Wolf Dairies - 4 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 4

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 4

અચાનક જ રોમીએ બ્રેક મારીને કાર રોકી. રોમી અને રેડિઓ બંને ગીત ગાતા બંધ થઇ ગયા. હજુ હમણાં જ અમે બંને ખુશીમાં હતા અને અત્યારે એક નવી મુસીબત અમારી સામે આવી ગઈ હતી.

“શું થયું?” મને કોઈક સ્ત્રીની ચીસ સંભળાઈ.

“કોઈક છોકરી અચાનક કાર સામે આવી ગઈ છે.” રોમીએ ગભરાતા મને કહ્યું.

“જલ્દી ઉતર..” કહીને હું કારમાંથી નીચે ઉતરવા લાગ્યો.

“તું પાગલ છે શ્લોક? આપણએ કોઈ કારાણ વગર જ આ લફડામાં ફસાઈ જઈશું. તું થોડો સમજવાનો પ્રયત્ન કર. આપણએ અહીથી ભાગી જવું જોઈએ. નહિ તો આખું જીવન કોર્ટ કચેરીમાંથી ઊંચા નહિ આવીએ.” હજુ સુધી કારનું સ્ટેરીંગ પકડી રાખેલા રોમીએ કહ્યું.

“નહિ રોમી. નાના નાનીએ આપણને આવા સંસ્કાર નથી આપ્યા. અને શું મેડીકલમાં આપણે આવું ભણ્યાં હતાં?” મન મક્કમ કરીને મેં કહ્યું.

“બિલકુલ રોમી. આપણી ભૂલ છે તો આપણે એનો સ્વીકાર કરીશું.” અમે બંને હિંમત કરી કારમાંથી બહાર નીકળ્યા.

એક સ્ત્રી ઉંધી રોડની વચ્ચોવચ અમારી કારથી થોડેક દુર પડી હતી. તેના કાળા વાળથી તેનો ચહેરો ઢંકાઈ ગયો હતો. તેના પગમાંથી લોહી વહી રહ્યું હતું.

“જીવે છે. તેના શ્વાસ ચાલુ છે હજુ.” તેની નાડી તપાસતા રોમીએ કહ્યું.

“તો આપણે તેને જલ્દી હોસ્પિટલ લઇ જવી જોઈએ.” મેં ઝડપથી નિર્ણય લેતા કહ્યું.

“તું કેવી વાત કરે છે શ્લોક? આપણે તેને હોસ્પિટલ લઇ જશું તો તે આપણા પર કેસ કરશે. આપણને પોલીસ પકડી જશે.” ગભરાતા રોમીએ કહ્યું.

“મારી પાસે એક આઈડિયા છે. આપણે ડોક્ટર ક્રિસને જણાવીએ. તે જરૂર આપણી મદદ કરશે.” મને અચાનક જ વિચાર આવ્યો.

“હા. એ જ સારું રહેશે. હું એમને ફોન કરું.” કહીને રોમી ડોક્ટર ક્રિસને ફોન લગાવવા લાગ્યો.

“ડોક્ટરએ કહ્યું કે આ છોકરીને તેમના વોર્ડમાં હમણાં જ લઈને આપણે પહોચીએ.” ફોન મુકતા રોમીએ મને કહ્યું.

“સારું. જલ્દી ચાલ.” ઝડપથી મેં કહ્યું.

ડોક્ટર ક્રિસ... એક એવો વ્યક્તિ જેણે અમને અહી સુધી પહોચાડ્યા હતા. હું અને રોમી, અમે બાળપણથી સાથે મોટા થયાં. અમે ક્યારેય અમારા માતા પિતાને નથી જોયા. અમને ડોક્ટર ક્રિસએ જ મોટા કર્યા. તેઓ સાથે અમારા કોઈ લોહીના સંબંધ નથી. અને હોય તો પણ અમારી સાથે તેમણે એ વિષય પર ક્યારેય કોઈ વાત નથી કરી. અમે બંને તેમની સાથે વર્ષોથી અહી જયપુરમાં જ રહ્યા હતા. તેમની હવેલીમાં નાના નાની પણ રહે છે. જો કે તેમની સાથે પણ અમારા કોઈ સંબંધ નથી જ. પણ અમે બાળપણથી જ તેમને નાના નાની કહીએ છીએ.

