આપણે આગળ ના ભાગ માં જોયું કે વિદ્યુત ની સેના નઝરગઢ પર આક્રમણ કરી દે છે જેમાં સૌ પ્રથમ આનવ નો સેનાપતિ વીરગતિ પામે છે,ત્યારબાદ આનવ પોતે યુદ્ધ માં ઉતરે છે,અને સમ્રાટ નો અંત કરે છે સાથે સાથે પોતાની અદ્વિતીય શક્તિઓ થી વિદ્યુત ની સેના નો વિધ્વંસ કરી નાખે છે ,ત્યારે વિદ્યુત અને ભીષણ કૂટનીતિ થી આનવ ને ઘેરી ને એક વિશિષ્ટ હથિયાર થી આનવ પર અનેક પ્રહાર કરે છે અને એને મૃત્યુ ની સમીપ રાખી દે છે,એવામાં અનિરુદ્ધ વિકર્ણ સાથે ત્યાં પહોચી જાય છે અને ભીષણ પર કુઠારાઘાત કરે છે અને અનિરુદ્ધ,વિકર્ણ ,અવની અને ત્રિશા પોતાની શક્તિઓ થી યુદ્ધ ને પોતાના પક્ષ માં કરી લે છે,વિદ્યુત ને હાર સમીપ જણાતા ભીષણ ને ઉઠાવી ત્યાં થી પલાયન કરી જાય છે.અનિરુદ્ધ પોતાના ઘાયલ પિતા પાસે પહોચે છે,ત્યાં અવની આનવ પર પ્રહારિત શસ્ત્ર ની જાણકારી અનિરુદ્ધ ને આપે છે,આનવ એ શસ્ત્ર ની શક્તિ થી લાંબી સુશુપ્તાવસ્થા માં ચાલ્યા જાય છે,અનિરુદ્ધ જ્યાં સુધી આનવ ની ચીર નિંદ્રા તોડવાનો કોઈ ઉપાય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એમના શરીર ને હમેશા પોતાની નઝરસમક્ષ રાખવા માટે મહેલ ની બિલકુલ સામે જમીન ના પેટાળ માં સુરક્ષિત કરે છે અને એના પર એક સુંદર બાગ નું નિર્માણ કરી એક બેંચ મુકાવે છે.
ક્રમશ:.....
યુદ્ધ માંથી પલાયન કરી ને વિદ્યુત ઘાયલ ભીષણ સાથે ભાગતા ભાગતા નઝરગઢ થી ખુબ જ દુર પહોચી ગયો.
સદનસીબે ભીષણ અનિરુદ્ધ ની તલવાર નાં પ્રહાર માંથી બચી તો ગયો પરંતુ,એ તલવાર ના આઘાત થી પોતાના હોશ ગુમાવી બેઠો હતો.
અને કેટલાય વર્ષો થી બેસુદ પડ્યો હતો.
વિદ્યુત એ નઝરગઢ થી દુર પોતાનો પ્રાથમિક વસવાટ ઉભો કર્યો હતો.
અહી અનિરુદ્ધ ના આદેશ પ્રમાણે નઝરગઢ ના ગુપ્તચર વિદ્યુત ની ચારે દિશામાં શોધખોળ કરી રહ્યા હતા.અને વિદ્યુત એમના થી બચતા જંગલો માં ભટકી રહ્યો હતો.
વિદ્યુત પોતાનું બધું જ ગુમાવી ચુક્યો હતો છતાં પણ નઝરગઢ પ્રાપ્ત કરવાની એની મહત્વકાંક્ષા રતી ભાર પણ ઓછી થઇ નહતી.
વિદ્યુત એક અંધારી ગુફા માં પ્રવેશ્યો જ્યાં ભીષણ એક પથ્થર ની પાટ પર બેસુદ અવસ્થા માં પડ્યો હતો.
વિદ્યુત ભીષણ ની પાસે જઈ ને બેઠો.
