રિષભે શિવાની વિશે પુછ્યુ એટલે અનેરીએ કહ્યું “આ શિવાની અને કબીર વચ્ચે કોઇ ખાસ રિલેશન છે એવુ મને હંમેશા લાગતુ હતુ. અમે જ્યારે પણ મળતા ત્યારે તે બંને એકબીજા સાથે ઓછુ બોલતા પણ મે બંનેની આંખોમાં એવા ભાવ જોયા છે કે જે સામાન્ય નહોતા. મને ચોક્કસ ખબર નથી કે તે બંને વચ્ચે કેવો સંબંધ હતો પણ એવુ કંઇક ચોક્કસ હતુ જે પતિના મિત્ર સાથેના સંબંધમાં ન હોય. જો કે આનો મારી પાસે કોઇ પુરાવો નથી પણ આ તો મિત્ર તરીકે તને વાત કરી છે.”
આ સાંભળી રિષભે કહ્યું “ઓહ, આ વિશે તો મે વિચાર્યુ જ નહોતુ. આ કબીર કોઠારીને મે તપાસમા બાકી રાખી દીધો એ મારી ભૂલ છે. હવે મારે તેના પર કામ કરવુ પડશે.” અને પછી થોડુ રોકાઇને બોલ્યો “ આ તે મને એક લીંક આપી દીધી. હવે કદાચ આ કેસમાં એક નવો મોડ આવશે.”
આ સાંભળી અનેરીએ કહ્યું “એક વાત પૂછું?”
“હા, પૂછ જે પૂછવુ હોય તે.” રિષભે જમવાનુ પૂરું કરતા કહ્યું.
“દર્શનના ખૂન માટે તને કોના પર શક છે?”
આ સાંભળી રિષભ વિચારમાં પડી ગયો એટલે અનેરીએ કહ્યું “જો તારી ડ્યુટીમાં પ્રોબ્લેમ થતો હોય તો કંઇ નહી. મને ખોટુ નહી લાગે.”
આ સાંભળી રિષભ બોલ્યો “અરે ના એવુ કંઇ નથી. આ તો હું એ જ વિચારતો હતો કે મારા શકમંદના લીસ્ટમાં કોણ છે?” અને પછી થોડુ રોકાઇને બોલ્યો “આમ તો અત્યારે દર્શનના ફેમિલી મેમ્બર, તેનો જુનો બિઝનેસ પાર્ટનર, અને કર્મચારી બધા શકમંદ છે. પણ મેજર સસ્પેક્ટ તો શિવાની જ છે.”
આ સાંભળી અનેરી બોલી “જો જે પણ, આ શિવાની પહોંચેલી માયા છે. દર્શનના પોલિટિકલ કોન્ટેક્ટ છે. તે ઉપરથી પ્રેશર લાવશે.”
આ સાંભળી રિષભ બોલ્યો “અનેરી, મને ખબર છે કે મહેસૂલ મંત્રી દર્શનનો અનઓફિશિઅલ પાર્ટનર છે.”
ત્યારબાદ બંને ડાઇનીંગ ટેબલ પરથી ઊભા થયાં. રિષભ હાથ ધોઇ સોફા પર બેઠો અને અનેરીએ વાસણ રસોડામા મૂકી દીધા. થોડીવાર બાદ અનેરી બંને માટે આઇસ્ક્રીમ લઇને આવી અને રિષભની પાસે બેસી ગઇ. આઇસ્ક્રીમ ખાતાં ખાતાં રિષભે કહ્યું “અનેરી, કેટલુ બધુ બદલાઇ ગયું. એક સમય હતો કે આપણે બંને એ સાથે જીવવાના સપના જોયા હતા. અને આજે પરિસ્થિતિ કેટલી બદલાઇ ગઇ છે.”
આ સાંભળી અનેરીએ કહ્યું “રિષભ એક દિવસ મારે તને બધી જ વાત કરવી છે. જ્યાં સુધી તને બધુ કહી નહી દઉં ત્યાં સુધી મારા દિલ પર ભાર રહેશે. મને તો એમ હતુ કે તુ મળીશ ત્યારે મારી સાથે ઝઘડો કરીશ. પણ તારો આટલો સારો વર્તાવ તો મને વધારે ખૂંચે છે. મને મારી જાત પર વધુ ગુસ્સો આવે છે. હું તો ઇચ્છુ છુ કે તુ મારી સાથે લડ, મારા પર ગુસ્સે થા, મારી સાથે વાત જ ન કર. પણ આ તારો સારો વર્તાવ તો હવે મારાથી સહન નથી થતો.” આટલુ બોલતા બોલતા અનેરીની આંખો ભીની થઇ ગઇ.
