અંતરના સબંધોને છૂટો દોર આપીને લેશમાત્ર અપેક્ષાની ભાવના વગરના પ્રેમનો ઉત્સવ એટલે ભાઈ બીજ
બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર
હિંદુ ધર્મમાં ભાઈ અને બહેનના પ્રેમના પર્વ તરીકે બે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે એક રક્ષાબંધન જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે જેમાં ભાઈ બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા કરે છે જયારે બીજો તહેવાર એટલે ભાઈ બીજ જેમાં બહેન ભાઇના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ બીજનો તહેવાર દિવાળી પછી બીજા દિવસે એટલે કે કાર્તિક માસની બીજના દિવસે ઉજવવામાં આવે છે.
ભાઈ બીજને યમ દ્રિતીયા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભાઈ યમ અને બહેન યમુનાનદીની કથાનું અનેરુ મહત્વ રહેલું છે.
બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર !
ઊર ઉછળાવજે, હો વીર !
મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર !
મહિયર લાવજે, હો વીર !
ઉપરની પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ શ્રીઅરદેશર ફરામજી ખબરદારે ભાઇબીજના દિવસે ભાઇને કરેલો
બહેનનો પોકાર વાસ્તવિકતાની ઢબે વણ્યો છે. સંસારમાં સર્વશ્રેષ્ઠ અને સૌથીપવિત્ર પ્રેમ હોય તો એ ભાઇબહેનનો છે.જેમાં
લેશમાત્ર અપેક્ષાની ભાવના વિના બસ એકબીજાને ખુશ રાખવા માટે ફના થઇ જવાની ભાવના છે,લોહીના સબંધોની ઉત્કૃષ્ટતા
છે
નવા વર્ષના આરંભને બીજે દિવસે આવતો .ઠાઠમાઠ વિનાનો આ ઉત્સવ અંતરના સબંધોને છૂટો દોર આપનારો અને દિપાવલીના મહાપર્વની હારમાળામાં આવતા સંસ્કૃતિની
ઓળખ સમો એક લાગણીભીનો ઉત્સવ છે. આજના દિવસે ભાઇ બહેનના ઘરે જમવા જાય છે. ભાવઘેલી બહેન પ્રેમથી ભાઇને જમાડીને પછી જ જમે છે. કહેવાય છે કે, આજે સવારમાં પ્રાત:કાલે યમુના નદીમાં સ્નાન કરી યમૂનાં દેવીની પૂજા કરવાથી સર્વપ્રકારના વિઘ્ન નાશ
પામે છે.અને એટલું જ મહત્વ યમરાજના પૂજનનું પણ છે.એ માન્યતા અને દંતકથા અનુસાર યમરાજ અને યમુના નદી એટલે કે યમ અને યમી બંને ભાઇબહેન હતાં. યમી વારેવારે યમને પોતાને ઘરે જમવા બોલાવે પરંતુ યમરાજ જઈ નથી શકતા પરંતુ કાર્તિક માસની સુદ બીજના દિવસે તે બહેન યમીના ઘરે જમવા આવ્યા અને બહેને પ્રેમ પૂર્વક ભાઈને જમાડ્યા. ભોજન કર્યા બાદ યમરાજે તેમની બહેન યમુનાને જે માંગવું હોય તે માંગવાનું કહ્યું ત્યારે દેવી યામૂનાએ યાચના કરી કે - આજ પછી
દર વર્ષે આ દિવસે તમે જમવા આવશો.અને જે ભાઇ આવી રીતે બહેનના ઘરે જમવા જાય એનું કદી અકાલ મૃત્યુ થશો
નહિ, એટલે કે કમોત થશો નહિ. વળી,જે પણ આજે યમુનામાં સ્નાન કરી અને યમની પૂજા કરશે એને શુભ ફલ પ્રાપ્ત થશે. એ પૂર્ણ આયુષ્ય ધરાવશે અને એની બહેન અખંડ સૌભાગ્યવતી રહેશે. યમરાજે “તથાસ્તુ” કહ્યું.
કહેવાય છે કે એ જ દિવસ અને એ જ પ્રસંગથી ભાઇબીજનો ઉત્સવ ઉજવવાની શરૂઆત થઇ શરૂ.
આજના દિવસે યમુના દેવી અને યમરાજની પૂજા થાય છે.યમરાજની પ્રાર્થના થાય છે .માટે આ દિવસને “યમ દ્વિતીયા” તરીકે પણ
ઓળખવામાં આવે છે. ભાઇબહેનના સ્નેહમિલનનો આ અનેરો ઉત્સવ છે.પ્રત્યેક ભાઇ એની બહેનના સાસરે જઇ બહેનના હાથની
વાનગીઓ ભાવપૂર્વક જમે છે. ભાઇ બહેનના ઘરે પધારે એ બહેન માટે અવર્ણિત મહોત્સવ જ બની જતો.પોતાના માડીજાયા સાથે સાસરીયાની
ખટમીઠી વાતો વહેંચતી બેનને ભાઇ ખરેખર એના જીવનનો સૌથી મહાન આધારસ્તંભ સમાન લાગતો....!
કહેવાય છે કે,આજે પ્રત્યેક ભાઇએ બહેનના ઘરે જઇ ભોજન કરવું જોઇએ.વળી,અમુક વાતો એમ પણ કહે છે કે અગમ્ય
કારણોસર પહોંચી ના શકાય તો ઉપરની કથાનું શ્રવણ-પઠન કરવું જોઇએ, જેથી જમ્યાંનો આર્શીવાદ પ્રાપ્ત થઇ જાય. જો ભાઇ બહેનના ઘરે જમે અને યમપૂજા થાય તો યમરાજની રહેમ એના પર સદાય બની રહે છે.
यमद्वितियां यः प्राप्य, भगिनी ग्रहभोजम्।न कुयद्र्षजं पुण्यं नश्यतीति रवेः श्रुतम् ॥
દ્વારકા અને માધવપુરમાં આ દિવસે ત્રિવેણી સંગમ ખાતે ભાઈબીજનાં પવિત્ર સ્નાનનું અનેરું મહત્વ રહેલું છે.
ભાઈબીજના તહેવારે દ્વારકાની ગોમતી નદીમાં ભાઈબીજના દિવસે હજારો ભાવિકો સ્નાન કરી પૂણ્યનું ભાથું બાંધે છે. અને જળમાં દીવડા પ્રગટાવી પ્રભુને મનાવે છે. તો માધવપુર(ઘેડ) ખાતે આવેલા સમુદ્ર કિનારે જુની લોકવાયકા મુજબ માધવપુરના દરિયામાં યમુનાજી પધારે છે અને ભાઈબીજના દિવસે સમુદ્રમાં સ્નાન કરવામાં આવે તો લોકોને યમનું તેડુ મોડુ આવતું હોવાની લોકવાયકા છે. આથી હજારો લોકો ભાઈબીજના દિવસે સ્નાન કરવા માટે ઉમટી પડે છે અને સ્નાન કરી પુણ્યનું ભાથુ ભરે છે.એવી જ રીતે સોમનાથ ખાતે ત્રિવેણી સંગમમાં ભાઈ બીજની સાંજે ભાઈના લાંબા આયુષ્ય અને તંદુરસ્ત જીવન માટે બહેનો ધાર્મિક વિધિ સાથે નાળિયેર અને ચૂંદડી ત્રિવેણી સંગમમાં પધરાવે છે અને પ્રાર્થના કરે છે.