રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી અને અમ્બુરાનું અર્ધ બેભાન અવસ્થામાં રહેલું શરીર ઊંચકીને ગુફાની બહાર નીકળ્યો. સાંજ પડી જવાથી બહાર અંધારું જામવા લાગ્યું હતું. રેમન્ડોએ અમ્બુરાનું શરીર ઊંચકીને એક પથ્થરની શીલા ઉપર મૂક્યું. ગુફામાંની દીવાલમાં જડેલા ભાલાઓમાં ફસાઈને અમ્બુરાના શરીરનો ખાસ્સો ભાગ વીંધાઈ ગયો હતો. લોહી પણ ઘણું બધું વહી ગયું હતું છતાં એમાં થોડાંક શ્વાસ બચ્યા હતા. એમ ભલે અમ્બુરા રેમન્ડોનો દુશ્મન હતો પણ હતો તો એનો દેશવાસી જ ને.. રેમન્ડોની દેશભક્તિ જાગી ઉઠી.. એ અમ્બુરા બચાવવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. હજુ એ અમ્બુરાના શરીરમાં પડેલા ભાલાના ઘા સાફ કરતો હતો ત્યાં તો એને ટીમ્બીયા પર્વતની તળેટીમાં કોલાહલ સંભળાયો.
એ ઝડપથી ઉભો થયો અને નજર માંડીને પર્વતની તળેટીમાં જોવા લાગ્યો. થોડીવાર થઈ તો એને દસ બાર જણા ખચ્ચર ઉપર સવાર થઈને ઝડપથી એની તરફ આવતા હોય એવું દેખાયું. રેમન્ડો એકદમ ચોંક્યો. આટલી ઝડપે આ લોકો ખચ્ચર ઉપર સવાર થઈને ક્યાં જતાં હશે. એવું વિચારતો હતો ત્યાં તો પેલા ખચ્ચર સવારો એની પાસે આવી પહોંચ્યા. અને એના વિચારોની તંદ્રા તૂટી.
સૌથી આગળના ખચ્ચર ઉપર વેલ્જીરિયા પ્રદેશના મુખિયા કમ્બુલાને જોઈને એને અચરજ થયું. આ બાજુ કમ્બુલાએ દૂરથી રેમન્ડો જોયો એટલે એણે એનું ખચ્ચર રેમન્ડો તરફ લીધું. પાછળના ખચ્ચરો ઉપર કમ્બુલાની પત્ની જેસ્વી અને એની પુત્રી શાર્વી હતી. અને એમની પાછળ થોડાક સૈનિકો ખચ્ચરો ઉપર સવાર હતા.
"આપાજી આપ અહીંયા..? રેમન્ડો એ કમ્બુલાનું ખચ્ચર એની પાસે આવીને થોભ્યું ત્યારે એણે કમ્બુલાને પૂછ્યું.
"હા.. રેમન્ડો બેટા.. હમણાં કહેવાનો સમય નથી કંઈક સુરક્ષિત સ્થળ શોધવું પડશે નહિતર બધા માર્યા જઈશું..' કમ્બુલા ખચ્ચર ઉપરથી ઉતરીને રેમન્ડો જ્યાં ઉભો હતો ત્યાં બેસી પડતા બોલ્યો.
રેમન્ડોએ પાછળના ખચ્ચરો ઉપર રાજકુમારી શાર્વી અને કમ્બુલાની પત્ની જેસ્વી તથા ભયભીત થયેલા સૈનિકોના ઉતરી ગયેલા મોંઢા જોયા એટલે એને ખ્યાલ તો આવી ગયો કે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે.
ત્યાં તો કમ્બુલાની પુત્રી શાર્વી ખચ્ચર ઉપરથી ઉતરી પડી. અને રેમન્ડો સામે આવીને ઉભી રહી ગઈ. થોડીવાર શાર્વીએ રેમન્ડો સામે જોયા કર્યું પછી અચાનક એના આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એના લાલ પડેલા ગાળો આંસુઓથી ભીંજાવા લાગ્યો. શાર્વી પોતાની સામે આવીને આવી રીતે કેમ રડી રહી છે રેમન્ડો એ સમજી ના શક્યો. ત્યાં શાર્વીના ડૂસકાંઓ વધ્યા અને તે એકદમ રેમન્ડોને ભેંટી પડી.
"તમે અહીં ચાલ્યા આવ્યા અને ત્યાં પેલા તિબ્બુરે આક્રમણ કર્યું. આપણો પ્રદેશ કબજે કરીને એણે બધે જ તાબાહી મચાવી દીધી..' રેમન્ડોની છાતીમાં માથું ટેકવીને શાર્વી ડૂસકાં ભરતી બોલી.
