Feeling wet - Part-1 in Gujarati Fiction Stories by તેજસ books and stories PDF | લાગણી ભીનો અહેસાસ - ભાગ-1

Featured Books
Categories
Share

લાગણી ભીનો અહેસાસ - ભાગ-1

મિત્રો,

જીવનમાં ઘણીવાર આપણને કોઈ એવી વ્યક્તિ મળી જાય છે કે જેની એક વાત પર આપણે બધું જતું કરવા તૈયાર થઈ જઈએ છીએ. વ્યક્તિ એટલી મહત્વની હોય કે એની સાથે ખાધેલી કસમ માટે પણ માણસ સાત સમંદર પાર કરી જતો હોય છે. ક્યારેક એની એક ઝલક મેળવવા કલાકો સુધી એક જગ્યાએ પાણી પીધા વગર રાહ જોઈ રહે છે. સાચું ને?

મને નહી કહો તો ચાલશે પણ જવાબ હા છે એ તમને પણ ખબર જ છે. ચાલો આજે તમને એવી જ એક વ્યક્તિની સાથે મુલાકાત કરાવું છું.

સૌરાષ્ટ્રના દરિયાકિનારા પાસે એક નાનું ગામ. વસ્તી માંડ પાંચસો જેટલી હશે. ગામમાં એક વર્ષો જુનું માતાજીનું મંદિર અને દરિયા કિનારે આવેલું થોડુ જૂનું શિવાલય જેને થોડા વર્ષો પહેલા ગામના લોકોએ ભેગા મળીને સમારકામ કરાવેલું.

ગામનું મુખ્ય આકર્ષણ એટલે માતાજીનું મંદિર. માતાજીના મંદિરે દર્શન કરવા લોકો દેશ વિદેશથી આવતા. શ્રાવણની આથમણી સાતમે ત્યાં મેળો ભરાતો ત્યારે ગામની રોનક અલગ જ રહેતી. સાંજની 6 વાગ્યાની આરતી પછી ગરબાની રમઝટ બોલતી અને કુંવારિકાઓ સોળ શણગાર કરીને ગરબા રમતી.

આવી જ એક સત્તર અઢાર વર્ષની કન્યા એટલે તોરલ એની માસીની છોકરી સાથે ગરબા રમી રહી હતી. ગોરો વાન, ધનુષની પણછ જેવી ભ્રમર, અણિયાળી આંખો જેમાં લાગણીઓનો દરિયો છલકાતો હોય. સુરાહી જેવી ગરદન, ગુલાબની પાંખડી જેવા હોઠ, લાંબા કમર સુધીના વાળ, પાતળી કમરને બાંધેલો કંદોરો, ચણિયાચોળી પહેરી જે રીતે ગરબા રમે કે જાણે એક એક ગરબે હજારોના ધબકારા ચૂકવી જાય.

તાલબદ્ધ વાગતા ઢોલ અને નગારાં સાથે ગામજનો અને બહારથી આવેલા મહેમાનો એકરસ થઈને ગરબાની મજા માણતા હતા. થોડીવારે ઢોલી થાક્યો અને થોડો પોરો ખાવા રહ્યો. એક કલાકથી ચાલી રહેલી ગરબાની રમતમાં થોડી વાર વિરામ પડ્યો ને બહારથી આવેલા વાંકડિયા વાળ અને બદામી આંખોવાળા એક 20 વર્ષના યુવાને હિંમત કરીને તોરલનો હાથ પકડીને એને મંદિરની પાછળ દોરી ગયો. થોડુ ગભરાયેલી અને થોડુ શર્માયેલી તોરલ એ યુવાનની સામે જોઇને તરત જ રિસાઈને બોલી.

તોરલ: "સમય જોયો છે તે સુજલ. કેટલા વાગ્યા છે? સવારની રાહ જોઉં છું તારી અને લાટ સાહેબ અત્યારે આવે છે. તને તો મારી કઈ પડી જ નથી. "

સુજલ: " અરે... અરે... શ્વાસ લઈ લેવા દે. આટલું બધું કેમ ગુસ્સો કરે છે. તને ખબર છે કે અમદાવાદથી સવારે નીકળું ત્યારે 6 વાગે અહી પહોંચાય છે. એ પણ 2 વાર બસ બદલવી પડે છે."

તોરલ: "હા હા. ખબર છે બહુ મોટો અમદાવાદ ભણે છે. જાણે આખા ગામમાંથી તું જ એકલો ભણેશ્રી છે."

સુજલ: " સારું તો ચાલ તું કે શું કરું? કાન પકડીને માફી માગુ?"

તોરલ: "હા, કાન પકડીને માફી માંગ. કદાચ હું માફ કરી દઉં." (કહીને તોરલ મો ચડાવીને બીજી બાજુ ફરી જાય છે.)

સુજલ: "(તોરલના કાન પક્ડીને) લે આ કાન પકડ્યા. હવે માફ કરી દે. બાકી કાન છોડીશ નહી."

તોરલ (ગુસ્સાથી): "મે તારા કાન પક્ડીને માફી માગવાનું કીધેલું. મારા નહી. જા તારી કિટ્ટા."

સુજલ(હસતા હસતા): "અરે તે કાન પકડીને માફી માગવાનું કીધેલું. પણ કોના કાન પકડવાના એ નહોતું કીધું. સારું ચાલ મારા કાન પકડું છું."

તોરલ: "હવે ઉઠક બેઠક કર. એ પણ 10 વખત. ચાલ જો. પછી મને મેળામાંથી ડોકિયું અને બંગડી લઈ દે તો માફી મળશે."

સુજલ: " ઓકે ટીચર. 10 ઉઠક બેઠક કરું છુ. પણ તારી ગિફ્ટ માટે જલ્દી કરજે. હમણાં રાત પડતાં દુકાનો બંધ થવા લાગશે."

આમ મજાક મસ્તી કરતા કરતા બંને જણા માતાજીના મંદિરે દર્શન કરી ભીડમાં ખરીદી કરવા નીકળી જાય છે.

સુજલ જ્યારે આઠ વર્ષનો હતો ત્યારથી જ આ એનો અચૂક નિયમ બની ગયો હતો. આજે સુજલ 32 વર્ષનો છે અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં એક સફળ ડોક્ટર છે. છતાં પણ શ્રાવણની સાતમે પોતાના ગામ અને માતાજીના મેળામાં જરૂરથી હાજરી આપવા આવે છે.

આવતા અંકમાં જોઈએ કે કેમ સુજલ દર વર્ષે સાત સમુદ્ર પાર કરીને પણ ગામના મેળામાં હાજરી આપવા આવે છે.

આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.

Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020