ભેટી પડ્યાં . સૌમ્યા ને હાથ પકડીને એમની રુમમાં લઈ ગયા. શિવાલીએ પ્રથમેશનાં માતા પિતાનું હાથ જોડીને અભિવાદન કર્યું. સર્વે સોફા પર બેસીને વાતો કરી રહ્યા હતા.
" તમે નહોતા ત્યારે શિવાલી એ અમારું ઘણું ધ્યાન રાખ્યું. વચ્ચે વચ્ચે સમય કાઢીને ફોન પણ કરતી હતી અને મળવા પણ‌ આવતી હતી. " પ્રથમેશની મમ્મી એ કહ્યું.
" અરે ! માસી એ તો‌ મારી ફરજ છે ! કાંઈ નવુ નથી કર્યું મેં ?" શિવાલી એ સ્મિત આપતા કહ્યું.
નીના રસોડા માં ચા - નાસ્તો લેવા ગઈ. શિવાલી પણ મદદ કરાવા એની પાછળ રસોડામાં ગઈ.
" તો !! મેડમ !! કેટલી મજા કરી એ તો કહ્યું જ નહીં ? " શિવાલીએ મજાક કરતાં કહ્યું.
" તારી સલાહ ઘણી સારી રહી. આટલા વર્ષો પછી એકબીજા સાથે સમય ગુજાર્યો. સંબંધ ફરી જીવંત થયો હોય એવુ લાગ્યુ. પૈસા કમાવા માં , બાળકોની જવાબદારીમાં અમે એકબીજાને સમય આપવાનું ભૂલી જ ગયા હતાં. " નીનાએ ચા ગાળતાં કહ્યું.

" તું બરાબર સમજી. મારી પાસે ઘણાં એવા દંપતી આવે છે. જે ફક્ત જવાબદારીમાં અટવાઈ જાય છે અને એકબીજાને સમય આપી શકતા નથી. પરંતુ જિંદગીની દોડમાં વચ્ચે થોડું થંભી જઈને એકબીજા તરફ પણ જોઈ લેવું જોઈએ. " શિવાલીએ ચાની ટ્રે હાથ માં લેતા કહ્યું.
બધાં ચા અને બિસ્કીટ ખાતાં ખાતાં વાતોની મહેફીલ માણતા હતા . બૅલ વાગ્યો , નીનાએ દરવાજો ખોલ્યો તો ટિફિન આવી ગયુ હતું. પ્રથમેશે નીનાને ટિફીન રસોડામાં લઈ જવા માટે મદદ કરી. નીના ચાનાં કપ અને ખાલી થયેલી નાસ્તાની પ્લેટ મૂકવા રસોડામાં ગઈ.

પ્રથમેશ શિવાલી પાસે આવી ને બેઠો અને એનો આભાર માનવા લાગ્યો , " તારા સુઝાવથી ઘણો ફર્ક પડ્યો. નીના હવે ખુશ લાગે છે. પહેલા તો એ ફકત અને ફક્ત ફરિયાદ જ કરતી રહેતી હતી . "

" પ્રથમેશ એ મારો ફક્ત સુઝાવ હતો. એનાં પર અમલ કરી ને તમે બન્ને એ સાબિત કર્યું કે તમારા બન્ને માટે આ સંબંધ કેટલો મહત્વનો છે. સાચું કહું ને મોટાભાગની સ્ત્રીઓની એકજ ફરિયાદ હોય છે મારી સાથે મારા પતિ વ્યવસ્થિત વાત જ નથી કરતાં અને પુરુષોને એવુ લાગે છે કે સુખસાહિબી આપીને પત્નીને ખુશ રાખીએ. પરંતુ મહત્તમ કેસમાં સ્ત્રીઓ ફકત એક નજર પ્રેમ માટે જ તરસતી હોય છે. પ્રેમ ભર્યા શબ્દોમાં એનું અસ્તિત્વ શોધતી હોય છે. " શિવાલીએ સ્ત્રી માનસિકતા સમજાવતાં કહ્યું.

" પરંતુ જો એવુ ના કહીએ તો એનો મતલબ એ થોડો છે કે એને પ્રેમ નથી કરતો. પ્રેમ ફકત શબ્દો સુધી જ સીમિત છે ?" પ્રથમેશે કહ્યું.

" ના ! પ્રેમ‌ શબ્દો સુધી સિમિત નથી. શબ્દોમાં બંધાતો પણ નથી. પણ સંબંધો છોડ જેવા હોય છે. જેમ સમયે સમયે જો છોડને પાણી અને ખાતરથી માવજત ના કરીએ તો સુકાઈ જાય છે. એમ આપણાં સંબંધો માં પણ પ્રેમનો‌ સ્પર્શ અને શબ્દોની જરુરીયાત રહેલી છે. " શિવાલીએ પ્રથમેશને સમજાવતાં કહ્યું.