વિદ્યુત : હું નથી જાણતો ભીષણ કે તું મને સાંભળે છે કે નહિ .... પરંતુ એક વાત ચોક્કસ છે કે તું એક વફાદાર સાથી ની સાથે એક સારો મિત્ર પણ છે. કદાચ મેં તારા સુચન પર ધ્યાન આપ્યું હોત અને નઝરગઢ પર યુદ્ધ કરતા પહેલા પુરતી તૈયારી અને યોજના કરી હોત તો આજે આપણી પાસે બધું જ હોત ,સત્તા ,નઝરગઢ અને તું પણ.પરંતુ આપણી એક હાર આપણું ભવિષ્ય નક્કી નહિ કરી શકે,હું નઝરગઢ ને કોઈ પણ પરિસ્થિતિ માં પ્રાપ્ત કરી ને જ રહીશ ભલે મને એમાં કેટલાય વર્ષ કેમ નાં લાગી જાય.બસ મારા મિત્ર તું જલ્દી થી મારી પાસે આવી જા.
અહી નઝરગઢ માં.....
કેટલાય વર્ષ વીતી ગયા.......
અનિરુદ્ધ એ નઝરગઢ ને પુનઃ સ્થાપિત કરી દીધું,વર્ષો પહેલા થયેલા વિનાશકારી યુદ્ધ ની ક્ષતિ પૂર્તિ તો કરવી શક્ય નહતી પરંતુ,દરેક કામ સુવ્યવસ્થિત ચાલી રહ્યું હતું.
અવની અનિરુદ્ધ ની સાથે નઝરગઢ માં જ રોકાઈ અને ત્રિશા માયાપુર ને સંભાળી રહી હતી જે કોઈક કોઈક વાર નઝરગઢ આવતી.
વિકર્ણ એ વિવાહ કરી લીધા અને નઝરગઢ ના કામ કાજ માં વ્યસ્ત રહેતા હતા,
પરંતુ અનિરુદ્ધ ને પોતાના પિતા ની કમી હમેશા મહેસુસ થતી,અવની સતત જુના ગુઢ રહસ્ય થી ભરપુર પુસ્તકો માંથી આનવ ની સુશુપ્તાવસ્થા તોડવાની કોશિશ કરી રહી હતી.
એક ખુબ મોડી રાત્રી એ અનિરુદ્ધ હમેશ ની જેમ મહેલ માંથી બાગ ની તરફ આવ્યો.
નઝરગઢ માં સામાન્ય રીતે એક પ્રકાર નું જ વાતાવરણ રહેતું,એ જ રીતે અત્યારે પણ ધીમી ધીમી હિમવર્ષા થઇ રહી હતી,નાની નાની બરફ ની બુંદો થી આખો બાગ છવાયેલો હતો,મંદ મંદ ઠંડી હવા વહી રહી હતી.
અનિરુદ્ધ આવી ને એ bench પરથી બરફ હટાવી અને ત્યાં બેઠો.
નીચે જમીન ને પોતાના હાથ થી સ્પર્શ કર્યો નાં બરફ ની ચાદર ની વચ્ચે નાની નાની લીલી ઘાસ ની કળીઓ ફૂટેલી હતી,ત્યાં અનિરુદ્ધ એ પોતાનો હાથ ફેરવ્યો જાણે કોઈના માથા પર હાથ મૂકી વાળ સહેલાવી રહ્યો હોય.
અનિરુદ્ધ એ ઊંડો શ્વાસ લીધો.
અનિરુદ્ધ : આજે પણ નઝરગઢ માં બધું જ ઠીક છે પિતાજી,નાના મોટા પ્રશ્ન હતા એનું નિરાકરણ લાવી દીધું,નઝરગઢ ની સીમા સુરક્ષા પણ એકદમ સઘન કરી દીધી છે,વિદ્યુત ની શોધ હજુ પણ ચાલુ છે.
અવની જેણે તમારી પાસે રહેવાનો વધારે મોકો મળ્યો નથી ,એ ખુબ મહેનત થી તમને મુક્ત કરવાના પ્રયત્ન કરી રહી છે.
અને હા મહેલ માં તમારો જે કક્ષ છે એમાં થોડા સમારકામ ની જરૂર છે.અવની ની ઈચ્છા છે કે કક્ષ થોડોક શણગારવા માં આવે ,પરંતુ મેં એને જણાવી દીધું કે મારા પિતા ને વધુ સાજ સજાવટ પસંદ નથી.એટલે એમને પૂછ્યા વગર કઈ પણ કરવું નહિ.
પણ એ ક્યા કોઈ નું માને.
