padchhayo - 23 in Gujarati Horror Stories by Kiran Sarvaiya books and stories PDF | પડછાયો - ૨૩

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

Categories
Share

પડછાયો - ૨૩

અમન અચાનક અમેરિકાથી પરત આવીને કાવ્યાને સરપ્રાઈઝ આપે છે અને થોડી ડરાવી પણ દે છે. કાવ્યા તો અમનને જોઈને એટલી ખુશ થઈ જાય છે કે તેના મમ્મી અને સાસુની હાજરીમાં જ અમનને ગળે વળગી જાય છે. આથી કવિતાબેન અને રસીલાબેન બંનેને મોકળાશ આપી ઘરમાં અંદર જતાં રહે છે અને કાવ્યા અને અમન થોડી વાર વાતો કર્યા બાદ અંદર જાય છે. હવે આગળ..

"દીકરા, તું તો મોડી રાત્રે આવવાનો હતો ને?" રસીલાબેન અમનને અંદર આવતો જોઈ બોલ્યા.

"હા મમ્મી, મોડી રાત્રે જ આવવાનો હતો પણ મુંબઈ પહોંચતા જ ખબર પડી કે એકાદ કલાકમાં જ રાજકોટની ફ્લાઈટ ઉપડશે તો ચડી ગયો એમાં.. નહીંતર ટેક્સી કરીને આવત તો મોડી રાત જ થઈ જાત. પણ આજથી જ આ નવા ટાઈમની મુંબઈ ટુ રાજકોટની ફ્લાઈટ શરૂ થઈ છે તો મને ફાયદો થઈ ગયો." અમન એકીશ્વાસે બોલી ગયો.

"વાહ શું વાત છે!" બધાં એક સાથે બોલ્યાં અને કવિતબેન તથા રસીલાબેન રસોડામાં રાતનું ભોજન બનાવવા જતાં રહ્યાં અને કાવ્યા અમન સાથે રૂમમાં આવી ગઈ અને બંને એ ક્યાંય સુધી વાતો કર્યા રાખી. તેના મમ્મી જમવા બોલાવવા આવ્યાં ત્યારે યાદ આવ્યું કે બંને એક કલાકથી વાતો કરતાં હતાં.

બધાં જમી પરવારીને નવરાં થયાં ત્યારે કવિતાબેન બોલ્યા, "હવે કાલે હું સવારે સ્કૂલેથી સીધી મારા ઘરે જતી રહીશ. દીકરીના ઘરે બહું વધુ ના રહેવાય."

ના મમ્મી, તમારે ક્યાંય નથી જવાનું. થોડાં દિવસો સુધી રહો હજુ.. કાવ્યા સાથે જ રહ્યા, મારી સાથે પણ રહો.." અમન વચ્ચે ટોકતા બોલ્યો.

"પણ બેટા, હવે તો ઘરે જવું જોઈએ ને.. લોકો શું કહેશે કે દીકરીના ઘરે રહે છે." કવિતાબેન બોલ્યા.

"તમારે કહી દેવાનું કે હું મારા દીકરાના ઘરે રહી હતી. શું હું તમારો દીકરો નથી?" અમન લાગણીવશ થઈ બોલ્યો. કવિતાબેન હજુ કાંઈ બોલવા જાય એ પહેલાં જ રસીલાબેન બોલ્યાં, "હું રહું ત્યાં સુધી તો રહો, અમનનું માન રાખો અને રોકાઈ જાઓ વેવાણ.." કવિતાબેન માથું હકારમાં હલાવી હા બોલ્યા અને બધા મજાક મસ્તી કરવા લાગ્યા.

કવિતાબેન અને રસીલાબેન અઠવાડિયું રોકાયા, પછી અમન અને કાવ્યા તેમને તેમના ઘરે મૂકવા ગયા. આ દરમિયાન કોઈએ પડછાયાને મુક્તિ અપાવવાની વિધિ કરી છે એ વાત મોઢે આવવા ના દીધી. કાવ્યા પણ કંઈ બોલી નહીં, તે અમનને આ વાત જણાવવા માંગતી જ નહોતી આથી ચૂપ જ રહી.

આમ ને આમ બે મહિના વીતી ગયા. હવે પડછાયાનો કોઈ ડર ન હતો આથી કાવ્યા પણ ખુશ હતી એ જોઈ અમને પણ પડછાયા વિશે પૂછવાનું ટાળ્યું અને કાવ્યા સાથે રાજીખુશીથી રહેવા લાગ્યો. પણ એમના જીવનમાં બહુ મોટી મુશ્કેલી દસ્તક આપવા જઈ રહી હતી એ વાતથી સાવ અજાણ બંને એકબીજાના પ્રેમમાં જ ખોવાયેલા રહેતા.

