Wolf Dairies - 10 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 10

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 10

“આ ને તો બહુ જ તાવ છે.” શ્લોકના કપાળ પર હાથ મુકતા સિયાએ કહ્યું.

“શ્લોક... શ્લોક...” શ્લોકને ઉઠાડતા સિયાએ કહ્યું.

“હા.” આંખો મચેડી ઉભા થતા શ્લોકએ કહ્યું. શ્લોકનો અવાજ બહુ જ ધીમે નીકળી રહ્યો હતો. તે માંડ માંડ બેઠો થયો.

“શ્લોક તને બહુ જ તાવ છે. ચાલ જલ્દી નીચે. ઠંડી લાગી જશે.” શ્લોક સિયા સાથે નીચે રૂમમાં આવ્યો.

“આ લે દવા.” સિયાએ તેને દવા પીવડાવી.

“સિયા મારે મારા રૂમમાં જવું છે. હું સવારે મળું તને.” કહીને શ્લોક પોતાના રૂમ તરફ જતો રહ્યો.

“કામના લીધે તાવ આવી ગયો હશે. કેટલી ભાગદોડ કરતો હોય છે હોસ્પિટલમાં..” સિયા તેને જતા જોઈ રહી.

“રોમી..” શ્લોક પોતાના નહિ પણ રોમીના રૂમમાં ગયો.

“શું થયું?” શ્લોકને લથડીયા ખાતા જોઈ રોમીએ તેને પકડ્યો.

“રોમી.. મને આ શું થઇ રહ્યું છે?” શ્લોકએ પોતાના હાથ સામે જોતા કહ્યું.

“શ્લોક જલ્દી આ તરફ..” રોમીએ પોતાના કબાટને હટાવ્યુ, ત્યાં એક રસ્તો ખુલી ગયો. તેની આસપાસ ગુલાબી પ્રકાશ રેલાઈ રહ્યો હતો.

લથડીયા ખાતો શ્લોક એમાં રોમી સાથે પ્રવેશ્યો. તે એક જંગલ હતું.

“રોમી આ...” શ્લોક નીચે ઘૂંટણના સહારે બેસી ગયો. તે હજુ પણ હાંફી રહ્યો હતો.

“બસ સહન કર. તું આ કરી શકે છે શ્લોક. હું તને આજે એ જ બતાવવા માંગતો હતો. પણ મને શું ખબર હતી કે આ સચ્ચાઈ આપણા બંનેની હતી.” રોમીએ શ્લોકથી દુર થતા કહ્યું.

અચાનક જ શ્લોકનું શરીર એક વુલ્ફમાં ફેરવાઈ ગયું. તે આમ થતા રોકી ના શક્યો. જાણે તેનો પોતાના પર જરાય કાબુ નહોતો.

તે પોતાના હાથ પગ જોઈ રહ્યો હતો. તેના આખા શરીર પર કથ્થાઈ રંગના રુછંડા હતા. અને તેના હાથ પગ પર મોટા અને લાંબા નખ હતા, જે કોઈને પણ ફાડી નાખવા માટે સક્ષમ હતા.

“પોતાની ઈચ્છા શક્તિ વાપર શ્લોક. તું ફરીથી શ્લોક બની શકે છે.” રોમીએ તેને કહ્યું.

શ્લોકએ પોતાની આંખો બંધ કરીને રોમીએ કહ્યું તેમ જ કર્યું. અને તે ફરીથી શ્લોકના રૂપમાં આવી ગયો.

“રોમી.. આ બધું શું..” પોતાના હાથ પગ જોતા શ્લોકએ પૂછ્યું.

“આ રાઝ તારા એકલાનું નથી દોસ્ત..” બોલી રોમી તેનાથી દુર ખસ્યો.

તે પણ એક વુલ્ફમાં ફેરવાઈ ગયો. તેને જોઇને શ્લોક ગભરાઈને નીચે પડી ગયો. તેને ચક્કર આવતા તે બેભાન થઇ ગયો.

શ્લોકની આંખ ખુલી ત્યારે તે રોમીના રૂમમાં સુતો હતો.

“રોમી..” તેણે બેઠા થતા કહ્યું.

“હું તારી સાથે જ છું.” તેની પાસે બેસતા રોમીએ કહ્યું.