અને હા તમને એક ખુશ ખબર આપવાની છે.
અનુમાન લગાવો ....શું હશે ?
મને ખ્યાલ હતો જ કે તમે અનુમાન નહિ લગાવી શકો...તમારા ભાઈ વિકર્ણ ને ત્યાં આજે સવારે પુત્ર જન્મ થયો છે ......
અવની એ એનું નામ પણ રાખી દીધું .... “વીરસિંહ”
અવની નું કહેવું છે કે વિકર્ણ કાકા નો પુત્ર પણ એમની જેમ જ બહાદુર અને શક્તિશાળી હશે અને ભવિષ્ય માં નઝરગઢ નું ગૌરવ સાચવશે
ઘણા વર્ષો પછી નઝરગઢ માં ખુશીઓ આવી છે...બસ તમારી કમી ખલે છે.
આજે નઝરગઢ સુરક્ષિત તો છે પરંતુ તમારા વગર આજે પણ આ નગર અપૂર્ણ છે.
અવની મહેલ માં થી અનિરુદ્ધ ને bench પર ઉદાસ જોઈ રહી હતી,વર્ષો થી અનિરુદ્ધ ને ઉદાસ અને અસહાય જોઈ ને અવની નું હદય દ્રવી ઉઠતું.પરંતુ જાણે આ હથિયાર નો કોઈ તોડ જ નહતો.
અનિરુદ્ધ ને ત્યાં જ રાત વિતાવી...
અવની પણ અનિરુદ્ધ ના ઇન્તેઝાર માં એ ખિડકી પર બેસી રહી.
વહેલી સવારે જયારે અવની ની આંખ ખુલી ત્યારે એને બગીચા તરફ નઝર કરી પણ અનિરુદ્ધ ત્યાં નહતો
એક સૈનિક દ્વારા અવની ને માહિતી મળી કે અનિરુદ્ધ થોડાક સમય પહેલા જ જંગલ ના પશ્ચિમી સીમા તરફ ગયો છે.
અવની પોતાના રોજીંદા કામ માં લાગી ગઈ,એ પોતાના કક્ષ માં ગઈ જ્યાં એને પુસ્તકો નો એક મોટો ઓરડો બનાવ્યો હતો.
અને ફરી થી જુદા જુદા મંત્ર પર અધ્યયન કરવા લાગી.
ત્યાં પાછળ થી કોઈ એ અવની ના ખભા પર હાથ રાખ્યો,અવની એ તુરંત હબકી ને પાછળ તરફ જોયું.
અવની : ઓહ ત્રિશા ...? તું છે ...તો આવી રીતે ચોરી છુપે કેમ આવે છે ?
ત્રિશા : હું ક્યાં ચોરી છુપે આવી છું ? તું જ પુસ્તક માં એટલી મશગુલ થઇ ગઈ છે કે મારા આવવાની તને ખબર પણ નાં પડી .
અવની પોતાની જગ્યા પર થી ઉભી થઇ.
અવની: હમમ તું સાચું કહે છે ...હવે એમ લાગી રહ્યું છે કે આટલું બધું જાણતા હોવા છતાં પણ આપણે કઈ પણ જાણતા નથી.આટલી શક્તિ હોવા છતાં પણ કેટલા અશકત છીએ આપણે.
વર્ષો વીતી ગયા ત્રિશા .... અનિરુદ્ધ મારી પાસે તો છે પણ સાથે નથી.ક્યારેય મેં એને મન ખોલી ને હસતો જોયો નથી.હવે તો મને પણ એવું લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિ ની જવાબદાર પણ હું પોતે જ છું.
ત્રિશા : કઈ રીતે ?
અવની : જો મેં એ વખતે અનિરુદ્ધ ને માયા પુર માં રોકવાની જીદ ના કરી હોત તો એ કદાચ સાચા સમયે એની પિતા ની પાસે હોત.
ત્રિશા : એ સત્ય નથી અવની ...એનું માયાપુર માં રોકાવું એ એની તકદીર હતી, અને એ સમયે એ યુદ્ધ માં ભાગ લેવા માટે પણ સક્ષમ નહતો.કદાચ જો એ સમય કરતા પહેલા નઝરગઢ પહોચ્યો હોત તો એ પણ કદાચ આનવ ની જેમ....