એક રાત્રે બંને ડિનર પતાવી પોતાના બેડરૂમમાં સૂવા માટે ગયા. અમન થાકેલો હોવાથી તરત જ સૂઈ ગયો પણ કાવ્યાને નીંદર આવતી ન હોવાથી તે હોરર નોવેલ વાંચી રહી હતી. રાત ના બાર વાગી ગયા હતા આથી તેને ડર લાગવા માંડ્યો અને તે પણ અમનને લપાઈને સૂઈ ગઈ.

થોડીક વાર થઈ હશે ત્યાં જ કાવ્યાની નીંદર તૂટી ગઈ. તેણે આંખો ખોલીને જોયું તો પોતે આકાશમાં ઉડી રહી હતી. કોઈ જંગલ જેવા વિસ્તારમાં ઊડી રહી હતી. તેણે પોતાના હાથ તરફ જોયું તો હાથના બદલે ત્યાં મોટી પાંખો હતી. બાજ જેવી પાંખો.. કાવ્યા નવાઈથી જોઈ રહી તેને થયું કે તે સપનું જુએ છે પણ આ સપનું ન હતું. હવે જંગલ જેવા વિસ્તારમાંથી શહેર જેવો વિસ્તાર આવ્યો અને થોડી વાર ઉડ્યા પછી પોતે નીચે જમીન પર એક રસ્તા પર આવી. સુમસામ રસ્તા પર તે એકલી જ હતી. તેને આ જગ્યા જાણીતી હોય એવું લાગ્યું.

થોડી વાર આમ તેમ જોયાં બાદ તે રસ્તાની ડાબી તરફ વળી અને તેની સામે એક મોટો દરવાજો હતો. આ બધું કાવ્યા પોતાની જાતે નહોતી કરી રહી. જાણે કોઈ શક્તિ તેની પાસે આમ કરાવી રહી હોય એવું તેને લાગ્યું. તેણે ઈચ્છા ના હોવા છતાં તે દરવાજો ખોલ્યો અને અંદર ગઈ. કાવ્યા એ આ દરમિયાન જોયું કે તેના હાથ જંગલી પ્રાણી જેવા છે અને નખ અતિશય મોટા અને ગંદા.. કાવ્યાને ચીતરી ચડી ગઈ. પણ તેણે સામે જોતાં જ યાદ આવ્યું કે આ તો એ જ સવિનય પ્રાઈમરી સ્કૂલ છે જેના વિશે વારંવાર અખબારોમાં અને લોકલ ન્યુઝ ચેનલો પર પ્રસિદ્ધ થતી રહેતી હોય છે.

કાવ્યા અજાણી શક્તિના બળે અંદર ગઈ. અંદર જઈને જાણે એ કોઈને શોધી રહી હોય એવું લાગ્યું. દસ મિનિટ સુધી રઝડ્યા બાદ તેને પ્રિન્સિપાલની ઓફિસ દેખાઈ. તે દરવાજાને લાત મારી અંદર પ્રવેશી અને સામે રિવોલ્વિગ ચેર પર બેસેલા વ્યક્તિ પર સિંહ જેવી ગર્જના કરી તરાપ મારી. તે વ્યક્તિ પ્રિન્સિપાલ નરેશ ઠાકોર હતો એ કાવ્યા તેને જોઈને સમજી ગઈ હતી. પણ પોતાની જાત પર કાબૂ ના રાખી શકી. તેને એવું લાગતું હતું કે આ અજાણી શક્તિ તેની સાથે આમ કરાવી રહી છે અને એ ખૂબ જ શક્તિશાળી છે પોતે એને જરા પણ રોકી નહોતી શકતી.

કાવ્યાએ પ્રિન્સિપાલ પર ઉપરાં છાપરી જંગલી પંજા મારી લોહી લુહાણ કરી નાખ્યો. કાવ્યા હવે રડવા લાગી તેને કંઈ જ સમજાતું નહોતું. તે જોરજોરથી રડી રહી હતી અને ચીસો પાડી રહી હતી પણ અવાજ બહાર નીકળી જ નહોતો રહ્યો. તે નિઃસહાય થઈને કોઈને મારી રહી હતી.

હદ ત્યારે થઈ ગઈ જ્યારે પ્રિન્સિપાલ નરેશ ઠાકોરના પ્રાણ નીકળી ગયા ત્યારે કાવ્યા એ તેના શરીર પર ઠેકઠેકાણે બચકાં ભરી માંસના લોચા કાઢી નાખ્યાં. તે આ બધું કરી રઘવાયાની માફક આમથી તેમ આંટા મારવા લાગી અને સામે રહેલાં અરીસા સામે ઉભી રહી ગઈ.

