વાર્તા- આનંદમેળો લેખક- જયેશ એલ.સોની.ઊંઝા
આનંદમેળાનો ઝગમગાટ જોઇને નાથુભાઇના બોખા ચહેરા ઉપર ખુશીની લહેર દોડી ગઇ.
' શાંતિભાઇ, ઘણા વર્ષથી આનંદમેળો જોયો નહોતો.પણ આ વખતે જેવા સમાચાર મળ્યા કે આનંદમેળો થવાનો છે એટલે નક્કી જ કર્યુ હતું કે જોવા જવું છે'
' મને કહેવડાવ્યું એ સારૂં કર્યુ.મારે પણ આનંદમેળો જોવાની બહુ ઈચ્છા હતી.હવે આપણને કોણ આનંદમેળો બતાવે?
આનંદમેળાની પ્રવેશ ફી પાંચ રૂપિયા હતી.બે વડીલોએ એકબીજા સામે જોઇને સંકેત થી કંઇક વાત કરી લીધી અને ટિકીટ લીધા વગર આનંદમેળામાં એન્ટ્રી મારી દીધી.કોઇએ રોક્યા પણ નહીં.
ચારેબાજુ ભવ્ય રોશની, જાહેરાતોના લાઇટીંગ વાળા મોટા બોર્ડ, ચકડોળ,મોતનો કુવો, ખાણીપીણી ના સ્ટૉલ, ઘોડેસવારી,ઊંટસવારી,બરફના ગોળાના સ્ટૉલ, જાદુગર ના ખેલ,લકી ડ્રો ના સ્ટોલ જોઇને બે વડીલો રાજીના રેડ થઇ ગયા.
' નાથુભાઇ, ચાલો ચકડોળ માં બેસીએ' શાંતિભાઇએ ચકડોળ સામે જોઇને કહ્યું.
' પણ શાંતિભાઇ પૈસા તો હું લાવ્યો નથી' નાથુભાઇ નિરાશ ચહેરે બોલ્યા.
' પૈસા નું શું કામ છે.વગર પૈસે મેળો માણવાનો છે.ચાલો મારી સાથે ગભરાયા વગર.'
બંને વડીલો ચકડોળ પાસે આવીને ઊભા રહ્યા.ટિકીટની લાઇન લાંબી હતી.પણ બંનેએ હિંમત કરીને વચ્ચે ઘુસ મારી.
ટિકીટ બારી પછી તુરંત અંદર જવાનો ગેટ હતો.બારી પાસે નંબર આવ્યો એટલે બંને જણા માથું નીચું નમાવીને સીધા ચકડોળ માં બેસવાની લાઇનમાં ઘુસી ગયા.' બોલો નાથુભાઇ આપણને જોયા કોઇએ?' શાંતિભાઇ ઉત્સાહમાં આવી ગયા.ચકડોળમાં મજા કરીને બંને બહાર આવ્યા.
' શાંતિભાઇ, ભૂખ લાગીછે.પેટપૂજા કરવી પડશે'
' તો ચાલો સામે ભાજીપાંઉ ની લારી દેખાયછે ત્યાં પહોંચી જઇએ.વગર પૈસે તમને ભાજીપાંઉ ખવરાવું.'
ભાજીપાંઉ ના સ્ટોલ ઉપર ભીડ હતી.એક ટેબલ આગળ નોકર બે ડીસો મુકી રહ્યો હતો પણ ગ્રાહક દેખાતો નહોતો એટલે નોકર મોટેથી બોલતો હતો' ઓર્ડર આપીને ક્યાં જતા રહ્યા બે જણા?' નોકર ડીસો મુકીને બબડતો બબડતો અંદર જતો રહ્યો એટલે આ બે વડીલો ટેબલ ઉપર બેસી ગયા.
ઓડકાર ખાતા ખાતા બંને બહાર આવ્યા.
થોડો થાક ખાઇને પછી બંનેએ મોતનો કુવો જોવા પ્રયાણ કર્યુ.
