આપણે આગળ ના ભાગ માં જોયું કે આનવ ને અવની એ મોકલેલ જાદુઈ પરપોટા થી અનિરુદ્ધ અને વિકર્ણ ના જીવિત હોવાના સમાચાર મળે છે જેથી એના બધા જ દુ:ખ દુર થઇ જાય છે.અને એના માં એક નવો ઉત્સાહ જાગે છે,અહી માયાપુર માં ભ્રમણ કરતા કરતા અનિરુદ્ધ ને ડુંગર પર એક કુટીર દેખાય છે અને અવની દ્વારા એને અજ્ઞાતનાથ વિષે જાણ થાય છે.અનિરુદ્ધ અને અવની ની અજ્ઞાત નાથ સાથે મુલાકાત થાય છે.ત્યાં અજ્ઞાત નાથ અને અનિરુદ્ધ વચ્ચે મિત્રતા થાય છે.અનિરુદ્ધ અજ્ઞાત નાથ ને પોતાનું રક્ત આપે છે જેના બદલા માં અજ્ઞાત નાથ પોતાનું બનાવેલું એક વિશિષ્ટ હથિયાર અનિરુદ્ધ ને ભેટ આપે છે.અહી ભીષણ એ ઉભી કરેલી વિશાલ સેના જોઈ વિદ્યુત અચંભિત થઇ જાય છે.અને સેના ને નઝર ગઢ તરફ કુચ કરવાનો આદેશ આપે છે.
ક્રમશ: ........
વિદ્યુત ની વિશાલકાય સેના શંખનાદ સાથે નઝરગઢ તરફ કુચ કરે છે,ત્યારે હજારો સૈનિકો ની પદ ધ્વની થી ત્યાં ની આખી ધરતી ગુંજી ઉઠે છે.
અહી નઝરગઢ માં આનવ વેલા પોતાનાં કક્ષ માં બેઠો હતો ત્યાં એનો સેનાપતિ વિરલ આવી પહોચ્યો.
વિરલ નાં ચહેરા નાં હાવભાવ પર થી સ્પષ્ટ જણાતું હતું કે એ કોઈ ચિંતા માં છે.
આનવ : શું થયું વિરલ ? તું કેમ આમ સાવ બેબાકળો બની ગયો છે?
વિરલ એ ઊંડો શ્વાસ લીધો .....
વિરલ : મહારાજ ... સમાચાર અત્યંત ચિંતા જનક છે ......
આનવ પોતાના આસન પર થી ઉભો થયો
આનવ : શું સમાચાર છે ? તમે નિશ્ચિંત થઇ ને જણાવો.
વિરલ : મહારાજ .....વિદ્યુત ...
આનવ : વિદ્યુત ...? એ દુષ્ટ એ પુનઃ શું કૃત્ય કર્યું છે ?
વિરલ : કૃત્ય નહિ ..મહારાજ એ નઝર ગઢ તરફ સેના સાથે કુચ કરી રહ્યો છે.
આનવ : આવવા દે એ દુષ્ટ ને ..... આ વખતે એના પ્રાણ લેવા માં હું એક ક્ષણ પણ વિલંબ નહિ કરું.
વિરલ : પરંતુ ....
આનવ : પરંતુ શું વિરલ ?
વિરલ : વિદ્યુત ની સેના અત્યંત વિશાલ છે ....
આનવ : હું જાણું છું વિરલ ..પરંતુ એની સેના નઝર ગઢ નાં સૈનિકો નો સામનો કરવા સક્ષમ નથી ... તું એક સેનાપતિ થઇ ને પોતાના સૈન્ય શક્તિ પર શંકા કરે છે.
વિરલ : જયારે આપના ગુપ્તચર એ મને વિદ્યુત નાં સૈન્ય વિષે જણાવ્યું ત્યારે મને ખુદ ને શંકા ગઈ... જેથી એ વાત ની પુષ્ટિ કરવા હું ખુદ એ સૈન્ય નું નિરીક્ષણ કરવા ગયો .... વિદ્યુત પાસે એટલું સૈન્ય નથી જેટલું એની પાસે નઝર ગઢ માં નિવાસ કરતા સમયે હતું.ન જાણે ક્યાંથી હજારો ની સંખ્યા માં એને આટલું સૈન્ય બળ એકઠું કરી લીધું.
આનવ : અને શું ....એ આખું સૈન્ય werewolves થી ભરેલું છે ?.
