My first love in Gujarati Short Stories by Patel Kanu books and stories PDF | મારો પહેલો પ્રેમ

Featured Books
Categories
Share

મારો પહેલો પ્રેમ

ખળ ખળ નદીના નિર્મળ નીરનું સંગીત રેલાઈ રહ્યું હતું. પક્ષીઓ નો કલરવ એની મધુરતામાં વધારો કરતું હતું. સૂર્ય ક્ષિતિજની બાહોમાં છુપાઈ જવા માટે દોડી રહ્યો હતો. સંધ્યાની લાલી આકાશના કલરવ પર રંગોળી દોરી રહી હતી. નદીના નીરને બાથમાં ભરીને પવન ધરતી પર ઊગી નીકળેલા ઘાંસને ભીંજવી રહ્યો હતો. ઘટાદાર આંબાના વૃક્ષની મધ્યમાંથી કોઈ કોયલ કૂહુ... કુહું.... પોકારી રહી હતી. ચારે દિશામાંથી પક્ષીઓ પોતાના ઘર તરફ પાછા ફરી રહયાં હતાં ગોવાળો પોતાની ગાયો ને ગામ ભણી દોરી રહયાં હતાં. હવે તો આખો દિવસ અગન ઝાળ વરસાવતો ગોળો પણ એક પર્વતની ગોદમાં માથું નાખી ને સૂઇ ગયો હતો.

એ ઘટાદાર અંબાના વૃક્ષ નીચે કનક પગ લંબાવીને બેઠો હતો. એનું માથું વૃક્ષનાં થડના ટેકે ટેકવેલું હતું. એના હાથ ને એણે પોતાના બે પગ સાથે બાંધી દીધાં હતાં. એવું લાગતું હતું કે પગ ને હાથ વડે બાંધ્યાં હતાં. જોહુકમી હાથ ઉપર હતી કે પગ ઉપર એ નક્કી કરી શકાતું ન હતું. રંગે રૂપાળા કનકનાં ચહેરા પણ આછી આછી દાઢી એના ગાલની શોભા વધારી રહી હતી. એના ચહેરા પર તેજ હતું પરંતુ ભમ્મર માં અજીબ ભાવ હતાં. આંખો બંધ હતી પરંતુ આંખોનાં ખૂણામાં ભીનાશ હતી. ફૂંકાઈ રહેલા શીતળ સમીર ની હાજરી હોવા છતાં કપાર પર પરસેવાની બુંદો ઉપસી આવી હતી. જાણે કોઈ વાત એના હલકમાં આવીને અટકી રહી હોય એવું લાગી રહ્યું હતું.

"મારો પહેલો પ્રેમ... મારો પહેલો પ્રેમ....."

અનાયાસે જ એના શબ્દોની સરવાણી વહી રહી. આજ ૩૩ વર્ષ થઈ ગયાં, બે સંતાન ઘરે કિલોલ કરે છે ત્યારે કનક ને આજ ૧૧ વર્ષ જૂની યાદો તાજી થઈ ગઈ. એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો. અને હદયમાં જાણે મંથન શરૂ થઈ ગયું. હદયની ધમની શ્વાસો શ્વાસને વેદનાની ભઠ્ઠીમાં ગરમ કરીને ફેંકી રહી. મનનો આહ અને હદયનો દાહ કનકને દઝાવી રહ્યો. અતીતની મીઠી યાદોને એ વાગોળી રહ્યો. લગ્ન જીવનનાં કોલાહલથી થાકેલા હદયને એ થોડી સાંત્વના આપી રહ્યો. મનનાં ખંડેરમાં પડેલી એના પ્રેમની જૂની ફાઈલોની ધૂળ ઉડાવી ને સમયનો માર ખાઈને વૃદ્ધ થઈ ગયેલા પાનાં ને ઉથલાવી રહ્યો. પરંતુ શું હતું એની ફાઈલોના બંધ પુંઠામાં?

"કર્ણીકા...."