" તો એ છોડ ક્યારેય વૃક્ષ નથી બનતાં એમજ ને ? " કહી પ્રથમેશ હસ્યો . એના શબ્દોમાં કટાક્ષની સાથે સાથે ફરિયાદ પણ ડોકિયું કરી રહી હતી.
" આપણાં કુટુંબને વૃક્ષ સાથે તુલના કરી શકાય. એમનાં મૂળ મજબૂત હોય ; પણ સંબંધો તો નાજુક જ હોય. એમને હંમેશા પ્રેમથી જ સીંચવા પડે છે. " કહી શિવાલી અટકી ગઈ .
" હું થોડું વધારે જ ફિલોસોફી સમજાવી રહી છું નહીં ?" કહી શિવાલી એ હાસ્ય રેલાવી દીધું.

" તારી સાથે વાતો કરવાની બહુ‌ મજા આવે છે. તારી સલાહ યાદ રાખીશ અને ચોક્કસ ધ્યાન રાખીશ. " પ્રથમેશે શિવાલીનાં હાસ્યમાં સાદ પૂરાવતા પૂરાવતા કહ્યું.
" તું કેમ છે એ કહે ? " પ્રથમેશે હૂંફાળા શબ્દોમાં પૂછ્યું.
" હું એકદમ‌ મજા માં. જો કેવી લાગું છું ?" શિવાલી એ હસતાં હસતાં જવાબ આપ્યો.
" હંમેશા તુ બીજા બધાની જિંદગી સંવારવા તત્પર રહું છું . કયારેક પોતાની જિંદગી વિશે પણ વિચાર્યા કર ! " પ્રથમેશના અવાજમાં પોતાની કૉલેજની સખી પ્રત્યે ફરિયાદ ઝલકી રહી હતી.

" હવે તો આજ મારી જિંદગી છે. જિંદગીનાં સ્વપ્ન અલગ જોયા હતાં. જિંદગીએ અલગ મોડ પર લાવીને મૂકી દીધી. પરંતુ મેં તો એને જ જિંદગી માની લીધી. ચંદ્રશેખરની જગ્યા ક્યારેય કોઈ લઈ નહીં શકે. એ જગ્યા ક્યારેય પૂરાવાની નથી. તો પછી નાહકનાં પ્રયત્નો શા માટે કરવા? હવે મારે સૌમ્યાની જિંદગીનું વિચારવાનું છે. બીજુ કાંઈ જ નહીં. " શિવાલીએ પ્રથમેશ આગળ પોતાનું દિલ ઠાલવ્યું.

" સૌમ્યા મારી દિકરી જેવીજ છે. અરે ! એમ કહું કે દિકરી છે ! તો પણ કશું ખોટું નથી. તું એની જરાયેય ચિંતા ના કરીશ અને જ્યાં ‌મદદની જરૂર ‌હોય , આ મિત્રને યાદ કરી લેજે . હું એને‌ મારી ખુશનસીબી સમજીશ. " પ્રથમેશે લાગણીશીલ થઈને કહ્યું.

" એ ક્યાં કહેવાની જરૂર છે. તમારા લીધે તો આટલી નિશ્ચિંત થઈને રહું છું. " શિવાલીએ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું .

નીના ટેબલ પર પ્લેટ્સ ગોઠવાતી હતી. શિવાલી એને પીરસવા માં મદદ કરવા ગઈ. બધાં સાથે આનંદથી જમ્યા અને ફરી વાતોએ વળગ્યા.
" ચાલો‌! હું નીકળું હવે ?" શિવાલી એ રજા માંગતા કહ્યું.
" નીના ! ઉંટીથી જે લાવ્યા છીએ એ આપ્યું કે નહીં ?" પ્રથમેશે યાદ કરાવતાં કહ્યું.
" અરે ! જો ! વાતો‌ માં એ ભૂલી જ ગઈ ! " કહી નીના દોડી ને અંદર રુમમાં ગઈ અને પેકેટસ લઈ આવી , મરી - મસાલા નાં પેકેટ આપતા કહ્યું, " ઉટીની નાની અમથી યાદગીરી " અને સૌમ્યાને ચોકલેટ્સનાં પેકેટસ આપતાં કહ્યું , " બેટા ! આ તારી માટે સ્પેશિયલ ચોકલેટ્સ ! "

સૌમ્યાએ ખૂબ જ ખુશ થઈને પેકેટસ લીધા. બધાંને આવજો જજો કહ્યું અને ત્યાંથી ઘરે જવા નીકળ્યા. ઘરે પહોંચીને નાઈટ ડ્રેસ પહેરીને સૌમ્યા વરંડામાં જઈને ઉભી રહી. શિવાલી પણ વરંડામાં ગઈ અને પૂછ્યું , " ઉંઘ નથી આવતી ?"
" મમ્મા ! ભગવાને કેવું સરસ બનાવ્યું છે નહીં ? આકાશને સજાવવા ચાંદ - તારા મૂકી દીધાં. નહીં તો રાત્રે આકાશ આટલું સુંદર ના લાગતું ને ! સૂર્યાસ્ત પછી સંપૂર્ણ અંધાર ના થાય એટલે ચંદ્ર દ્વારા પ્રકાશ મળે કેટલું વિચાર્યું હશે નહીં ? " સૌમ્યાએ આકાશ નિહાળતાં કહ્યું અને શિવાલીએ પ્રેમભર્યું હાસ્ય રણકાવી દીધું.

(ક્રમશઃ)