અવની એ ત્રિશા ને આગળ બોલતી અટકાવી દીધી.
અવની : જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી અનિરુદ્ધ ને કઈ પણ નહિ થવા દવ.બસ કઈ પણ કરી ને મારે એની ખુશી એને પાછી આપવી છે.મારે એ અનિરુદ્ધ જોઈએ છે જેને મેં જોયો છે,જેને મેં પ્રેમ કર્યો છે.
ત્રિશા : તો ઠીક છે. સમય આવી ગયો છે કે અવિનાશ ને એની ખુશી પરત કરવાનો.
અવની : મતલબ ?
ત્રિશા : મને એ પુસ્તક વિષે માહિતી મળી ગઈ છે જેમાં એ દિવ્ય અસ્ત્ર નું રહસ્ય છુપાયેલું છે.
અવની ની ખુશી નો પાર ન રહ્યો.
અવની : તું સત્ય કહી રહી છે ને ત્રિશા ? આ કોઈ મજાક કે ટીખળ તો નથી ને ?
ત્રિશા : નાં અવની આ કોઈ મજાક નથી.
અવની : તો મને જલ્દી થી બતાવ એ પુસ્તક ,હવે હું આનવવેલા ને મુક્ત કરવામાં જરા પણ વિલંબ કરવા નથી માંગતી .
ત્રિશા : એક ક્ષણ રોકાવ અવની ....
આ એટલું પણ સરળ નથી જેટલું તું સમજી રહી છે.
અવની : તું કહેવા શું માંગે છે ?
ત્રિશા : એ જ કે પહેલા તું સંપૂર્ણ સત્ય જાણી લે.
અવની : કેવું સત્ય ?
ત્રિશા : ઉચિત રહેશે કે અનિરુદ્ધ અને વિકર્ણ પણ આ વાત સાંભળે.
અવની : ઠીક છે હું તાત્કાલિક એમને બોલાવું છું.
અવની એ તુરંત બે સૈનિકો ને અનિરુદ્ધ અને વિકર્ણ ને બોલાવવા મોકલ્યા.
અનિરુદ્ધ વાત જણાતા તુરંત જ મહેલ આવી પહોચ્યો ,વિકર્ણ પણ આવી પહોચ્યા.
એક કક્ષ માં હવે એ ચાર સિવાય કોઈ નહતું.
અનિરુદ્ધ : શું વાત છે ત્રિશા ? અમને આમ તાત્કાલિક બોલાવ્યા.
ત્રિશા : વાત ખુબ જ અગત્ય ની છે અનિરુદ્ધ એ તારા પિતા આનવવેલા ના સંદર્ભ માં છે.
અનિરુદ્ધ પોતાની જગ્યા પર થી સફાળો બેઠો થયો. ....
અનિરુદ્ધ : શું વાત છે ત્રિશા ? તને કોઈ ઉપાય મળી ગયો ?
ત્રિશા : હું દરેક વાત વિસ્તાર થી જણાવું છું ..બસ ધીરજ રાખ.
ત્રિશા ના કહ્યા પ્રમાણે અનિરુદ્ધ પોતાની જગ્યા પર બેસી ગયો.
ત્રિશા એ વાત ની શરૂઆત કરી,
ત્રિશા : અમે બન્ને બહેનો વર્ષો થી આ હથિયાર ના ગુઢ રહસ્ય વિષે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા અવની એ મને એક પુસ્તક આપ્યું હતુંજે અમારી વિરાસત છે.અમારી માતા ની છેલ્લી સંપતિ
જે રીતે તમે જાણો છો કે એ હથિયાર નું નિર્માણ કરનાર અમારી માતા માયા જ હતી.એમને બે સૌથી શક્તિશાળી હથિયાર બનાવ્યા હતા એક જેનો પ્રયોગ werewolves એ આનવ વેલા પર કર્યો અને બીજુ કે જે હજુ પણ કોઈ vampire પાસે સુરક્ષિત છે,જેની જાણ ફક્ત આનવ વેલા ને જ હતી.