અંધારું છવાઈ ગયું હતું. શાર્વીના ડૂસકાંઓથી વાતાવરણ ગમગીન બની ગયું. રેમન્ડોને શાર્વીનું આ વર્તન સમજાયું નહીં.એનો એક હાથ શાર્વીના માથા ઉપર ફરવા લાગ્યો.
"શું.. તિબ્બુરે આક્રમણ કર્યું..? રેમન્ડોનો ક્રોધથી ધ્રુજતા અવાજે બોલ્યો.
"હા.. બેટા તિબ્બુરે આપણો આખો પ્રદેશ પચાવી પાડ્યો છે..' કમ્બુલા એકદમ ઢીલા અવાજે બોલ્યો.
"એ આપણા પ્રદેશના બધા જ લોકોને રંજાડી રહ્યો છે.. એમને કોઈ પણ હાલતમાં તિબ્બુરની હકુમતમાંથી મુક્ત કરાવવા જ પડશે..' થોડીક વાર થોભીને રેમન્ડોના ખભા ઉપર હાથ મૂકતા કમ્બુલા ફરીથી બોલ્યો.
શાર્વીના ડૂસકાં શમ્યા. એ રેમન્ડોથી થોડીક દૂર જઈ શરમાતી ઉભી રહી.
"આપા... આપણે ભલે મરી જઈએ પણ એક ક્રૂર માણસના હાથમાં આપણા પ્રદેશની સત્તા ના જવી જોઈએ..' રેમન્ડો ગુસ્સાથી કંપતા અવાજે કમ્બુલા સામે જોતાં બોલ્યો.
"રેમન્ડો બેટા.. આટલો આકળો ના બન.. જો આપણે હમણાં ઉતાવળા થઈશું તો એ લોકો આપણને મોતને ઘાટ ઉતારી દેશે.. હવે પછીનું દરેક પગલું વિચારીને ભરવુ પડશે..' કમ્બુલાની પત્ની જેસ્વી રેમન્ડો અને કમ્બુલા તરફ જોઈને કહ્યું.
"હા.. થોડીવાર થોભો હું આ અમ્બુરાને ભાનમાં લાવવા કંઈક કરું..' થોડેક દૂર શીલા ઉપર પડેલા અમ્બુરાના શરીર તરફ આંગળી કરતા રેમન્ડો બોલ્યો.
"પણ એ ઘાયલ કેમ થયો છે.. તમે બન્ને ફરીથી અહીંયા ઝગડ્યાં છો.??? કમ્બુલાએ આછા અંધારામાં શીલા પર પડેલા અમ્બુરાના શરીરનું નિરીક્ષણ કરતા કહ્યું.
"નારે.. આપા એ બહુ લાંબી કહાની છે. પહેલા આ બિચારાને સાજો કરવા દો પછી કહું..' રેમન્ડો કમ્બુલા તરફ જોતા બોલ્યો. પછી એ અમ્બુરાના શરીર પર પડેલા ઘા સાફ કરવા લાગ્યો.
અંધારું જામવા લાગ્યું હતું એટલે રેમન્ડોને અમ્બુરાના શરીરમાં પડેલા ઘા સાફ કરવામાં થોડીક તકલીફ પડી રહી હતી. શાર્વી બાજુમાં બેસીને રેમન્ડોને મદદ કરવા લાગી. આમ તો શાર્વી અમ્બુરાને ખુબ જ નફરત કરતી હતી છતાં એ પોતાના મનથી માની ચૂકેલા પ્રેમી રેમન્ડોને મદદ કરવા માટે એ અમ્બુરાના શરીર પર પડેલા ઘા સાફ કરી રહી હતી.
થોડીક વારમાં કમ્બુલા સાથે જે સૈનિકો આવ્યા હતા એ બધા પોત પોતાના ખચ્ચરને ત્યાં ચારો લાવીને ખવડાવવા લાગ્યા.
ઘા સાફ કર્યા બાદ રેમન્ડો પાસે જે સુતર્બ જડીબૂટ્ટી હતી એ એમાંથી થોડાંક જડીબુટ્ટીના પાંદડા મસળીને અમ્બુરાના ઘા પર લગાવ્યા. ત્યારબાદ એણે ચામડાની થેલીમાં ગુફામાંથી જે શ્વેત ઘટ્ટ પ્રવાહી લઈને આવ્યો હતો એ અમ્બુરાના મોઢામાં થોડુંક રેડ્યું.