આ જોઇ રિષભે આઇસ્ક્રીમનો બાઉલ સેન્ટર ટેબલ પર મૂકી દીધો અને અનેરીનો હાથ પકડી બોલ્યો “અનેરી હું કાઇ મહાત્મા નથી. તું જેમ કહે છે તેમ જ મે પણ વિચાર્યુ હતુ કે તુ મળીશ ત્યારે તારી સાથે બોલીશ જ નહી. તારી સાથે ઝગડો કરીશ. મને આટલા વર્ષથી જે દુઃખ થયુ છે તેનો બદલો લઇશ, પણ સાચુ કહું તો તને જોઇ એ સાથે જ આ બધી કડવાશ ધોવાઇ ગઇ. મારાથી તારી સાથે ઝગડી શકાયુ જ નહીં. મારી હાજરીમાં મોટા મોટા ગુનેગાર ધ્રુજે છે, પણ તારી હાજરીમાં હું મારી જાતને જ ખોઇ બેસુ છું. આમા તુ જ કહે કે હું તારી સાથે કંઇ રીતે ઝગડી શકુ?”
આ સાંભળી અનેરીની આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. આ જોઇ રિષભ ઊભો થયો અને અનેરીને પાણીનો ગ્લાસ આપ્યો. અનેરીએ પાણી પીધુ અને થોડી શાંત થઇને બોલી “તે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા?”
આ સાંભળી રિષભ માત્ર હસ્યો, પણ આ હાસ્યમાં જ અનેરીને તેનો જવાબ મળી ગયો. અનેરીને આજે ખૂબ જ પસ્તાવો થતો હતો. જિંદગીના સમીકરણો એટલા બધા બદલાઇ ગયા હતા કે હવે તેનો ઉકેલ મળશે કે નહી તે પણ તે જાણતી નહોતી. ત્યારબાદ થોડી વાતો કરીને રિષભ ત્યાંથી નીકળી ગયો. રિષભે રસ્તામાંથી જ હેમલને ફોન કરી કબીર કોઠારીના કોલ રેકોર્ડસ અને મર્ડરના દિવસનું તેના સેલ ફોનનું લોકેશન કઢાવવાનું કહી દીધુ. ક્વાર્ટર પર પહોંચી રિષભે નાઇટ ડ્રેસ પહેર્યો અને બેડ પર લાંબો થયો. આંખો મિચી રિષભ અનેરી સાથે ગાળેલી સુંદર પળોને યાદ કરવા લાગ્યો. રિષભે જયારે શિવાનીના કેરેક્ટર વિશે પુછ્યુ ત્યારે અનેરીએ જે રીતે સામે જોયુ હતુ તે યાદ આવી ગયુ. આ સાથે જ રિષભને વિદ્યાનગરની એક સાંજ યાદ આવી ગઇ. અનેરી અને રિષભ બે મહીનાથી સાથે હતા. તેની મિત્રતા એકદમ ગાઢ થઇ ગઇ હતી. હવે રિષભનુ સીડ્યુલ ફીક્સ થઇ ગયુ હતુ કે ડીપાર્ટમેંટથી છુટીને અનેરીને મળવા જવાનું. બીજી વખત તે અનેરીને મળવા ગયો ત્યારે અનેરીએ સામેથી જ કહ્યુ હતુ કે “આપણે હવે રોજ કોઇ રેસ્ટોરન્ટમાં નહીં પણ શાસ્ત્રી મેદાનની બહાર બેન્ચ પર બેસશુ.” રિષભે પણ મજાક કરતાં કહ્યું “હા અત્યારે તો બહાર જ બેસશુ. પછી જ્યારે આગળ વધશુ ત્યારે મેદાનની અંદર જઇશુ.” આ શાસ્ત્રી મેદાન લવર્સ માટેનુ મિલન સ્થળ હતુ એટલે અનેરી પણ રિષભનો કહેવાનો મતલબ સમજી ગઇ અને બોલી “તને બહુ ઊતાવળ છે અંદર જવાની?”
“ના ઉતાવળ નથી પણ ક્યારેક જવાની ઇચ્છા તો ખરી.”