વિરલ : અકલ્પનીય છે ... પરંતુ હા એ સત્ય છે....મને આપના ગુપ્તચર પાસે થી માહિતી મળી કે ભીષણ એ ખુબ જ ટૂંક સમય માં દુર દુર થી અનેક werewolves ને એકઠા કર્યા છે અને એમને નઝર ગઢ રાજ્ય માં કાયમી નિવાસ નું વચન આપ્યું છે.
આનવ પોતાની જગ્યા પર બેસી ગયા .....
વિરલ : હું એમ નથી કહી રહ્યો કે આપણી સેના અને આપ ખુદ એ સૈન્ય ને હરાવવા અસમર્થ છો ..પરંતુ એક મહાવિનાશ નઝરગઢ તરફ આગળ વધી રહ્યો છે મહારાજ. સંપૂર્ણ દેશ નો વિધ્વંસ થઇ જશે.વિદ્યુત ખુબ ચાલાક છે. એ જાણે છે કે અનિરુદ્ધ અને વિકર્ણ ની મોત નાં આઘાત માંથી આપ હજુ પણ બહાર નથી આવી શક્યા.
આનવ ભડકી ને બોલી ઉઠ્યા ..... “ અનિરુદ્ધ જીવિત છે હજુ”
વિરલ સ્તબ્ધ થઇ ગયો.
આનવ ને ભાન થયું કે આ વાત ગુપ્ત રાખવી અત્યંત આવશ્યક છે.
વિરલ : અનિરુદ્ધ જીવિત છે ?
આનવ : હા ... આં વાત મને સદૈવ સ્મરણ કરાવતા રહો વિરલ ....અનિરુદ્ધ જીવિત છે ... આ વાત મને મનોબળ પૂરું પાડશે.
વિરલ : હું સમજી શકું છું મહારાજ ....
પરંતુ અત્યારે આ કઠીન સમય માં આપ સેના નું માર્ગદર્શન કરશો તો આપણે અવશ્ય જીતશું.
આનવ : વિજય કોનો થશે એ મહત્વ નું નથી. આપણે અંતિમ સમય સુધી કેવી રીતે પોતાની જાત ને દેશ માટે સમર્પિત રાખીશું એ મહત્વ નું છે .....નઝર ગઢ ની શાન હમેશા ટકી રહે એ મહત્વ નું છે ,નઝર ગઢ નું નામ અને એની કીર્તિ અમર રહે એ મહત્વ નું છે.
વિરલ કેટલો સમય છે વિદ્યુત ના સૈન્ય ને અહી પહોચવા માં ?
વિરલ : વિદ્યુત ની સેના નિશાચર છે ,જેથી રાત્રી દરમિયાન એમની ગતિ બમણી થઇ જશે જેથી સૈન્ય ની ગતિ પ્રમાણે આવતી કાલ નાં સૂર્યોદય સાથે વિદ્યુત અને એની સેના નઝરગઢ નાં પ્રાંગણ માં ઉભી હશે.
આનવ : અત્યારે સૂર્ય અસ્ત થવાની તૈયાર્રી માં છે.
વિરલ આપના બહાદુર vampires ને એકઠા કરો ...... જણાવો કે નઝરગઢ માટે પોતાના ઘર માટે ,પોતાના પરિવાર માટે બલિદાન આપવા નો સમય આવી ચુક્યો છે. શહાદત નો સમય આવી ચુક્યો છે.
વિરલ એ પોતાનો જમણો પગ જમીન પર પછાડ્યો......
“આપના આદેશ થી મહારાજ” .......
વિરલ જુસ્સા ભેર કક્ષ થી બહાર નીકળ્યો અને સેના એકત્ર કરવા માં લાગી ગયો.
આનવ એ કક્ષ ની બહાર ખિડકી માંથી આકાશ તરફ જોયું સૂર્ય અસ્ત થઇ રહ્યો હતો ,જે દિશા માંથી અનિરુદ્ધ નો સંદેશ આવ્યો હતો.