કાવ્યા અરીસામાં જોઈને જ ડરી ગઈ. તેનું મોઢું અતિશય ભયંકર હતું. કોલસા જેવા કાળા રંગનું મોઢું અને લાલ ચમકતી ગુસ્સાથી ભરેલી આંખો, બહાર આવી ગયેલા મોટા દાંત, સાધારણ માણસ કરતાં બે ગણું મોટું શરીર, આખાં શરીર પર કોઈ જ કપડાં નહીં, બસ જંગલી પ્રાણી જેવા કાળા વાળ, સિંહ જેવા પંજા આ બધું જોઈ કાવ્યા એ જોરથી ચીસ પાડી અને પથારીમાં જ બેઠી થઇ ગઈ. તેની ચીસ સાંભળી અમન પણ જાગી ગયો અને કાવ્યાને ગળે લગાવી દીધી. કાવ્યા અમનને ચોંટી ગઈ અને જોરજોરથી રડવા લાગી.

"શુ થયું કાવ્યા, પડછાયાને જોયો?" અમન કાવ્યાને શાંત રાખતાં બોલ્યો.

"ના અમન, મેં ખૂબ જ ભયંકર સપનું જોયું. મેં કોઈની હત્યા કરી નાખી અમન.." કાવ્યા રડતાં રડતાં બોલી. કાવ્યાની વાત સાંભળી અમન જોરજોરથી હસવા લાગ્યો.

અમનને આમ હસતો જોઈ કાવ્યા રડવા લાગી. આથી અમને હસવા પર કાબૂ મેળવી કાવ્યાને ગળે લગાવીને બોલ્યો, "અરે એ બસ સપનું હતું કાવ્યા.. એમાં શું થઈ ગયું, તે હકીકતમાં થોડું કોઈનું ખૂન કર્યું છે. શાંત થઈ જા ચાલ.. કંઈ નથી થયું ઓકે.."

કાવ્યા એ હકાર માં માથુ હલાવ્યું અને બાજુના ટેબલ પર રાખેલી પાણીની બોટલમાંથી પાણી પીધું પછી તે શાંત થઈ. અમને પૂછ્યું, "કાવ્યા, તે સપનામાં કોનું ખૂન કરી નાખ્યું એ તો જણાવ.."

"સવિનય પ્રાઈમરી સ્કૂલના પ્રિન્સિપાલ નરેશ ઠાકોરનું"

આ સાંભળી અમન ફરી હસવા લાગ્યો અને બોલ્યો, "બહું બધા ન્યુઝ જોયાં રાખે છે એના લીધે થયું આમ અને આ હોરર નોવેલ વાંચવાનું બંધ કરો. એ બધાંનું મિશ્રણ સપનામાં આવ્યું."

કાવ્યા એ અમનને પીઠ પર ટપલી મારી અને બોલી, "હોરર નોવેલ વાંચવાની મજા આવે એટલાં માટે વાંચું છું. બીજું કાંઈ નહીં, ચાલ હવે સૂઈ જા.." આમ બોલી તે અમનને વળગીને સૂઈ ગઈ. અમન પણ કાવ્યાના માથે હાથ ફેરવતાં ફેરવતાં જ સૂઈ ગયો.

બીજાં દિવસે સવારે ઊઠીને ચા નાસ્તો કરી અમન અખબાર વાંચવા બેઠો ત્યાં જ ફ્રન્ટ પેજના સમાચારે તેને અંદરથી હચમચાવી દીધો. સમાચાર એવા હતાં કે 'શહેરની જાણીતી સવિનય પ્રાઈમરી સ્કૂલના પ્રિન્સિપાલ નરેશ ઠાકોરની કરપીણ હત્યા'. અંદરના અહેવાલ વાંચીને અમન સ્તબ્ધ જ થઈ ગયો. જે કાવ્યાએ જણાવ્યું હતું એમ જ આબેહૂબ હત્યા થઈ હતી નરેશ ઠાકોરની.

કાવ્યા જોઈ જશે તો ડરી જશે એ હેતુથી અમન અખબાર સંતાડવા ઊભો થયો ત્યાં કાવ્યાએ પાછળથી આવીને અખબાર ખેંચી લીધું અને ન્યુઝ વાંચીને ત્યાં જ બેહોશ થઈને પડી ગઈ.

**********

ક્રમશઃ

આ સાથે જ મારી આ હોરર સસ્પેન્સ નોવેલ 'પડછાયો' ના પ્રથમ ભાગનું સમાપન કરું છું. તમે બધાંએ જે રીતે સાથ આપ્યો એ બદલ આપની આભારી છું. અંક વાંચીને કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરુરથી જણાવશો.

નવો ભાગ 'પડછાયો ભાગ ૨' તરીકે રજૂ થશે જેમાં કાવ્યા અને અમનની વાર્તા આગળ ચાલશે. રોકીની આત્માને ખરેખર મોક્ષ મળ્યો છે કે નહીં અને નયનતારાએ કયા નવા શૈતાનને ઉજાગર કર્યો છે એ બધાં રહસ્યોના ખુલાસા થશે તો જરૂરથી વાંચજો આગળનો ભાગ 'પડછાયો ભાગ ૨'.

ધન્યવાદ