અમારી માતા એ જાદુ ના અનેક રહસ્યો અલગ અલગ ચાર પુસ્તકો માં લખી રાખ્યા,અને એ એક એક પુસ્તક અમને ચાર બહેનો ને આપ્યા. એ પુસ્તક નો અમે કોઈ દિવસ પોતાના માટે પ્રયોગ કર્યો નથી,અમારી માતા ની આજ્ઞા હતી કે જ્યાં સુધી ખુબ જ જરૂરી ના હોય ત્યાં સુધી એ પુસ્તક ખોલવું નહિ. એ પુસ્તક માં જ છુપાયેલું છે એ હથિયાર નું રહસ્ય,એ પુસ્તક વાંચતા મને ખબર પડી કે આ પુસ્તક ખરેખર ચાર નથી એક જ છે ,ચારેય એકબીજા સાથે જોડાયેલા છે.મતલબ કે અમારા બન્ને પાસે જે બે પુસ્તક છે એમાં ફક્ત આ હથિયાર ના નિર્માણ અને પ્રયોગ વિષે નું વર્ણન છે,હથિયાર માં રહેલી શક્તિ નો સ્ત્રોત અને એનો તોડ બાકી ના બે પુસ્તક માં છે.
અવની : મતલબ કે આનવ વેલા ને મુક્ત કરવાનું રહસ્ય પણ એ બન્ને પુસ્તક માંથી જ એક માં છુપાયેલું છે.
અનિરુદ્ધ : તો એમાં સમસ્યા શું છે ... એ બન્ને પુસ્તકો માંથી શું તમે એ તોડ નાં મેળવી શકો ?
અવની : સમસ્યા તોડ મેળવવાની નથી અનિરુદ્ધ ....પુસ્તક મેળવવાની છે ....
અનિરુદ્ધ : મતલબ ? હું સમજ્યો નહિ ....
અવની : તને કદાચ યાદ નથી ...પરંતુ મેં તને શરૂઆત માં જ જણાવેલું કે અમે કુલ ચાર બહેનો છીએ ,માયા ની ચાર પુત્રી ઓ.એમાં થી ફક્ત અમે બન્ને જ સાથે છીએ ,અમારી બે બહેનો ક્યા છે એતો અમે પણ જાણતા નથી .
અનિરુદ્ધ : આવું કઈ રીતે શક્ય બને? તમારી પાસે એટલી શક્તિઓ હોવા છતાં તમે કોઈ દિવસ પોતાની બહેનો ને શોધવાનો પ્રયત્ન નથી કર્યો ?
અવની : એવું શક્ય બને અનિરુદ્ધ ..કારણ કે માયા ની ચાર પુત્રી ફક્ત એની પુત્રી જ નહિ એની શક્તિ ના ચાર અંશ છે,અમારી માતા એ એની સંપૂર્ણ શક્તિ એની ચાર પુત્રીઓ માં વિભાજીત કરી દીધી હતી.અને તેમને અલગ અલગ સંતાડી દીધી,જેથી કરી ને મારી માતા ની બહેન કાયા ... અમને કોઈ દિવસ પ્રાપ્ત ના કરી શકે .
અનિરુદ્ધ : આ કાયા કોણ છે ?
અવની : કાયા મારી માતા ની નાની બહેન છે,એ ખુબ દુષ્ટ છે જેથી મારી માતા એ એને એક અનજાન જગ્યા પર સદીયો થી કેદ કરી રાખી છે.અને એની પહોચ થી દુર અમને ચાર બહેનો ને રાખી છે,અમારી માતા ની આજ્ઞા હતી કે ચાર બહેનો એક સાથે નહિ રહેવું.અન્યથા શક્તિ ના સમન્વય થી કાયા પુનઃ આઝાદ થઇ જશે. વધુ વિસ્તાર થી હું તને પછી થી જણાવીશ
અનિરુદ્ધ : મતલબ કે મારા પિતા કોઈ દીવાસ આઝાદ નહિ થઇ શકે ?
ત્રિશા : નાં અનિરુદ્ધ બિલકુલ એવું નથી....
અવની : તું શેની વાત કરે છે ત્રિશા ?
ત્રિશા : માતા ખુબ ચાલાક હતી અવની ....એમને જાણ હતી કે ભવિષ્ય માં ચારેય બહેનો ને એક બીજા ની જરૂર અવશ્ય પડશે.જેથી એમને પુસ્તક માં એક ગુપ્ત મંત્ર દ્વારા ચારેય બહેનો નું નિવાસ સ્થાન નું વર્ણન કરેલું છે.જેથી આપણે એમને શોધી શકીએ.