આનવ : અનિરુદ્ધ ...ભલે તું મારો સગો પુત્ર નથી પરંતુ હું હમેશા થી તને પોતાના પુત્ર થી પણ વધુ પ્રેમ કર્યો છે ...આ વાત હું તને આજીવન કહી શક્યો નહિ.મેં હમેશા તારા તરફ કડકાઈ પૂર્વક વલણ અપનાવ્યું.કારણ કે હું તને સર્વ શક્તિશાલી બનાવવા માંગતો હતો ,મારા થી પણ વધારે બળવાન બનાવવા માંગતો હતો.કદાચ આ વાત હું તને રૂબરૂ નહિ જણાવી શકું.કદાચ આવતી કાલ નો સુર્યાસ્ત મારો અંતિમ સુર્યાસ્ત હશે.કારણ કે સર્વ શક્તિમાન આનવ વેલા ની અસલી શક્તિ તું છે અનિરુદ્ધ.તું એક અપાર શક્તિ નાં સ્ત્રોત સ્વરૂપે જન્મ્યો હતો.તું vampires નું ભવિષ્ય છે,જેથી તને સુરક્ષિત રાખવો અત્યંત આવશ્યક છે.જેથી તું નઝરગઢ નાં પહોચે એમાં જ તારી ભલાઈ છે.મારા પ્રાણ તો નઝરગઢ સાથે જોડાયેલા છે.જ્યાં સુધી મારા શરીર માં પ્રાણ છે ત્યાં સુધી હું નઝરગઢ ની ધરતી ને werewolves ની ગુલામ નહિ થવા દવ.અને તું મારા પુત્ર નઝરગઢ થી દુર રહેજે.બસ એ જ મારી કામના છે.
આનવ વેલા ની ખિડકી પાસે એક નાનું પતંગિયું ઉડી રહ્યું હતું.
એ કોઈ સામાન્ય પતંગિયું ન હતું.એ ત્રિશા નું જાદુઈ સંદેશવાહક હતું જે અવની ના આદેશ થી ત્રિશા એ નઝર ગઢ માં રાખ્યું હતું.
રાત્રી નો બીજો પ્રહર શરુ થયો.આનવ હજુ પણ એ ખિડકી માંથી ચંદ્ર ને નિહાળી રહ્યા હતા.
વિરલ આનવ ની સમીપ પહોચ્યો.
આનવ : તું જાણે છે વિરલ... આ ચંદ્ર નાં કિરણો અને પ્રકાશ vampires અને werewolves બન્ને ને શક્તિ આપે છે
વિરલ : હા મહારાજ.
આનવ : બન્ને પ્રજાતિ નો શક્તિ નો સ્ત્રોત એક જ છે ..છતાં પણ સદીયો થી આપણી પ્રજાતિ ના ઉદ્ભવ થી જ બન્ને એક બીજા ના પ્રાણો ના દુશ્મન છીએ.
મને વર્ષો પહેલા આ જાતિય દુશ્મની હમેશા માટે દુર કરવાનો એક જાણે પ્રકાશ મળ્યો હતો ...વિદ્યુત નાં રૂપ માં ..મેં એને એક મિત્ર સમજ્યો હતો અને એને નઝરગઢ માં આશરો આપ્યો હતો.મને જાણ નહોતી કે આપણી આ ભૂલ આજે આ જગ્યા એ લાવી ને રાખી દેશે
વિરલ : ભવિષ્ય ના ગર્ભ માં શું છુપાયું છે એ કોઈ નથી જાણતું મહારાજ.
આપણી સેના તમારી બહાર પ્રતીક્ષા કરી રહી છે.
આનવ એ ઊંડો નિસાસો નાખ્યો .....
આનવ : ઠીક છે વિરલ ચાલો.
આનવ નાં મહેલ નાં પ્રાંગણ માં એક અદ્વિતીય સેના એકત્ર થઇ ચુકી હતી.
આનવ પોતાના મહેલ ના ઝરુખે આવ્યા અને સેના ને ઊંચા અવાજ માં સંબોધન કર્યું.
આનવ : મારા બહાદુર ભાઈઓ .... આપણે એક વિનાશકારી યુદ્ધ ની સમીપ ઉભા છીએ ... એ વાત થી અહી કોઈ પણ અજાણ નથી.નઝરગઢ એ સદીયો થી કોઈ યુદ્ધ નો સામનો કર્યો નથી.
પરંતુ એનો મતલબ એમ નથી કે આપણી શક્તિઓ ક્ષીણ થઇ ચુકી છે ...એ નર ભેડિયા ઓ પોતાની બુદ્ધિ ખોઈ બેઠા છે ... એ vampires ની શક્તિ ને સામાન્ય સમજી બેઠા છે,પરંતુ એ નથી જાણતા કે નઝરગઢ નાં એક એક vampire સિપાહી ની શક્તિ એમના દસ દસ wolf સમાન છે.
