Lamp post in Gujarati Philosophy by Vaseem Qureshi books and stories PDF | લેમ્પ પોસ્ટ

Featured Books
Categories
Share

લેમ્પ પોસ્ટ


લેમ્પ પોસ્ટ

દિવસ દરમ્યાન તેજ રફતાર થી દોડતા શહેર નું ચિત્ર સામાન્ય છે પણ એવા શહેરો ની રાતો દોડ ધામ ની સાથે સાથે ઝગઝગાટ મારતી હોય છે. શહેરની ઝાકમઝાળ અને ચકાચૌંધ કૃત્રિમ અજવાળું .. અને એટ્લે જ સાંજ પડતાં જ, અંધકાર ને અસ્ત કરવા રોડની વચ્ચે ડિવાઇડર પર, પુલ ની બંને તર, રસ્તા ઓ ની વચ્ચે કે બંને તરફ – શિસ્ત બધ્ધ ઉભેલા લેમ્પ પોસ્ટ પોતાની ફરજ બજાવવા તૈનાત. આ લેમ્પ પોસ્ટ ના ચળકાટ થી દિવસ ના સોનેરી તડકા માં દોડતો રહેલો રસ્તો સાંજ પડતાં જ રૂપેરી રંગે ધીમું ધીમું ધબકવા ની શરૂઆત કરે છે અને મોડી રાત સુધી માં પ્રજ્વલલિત થઈ શહેર ને જીવંત બનાવી દે છે.

આ લેમ્પ પોસ્ટ ની અદા પણ સાવ નિરાલી. એકદમ ડાહ્યા ડમરા થઈને કોઈ ને પણ નડયા વગર જ બધાને એ સરખું જ અજવાળે, સરખું જ પ્રજાવલ્લિત કરે. કોઈ જ તરફદારી નહિ, કોઈ જ ઉણપ નહીં. શિસ્તનું પાલન એમનાથી યે શિખાય. ગમે તેવા માહોલ માં, ગમે તેવી ઋતુ માં એ શિસ્ત બધ્ધ અડીખમ ઊભા. રાત ના અંધકાર ને દિવસ જેવા અજવાસ માં પલવાનું ભગીરથ કાર્ય કરતાં આ કૃત્રિમ સૂર્યો છેલ્લા ધબકાર સુધી પણ કાર્ય નિષ્ઠા ચુકતા નથી. ઝબકી ઝબકી ને પણ તેઓ છેલ્લે છેલ્લે અંશત પ્રકાશ આપીને કાર્ય હિન થતાં પહેલા પણ તેમનો હેતુ ચુકતા નથી. એને પરિપૂર્ણ કરી ને જ જંપે છે.

અજાણ્યા રાહગીર ને એ રસ્તો બતાવે કે ખોવાયેલા ને એની મજલ, ખોવાયેલી વસ્તુ (કે વ્યક્તિ) મેળવી આપે કે સરળતા, સુગમતા, સગવડ આપે – કેટ કેટલા જુદા જુદા ફળ છે જે એ અર્પિત કરે છે. અડીખમ ઉભેલો લેમ્પ પોસ્ટ એ કોઈ તપસ્વી કરતાં સહેજે ઊતરતી કક્ષા નો નથી ને. એને ગમાડનાર કે ના ગમાડનાર – બંને માટે એ એટલો જ દાતા. અટલ તપસ્વી, અસલ તપસ્વી.

આપણાં ભાગતા અને હાફતા જીવનમાં પણ ઘણા લૅમ્પ પોસ્ટ જરૂરી જ છે ને. આજના આધુનિક શહે માં જેમ ઠેર ઠેર લેમ્પ પોસ્ટ એ અનિવાર્યતા છે તેમ ઝડપી જીવન ના દરેક તબક્કે રાહચીંધક, માર્ગદર્શક, પ્રકાશપુંજ અર્પણ કરનાર લેમ્પ પોસ્ટ એ થી વધુ આવશ્યક છે. એ દીવાદાંડી બની રસ્તો ચિંધે, માર્ગ બતાવી જાણે, ખોટા રસ્તે જતાં અટકાવે, પ્રકાશ ફેલાવે, તમસો માં જ્યોતિર્ગમય ની સાક્ષી પૂરે.

નિરાશા ના અંધકાર ને ચીરી ને પ્રકાશ આપે, અંધાધૂંધ ભરેલ ભુલભુલામણી માં થી સાચી દિશા સૂચવે તેવા લેમ્પ પોસ્ટ આપણા જીવન માં કેટલા? નાનપણ થી જ માં નું માર્ગદર્શન, કે શિક્ષકો ની શિક્ષા, પિતા નો પ્રેમ કે મિત્રો ની મદદ, સહાધ્યાયો નો સાથ કે પ્રિયતમ કે પ્રેમી નો પ્રણય – એ બધા લેમ્પ પોસ્ટ નથી કે શું ? એક નાનકડી ભૂમિકા પણ ખૂબ મોટી અસર જન્માવે છે, એની અમિત છાપ અને અતૂટ અસર રહી જાય છે જિંદગી ના દરેક પગલે.

પણ એવું પણ બને કે આ લૅમ્પ પોસ્ટ ક્યારેક, ક્યાંક તમને વિચારતા કરી દે. એવું પણ કદાચ બનતું હશે ને કે લેમ્પ પોસ્ટ ઊભા તો કરી દેવાયા હોય પણ એમાં લૅમ્પ જ ઇન્સ્ટોલ ના કર્યા હોય ... અને કદી લેમ્પ ઇન્સ્ટોલ કર્યો હોય પણ ઇલેક્ટ્રિસિટી નું ડિસ્કનેકશન થઈ ગયું હોય એવું યે બને ને.

હે ઈશ્વર, મારા જીવનના તમામ લેમ્પ પોસ્ટસ ને સદૈવ કાર્યરત રાખજે અને જો હું કોઈના માટે અદના લેમ્પ પોસ્ટ પણ હોઉ તો એના માટે સાચો દર્શક બનાવજે, સારો મિત્ર બનાવજે.

- પ્રોફેસર વસીમ કુરેશી (2011, 2020)