અનિરુદ્ધ : પરંતુ તે જ તો કહ્યું કે તમે ચારેય બહેનો એક સાથે ભેગા ના થઇ શકો.
ત્રિશા : હા તો સત્ય જ છે ...એનો પણ ઉપાય છે,આપણે સૌ પ્રથમ એક બહેન પાસે જઈશું ,અને ત્યાં થી સમાધાન ના મળે તો બીજે જઈશું.મતલબ કે અમે ચારેય એકસાથે તો ભેગા થવાના જ નથી.
અવની : ત્રિશા બિલકુલ સત્ય કહી રહી છે.
એ રીતે ચોક્કસ થી કઈ ઉપાય મળશે ....
અનિરુદ્ધ ને આશા બંધાઈ...
અનિરુદ્ધ : એક વાત તો માનવી પડશે ...કે તમે બન્ને બહેનો ખુબ જ ચતુર છો.
અવની એ અનિરુદ્ધ નો હાથ પકડ્યો .....
અવની : તારી ખુશી થી કીમતી કઈ પણ નથી મારા જીવન માં...
ત્રિશા : હમમ ...મને લાગે છે કે પ્રથમ બહેનો ને શોધવી આવશ્યક છે ...આ બધું પછી પણ થઇ શકે.
અનિરુદ્ધ એ તુરંત અવની નો હાથ છોડી દીધો.
એ જોઈ વિકર્ણ મન માં હસવા લાગ્યા.
ત્રિશા : જો અવની મારા ખ્યાલ મુજબ આ એજ ગુપ્ત મંત્ર છે જેમાં આપણી બે બહેનો ના સ્થાન નું વર્ણન છે.
અવની એ મંત્ર ધ્યાન થી જોયો.
અવની : તારી વાત માં તથ્ય છે ત્રિશા ... આ એ જ મંત્ર છે જેમાં એ જગ્યા વિષે વર્ણન છે,પરંતુ આ જગ્યા કઈ હોઈ શકે....
અનિરુદ્ધ : કઈ જગ્યા ?
અવની : આ મંત્ર નું અર્થ ઘટન થાય છે કે .
“છે જ્યાં ધરતી ની આસમાન જેટલી ઊંચાઈ,ઉંચી ઉંચી ટેકરીઓ અને ઊંડી ઊંડી ખાઈ....હવાઓમાં જ્યાં એના સંગીત છે , ઝરણાઓ ની સુંદરતા અને હરિયાળી નું સ્મિત છે......”
અનિરુદ્ધ : આ જગ્યા વિષે તો હું પણ અજાણ છું...
વિકર્ણ : હું પણ ખાસ કઈ સમજી શક્યો નથી...
અવની : મારી માતા એ અમારી બહેન ને જ્યાં સંતાડી હશે એ ચોકકસ કોઈ રહસ્ય મયી જગ્યા હશે જેણે એટલી સરળતાથી જાણી શકવું ખુબ જ મુશ્કેલ છે.
ત્રિશા : હા ...જેના માટે આપણે કોઈ જાણકાર વ્યક્તિ ની આવશ્યકતા છે.
અને હું જાણું છું એ વ્યક્તિ ને કે જે આ વિષય માં આપણી ચોક્કસ થી મદદ કરી શકશે.
અવની : તું કોની વાત કરી રહી છે ?
ત્રિશા : તું એને ખુબ સારી રીતે જાણે છે અવની ...
અવની : નહિ .....બિલકુલ નહિ. હરિહર .....નહિ ..
અનિરુદ્ધ : મને પણ તો જણાવો કે શેની વાત થઇ રહી છે...કોણ છે હરિહર ..
અવની : હરિહર એ માયાપુર નો એક પૂર્વ ગુપ્તચર છે,અને દરેક દિશા નો જાણકાર છે.
અનિરુદ્ધ : તો એને પૂછવા માં શું તકલીફ છે ?
અવની : કારણ કે એ ખુબ બોલકણો છે ,સતત એની વાતો ચાલુ જ હોય જે આપનું ધ્યાન ભટકાવી દેશે અને દરેક જગ્યા એ સાથે આવવાની જીદ કરશે
ત્રિશા : પરંતુ એના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ શેષ નથી.