આજે નઝરગઢનો રક્ષક ,નઝરગઢ નો પુત્ર ,મારો પુત્ર અનિરુદ્ધ આપણી વચ્ચે નથી ,મારો ભાઈ અને તમારા સૌ નો પ્રિય સેનાપતિ વિકર્ણ આપણી વચ્ચે નથી ,તેઓ ની કમી ચોક્કસ મહેસુસ થશે ,પરંતુ આ યુદ્ધ માં હું ખુદ તમારી પડખે ઉભો છું.
નઝરગઢ વર્ષો થી આબાદ અને આઝાદ રહ્યું છે,અહી સદીયો થી આપણા પરિવાર નિવાસ કરે છે.આજે નઝરગઢ ની આ ધરતી ને તમારા શૌર્ય ની આવશ્યકતા છે.આજે આપણે સૌ એક સાથે મળી ને નઝરગઢ ની આ સફેદ બર્ફીલી ધરતી ને એ દુષ્ટ ભેડિયા ઓના રક્ત થી લાલ કરી દઈશું પરંતુ એક એક પગ જમીન પણ એ ભેડિયા નાં હવાલે નહિ થવા દઈએ.
શું ....નઝરગઢ ની સ્વતંત્રતા માટે ..તમારા પરિવાર ની સુરક્ષા માટે ... vampires નાં અસ્તિત્વ માટે .....અનિરુદ્ધ અને વિકર્ણ માટે ....
આપ સૌ મારી સાથે આ યુદ્ધ માટે તૈયાર છો ? શું આપ સૌ એ ભેડિયા ઓને સબક શીખવાડવા તૈયાર છો ?
પ્રચંડ અવાજ સાથે જયઘોષ થયો
આનવ નાં જુસ્સા ભેર વચનો થી vampires ની સેના માં એક અદ્ભુત ઉર્જા દોડી ગઈ.
Vampires ની સેના નો પ્રચંડ અવાજ વિદ્યુત નાં કાન સુધી પહોચ્યો.
વિદ્યુત : ભીષણ... શું તે પણ એ અવાજ સાંભળ્યો ?
ભીષણ : હા ... આનવ ને આપણી કુચ ની જાણ થઇ ચુકી છે અને એને પોતાની સેના એકત્ર કરી લીધી છે ...
વિદ્યુત : નહિ ...આ અવાજ નો મતલબ છે કે આપણે નઝરગઢ પહોચી ચુક્યા છે .... આપણી સેના ને કહો કે પોતાની ગતિ વધારે ...આપણે સૂર્યોદય નો ઈન્તેજાર નથી કરવાનો .નઝરગઢ પહોચતા જ હુમલો કરો.
ભીષણ : પરંતુ લાંબા સમય થી આપણી સેના ચાલી ને થાકેલી છે ..એને થોડાક વિશ્રામ ની જરૂર છે ...આપણે સૂર્યોદય સાથે જ યુદ્ધ આરંભ કરી દઈશું.
વિદ્યુત : હા જેથી ...કે આનવ ને પુરતો સમય મળી રહે ?... આપણે તુરંત જ હુમલો કરીશું એ મારો આદેશ છે.હું આનવ ને વિચારવા માટે નો પણ સમય આપવા નથી માંગતો.
મારા થી હવે નઝરગઢ ના સિહાસન થી દુર નથી રહેવાતું ભીષણ ....ઝડપ થી આનવ ને મારી ને ત્યાં પહોચવું છે .
ભીષણ : મહારાજ ...હું પુનઃ કહી રહ્યો છું ...તમે આનવ ની શક્તિ ને અન્યથા ના લેશો ...vampires નો રાજા છે આનવ ... એ અત્યંત શક્તિશાળી છે.
વિદ્યુત : તું પણ મારી શક્તિ ને અન્યથા લઇ રહ્યો છે ભીષણ .... હું જ સર્વ શકિતમાન છું.મારો એક પ્રહાર એને ધ્વસ્ત કરવા સક્ષમ છે.... અને આ વખતે તો એને બચાવવા એનો લાડકો પુત્ર કે એનો સેનાપતિ પણ નથી .આ વખતે આનવ નું મૃત્યુ નિશ્ચિત છે ...જેથી ભીષણ હવે તું વધુ વિલંબ ન કર.
ભીષણ : જેવી તમારી ઈચ્છા.
ભીષણ ના આદેશ થી સેના બમણી ગતિ થી અડધા પ્રહર માં નઝર ગઢ પહોચી ગઈ.
અહી માયાપુર માં
અનિરુદ્ધ સમગ્ર રાત્રી આરામ કરી શક્યો નહિ ...એને એક અજીબ બેચેની સતાવી રહી હતી.