“હા, હવે ચાલ ઇચ્છાવાળો થતો છાનોમુનો અહી બેસ. ત્યારબાદ બંને ત્યાં બેન્ચ પર બેઠા અને વાતો કરવા લાગ્યા. વાતવાતમાં તે લોકો રિલેશન શિપની વાત પર આવી ગયા. અનેરીએ કહ્યું “તમે છોકરા લોકો રિલેશનશિપને એકદમ લાઇટલી લો છો પણ, અમારા માટે રિલેશનશિપ એકદમ સિરિયસ મેટર છે. તમે ચાર છોકરીને ફેરવો તો ગર્વ લેવાની વાત કહેવાય. અને અમે બે છોકરા સાથે ફ્રેન્ડશિપ કરીએ તો પણ ચાલુ કહેવાઇએ.”
આ સાંભળી રિષભ બોલ્યો “જો અનેરી, તુ જે કહે છે તે જનરલ વાત છે અને તે અમુક હદે સાચી છે પણ, તેમા અમુક અપવાદ પણ હોય છે. છોકરા પણ રિલેશનશિપ માટે સેન્સિટિવ હોય છે. અને તુ જે છોકરીના કેરેક્ટરની વાત કરે છે તો તેમાં હું તો માનુ છું કે કોઇ છોકરીના રીલેશનશિપને લીધે તેનુ કેરેક્ટર ક્યારેય નક્કી નથી થતુ. છોકરીઓ હંમેશા વધુ કમિટેડ હોય છે. છોકરીઓને કેરેક્ટરનુ સર્ટીફીકેટ આપવાનો કોઇને હક નથી.”
રિષભની વાતથી અનેરી ઇમ્પ્રેસ થઇ ગઇ અને બોલી “તારા જેવી વિચારધારા વાળા છોકરા બહું ઓછા હોય છે. રિલેશનશિપમાં મોટાભાગે છોકરીઓને જ ભોગવવુ પડતુ હોય છે.”
આ સાંભળી રિષભ મજાક કરતા બોલ્યો “તું ચિંતા નહીં કર. મારી સાથે તારે ભોગવવુ નહી પડે.”
આ સાંભળી અનેરી પણ હસી પડી અને બોલી “હવે ખોટા સપના નહી જો અને તારી હદમાં રહે.”
“હુ મારી હદમાં જ છુ પણ મારી હદ તારા સુધી આવે છે.” એમ કહી રિષભે આંખ મારી.
અત્યારે પણ રિષભને આ વાત યાદ આવતા હસવુ આવી ગયું. ત્યારબાદ રિષભ ઊભો થયો અને ફ્રીઝમાથી પાણીની બોટલ કાઢી અને પાણી પીધુ. ત્યારબાદ તે ફરીથી બેડ પર આડો પડ્યો અને અનેરી સાથે આજે કરેલી વાતો યાદ કરવા લાગ્યો. તે ફરીથી અતિતની યાદોમાં ખોવાવા લાગ્યો. તેને અનેરી સાથે હોટલમાં થયેલો ઝગડો તે યાદ આવી ગયો. રિષભ અને અનેરીની ફ્રેન્ડશિપને ત્રણ મહીના જેવો સમય થઇ ગયો હતો. ત્યાં એક વખત રિષભને જી.પી.એસ.સીની એક્ઝામ આપવા બરોડા જવાનુ થયુ. રવિવારે બરોડા જવાનુ હોવાથી અનેરી પણ તેની સાથે આવવા માંગતી હતી. રિષભે બાજુના રુમમાં રહેતા રવી પાસેથી બાઇક માંગી લીધી હતી. તે બંને બાઇક પર વહેલી સવારે વિદ્યાનગરથી નીકળ્યા. બંને ખૂબ ખુશ હતા કેમકે બંનેની રિલેશનશિપ હવે એ મોડ પર આવી ગઇ હતી કે કોણ પહેલા પ્રપોઝ કરે તે જ નક્કી નહોતુ. ગમે તે સમયે બંનેમાંથી એક પ્રપોઝ કરી દે એમ હતુ. આ સમય તે લોકો માટે ખૂબ સુંદર હતો. રિષભ બાઇક ચલાવતો હતો અને અનેરી તેની પાછળ એકદમ ચોટીને બેઠી હતી. બંને વાતો કરતા જતા હતા. બરોડા જતી વખતે તે લોકો ઝડપથી પહોંચ્યા પણ, આવતી વખતે હવે તેને કોઇ ઉતાવળ નહોતી. એક્ઝામ પતાવી તે લોકો બરોડાની બહાર નીકળી વાસદ પાસે આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલમાં ઊભા રહ્યા. કિસ્મત કાઠિયાવાડીએ વાસદ પહેલા આવતી કાઠિયાવાડી હોટલ છે. આ હોટલમાં મસ્ત કાઠિયાવાડી દેશી ખાણું મળે છે. આ હોટલમાં જમવા માટે ખાટલા મૂકવામાં આવેલા છે. રિષભ હાથ મોં ધોઇને જમવા બેઠો અને અનેરી ફ્રેસ થવા ગઇ. અનેરીએ આવીને જોયુ તો રિષભે જમવાનો ઓર્ડર આપી દીધો હતો પણ જેવી તેની નજર થાળી પર ગઇ એ સાથે જ અનેરીનો પિત્તો ગયો અને તે બોલી “આ શું રિષભ દર વખતે સેવ ટામેટાનુ શાક. તારે કમશેકમ મને પૂછવુ તો હતુ. મારે નથી ખાવુ સેવ ટામેટાનુ શાક તુ જ ખા. અને નક્કી કર કે મારી સાથે ખાવુ છે કે એકલા બેસી સેવ ટામેટાનુ શાક ખાવુ છે.” આ સાંભળી રિષભ ઊભો થયો અને ખિસ્સામાંથી એક ગુલાબનુ ફૂલ કાઢી ઘૂંટણ બેસી બોલ્યો “અનેરી યાર આઇ લવ યુ. હું માત્ર તારી સાથે જ નહીં પણ તારા હાથનુ સેવ ટામેટાનુ શાક આખી જિંદગી ખાવા માંગુ છું. ડુ યુ લવ મી?”