અવની : પરંતુ ...
અનિરુદ્ધ : પરંતુ શું ?
અવની: એ એકલો આપણી સાથે નહિ આવે ...એની સાથે એની પત્ની પણ આવશે ....
વિકર્ણ : એવું કેમ ?
ત્રિશા : બસ એ જ હરિહર ની વિશેષતા છે ...એ જ્યાં જાય છે ત્યાં એની પત્ની ને સાથે લઇ ને જ જાય છે.
અનિરુદ્ધ : જે પણ હોય આપણે હરિહર ને મળવું તો પડશે જ ...
અવની : ઠીક છે ..એમ પણ બીજો કોઈ વિકલ્પ નથી.
ત્રિશા : ઠીક છે તો...એના માટે આપણે માયાપુર જવું પડશે.
અનિરુદ્ધ : મારા ખ્યાલ મુજબ વિકર્ણ કાકા તમે નઝરગઢ માં જ રોકાવ.વિદ્યુત સતત આપણી ગતિવિધિ પર નઝર રાખી રહ્યો છે.અને વીરસિંહ ની સુરક્ષા પણ જરૂરી છે.
વિકર્ણ : ઠીક છે ...બસ તારું અને બધા નું ધ્યાન રાખજે અને કઈ પણ પ્રકાર ની સહાયતા ની જરૂર હોય તો અવની ની મદદ થી મારો સંપર્ક કરજે.
વિકર્ણ ની વિદાય લઇ અનિરુદ્ધ,અવની અને ત્રિશા માયાપુર પહોચ્યા.
ત્રણેય સીધા ...હરિહર ના નિવાસ સ્થાને પહોચ્યા....
ત્રિશા એ હરિહર ને અવાજ લગાવ્યો....
હરિહર એના ઘર માંથી બહાર આવ્યો...
હરિહર એક warlock હતો અને અત્યંત શક્તિશાળી હતો,પરંતુ એનો સ્વભાવ વાતોડિયો અને રમુજી હતો.
હરિહર : અરે... ત્રિશા ..તું અને અવની પણ છે ..અને ત્રીજો કોઈ પહેલવાન પણ છે....
અવની કઈ બોલે એ પહેલા ...
હરિહર : અરે શાંતિ રાખ અવની ....ખબર છે ત્રિશા ...હું તને કેટલાય દિવસ થી યાદ કરી રહ્યો હ્તો.
ત્રિશા : કેમ ?
હરિહર : અરે .... મારી છેલ્લી યાત્રા વિષે ની કહાની તો તને કહેવાની જ રહી ગઈ ..અને તુ જાણે છે ને આખા માયાપુર માં તારા સિવાય કોઈ મારી કહાની આખી સાંભળતું નથી.
ત્રિશા : હા એના માટે તો આવી છું ...પરંતુ ..આજે તમારી એક વિશેષ જરૂર પડી છે.
હરિહર : મારી જરૂર ?
અવની : હા હરિહર ....તમારે અમને જણાવવા નું છે કે આ મંત્ર મા જે જગ્યા નું વર્ણન કર્યું છે એ જગ્યા કઈ છે ....
હરિહર : બસ એટલી મદદ ? એમાં શું મોટું છે ? પરંતુ તમે એ જગ્યા એ જઈ ને શું કરશો ? કોઈ વિશેષ વાત છે ?
અનિરુદ્ધ એ સમગ્ર વાત હરિહર ને જણાવી ...
હરિહર ને વાત ની ગંભીરતા સમજાઈ.
હરિહર : ઠીક છે દોસ્ત ...હું તારી મદદ ચોક્કસ થી કરીશ ...
પરંતુ તારા પિતા ની મદદ કરવા હું અને મારી પત્ની પણ સાથે આવીશું.
અવની : ખબર જ હતી ...
હરિહર : તે કઈ કહ્યું અવની ?
અવની : નાં ..હું તમને મંત્ર બતાવું...
હરિહર એ મંત્ર જોયો ,,,અને વિચાર માં પડી ગયો ....
અનિરુદ્ધ : શું તમે આવી કોઈ જગ્યા વિષે જાણો છો ?
