છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૭
આગળના અંકમાં આપણે વાત કરી કે આવી વાતો માત્ર એવા જ યુગલોને લાગૂ પડતી હોય છે જેઓ માત્ર નાના-મોટા મનભેદ, મતભેદ અને ગેરસમજ તથા પોતાનો ઇગો સાચવવા માટે છૂટાછેડાને જ એક માત્ર ઉપાય સમજી બેસે છે અને છૂટાછેડા મેળવ્યા બાદ અફસોસ થાય પણ વ્યક્ત કરી ન શકતા હોય વિશે થોડી ચર્ચા કરી. હવે આગળ...
ઘણાં એવા પણ કિસ્સાઓ સમાજમાં જોવા મળે છે કે જોશમાં આવીને પતિ-પત્નિએ છૂટાછેડા લઇ લીધા હોય અને પછીથી પસ્તાવો થાય એટલે ફરીથી લગ્ન કર્યા હોય. પરંતું આ રીતે છૂટાછેડા અને ફરીથી એકબીજા સાથે લગ્ન કરવા એ એક રીતે યોગ્ય ન કહેવાય. આ તો એવી વાત થઇ કે “શંકા-કુશંકા થઇ તો છૂટા પડ્યા અને જરૂરિયાત/સમાધાન દેખાયું એટલે ફરી ભેગા થયા.” પતિ-પત્નિનો સંબંધ “એક આત્મા બે શરીર” જેવો હોવો જોઇએ. બંને એકબીજાના પૂરક હોવા જોઇએ. બંને એકબીજાને સમજતા અને એકબીજાનો ખ્યાલ રાખતા હોવા જોઇએ. છૂટાછેડા લેવા એ રમત વાત ન કહેવાય. રેકર્ડ પર છૂટાછેડા માત્ર પતિ-પત્નિ એ લીધા કહેવાય પરંતુ હકિકતમાં છૂટાછેડા માત્ર પતિ-પત્નિના જ નહી પરંતું, બે પરિવારોના...! બે ઘરોના...! સંબંધોના....! લાગણીઓના...! પ્રેમના...! વિશ્વાસના...! ભરોસાના...! મૈત્રીના...! છૂટાછેડા થયા કહેવાય. અને પતિ-પત્નિના છૂટાછેડામાં આખા પરિવારના ભાગલા થાય છે, વિશ્વાસ તૂટે છે, સંબંધો વેરવિખેર થાય છે, લાગણીઓને ઠેસ પહોંચે છે. અને આની સૌથી વધુ અસર બાળકો ઉપર પડે છે. જે અંગે વિસ્તારથી વાત પછી કરીશું.
આ તો વાત થઇ કરાર દ્વારા કે સંમતિથી લીધેલા છૂટાછેડાની...! પરંતું જો એક પક્ષકાર (પતિ/પત્નિ) છૂટાછેડા લેવા માંગતો હોય અને બીજો પક્ષકાર (પતિ/પત્નિ) છૂટાછેડા આપવા માંગતો ન હોય અથવા છૂટાછેડાના બદલામાં તેની કોઇ ચોક્કસ માંગણીઓ હોય જે અન્ય પક્ષકાર પૂરી કરી શકે તેમ ન હોય અથવા પૂરૂ કરવા માંગતું ન હોય તો આવા કિસ્સામાં કોઇપણ એક પક્ષકાર અન્ય પક્ષકારની વિરૂધ્ધમાં જાત-જાતના આરોપો લગાડી છૂટાછેડાની માંગણાઓ કરે છે. આવી માંગણીઓની સાથે-સાથે અન્ય ઘણી તકરારો પણ ઉદભવે છે. અને આ તકરારો, આરોપો વિગેરે સાબિત કરતા અથવા તેનો બચાવ લેવામાં સમય અને વર્ષો વિતી જાય છે. જેમાં પતિ-પત્નિ, બંનેના પરિવારના સભ્યો વિગેરેની ખુબ જ બદનામી થાય છે. બંને પક્ષોએ તથા તેમના સંબંધીઓએ ખુબ જ ભોગવવું પડે છે, માનહાનિનો સામનો કરવો પડે છે. આમ, આવા તો કંઇક અવનવા સંજોગો અને પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. અને જ્યારે છૂટાછેડા મળે છે ત્યારે શરૂઆતમાં શાંતિનો અનુભવ થાય છે. પરંતું ધીમે-ધીમે કોર્ટોમાં ઉછળેલા અને ઉછાળેલા આરોપો અંગે લોકોના સવાલોના જવાબો આપવા અઘરા પડે છે. આ રીતે મેળવેલા છૂટાછેડા બાદ બંને પક્ષકારોને અન્ય જીવનસાથી શોધવું અઘરૂ પડી જાય છે. નોકરીના સ્થળે અન્ય કર્મચારીઓ તથા માલિકોના સવાલ-જવાબ અને બદલાયેલ વર્તણૂંકનો સામનો કરવો પડે છે. “છૂટાછેડા” લીધેલાનો જાણે એક સ્ટેમ્પ લાગી જાય છે. જો કોઇ અજાણ્યાને જાણમાં આવે કે આ વ્યક્તિ છૂટાછેડા વાળો/વાળી છે તો તેના વિશેની વિચારધારા જ લોકોની તદદ્દન બદલાઇ જાય છે. ક્યારેક લોકો આવા છૂટાછેડા લીધેલ વ્યક્તિઓને નોર્મલ સમાજના વ્યક્તિ તરીકેનું સ્થાન ન આપતા તેમને સમાજથી આડકતરી રીતે અલગ કરી દે છે. ઘરનાં કોઇ સારા પ્રસંગોમાં છૂટાછેડા લીધેલ વ્યક્તિઓને આમંત્રણ આપવાનું ટાળવામાં આવે છે. આવી તો કેટકેટલીક બાબતોનો સામનો છૂટાછેડા લીધેલ વ્યક્તિએ કરવો પડે છે. ત્યારે તેને ભાન થાય છે કે ભૂતકાળમાં અમુક કારણોની જો અવગણના કરેલ હોત તો સમાજથી આ રીતે વિખુટા પડવાનો વારો ન આવ્યો હોત. અત્યારના આધુનિક સમાજમાં હજુ પણ કેટલિક જગ્યાઓ / સમાજમાં પૌરાણિક રીતિરિવાજોને અનુસરવામાં આવે છે અને તે મુજબ છૂટાછેડા લીધેલ વ્યક્તિઓને આજની તારીખે પણ લોકો નફરત ભાવથી અથવા હિનતાથી જુવે છે.