ડોક્ટર ક્રિસએ જ અમને બંને મિત્રોને ડોક્ટર બનાવ્યા. તે હંમેશા ચુપ રહેતા. એમને કોઈ બીજા મિત્રો પણ નહોતા. એવું લાગતું કે જાણે એ માણસ પોતાને કોઈ જાતની સજા આપી રહ્યો હોય. અમે તેમના અંગત જીવન વિશે ક્યારેય કઈ જાણી ના શક્યા. કદાચ તેમના વિશે કોઈ જ નહિ જાણતુ હોય.

બાળપણથી લઈને અત્યાર સુધી અમારા મનમાં આ વિશે ઘણા સવાલો ઉભા થયાં.. કે અમે કોણ છીએ? અમારા મા બાપ કોણ હતા? અમારું અસ્તિત્વ શું છે? ક્રિસ કોણ છે? અને નાના નાની સાથે અમારા શું સંબંધો છે?

પણ તેનો જવાબ અમને ક્યારેય મળ્યો નહિ. ડોક્ટર ક્રિસ હંમેશા કહેતા કે તમારા માતા પિતા મારા મિત્રો હતા. તે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એટલે હું તમને સાચવું છું. તેમણે અમને બંને મિત્રોને પોતાનું નામ આપ્યું હતું.

તેઓ એવું પણ કહેતા કે એ અકસ્માતમાં તેમની પત્ની પણ મૃત્યુ પામી. એમને ક્યારેય બીજા લગ્ન ના કર્યા. પણ નાના નાની સાથે તેમના શું સંબંધ છે તે અમે ક્યારેય જાણી ના શક્યા.

આમ જોવા જઈએ તો અમારું આખું જીવન જ રહસ્ય હતું. પણ તેની સાથે જ અમે ખુશ હતા. જ્યાં સુધી આ છોકરી અમારી સામે નહોતી આવી ત્યાં સુધી. તે એક વાવાઝોડાની જેમ અમારા જીવનમાં પ્રવેશી. અને બધું જ વેરવિખેર કરીને ક્યારે જતી રહી અમે જાણી જ ના શક્યાં.

“જલ્દી... આ તરફ.” એક ઊંચા અને થોડાં સફેદ વાળ વાળા વ્યક્તિએ કહ્યું. તેણે એપ્રોન પહેરી રાખ્યું હતું.

શ્લોક તે છોકરીને ઉઠાવીને હોસ્પિટલમાં લઇ આવ્યો. અને ડોક્ટર ક્રિસના રૂમના સ્ટ્રેચર પર સુવડાવી.

“શું? આ તમને ક્યાં મળી?” ડોક્ટર ક્રિસનું ધ્યાન અચાનક જ તે છોકરીના ચહેરા પર પડ્યું. તેને જોઇને ક્રિસને આંચકો લાગ્યો.

“તે અમારી કારની સામે આવી ગઈ હતી. અને પછી બેભાન થઇ ગઈ. એટલે અમે તેને તમારી પાસે લઇ આવ્યા.” ચિંતામાં રોમીએ કહ્યું.

“શું તમે એને ઓળખો છો?” શ્લોકએ પૂછ્યું.

“તમે બંને બહાર રાહ જોવો.” શ્લોકના સવાલનો જવાબ ના આપતા ક્રિસએ કહ્યું.

“તું અહી શું કરી રહી છે?” રૂમ બંધ કરી તે છોકરીને તપાસતા ડોક્ટર ક્રિસએ કહ્યું.

“એ ઠીક તો છે ને?” ક્રિસના બહાર આવતા જ રોમીએ પૂછ્યું.

“હા. એ ઠીક છે. મેં દવા આપી છે પણ એના જમણા પગનું હાડકું ફ્રેકચર છે. પણ ચિંતાની કોઈ વાત નથી. બે મહિના ઉપર તો થશે જ તેનાં પગને સરખો થવામાં.” શાંતિથી ક્રિસએ કહ્યું.

“એ છોકરીનું શું કહેવું છે?” શ્લોકએ પૂછ્યું.

“તે બેભાન છે હજુ. તેને આપણા ઘરે લઇ લો.” આગળ ચાલતા ક્રિસએ કહ્યું.

