instant family in Gujarati Film Reviews by Sachin Sagathiya books and stories PDF | ઈન્સ્ટન્ટ ફેમિલી

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

ઈન્સ્ટન્ટ ફેમિલી

આજે જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એ ફિલ્મ એવા વિષય પર છે જેના પર મોટે ભાગે ફિલ્મો ખૂબ ઓછી છે. હું વાત કરી રહ્યો છું હોલીવૂડ ફિલ્મ “ઈન્સ્ટન્ટ ફેમિલી”ની.

ઈન્સ્ટન્ટ ફેમિલી! અરે આ વળી શું નવું આવી ગયું? અત્યાર સુધી તો ઈન્સ્ટન્ટ નુડલ્સ, ઈન્સ્ટન્ટ કોફી વગેરે સાંભળ્યું હતું. શું એક કોફી કે મેગીને બનતા જેટલો સમય લાગે છે એટલા સમયમાં એક પરિવાર બની શકે? જવાબ છે “ના” પણ ફિલ્મ જે વિષય પર છે તેના પર આ ટાઈટલ પરફેક્ટ છે. આડી અવળી વાતો કરવા માટે સોરી હવે મુદ્દા પર આવુ છું. ઈન્સ્ટન્ટ ફેમિલી હોલીવુડની ફિલ્મ છે તો સ્વાભાવિક છે કે તેમાં બતાવવામાં આવેલી સ્ટોરીની સંસ્કૃતિ અલગ હશે જ. અમુક બાબતો એવી હશે જ કે જેમાં સહમત નહી થઈ શકીએ પણ આ ફિલ્મ એક એવા મુદ્દા પર વાત કરે છે જે તમામ દેશ અને તમામ સંસ્કૃતિને લાગુ પડે છે. આ ફિલ્મની મજાની વાત એ છે કે ફિલ્મના મેકર્સે આવા મુદ્દાને હળવી શૈલીમાં રજૂ કર્યો છે! મુદ્દો છે અડોપ્શન(દત્તક લેવું).

અત્યાર સુધી મે જેટલી ઇન્ડીયન ફિલ્મ જોઈ છે તેમાં મને કદી બાળકને દત્તક લેવાની કાનૂની પ્રોસેસ જોવા નથી મળી. એ બધી ફિલ્મોમાં ફિલ્મનું કોઈ પાત્ર કોઇ અનાથ બાળકને આશરો આપે છે. તેનો ઉછેર કરે છે અને સમય જતા પાલક માતા-પિતા અને અનાથ બાળક વચ્ચે મૌખિક કરાર થઇ જાય છે કે હવેથી તેઓનો સંબંધ માબાપ અને સંતાનનો છે. હું એમ નથી કહેતો કે એવી કોઈ ઇન્ડીયન ફિલ્મ નથી કે જેમાં દત્તક લેવાની પ્રોસેસ બતાવી હોય. બતાવી હશે પણ એવી ફિલ્મ હજી સુધી મારા ધ્યાનમાં નથી આવી.(આપના ધ્યાનમાં એવી કોઈ ઇન્ડીયન ફિલ્મ હોય જેમાં દત્તક લેવાની કાનૂની પ્રોસેસ બતાવી છે તો જરૂર જણાવજો. મને જોવી ગમશે). હવે આ ફિલ્મની વાત કરું તો આ ફિલ્મમાં મને દત્તક લેવાની કાનૂની પ્રોસેસ જોવા મળી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે બાળકને દત્તક લેવા માટે જે લોકો ઈચ્છે છે એ લોકોને માબાપની ભૂમિકાને સારી રીતે નિભાવવા માટે એક કોર્ષ કરવો પડે છે, તાલીમ લેવી પડે છે અને આ બધા પછી પણ જો કોર્ટ મંજૂરી આપે તો જ એ લોકોને માબાપ તરીકેનો કાનૂની દરજ્જો મળે છે.