કમ્બુલા , શાર્વી અને કમ્બુલાની પત્ની જેસ્વી આ શ્વેત ઘટ્ટ પ્રવાહીને અચંબિત થઈને જોઈ રહ્યા.
"આ પ્રવાહી જેવું શું છે રેમન્ડો..?? કમ્બુલાએ ચામડાની થેલીમાં રહેલું પ્રવાહી એકી નજરે જોઈ રેમન્ડોને પૂછ્યું.
"હા.. આવુ ક્યારેય જોયું નથી.. પાણી જેવું પણ નથી આ..! જેસ્વી બોલી.
"અરે.. વધારે ના વિચારો આનાથી સુતર્બ જડીબુટ્ટીઓનો વિકાસ થાય છે. જેમ વૃક્ષોનો વિકાસ પાણી દ્વારા થાય છે. એવી જ રીતે સુતર્બ જડીબુટ્ટીઓ આ પ્રવાહીથી વિકાસ પામે છે.. આ પ્રવાહીમાં અદ્ભૂત શક્તિ રહેલી છે. એને એકવાર પી લઈએ તો આપણી ભૂખ , તરસ અને થાક પણ ઉતરી જાય છે શરીરમાં તાકાત આવે છે અને એક નવા જ પ્રકારની તાકાત અનુભવાય છે...' રેમન્ડો બધું એકીશ્વાસે બોલી ગયો.
"વાહ.! તો તો આપણે પણ એક નવી જ શક્તિના વારસદાર થઈ જઈશું..' શાર્વી ખુશ થતાં બોલી ઉઠી.
"રેમન્ડો બીજું આવુ પ્રવાહી ક્યાંથી મળશે..?? કમ્બુલાએ રેમન્ડો તરફ જોઈને પ્રશ્ન કર્યો.
"ગુફામાં નાનકડી નદી છે આ પ્રવાહીની.. ગુફામાંથી શ્વેત પ્રવાહી ઝરે છે અને એ એક નીકમાં થઈને સુતર્બ જડીબુટ્ટીઓ જ્યાં ઉભી છે ત્યાં સુધી વહે છે..' રેમન્ડોએ શ્વેત ઘટ્ટ પ્રવાહીની માહિતી આપતા કહ્યું.
"એ ગુફા ક્યાં છે રેમન્ડો..?? કમ્બુલાએ જિજ્ઞાસાવશ પૂછ્યું.
"અહીં..જ છે.. થોડાક..' રેમન્ડો પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા ટુમ્બીયા પર્વતની તળેટીમાં શોરબકોર સંભળાયો.
રેમન્ડોએ એ તરફ કાન માંડ્યો. શાર્વી અને જેસ્વી પણ ચૂપ થઈ તળેટીના ઢાળ તરફ જોવા લાગી. નવી આફતના એંધાણ થતાં કમ્બુલાના મુખ ઉપર ચિંતાની રેખાઓ ઉપસી આવી.
ત્યાં તો.. મશાલો દેખાઈ. શોરબકોર વધ્યો. કમ્બુલાના સૈનિકો પાસે રહેલા ખચ્ચરો તળેટી તરફ જોઈ ભૂંકવા લાગ્યા.
"આપા.. આફત..!!! રેમન્ડો બોલી ઉઠ્યો.
કમ્બુલા અને જેસ્વીના મોંઢા ઢીલા અને ચિંતાતુર થઈ ગયા.
તિબ્બુરના સૈનિકોરૂપી મોત એમની તરફ ઘસી આવતું હતું.
"રેમન્ડો.. એ આપણને મારી નાખશે..' શાર્વી રડી પડી.
"હું છું ત્યાં સુધી કોની હિંમત છે કે તમને રંજાડી શકે.. ચાલો મારી સાથે જલ્દી..' પવનવેગે રેમન્ડોએ શીલા પર પડેલું અમ્બુરાનું શરીર ઉચક્યું. અને પેલી ગુફા તરફ દોડ્યો. પાછળ શાર્વી ,જેસ્વી ,કમ્બુલા અને કમ્બુલાના સૈનિકો પણ રેમન્ડોને અનુસરીને દોડવા લાગ્યા.
રેમન્ડો સૌથી પહેલા ગુફામાં પ્રવેશ્યો. બાકીના પણ જલ્દી એની પાછળ ઘુસ્યા. અંદર પ્રવેશતાની સાથે જ બધા ભયભીત થઈ ઉઠ્યા.
(ક્રમશ)