“શું? ઘરે?” આશ્ચર્ય સાથે રોમીએ કહ્યું.

“હા.” કહીને ડોક્ટર ક્રિસ જતા રહ્યા.

“ડોક્ટર ક્રિસ પાગલ તો નથી થઇ ગયા ને?” રોમીએ કમર પર હાથ મુકતા કહ્યું.

“એમણે કહ્યું છે મતલબ જરૂર કોઈ કારણ હશે જ.” શ્લોકએ બારીમાંથી તે છોકરીને જોતા કહ્યું.

ક્રિસ, શ્લોક અને રોમી એક જ ઘરમાં રહેતા હતા. તેને ઘર કહેવું તો યોગ્ય નહિ હોય. તે આખી એક હવેલી હતી. શહેરથી થોડે જ દુર એક સુંદર અને ભવ્ય મહેલ જેવી હવેલીમાં તે બધા જ પેલી છોકરીને લઈને પહોચ્યા.

તે હજુ સુધી પણ બેભાન જ હતી.

“આ કોણ છે?” બેભાન છોકરીને જોઇને એક ઘરડા સ્ત્રીએ કહ્યું. તેની ઉંમર ક્રિસ કરતા પણ વધુ હશે. પણ તેની ઉંમરની સરખામણીમાં તેનું શરીર બહુ જ અલગ દેખાઈ રહ્યું હતું. તેના વાળ સફેદ હતા. પણ તે બિલકુલ ટટ્ટાર ચાલી રહી હતી. તેણે પીળા રંગની સાડી પહેરી હતી.

“આ મારી એક મિત્રની દીકરી છે.” ક્રિસએ શાંતિથી કહ્યું.

“એને પગમાં શું વાગ્યું છે?” એક ઘરડા પુરુષએ કહ્યું. તેના પણ બધા વાળ સફેદ હતા. અને તેનું શરીર પણ નબળું નહોતું લાગી રહ્યું.

“નાનાજી.. હું કાર ચલાવતો હતો. ત્યારે એ રસ્તામાં અચાનક જ વચ્ચે આવી ગઈ. અને તેને પગમાં વાગી ગયું.” માથું નીચું કરતા રોમીએ કહ્યું.

“હે ભગવાન.. તે ઠીક તો છે ને? તમારે ધ્યાન રાખવું જોઈતું હતું.” તે છોકરી પાસે જઈને તે ઘરડી સ્ત્રીએ કહ્યું.

“હા. તે ઠીક છે. બસ બેભાન છે. તે અહી આપણા શહેરમાં જ કોલેજમાં ભણવા માટે આવી છે. મારી મિત્રનો મને કાલે જ ફોન આવી ગયો હતો. પણ અચાનક જ આવું થયું. એટલે હવે તે આપણી સાથે જ રહેશે. તમે એને ઉપર રૂમ સુધી મૂકી આવો.” શ્લોક અને રોમી સામે જોઇને ક્રિસએ કહ્યું.

શ્લોક અને રોમી તેને ઉઠાવીને રૂમ તરફ વળ્યા.

“આપણા ઘરમાં? કેમ પણ?” તે ઘરડા પુરુષએ પૂછ્યું.

“નીરજકાકા.. હું તેને એકલી આવી હાલતમાં ના મૂકી શકું. તે મારી જવાબદારી છે. રિતુકાકી તમે જ સમજાવો તેમને.” અકળાઈને ક્રિસએ કહ્યું.

“ક્રિસ, તું પણ જાણે જ છે, કે જો કોઈ સાચો ખતરો છે તો તે આપણા આ ઘરમાં છે. તારે આવું જોખમ ના ખેડવું જોઈએ. તે એક માસુમ છોકરી છે.” રિતુબેનએ કહ્યું.

“તેનું હું પૂરું ધ્યાન રાખીશ. એ મારી જવાબદારી છે.” પોતાના રૂમ તરફ જતા ક્રિસએ કહ્યું.

****

● આખરે તે છોકરી કોણ હતી?

● ઘરમાં એવો તો શું ખતરો છે?

● શ્લોક અને રોમી સાથે ક્રિસ અને નાના નાનીને શું સંબંધ છે?

● ક્રિસને રીતુબેન અને નીરજભાઈ સાથે શું સંબંધ છે?


ક્રમશઃ