હવે વાત કરીએ ફિલ્મની સ્ટોરીની. ફિલ્મ કેલિફોર્નિયાની એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. સ્ટોરી છે પીટર અને એલીની. એલી લગ્નના ઘણા વર્ષો પછી તેના પતિ પીટરને માબાપ બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે. બંને વચ્ચે આ વાતને લઈને ઘણી ચર્ચાઓ થાય છે અને આખરે તે એક બાળકને દત્તક લેવાનું નક્કી કરે છે. બંને એક ફોસ્ટર કેરમાં બાળકને દત્તક લેવા માટે જાય છે. ત્યાં તેમને માબાપ બનવાની તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન તેમની સાથે ઘણા લોકો હોય છે જે બાળકને દત્તક લેવા માટે આવ્યા હતા. બધાની તાલીમ પૂરી થયા બાદ ફોસ્ટર કેર દત્તકમેળાનું આયોજન કરે છે. ત્યાં પીટર અને એલી ઘણા બાળકોને મળે છે પણ તેમને કોઈ બાળક મળતું નથી. બંને આમ તો પાંચેક વર્ષનું બાળક દત્તક લેવા ગયા હતા પણ ત્યાં તેમની મુલાકાત 14 વર્ષની લીઝી સાથે થાય છે. બંને લીઝીથી ઈમ્પ્રેસ થઈને લીઝીને દત્તક લેવાનું નક્કી કરે છે. લીઝીને લીટા અને વોન(સોરી આ નામનો ઉચ્ચાર મને નથી ખબર એટલે વોન કહું છું) નામના નાના ભાઈ-બહેન છે. લીટા ખૂબ તોફાની છે અને વોન ખૂબ ભોળો છે. સરવાળે પીટર અને એલી ત્રણેય બાળકોને દત્તક લે છે અને પછી જે ફિલ્મમાં ટ્વીસ્ટ આવે છે, જે ધમાલ થાય છે એ જોરદાર છે. ફિલ્મ ખૂબ જ કોમેડી છે ઉપરાંત ઘણા એવા ઈમોશનલ સીન પણ છે જે કદાચ તમને રડાવી પણ શકે.

ફિલ્મના મેકર્સ, કાસ્ટ અને ટીમનું કામ ખૂબ જ સરસ છે. ફિલ્મના દરેક વ્યક્તિએ પોતાનું કામ ખૂબ જ સરસ રીતે કર્યું છે જે ફિલ્મ જોતા દેખાઈ આવે છે(ફિલ્મ જ એવી સરસ રીતે રજૂ થઇ છે કે હું કોઈ એક વ્યક્તિને ક્રેડીટ ન આપી શકું). ફિલ્મનું હિન્દી ડબિંગ પણ ખૂબ જ સરસ છે. ફિલ્મ કોમેડી તો છે જ સાથે સાથે એક સારો સોસીયલ મેસેજ પણ આપે છે. એક બાળકના જીવનમાં માબાપની ભૂમિકા કેટલી મહત્વની છે એ સૌ જાણે છે. ફિલ્મના એક સીનમાં જ્યારે પીટર ફોસ્ટર કેરના સંચાલક સાથે લીઝીના ખરાબ સ્વભાવને લઈને ફરિયાદ કરતો હોય છે ત્યારે ફોસ્ટર કેરના સંચાલક તેને જવાબ આપતા કહે છે કે લીઝીની મા જ્યારે તેનાથી દૂર થઇ ત્યારે લીઝી પર તેના નાના ભાઈ-બહેનની જવાબદારી આવી ગઈ અને તેને 14 વર્ષની વયમાં તેના ભાઈ-બહેનની માં બનવું પડ્યું (આ સીન ઘણું બધું કહી જાય છે). મનોરંજન સાથે કંઇક નવું જાણવા મળે એવી કોઈ ફિલ્મ જોવા ઈચ્છતા હોય તો હું આ ફિલ્મ સજેસ્ટ કરું છુ અને એવું ન હોય તો પણ આ ફિલ્મ એક વખત તો જોવી જ જોઈએ.

વાંચકમિત્રો, ફિલ્મ વિશે જે કંઈપણ મેં લખ્યું છે એ તમામ મારું પર્શનલ ઓપીનીયન છે. કદાચ એવું પણ બને કે તમે મારા લખાણથી સહમત ન પણ થાવ. કારણ કે બધાની ફિલ્મને જોવાની દ્રષ્ટી અલગ અલગ હોય છે. જો મારાથી કોઈની લાગણીને ઠેસ પહોંચે એવું લખાઈ ગયું હોય તો માફી ચાહું છું.

આભાર.