'શાંતિભાઇ, તારી ભાભીને લઇને વર્ષો પહેલાં મોતનો કુવો જોયો હતો.પણ પછીતો એ બિચારી જ મોતને વ્હાલી થઇ ગઇ.એ પછી છેક આજે જોવા આવ્યો છું.' નાથુભાઇની આંખો ભીની જોઇને શાંતિભાઇ એ ખભે હાથ ફેરવીને દિલાસો આપ્યો.' ભાઇ, આપણે બંને એકલા છીએ.ભગવાનને ગમ્યું એ ખરૂં'
મોતનો કુવો પણ વગર ટિકીટે જોયો.બંને વડીલો હવે થોડા થાક્યા હતા.એક બાંકડો જોઇને બેઠા.વાતો તો બંને પાસે ખૂટે એવી જ નહોતી.
બરફનો ગોળો ખાવાની હવે બંનેની ઇચ્છા હતી.' નાથુભાઇ, સામે બરફના ગોળાનો સ્ટૉલ છે ત્યાં પહોંચી જઇએ.'
ગોળાના સ્ટૉલ ઉપર પણ લાઇન લાંબી હતી.અને ત્યાં પાસ વગર મેળ પડે એવું લાગતું નહોતું.થોડીવાર બંને આઘાપાછા થયા પણ દાળ ગળે એવું લાગ્યું નહીં.એટલામાં શાંતિભાઇ ઉત્સાહમાં આવીને બોલ્યા 'આપણે નસીબદાર તો છીએ જ.'
' કેમ શું થયું કેવી રીતે નસીબદાર?' નાથુભાઇએ અચરજ થી પૂછ્યું
' સામે જુઓ તમારો દીકરો દોલત તેની પત્ની અને તેના બાબા સાથે અહીં બરફનો ગોળો ખાવા જ આવી રહ્યો છે.' નાથુભાઇએ જોયું અને ખુશ થઇ ગયા.દોલત છેક તેમની પાસે આવી ગયો પણ એણે બાપની સામે જોયું પણ નહીં.નાથુભાઇએ એને બોલાવ્યો તોએ કંઇ જવાબ ના આપ્યો અને આડું જોવા માંડ્યો.તેનો બાર વર્ષનો બાબો પણ જાણે તેને જોયા જ ના હોય એવું વર્તન કરવા લાગ્યો.વહુએ એમને જોઇને માથે ઓઢ્યું પણ નહીં.શાંતિભાઇને ખબર પડીકે નાથુભાઇ હતાશ થઇ ગયા છે એટલે તેમનો હાથ પકડીને સ્ટૉલની બહાર લાવ્યા.
નાથુભાઇની આંખો વરસી રહી હતી.' કેટકેટલું કર્યુ દીકરા માટે અને આજે દીકરો ઓળખવા તૈયાર નથી'
હવે શાંતિભાઇ થી રહેવાયું નહીં.' ભાઇ નાથુભાઇ, શું કરવા દીકરાને દોષ આપોછો? દીકરો તમને કેવીરીતે ઓળખે? કેવીરીતે બોલાવે? પૌત્ર પણ તમને કેવીરીતે બોલાવે? દીકરાની વહુ તમને જોઇને માથે ઓઢે પણ કેવીરીતે?'
' કેમ ના ઓઢે સસરાને જોઇને વહુએ માથે ના ઓઢવું પડે? ' નાથુભાઇ ની આંખોમાંથી રીતસર વેદના વરસી રહી હતી.
' પણ નાથુભાઇ એમણે તમને કેવીરીતે જોયા હોય? ભૂલી ગયા તમે આપણી દુનિયા? આપણી દુનિયા અલગછે.આપણે અતૃપ્ત આત્માઓ છીએ.તમારા દીકરાએ જ નહીં આખા મેળામાં આપણને ક્યાં કોઇએ જોયાછે.મિત્ર, આ દુનિયા હવે આપણી નથી.આપણી દુનિયા અલગછે.અહીં કેટલોક સમય પસાર કરીને આપણે પણ ફરી કોઇ નવી દુનિયામાં પ્રવેશ કરીશું.આ દીકરો,વહુ, પૌત્ર સાથે હવે તમારૂં કોઇ સગપણ નથી.
બંને વડીલો ધોતિયાના છેડાથી આંખો લુછતા લુછતા બહાર નીકળ્યા.