હરિહર : ધરતી ની આસમાન જેટલી ઊંચાઈ મતલબ ....ઉંચો પહાડ ,ટેકરીઓ મતલબ પહાડો ની ગિરિમાળા ,અને ઊંડી ખાઈ અને સુંદર ઝરણા ....
અરે હા ...આ જગ્યા તો હું જાણું છું .....
આ તો પુન્ખરાજ ની ગિરિમાળા છે
અવની : પુન્ખરાજ ...? તમારું અનુમાન સાચું છે ?
હરિહર : અરે એકદમ સાચું છે ...પુન્ખરાજ ની તીવ્ર હવાઓ ઊંચા પહાડો સાથે ટકરાઈ ને એક મધુર સંગીત ઉત્પન્ન કરે છે ,લાગે જાણે કોઈ કર્ણપ્રિય ગીત વાગી રહ્યું હોય.
અનિરુદ્ધ : આ ગિરિમાળા ક્યાં છે ?
હરિહર : અરે એતો અહી થી ઉત્તર દિશા માં ખુબ જ દુર છે ...ઓછા માં ઓછી 10 દિવસ ની યાત્રા છે.
હું તો તૈયારી ચાલુ કરું છું....
હરિહર એ પોતાના ઘર તરફ જોઈ પોતાની પત્ની ને અવાજ નાખ્યો....
હરિહર : અરુણરૂપા ........અરે ઓ અરુણરૂપા ...
અરુણરૂપા પોતાના ઘર માંથી બહાર આવી ....સૂર્ય સમાન તેજસ્વી રૂપ અને યૌવન થી શોભતી અરુણરૂપા એના નામ ની જેમ જ સૌંદર્યવાન હતી ,સાથે સાથે માયાપુર ની શક્તિશાળી witches માંથી એક હતી.
અરુણરૂપા : હવે ક્યાં જવાનું છે ?
હરિહર : પુન્ખરાજ ...જવાની તૈયારી કરો....
હરિહર ભાગી ને અરુણ રૂપા તરફ ગયો.
ત્રિશા : મેં કહ્યું હતું ને અનિરુદ્ધ ,આ વિષય માં ફક્ત હરિહર જ આપણી મદદ કરશે.
અનિરુદ્ધ : હા તારું કથન એકદમ ઉચિત હતું.
અવની એકદમ મૌન હતી.
અનિરુદ્ધ : શું થયું અવની ? તું કેમ આટલી ચુપ છે ?
અવની : આટલા લાંબા અંતરાલ માં કોઈ દિવસ કલ્પના પણ નહતી કરી કે આ જીવન માં મારી બે બહેનો ને હું જોઈ પણ શકીશ.
જે રીતે હરિહર એ દિશા દર્શાવી એ રીતે તો જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી ...
મારી બહેન મનસા ત્યાં જ છે અનિરુદ્ધ ......
ક્રમશ:.........
નમસ્કાર વાચક મિત્રો ..
આપ સૌ ના comments અને message વાંચ્યા બાદ લાગ્યું કે આપ લોકો માંથી ઘણા લોકો ના અનુમાન સત્ય તરફી છે ,આ જ રીતે તમે આગળ અનુમાન લગાવતા રહેશો.ઘણી બધી comments માંથી શક્ય હતી એટલી બધી comments ના screenshot મારા insta.id -dr.kaushal.nayak.94 પર મુકેલ છે.અને આગળ પણ શક્ય હશે એટલાના પ્રતિભાવ highlight કરતો રહીશ.
આપના અમુલ્ય પ્રતિભાવ આપતા રહેશો એવી અપેક્ષા છે.હવે નવલકથા એક નવો વળાંક લઇ રહી છે ...જેમાં નવલકથા પૃથ્વી ના પાત્રો અને જગ્યાઓ તમારી સમક્ષ આવશે ...જે રીતે આજ ના ભાગ માં વીરસિંહ ,અરુણરૂપા ,મનસા નું પાત્ર આવ્યા ...એ રીતે આવનારા ભાગો માં આપ સૌ ના પ્રિય પાત્રો ..આ ઐતહાસિક કથા નો હિસ્સો બનશે. તો તમે પણ જોડાયેલા રહો The secrets of નઝરગઢ સાથે .
આભાર.