જો પતિ-પત્નિને તેમના લગ્નજીવનકાળ દરમ્યાન કોઇ સંતાન પ્રાપ્તિ થયેલ હોય અને સંતાનના જન્મ બાદ જો પતિ-પત્નિ વચ્ચે છૂટાછેડા થતા હોય તો તેમના આ છૂટાછેડાના નિર્ણયની સૌથી ખરાબ અસર તેમના સંતાન પર પડે છે. જો સંતાન હજુ બાળક હોય તો ભવિષ્યમાં તેના માતા-પિતા અંગેના સવાલો અને તેના જવાબો જાણવા અંગેની તેની ઇચ્છાઓ વધા જાય છે. તથા આવા બાળકને સ્કુલ- કોલેજોમાં અન્ય બાળકોની ઠઠ્ઠા-મશ્કરીનો સામનો કરવો પડે છે. જો સંતાન સમજણું થઇ ગયેલ હોય પરંતું અઢાર વર્ષથી નાનું હોય તો જે ઘરમાં જન્મથી જ માતા-પિતાનો અગાઢ પ્રેમ મેળવી મોટો થયો હોય તે જ માતા-પિતા માંથી જો કોઇ એક વ્યક્તિની પસંદગી કરવી પડે તો તે અંગેનો નિર્ણય લેવો તે સંતાન માટે ખુબ જ અઘરો અને મૂંજવણભર્યો બની જાય છે.જે માતા-પિતાએ સંયુક્ત રીતે બાળકને તેમનો સંપૂર્ણ પ્રેમ આપી તેનો ઉછેર કર્યો હોય તે જ માતા-પિતાને વિખૂટા પડતા જોવા તેનાથી વધુ દુર્ભાગ્ય તે સંતાન માટે બીજુ કોઇ હોઇ જ ન શકે...! પરંતું જો સંતાન અઢાર વર્ષ કરતા મોટી ઉંમરનું હોય તો કોર્ટમાં તેને બોલાવી અધિકૃત સાહેબશ્રી દ્વારા તેને પૂછવામાં આવે કે તે બાળકને કોની સાથે રહેવું છે...! આ સવાલનો જવાબ આપવોજ પડે છે. પરંતું જવાબ આપતી વખતે અથવા સવાલના જવાબ અંગે વિચારતી વખતે તે સંતાનનાં દિલ, મન, મગજમાં કેવા-કેવા અને ક્યા-ક્યા વિચારો ચાલતા હોય તે કોઇ સમજી કે જાણી શકતું નથી. સંતાન માતા-પિતાને વિખૂટા જ પડવા દેવા ઇચ્છતો ન હોય પરંતું તેના હાથમાં કોઇ જ નિર્ણય લેવાનો પાવર ન હોય તેવી પરિસ્થિતિમાંથી તેણે પસાર થવું પડે છે.
ક્યારેક એવું પણ બનતું હોય છે કે માતા-પિતાને દુર થતા સંતાન જોઇ ન શકતું હોય અથવા સ્વિકારી ન શકતું હોય તેના કારણે સંતાનનો સ્વભાવ ચિડીયો થઇ જાય, તેને વારેવારે ગુસ્સો આવે, તેની માનસિક સ્થિતિ અસ્થિર થઇ જાય, તેની શરિરીક ક્ષમતા ઘટી જાય, અભ્યાસ/નોકરીમાં ધ્યાન ન આપી શકે...! આમ, આવા અનેક પ્રકારે સંતાન હેરાન-પરેશાન થતું હોય છે. અને આવા ઘણાં ઉદાહરો આપણા સમાજમાં આજની તારીખે પણ જોઇ શકાય છે. (આ લેખમાં કોઇ વ્યક્તિ, સંસ્થા, વ્યવસાય, સમાજ વિગેરે અંગે કોઇપણ જાતની ટિપ્પણી કે હાનિ કરવામાં આવેલ નથી. માત્ર “છૂટાછેડા” અંગેનો મારો અભિપ્રાય અમુક પરિસ્થિતિઓ અને સંજોગોને ધ્યાને લઇ દર્શાવવામાં આવેલ છે.)
આ તો વાત કરી સંતાનના માનસિકતાની...! આગળના ભાગમાં વાત કરીશું છૂટાછેડા લીધેલ વ્યક્તિઓનાં સંતાનનાં ભવિષ્ય પર પડતી અસરો અંગે...