અવની : શુ થયું અનિરુદ્ધ ? તું આમ બેચેન કેમ છે ?
અનિરુદ્ધ : નથી જાણતો ...અવની ,આવી બેચેની મેં કોઈ દિવસ અનુભવી નથી.
અવની : બની શકે કે તને કદાચ નઝર ગઢ થી દુર રહેવાની આદત નથી.એટલે આ બેચેની હોય.
અનિરુદ્ધ : હા સંભવ છે....
અવની એ અનિરુદ્ધ નો હાથ પોતાના હાથ માં લીધો.અને પોતાનો બીજો હાથ અનિરુદ્ધ નાં હાથ માં મુક્યો.
હુંફ થી અનિરુદ્ધ ની અધીરતા થોડી શાંત થઇ.
અનિરુદ્ધ : તું જાણે છે અવની ..... આનવ મારા સગા પિતા નથી ...
અવની : તો ...
અનિરુદ્ધ : હું બાળપણ માં એમને નઝરગઢ નાં જંગલ માં મળ્યો હતો.મારા અસ્તિત્વ વિષે એમને કઈ પણ ખ્યાલ નહતો. એક રાજા હોવા છતાં એમને એક અનાથ ને અપનાવ્યો ,મને અપનાવ્યો.
એમને મને દરેક તાલીમ આપી વર્ષો સુધી એક કુશળ vampire બનાવવા માટે મને કઠીન થી કઠીન પરીક્ષા માં નાખતા રહ્યા.
એમની વિશેષતા શું છે તું જાણે છે ? આટલા વર્ષો માં એમને કોઈ દિવસ મને એમની સમીપ બેસાડી ને એમ નથી કહ્યું કે હું તને ખુબ પ્રેમ કરું છું.એમના કઠોર સ્વભાવ પાછળ એમનો અપાર પ્રેમ મારા પ્રત્યે છે એ હું જાણું છું ,કદાચ દરેક પિતા આવા જ હશે .
અને સાચું કહું તો કદાચ મારા સગા પિતા પણ મને એટલો પ્રેમ ના આપી શકે જેટલો એમને આપ્યો છે
અવની : સામે તું પણ તો એમને અપાર પ્રેમ કરે છે ....એમના વગર એક દિવસ પણ વિતાવવો તને કષ્ટ દાયી લાગે છે.
અનિરુદ્ધ : એમાં કોઈ શંકા નથી ... હું જ્યાં સુધી એમનો ચહેરો નાં જોઈ લવ મને ત્યાં સુધી મને આરામ નથી મળતો.
જ્યારે હું અને કાકા વિકર્ણ વિદ્યુત ને શોધવા નીકળ્યા ત્યારે મને એમની આંખો માં એક વેદના અને એક ચિંતા દેખાઈ હતી .
મને એવું લાગે છે અવની કે મારે એમની પાસે જવું જોઈએ.ન જાણે કેમ આજ એમની ખુબ યાદ સતાવી રહી છે.
અવની : શાંત અનિરુદ્ધ .... એમને તારો સંદેશ મળી ચુક્યો છે ,એ જાણે છે કે તું સુરક્ષિત છે.અને મારા આદેશ થી મેં એક સંદેશવાહક નઝરગઢ માં રાખ્યું છે .જે ત્યાં ની ગતિવિધિ પર નઝર રાખી રહ્યું છે,કઈ પણ દુર્ઘટના જણાશે તો એ તુરંત મને સૂચિત કરશે
અનિરુદ્ધ : એ વાત ની તે મને જાણ કેમ નથી કરી ?
અવની : કારણ કે એ વાત હું ફક્ત મારા પુરતી રાખવા માંગતી હતી.પરંતુ તારી બેચેની જોઈ ને મારે તને જણાવવું પડ્યું.
જેથી તું નિશ્ચિંત થઇ જા.
અનિરુદ્ધ : ઠીક છે.
અહી આ બાજુ નઝરગઢ પહોચતા જ વિદ્યુત એ સેના ને તૈયાર થવા કહ્યું.
હજુ પણ સૂર્યોદય માં થોડોક સમય શેષ હતો.
વિરલ આનવ પાસે ગયો ...
વિરલ : મહારાજ ..એવું લાગી રહ્યું છે કે વિદ્યુત સૂર્યોદય સુધી પણ રાહ નહિ જોવે એ તુરંત આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે.
આનવ ને ક્રોધ આવ્યો ...
આનવ : મુર્ખ વિદ્યુત .. સત્તા ના લોભ માં પોતાનું ભાન ભૂલી ચુક્યો છે.