આ સાંભળી અનેરીનો ગુસ્સો ગાયબ થઇ ગયો. આખા ઢાબામાં હવે બધાનુ ધ્યાન આ બંને તરફ હતુ. બધાને આ ફિલ્મ જેવુ જ લાગતુ હતુ. અનેરી એકદમ શરમાઇ ગઇ અને બોલી “યસ. આઇ લવ યુ.”
આ સાથે જ બંને એકબીજાને વળગી પડ્યા. આ જોઇ પેલો ઢાબાનો માલિક તેની પાસે આવ્યો અને ખીજાઇને બોલ્યો “ઓય લૈલા મજનુ આ ફેમિલી રેસ્ટોરેન્ટ છે. આવા નાટક અહી નહી કરવાના. ચાલો નીકળો અહીથી.” આ સાંભળી રિષભે કહ્યું “કાકા, માંડ માની છે. જો તમે જમ્યા વિના કાઢશો તો મારુ પત્તુ કપાઇ જશે. પ્લીઝ જમી લેવા દો.”
આ સાંભળી પેલા માલિક પણ હસી પડ્યા અને બોલ્યા “ઓકે, જમીલો પણ હવે કોઇ નાટક નહી જોઇએ.”
આ સાંભળી અનેરી બોલી “ઓકે, અંકલ પણ આ સેવટામેટાના શાકના બદલે ઊંધીયુ આપી દો ને પ્લીઝ.”
આ સાંભળી રિષભે એવી રીતે મોઢુ બગાડ્યુ કે અનેરી હસી પડી. ત્યારબાદ બંને જમીને વિદ્યાનગર જવા નીકળ્યા. અત્યારે પણ રિષભને આ દ્રશ્ય ફીલ્મની જેમ આંખ સામેથી પસાર થતુ હોય તેવુ લાગ્યુ. આટલા વર્ષો જતા રહ્યા પણ સ્મૃતિમાં જરા અમથો પણ ફેરફાર થયો નહોતો. કોણ કહે છે કે સમયની સાથે બધુ બદલાઇ છે. અમુક યાદો એવી હોય છે કે જે સમય જતા વધુ તાજી થતી હોય છે. લાગણી અને પ્રેમને સમયનો કાટ લાગતો નથી તેને તો સમય પાણી પાયને અંકુરીત કરે છે.
વિચારોથી થાકીને મોડી રાત્રે રિષભ ઉંઘી ગયો.
સવારે તે ઉઠી નિત્ય કર્મ પતાવી નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. રિષભે સ્ક્રીન પર જોયુ તો હેમલનો જ ફોન હતો. રિષભે ફોન કાન પર લગાવ્યો અને જે સામેથી કહેવાયુ તે સાંભળી રિષભ એકદમ ઉત્સાહિત થઇ ગયો અને બોલ્યો. “ઓકે તમે ત્યાં પહોંચી જાવ અને મારી રાહ જુઓ. હું નીકળુ જ છું.” એમ કહી રિષભે ફોન કટ કરી નાખ્યો. અને ઝડપથી જવા માટે નીકળી ગયો.
----------***********------------**********---------------********-------------
મીત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.
મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.
--------------------*****************------------***************---------------------
HIREN K BHATT
MOBILE NO:-9426429160
EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM