“શું થયું?” શ્લોકએ સિયા સામે જોઇને કહ્યું.
“ધાબા પર બેસીએ?” સિયાએ પૂછ્યું.
“હું પણ એ જ વિચારતો હતો.” હસીને શ્લોકએ કહ્યું.
બંને ધાબા પર જઈને બેઠા, અને તારાઓને જોઈ રહ્યા હતા.
“શું થયું?” શ્લોકએ ક્યારની ચુપ બેઠેલી સિયાને પૂછ્યું.
“તને ક્યારેય ડર લાગ્યો છે?” સિયાએ કહ્યું.
“કેવો ડર?” શ્લોકએ પૂછ્યું.
“પોતાના કોઈ નજીકના માણસને ખોઈ બેસવાનો ડર. અથવા પોતાના જ અસ્તિત્વને ખોઈ બેવાનો ડર? અથવા...” સિયા હજુ પણ તારાઓ તરફ જ જોઈ રહી હતી.
“અથવા ગમતા વ્યક્તિને ખોઈ બેસવાનો ડર..” શ્લોકએ સિયા સામે જોઇને કહ્યું.
“હા.” સિયાએ માથું હલાવ્યું.
“ડરવાથી પરિસ્થિતિ બદલાઈ તો નહિ જાય ને? જે થવાનું છે એતો થઈને જ રહેશે. તો પછી શું કરવા બહુ બધું વિચારીને હેરાન થઈએ?” શ્લોકએ સમજાવતા કહ્યું.
“તને એવું લાગ્યું ક્યારેય કે પોતાના બહુ જ ખાસ વ્યક્તિને... જે તારા માટે બહુ જ જરૂરી હોય એવું કોઈક, એને તે ખોટું કહ્યું હોય? અને તું ઈચ્છતો હોય કે તે દુઃખી ના થાય એટલે તે ખોટું કહ્યું હોય.” નીચે જોઇને સિયાએ કહ્યું.
“તને તો ખબર છે ને સિયા, હું તો પૂરી નોટંકી છું. કોઈ મારાથી નારાજ રહી જ ના શકે. અને જો થાય તો પણ હું એને ફટાફટ મનાવી લઉં. અને રહી વાત વાત છુપાવાની તો એની પાછળ જરૂર કોઈક કારણ તો હોય જ. કોઈ કેમ જાણી જોઈને પોતાના ગમતા વ્યક્તિને દુઃખ પહોચાડે?” શ્લોકએ પોતાના કોલર ઊંચા કરતા કહ્યું.
“કાશ તું જે કહે છે એ આટલું સહેલું હોત શ્લોક.” સિયા મનમાં વિચારી રહી હતી.
“તો.. કોણ છે એ ખાસ વ્યક્તિ?” સિયાને ચીડવતા શ્લોકએ કહ્યું.
“એવું કઈ નથી. એક દોસ્ત છે તેના વિશે કહી રહી હતી. અને દોસ્ત તો બધા સરખા જ હોય છે. દોસ્તોમાં ઓછું વધારે જેવું કઈ ના હોય.” સિયાએ કહ્યું.
“અરે હા.. આતો પુરાણોમાં લખ્યું હતું. મને અધ્યાય નથી યાદ આવતો યાર...” વિચારતા શ્લોકએ કહ્યું.
“હે ભગવાન.. કેવો છે આ છોકરો...” હસીને સિયાએ કહ્યું.
“જલેબી જેવો.. મીઠો મીઠો..” સિયાને કોણી મારતા શ્લોકએ કહ્યું.
“મને નથી ભાવતી જલેબી.” શ્લોકના ખભા પર માથું મુકતા સિયાએ કહ્યું.
“એટલે તારે મને ખાઈ જ જવો છે હે?” સિયાને હેરાન કરતા શ્લોકએ કહ્યું.
“શ્લોક..” સિયાએ માથું હટાવી લીધું.
“અરે મજાક યાર. જો મારો ખભો રડે છે તારા વગર.” સિયાએ પાછું તેના ખભા પર માથું મુક્યું.
“સારું ચલ એ કહે તને શું ભાવે?” શ્લોકએ પૂછ્યું.
“ચીકુ.” ખુશ થતા સિયાએ કહ્યું.
“અરે વાહ મારી ચીકુડી... તો આજથી હું તને ચીકુ કહીશ હ..” શ્લોકએ કહ્યું.
“આવા નામ કોણ રાખે યાર. સિયા જ બરાબર છે.” સિયાએ અકળાતા કહ્યું.
“હું રાખું ને..” હસીને શ્લોકએ કહ્યું.
“હવે સુઈ જઈએ?” સિયાએ કહ્યું.
એ પછી સિયા ફરી પોતાની ટ્રેઈનીંગમાં વ્યસ્ત થઇ ગઈ.
“સર... મારે તમને કંઇક કહેવું છે.” ક્રિસના રૂમમાં આવીને રોમીએ કહ્યું.
“હા. બોલ.” ક્રિસએ કહ્યું.
“હું છેલ્લા ઘણા સમયથી આ બધાથી ઘેરાયેલો છું. અને હું મારા ભાઈ જેવા દોસ્ત શ્લોકથી અને એટલી સારી દોસ્ત સિયાને દગો આપી રહ્યો છું. નાના નાનીને પણ.. મારાથી આ બધું હવે સહન નથી થઇ રહ્યું.” ઉદાસ થતા રોમીએ કહ્યું.
“નાના નાનીને તો આ ખબર જ છે.” ક્રિસએ પોતાનું કામ કરતા કહ્યું.
“શું? તેમને આ બધું ક્યારે અને કઈ રીતે?” રોમીને આંચકો લાગ્યો.
“એ બધું અત્યારે સમજવું જરૂરી નથી. અને સિયાને આ બધા સાથે કઈ લેવા દેવા નથી.” ક્રિસએ કહ્યું.
“અને શ્લોક..?” રોમીએ પૂછ્યું.
“એ નિર્ણય હું તારા પર છોડું છું. તને જેમ ઠીક લાગે તેમ કર.” ક્રિસએ કહ્યું.
રોમી રૂમમાંથી બહાર નીકળી ગયો. તેને નક્કી કરી લીધું હતું કે હવે શું કરવાનું છે.
“શ્લોક, મારે તારી સાથે કંઇક અગત્યની વાત કરવી છે.” રોમીએ શ્લોકના રૂમમાં આવતા કહ્યું.
“હા બોલને.” શ્લોકએ એપ્રોન પહેરતા કહ્યું.
“ક્યાં જાય છે તું અત્યારે બપોરે?” રોમીએ પૂછ્યું.
“હોસ્પિટલ. બીજે ક્યાં? મારે ઇવનિંગ છે ને. બોલ તું શું કહેતો હતો?” શ્લોકએ કહ્યું.
“અહી નહિ.” રોમીએ આજુબાજુ જોતા કહ્યું.
“તો ક્યાં? તું ઠીક છે ને?” શ્લોકએ ચિંતા કરતા કહ્યું.
“આજે રાતે હું તને ફોન કરીશ ત્યારે.” રોમીએ કહ્યું.
“હા વાંધો નહિ. હું જઉં.” કહીને શ્લોક હોસ્પિટલ જવા નીકળી ગયો.
આખો દિવસ કામ કરીને શ્લોક ખુબ જ થાકી ગયો હતો. અને કામમાં એટલું બધું મોડું થઇ ગયું હતું કે તેને હોસ્પિટલની કેન્ટીનમાં જ જમી લીધું. મોડી રાતે તે ઘરે પાછો ફર્યો.
અચાનક જ તેને કંઇક યાદ આવ્યું અને તે ધાબા તરફ વળ્યો.
“કેમ મારા તારાઓને નજર લગાવે છે?” સિયાને ધાબા પર બેઠેલી જોઇને શ્લોકએ કહ્યું.
“આ તારા કઈ તારા એકલાના નથી.” સિયાએ પાછળ ફરીને કહ્યું.
“જો મેરા હૈ વો તેરા હૈ.. બસ?” પાસે આવતા શ્લોકએ કહ્યું.
સિયાએ માથું હલાવ્યું.
“તું રોજ હવે આમ ધાબા પર બેસે છે?” શ્લોકએ નીચે બેસતા કહ્યું.
“હા. અહી આમ સારું લાગે છે. અને આ તારાઓ દુનિયાના બધા ખૂણાથી જોઈ શકાય છે. મતલબ કોઈક બીજું પણ અત્યારે આને આમ જોઈ જ રહ્યું હશે. થઇ ગયું ને કનેક્શન?” ખુશ થતા સિયાએ કહ્યું.
“હા વાત તો સાચી છે. બહુ ઠંડી છે આજે તો.” હાથ ઘસતા શ્લોકએ કહ્યું.
“અહી આવી જા.” સિયાએ પોતે ઓઢેલા ધાબળાને પહોળો કરતા કહ્યું.
શ્લોક સિયાની પાસે સરક્યો, અને તેના ધાબળામાં હાથ નાખ્યો. સિયા તેની બાહોમાં આવી ગઈ.
“અહી આ વધારે સારું લાગે છે.” સિયાએ શ્લોકની બાહોમાં હુંફ મળતા આંખો મીચતા કહ્યું.
બંને એમ જ ઘણા સમય સુધી બોલ્યા વગર બેસી રહ્યા.
“એ જો ખરતો તારો.. ચાલ જલ્દી કંઇક માંગીએ.” શ્લોકએ પોતાની અને સિયા બંનેની આંખો માથું નજીક લાવીને હાથ વડે બંધ કરી.
“મને પહેલી વાર પ્રેમ થયો છે. એ પણ મને પ્રેમ કરતી હોય બસ બીજું કઈ નથી જોઈતું મને.” શ્લોકએ આંખો ખોલી.
“ખબર નહિ મારું નસીબ મને ક્યાં લઈને આવ્યું છે.. મને શ્લોક જોઈએ છે જીવનભર માટે. પણ હું આમ બે વ્યક્તિ બનીને ના જ જીવી શકું.. મને સાચો રસ્તો બતાવો.” સિયા માંગી રહી હતી.
“આટલું બધું શું માંગે છે?” શ્લોકએ કહ્યું.
“કઈ નહિ.” આંખો ખોલતા સિયાએ કહ્યું.
“આજે તો હું બહુ જ થાકી ગયો યાર.” કહીને શ્લોક સિયાના ખોળામાં માથું મુકીને સુઈ ગયો.
“પાગલ છે તું સાવ.” કહી સિયા તેના વાળમાં આંગળીઓ ફેરવવા લાગી.
“સિયા, તારી પેલી તારાઓ વાળી થિયરી બહુ સારી છે. તું જયારે મારી સાથે નહિ હોય ને ક્યારેક તો હું તારા જોઇશ. તું પણ જ્યાં હોય ત્યાં તારા જોજે. એટલે આપણે એકબીજાની સાથે છીએ તેવું લાગશે.” આંખો બંધ કરતા શ્લોકએ કહ્યું.
અચાનક જ સિયાનું ધ્યાન શ્લોકના ચહેરા પર પડ્યું. તે નાના બાળકની જેમ માસુમ લાગી રહ્યો હતો. અને સિયાએ આંગળીઓ ફેરવતા હાથને રોકી દીધો.
“ઓય મારા ચીકુ.. એમ કરને. સારું લાગે છે તું વાળમાં હાથ ફેરવે છે તો.” આંખો ખોલીને તેણે કહ્યું. અને ફરી પાછો સુઈ ગયો.
સિયા હજુ પણ હાથ ફેરવતા તેને જોઈ રહી હતી.
“આ બધું શું થઇ રહ્યું છે શ્લોક? હું તને કેવી રીતે બધું જણાવીશ. અને તું શું ત્યારે મને માફ કરીશ? હું તો એ પણ નથી જાણતી કે શું તું પણ મને પ્રેમ કરે છે કે નહિ?” સિયા વિચારી રહી રહી.
અચાનક જ તેને શ્લોકનું માથું ગરમ લાગવા લાગ્યું.
****
● રોમી એ બધાથી કઈ વાત છુપાવી હતી?
● નાના નાની કઈ વાત જાણતા હતા?
● શ્લોકને શું થયું હતું?
● સિયા શ્લોકને બધી વાત જણાવશે ત્યારે શ્લોક શું તેને સ્વીકાશે?
ક્રમશઃ