વિરલ : અમારા માટે શું આદેશ છે ?
આનવ : એ ધૂર્ત ને મોઢા તોડ જવાબ આપો વિરલ આપનો પહેલો પ્રહાર એની સેના માં હડકંપ મચાવી દે એવો હોવો જોઈએ.
વિરલ : એવું જ થશે મહારાજ.
વિરલ તુરંત યુદ્ધ ના મેદાન માં ગયો.
અને એક સૈન્ય ટુકડી તૈયાર કરી.
વિદ્યુત એ પ્રાંગણ માંથી આનવ ને લલકાર ફેંક્યો.
વિદ્યુત : આનવ ... મને ભૂલી તો નથી ગયો ને ? હું વિદ્યુત છું ....નઝર ગઢ નો ભાવી મહારાજ.
વિદ્યુત જોર જોર થી હસવા લાગ્યો.
આનવ : વિદ્યુત ...તને તારી ઉદ્દંડતા નો દંડ અવશ્ય મળશે.
વિદ્યુત : હવે તું ત્યાં થી ઉભો ઉભો પોતાના સૈન્ય ને મરતું જ જોઇશ કે પોતે પણ યુદ્ધ માં ઉતરીશ ?
આનવ : મારા સૈનિકો નો સામનો કરી લે પહેલા ત્યારબાદ તો હું છું જ તારી સમક્ષ.
વિદ્યુત : તારા સૈનિકો ને તો હું પલભર જ ખત્મ કરી નાખીશ જે રીતે તારા અનિરુદ્ધ અને વિકર્ણ ને ખત્મ કર્યા.
આનવ (મન માં ) : વિદ્યુત ને અનિરુદ્ધ ના જીવિત હોવા નો જરા પણ ખ્યાલ નથી ....પુત્ર અનિરુદ્ધ કઈ પણ થાય તું ...અહી નાં આવીશ.
વિદ્યુત એ સેના ને આક્રમણ નો આદેશ આપ્યો.
વિદ્યુત ની werewolves ની સેના ના ભૂખ્યા ભેડિયા ઓ પોતાની શિકાર તરફ ભાગતા હોય એમ vampires ની પ્રમુખ ટુકડી તરફ ધસી ગયા.
વિરલ એ vampires ને પોતાના સ્થાન પર સ્થિત રહેવા કહ્યું.
એક જ પલ માં બન્ને ટુકડી ઓ આમને સામને ટકરાઈ અને ભયંકર યુદ્ધ શરુ થઇ ગયું.
ચારેકોર ધૂળ ની ડમરીઓ અને રક્ત ની પિચકારીઓ ઉડી રહી હતી. વિદ્યુત ના સિપાહીઓ આનવ ની કલ્પના કરતા વધુ શક્તિશાળી હતા.
વિદ્યુત ના સૈનિકો એ ઘણા vampires ને મોત ને ઘાટ ઉતાર્યા ,vampires ની સેના પણ સામે સક્ષમ પ્રતિકાર આપી રહી હતી અને વિદ્યુત ની સેના ના અનેક સૈનિકો ને પ્રાણમુક્ત કરી ચુકી હતી.
ભીષણ વિદ્યુત પાસે પહોચ્યો .
ભીષણ : મહારાજ ... vampires આપણી સેના ને ભારે ક્ષતિ પહોચાડી રહ્યા છે.
વિદ્યુત : એમની સેના નું નેતૃત્વ કોણ કરી રહ્યું છે ?
ભીષણ : વિરલ જે વિકર્ણ નો સહાયક અને ઉપસેનાપતિ હતો.અત્યારે એ આનવ ની સેના નું નેતૃત્વ કરી રહ્યો છે.
વિદ્યુત : તો ભીષણ સૌ પ્રથમ વિરલ ને પ્રાણ મુક્ત કરવો આવશ્યક છે,એની મૃત્યુ બાદ આનવ ને પોતે યુદ્ધ માં ઉતરવા સિવાય કોઈ વિકલ્પ શેષ નહિ રહે.
અને વિરલ ને મારવા માટે આપણી પાસે એક કુશળ યોદ્ધા છે.
ભીષણ : આપ સમ્રાટ ની વાત કરી રહ્યા છો ..?
વિદ્યુત : હા બેશક એ બેકાબુ છે પરંતુ એ ખૂંખાર છે અને અપરાજિત છે ....અત્યાર સુધી હજારો vampires ને એ મારી ચુક્યો છે એની vampires પ્રત્યે ની નફરત એને વિરલ ને હરાવવા માં મદદ કરશે.