“કહી દે રોમી કે મેં જે જોયું તે બધું બસ એક ખોટું સપનું હતું.” શ્લોકએ પોતાનું માથું પકડતા કહ્યું.

“કાશ હું એવું કહી શકતો હોત. પણ આ હકીકત છે.” નિરાશ થતા રોમીએ કહ્યું.

“આ બધું શું છે? અને કેમ આવું થયું?” શ્લોકએ રોમી સામે જોઇને કહ્યું. તેને હજુ પણ કઈ સમજાઈ નહોતું રહ્યું.

“આ વિશે હું પણ એટલું બધું નથી જાણતો. પણ આ મારી સાથે સિયા આપણા ઘરે રહેવા આવી એના એક મહિના પહેલા શરુ થયું હતું. હું પણ બહુ ગભરાઈ ગયો હતો. પણ ડોક્ટર ક્રિસએ મારો સાથ આપ્યો.” રોમી જણાવી રહ્યો હતો.

“ડોક્ટર ક્રિસ?” આશ્ચર્ય સાથે શ્લોકએ પૂછ્યું.

“હા. મને પણ ત્યારે બહુ જ નવાઈ લાગી હતી. ડોક્ટર ક્રિસ પણ આપણી જેમ નરભેડિયા એટલે વુલ્ફ છે. આપણે ગમે ત્યારે આપણું રૂપ બદલી શકીએ છીએ. અને સૌથી મહત્વની વાત તો એ છે કે નાના નાની પણ આ વિશે બધું જ જાણે છે.” રોમીએ કહ્યું.

“નાના નાની... શું એ પણ આપણી જેમ..?” શ્લોકને બીજો ઝટકો લાગ્યો.

“મેં તેમની સાથે આ વિષય પર કોઈ વાત કરી નથી. પણ મને આ બધું ક્રિસ સરએ કહ્યું હતું.” સ્પષ્ટતા કરતા રોમીએ કહ્યું.

“મારે ડોક્ટર ક્રિસને મળવું છે. હમણાં જ..” ઉભા થઈને શ્લોકએ કહ્યું.

“હું અહિયાં જ છું.” રૂમમાં દાખલ થતા ક્રિસએ કહ્યું.

“આ બધું શું હતું... મને જણાવો.” શ્લોકએ ધીરજ ગુમાવતા કહ્યું.

“તમે બંને બેસો. હું બધું જ જાણવું છું. રોમી આ દરવાજો બંધ કર.” ક્રિસએ કહ્યું.

રોમીએ કબાટ ફરીથી એની જગ્યા પર મુક્યું અને ગુલાબી પ્રકાશ આવતો બંધ થયો. શ્લોક અને રોમી, ક્રિસની સામે બેઠા.

“ઘણા સમય પહેલાની વાત છે. જયારે હું પણ તમારી જેમ કોલેજમાં ભણતો હતો. મારા ગ્રુપમાં અમુક એવા દોસ્ત હતા જે વુલ્ફ હતા. હું વિરોધી ગ્રુપમાં હતો કદાચ. હું જવાન હતો. મારામાં પડકારો ઝીલવાની તત્પરતા હતી. મને મારી જ કોલેજની એક છોકરી સાથે પ્રેમ થયો. પણ તે વુલ્ફ હતી. થોડાં સમય પછી મેં આ વાત જાણી કે તે એક વુલ્ફ હતી. અમે અમારા પ્રેમમાં બહુ આગળ વધી ગયા હતા. તેથી મેં તેનો સાથ છોડ્યો નહિ. અને બંને એ બધાની વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. અચાનક જ કંઇક એવું થયું કે બધું જ બદલાઈ ગયું. હું તેને રોકી ના શક્યો. હું બહુ જ ખરાબ રીતે ઘવાયો હતો. મારા બચવાની કોઈ આશા જ નહોતી. મારી પત્નીએ મને વુલ્ફમાં ફેરવ્યો. તે કદાચ મારો બીજો જન્મ હતો. મેં એ બધામાં મારા બધા જ મિત્રોને ખોઈ નાખ્યા. તમે બંને મારા એ મિત્રોની સંતાન છો. તમને કોઈએ વુલ્ફમાં ફેરવ્યા નથી. તમને આ વારસામાં મળ્યું છે.” ક્રિસએ જુનું બધું યાદ કરતા કહ્યું.