ભીષણ : પરંતુ મને લાગ્યું કે આપ એને આનવ ની વિરુદ્ધ ઉપયોગ કરશો.
વિદ્યુત : એવું જ સમજી લે ...કારણ કે વિરલ ની મૃત્યુ બાદ એમ પણ આનવ યુદ્ધ માં ઉતરશે.
ભીષણ એ સમ્રાટ ને એક વિશાલ પાંજરા માં કેદ કરી રાખ્યો હતો.સમ્રાટ એક ખૂંખાર werewolf હતો જેણે ફક્ત vampire નાં રક્ત ની ચાહ હતી.અને આ યુદ્ધ માં એ વિદ્યુત નું મુખ્ય હથિયાર હતો.
ભીષણ એ પાંજરું ખોલ્યું અને સમ્રાટ ને વિરલ તરફ ઈશારો કર્યો.
વિરલ નઝરગઢ નાં મહેલ પાસે ઉભો રહી સેના ના નેતૃત્વ ની સાથે ભેડિયા ઓને મહેલ માં જતા રોકી રહ્યો હતો
સમ્રાટ ગતિ થી એની તરફ ધસી ગયો.વિરલ ની નઝર એના પર પડી અને એ સમ્રાટ ના એ આક્રમણ થી બચી ગયો.સમ્રાટ ને ક્રોધ આવ્યો એનો આંખો રક્ત થી લાલ ચોળ થઇ ગઈ અને એ પોતાના ભેડિયા ના વિકરાળ રૂપ માં પરિવર્તિત થઇ ગયો એના નખ તલવાર સમાન તીક્ષ્ણ અને ખંજર જેટલા લાંબા હતા ,અને દાંત તો જાણે તીરો ની હાર માળા.
એને વિરલ પર ફરી થી હુમલો કર્યો ,પરંતુ આ વખતે પણ એ બચી ગયો.
વિરલ પણ પોતાના vampire ના રૂપ માં આવી ગયો. એને પોતાની ઝડપ થી સમ્રાટ ને મૂંજવી દીધો ,પરંતુ ખૂંખાર સમ્રાટ નાં પંજા નાં પ્રહાર થી બચી ના શક્યો અને અને લોહી લુહાણ થઇ ગયો, છતાં પણ ઉભો થયો અને ચાલાકી થી એક તીક્ષ્ણ હથિયાર સમ્રાટ ના ખભા માં પરોવી દીધું.
સમ્રાટ ઉભો થાય એ પહેલા જ વિરલ એ એના એક પગ પર ઘાતક પ્રહાર કર્યો.
સમ્રાટ એ પણ સામે એવો જ પ્રહાર કર્યો અને વિરલ નો પગ પણ ઘાયલ થઇ ગયો.જેથી હવે એ પોતાની ગતિ નો ઉપયોગ કરવા માટે સમર્થ નહતો.
તેમ છતાં એ ઉભો થયો અને અને પોતાના તિક્ષ્ણ દાંત સમ્રાટ ની ગરદન માં પરોવી દીધા અને એના રક્ત નું પાન કરવા લાગ્યો.
સમ્રાટ નું બચવું હવે લગભગ અશક્ય હતું ત્યાં ..પાછળ થી તીક્ષ્ણ નખ વિરલ નાં છાતી નાં આરપાર થઇ ગયા.
ભીષણ એ ત્યાં પહોચી ને વિરલ ની પીઠ પાછળ વાર કર્યો અને અનેક તીક્ષ્ણ નખ ના પ્રહાર થી વિરલ નું શરીર છિન્ન કરી નાખ્યું.
સમ્રાટ તો વિરલ ના પ્રહાર થી બેસુદ થઇ પડ્યો હતો.
પરંતુ ભીષણ ના કુટિલ આઘાત થી વિરલ પોતાનાં શ્વાસ ઘુમાવી રહ્યો હતો.
ભીષણ એ પુનઃ પોતાના નખ વિરલ ના હદય ના આરપાર કરી દીધા ...વિરલ પીડા થી ટળવળી રહ્યો હતો એની આંખો અને મોઢા માંથી રક્ત ની ધારા નીકળી રહી હતી.
ભીષણ : તું અપેક્ષા કરતા વધુ શક્તિશાળી નીકળ્યો વિરલ .... મને તારા જેવા કુશળ યોદ્ધા જોઈ ને આનંદ થાય છે.
વિરલ તૂટતા અવાજે બોલ્યો “ મ... મને તારા જેવા .... ધૂર્ત ...ક ...કપટી યોદ્ધા પર ...પર દયા આવે છે .... એટલું કહી એને વિરલ એ પોતાની પાસે પડેલા હથિયાર થી ભીષણ પર ઘટક હુમલો કર્યો જેમાં ભીષણ નો ડાબો હાથ ઘવાયો....ક્રોધે ભરાઈ ને ભીષણ એ વિરલ ની છાતી ચીરી નાખી.
વિરલ નઝરગઢ માટે શહીદ થઇ ગયો.
વિરલ ના મૃત્યુ નો આનવ ને ઘેરો આઘાત લાગ્યો અને એને પોતે યુદ્ધ માં ઉતરવા નો નીર્ણય લીધો.
અહી આ બાજુ.
સૂર્યોદય પછી પણ અનિરુદ્ધ આમ તેમ વિચરણ કરી રહ્યો હતો.
વિકર્ણ એની પાસે આવ્યો .
વિકર્ણ : શું થયું અનિરુદ્ધ ...? તું ઠીક તો છે ને ?
અનિરુદ્ધ : મને કઈક અનહોની નાં સંકેત દેખાઈ રહ્યા છે કાકા.
વિકર્ણ : શેની અનહોની ?
અનિરુદ્ધ : કઈક એવી દુર્ઘટના જેના થી આપણે અજાણ છીએ.
ત્યાં સંદેશવાહક પતંગિયું ....ત્રિશા પાસે પહોચ્યું.
આખો સંદેશ સાંભળતા જ ત્રિશા ઘભરાઈ ને અવની પાસે પહોચી ...
ત્રિશા એ આખી વાત અવની ને જણાવી ...
ત્રિશા : અવની મને લાગે છે કે અનિરુદ્ધ અહી રહે એમાં જ એની ભલાઈ છે.આપણે એના પિતા ની વાત માનવી જોઈએ,જો આપણે આ સંદેશ એને નહિ જણાવીએ તો એના પ્રાણ બચી જશે.
અવની નાં આંખ માં આંસુ હતા
અવની : હા ચોક્કસ થી એના પ્રાણ બચી જશે પરંતુ એ ફક્ત એક જીવિત લાશ થઇ જશે.એના પિતા એના પ્રાણ છે ,એમને કઈ પણ થયું તો એ પોતાની જાત ને કોઈ દિવસ માફ નહિ કરી શકે.
ત્રિશા : મતલબ ?
અવની : મતલબ કે અનિરુદ્ધ નું તુરંત નઝરગઢ જવું અત્યંત આવશ્યક છે.અને તે કદાચ આનવ વેલા ની વાત સાંભળી નહિ ....અનિરુદ્ધ જ એમની શક્તિ છે ... એની યુદ્ધ માં હાજરી માત્ર એમને જીતાડવા પુરતી છે.એ werewolves મારા અનિરુદ્ધ નો વાળ પણ વાંકો નહિ કરી શકે.તું નઝરગઢ નાં દ્વાર ખોલ હું એને લઇ ને આવું છું.
ત્રિશા એ અવની ની સુચના પ્રમાણે જ કર્યું..
અવની ભાગી ને અનિરુદ્ધ પાસે ગઈ જ્યાં અનિરુદ્ધ અને વિકર્ણ ચર્ચા કરી રહ્યા હતા.
અવની હાંફતી આવી
અવની : અનિરુદ્ધ ...એક અત્યંત મહત્વપૂર્ણ વાત છે જે તમારે તુરંત જાણવી આવશ્યક છે.
ક્રમશ: ....................................
નમસ્કાર વાચક મિત્રો
આપના આગળ ના ભાગ માં ભવ્ય પ્રતિસાદ થી ઘણો આનંદ થયો.અપેક્ષા છે કે આ ભાગ પણ આપ સૌ ને એટલો જ પસંદ પડશે.નવલકથા નાં આવનારા ભાગ અનેક રોમાંચ અને રહસ્યો થી ભરપુર હશે.
આપ સૌના આ નવલ કથા તથા તેના પાત્રો વિષે જે કઈ પ્રશ્ન હોય એ message કે comment માં પૂછી શકો ,હું દરેક ના ઉત્તર આપવાનો પ્રયાસ કરીશ ,આપ સૌ ના પ્રશ્નો થી આપ સૌ ની રૂચી અને અભિગમ વિષે થોડોક અંદાજ આવશે જે મને નવા ભાગ લખવામાં પ્રેરણા આપશે.
આભાર.