“નાના નાની.. શું તે બંને પણ..?” શ્લોકએ પૂછ્યું.

“ના. તે બંને વુલ્ફ નથી. પણ તે આ બધી જ હકીકત જાણે છે. કેમકે મારી એક મિત્ર પંછી, જેને મેં આ બધામાં ખોઈ નાખી તે એમની દીકરી હતી.” ક્રિસએ બધું જ જણાવી દીધું.

શ્લોક અને રોમી બસ ક્રિસને સાંભળતા રહ્યા. બધા સવાલોના જવાબ તેમણે મળી ગયા હતા.

તે દિવસ પછી શ્લોક બધાથી બહુ દુર રહેવા લાગ્યો. તેને એ દિવસ પછી સિયાને મળવાનું બંધ કરી દીધું. હસતો મજાક કરતો શ્લોક ક્યાંક ગાયબ જ થઇ ગયો હતો.

“એ હજુ સુધી આવ્યો કેમ નહિ..?” નીચે હોલમાં સિયા આંટા મારી રહી હતી. સાંજ પડી ગઈ હતી પણ શ્લોક હજુ સુધી આવ્યો નહોતો.

“એ કદાચ સીધો ધાબા પર જ આવશે. હું ત્યાં જઈને જ બેસું.” વિચારીને સિયા જમવાનું લઈને ધાબા પર બેઠી.

ઠંડી પણ ધીમે ધીમે વધી રહી હતી. અને સિયા કઈ પણ ઓઢ્યા વગર ત્યાં બેસી રહી હતી. રાહ જોતા જોતા સાંજની રાત થઇ ગઈ હતી.

“અહી શું કરે છે?” પાછળથી આવતા રોમીએ કહ્યું.

“તે હજુ સુધી કેમ ના આવ્યો? કાલે બીમાર હતો. તબિયત વધારે તો નહિ બગડી હોય..? મેં તેને બહુ ફોન કર્યા પણ તેનો ફોન બંધ આવે છે.” ચિંતા કરતા સિયાએ કહ્યું.

“તેને કંઇક કામ આવી ગયું હશે. તું જમી લે. અને સુઈ જા. સવારે મળી લેજે. એ ક્યાં ભાગી જવાનો છે.” સમજાવતા રોમીએ કહ્યું.

“પણ એ જેવો ઘરે આવશે તેવો જ અહી આવશે. હું અહી નહિ હોઉં તો એને સારું નહિ લાગે ને? એ આવતો જ હશે. હું ઠીક છું.” રસ્તા તરફ જોતા સિયાએ કહ્યું.

રોમીએ હા માં માથું હલાવ્યું અને નીચે આવી ગયો.

“મને માફ કરી દેજે સિયા. હું તારા માટે કઈ કરી શકું તેમ નથી ઉદાસ થતા રોમીએ વિચાર્યું.

રાહ જોતા જોતા સિયા ઉપર જ સુઈ ગઈ. શ્લોક રાતે બે વાગ્યે ઘરે આવ્યો.

તેને ધાબા પર વચ્ચેની સીડીઓની લાઈટ ચાલુ દેખાઈ એટલે તે ઉપર ચડવા લાગ્યો.

તેનું ધ્યાન નીચે જ સુતી સિયા પર પડ્યું. સિયા ધાબા પર જ આટલી ઠંડીમાં કઈ પણ ઓઢ્યા વગર સુતી હતી. જમવાનું પણ ત્યાં જ લઈને મૂકી રાખ્યું હતું. તેને હજુ સુધી કઈ પણ જમ્યું નહોતું.

શ્લોકએ સિયાને પોતાની બાહોમાં ઉઠાવીને રૂમમાં લાવીને સુવડાવી.

“તું કેમ મારી મુશ્કેલીઓ વધારી રહી છે.” સિયાને બ્લેન્કેટ ઓઢાડીને શ્લોક ત્યાંથી બહાર નીકળી ગયો.

****

● રોમી અને શ્લોકના મા બાપ કોણ હતા?

● શું સિયાને આ બધા થઈ ખતરો હતો?

● નાના નાની બધી વાત કઈ રીતે જાણે છે?

● શું ક્રિસની પત્ની જીવતી છે?

● આ બદલાયેલા શ્લોકની સિયા પર શું અસર થશે?

ક્રમશઃ