એક આશા થી ભરપૂર, તૃપ્ત હદયનો ઉદગાર એના હોઠો પર રમી રહ્યો. ઉચ્ચારની સાથે જ જાણે વાતાવરણમાં કામદેવની હાજરી આવી ગઈ. કનકની આજુબાજુ ચમેલીના ફૂલોની ફોરમ પ્રસરી ગઈ. હોઠો ઉપર થોડું પૂર્ણ થોડું અધૂરું સ્મિત ટપકી રહ્યું. આ અહેસાસ હતો કે આનંદ ! સ્પર્સ હતો કે સહવાસ ! સંતોષ હતો કે શાંતવના ! આશા હતી કે આભાસ ! વિચાર હતો કે વર્તન ! મુગ્ધ હતો કે સમાધિ ! લીન હતો કે તલ્લીન ! બસ એક જ શબ્દ જાણે કે ઇષ્ટ હતો. એ અંશ હતો કે આંશિક ! અંત હતો કે આરંભ !

વર્ષો બાદ આજે કનકે જીવનની કિતાબમાં જૂનું ભૂતકાળનું પાનું ખોલ્યું હતું. ચોક્કસ એ દાસ્તાનનું લખાણ ઝાંખું થઈ ગયું હતું પણ સ્પષ્ટ વાંચી શકાય એવું હતું. એ પ્રણય વેદનાં કેન્દ્રમાં તો કર્ણીકા જ ને !! હા એ, જીવ થી પણ વધારે જેની ઝંખના હતી એ! શ્વાસથી પણ વધારે જેની ઉપર વિશ્વાસ હતો એ! આશ થી પણ વધારે જેની પ્યાસ હતી એ ! ખુદ થી પણ વધારે જેની તલાશ હતી એ !જીવ થી પણ વધારે જેની જરૂરિયાત હતી એ ! હા એ.... હા એ..... હા એ.....

મન જાણે કે અતીતની યાદોને વર્તમાનમાં લાવીને જીવી રહ્યું. કનકનાં હોઠો મંદ મંદ હાદયની સરગમ છેડી રહ્યાં. ભાલ પર આડા આવી રહેલા માથાનાં વાળને કનકે વ્યવસ્થિત કર્યા. આજુ બાજુ નજર કરીને કોઈ છે કે નહીં એની ખાત્રી કરી. આંખોનાં ભીંજાય ગયેલાં ખૂણાને ફરી પાછા ભીંજાવા માટે સજ કર્યા. આંબાનાં થડ થી માથાને હટાવીને કમરને ન્યાય આપ્યો. અકલ્પનિય રીતે એની આંગળીઓ જમીન પર રમી રહી. પરંતુ જેની શિરાઓમાં જ કર્ણીકા રક્ત બનીને વહી રહી હોય ત્યાં બીજુ નામ કોઈ લખાય ખરા !

ફરી કર્ણીકા એના માનસ પર અસવાર થઈ ગઈ. વાસ્તવિક પલોનો મિલાપ કનક માટે સાધ્ય ન હતો. કર્ણીકાની યાદો કનક ને પલ વાર માટે પણ વર્તમાનની ઝાંખી થવા દેવાના મૂડ માં ન હતી.

૧૧ વર્ષ પહેલાં જેવી હતી એવી જ આજ કનક નિહાળી રહ્યોં. એ દિવસોને એના માનસ પટ પર પ્રત્યક્ષ જોઈ રહ્યો. ડાયરીના પેલા પાનાં થી લઈને છેલ્લા પાનાં સુધી એક પણ પાનું એવું ન હોય કે જેમાં કર્ણીકા જીવંત ન હોય. એક દિવસ પણ એવો ન હોય કે હથેળીમાં કર્ણીકા અંકાયેલી ન હોય. મુસાફરી દરમિયાન કોઈ બસની સીટ બાકી નહિ હોય જ્યા કર્ણીકાનું નામ અંકાયેલું ન હોય. બસની કોઈ ટીકીટ નહિ હોય એવી જેમાં એક ટિકિટમાં દસ વખત 'આઈ લવ યુ કર્ણીકા' નું લેબલ ના હોય. અહીં તહીં બધે જ કર્ણીકા !

એ અવસ્થા પ્રણયની એટલી આહલાદક હતી કે કનકે ખુદ એનું અસ્તિત્વ જ કર્ણીકામાં ઓગળી દીધું હતું. પ્રેમ માં ભીંજાયેલ કનક કર્ણીકાનું પ્રતિબિંબ બની ને રહી ગયો હતો. દેહની હાજરી તો અહીં જ રહેતી પરંતુ એનો આત્મા કર્ણીકા ને સમર્પણ કરી ચુક્યો હતો. પ્રણયની અંતિમ અવસ્થા હતી. એમ કહો કે શ્વાસના મોતીને બાંધતો પ્રેમ નામ નો ધાગી હતો...

'કર્ણીકા તું પણ ક્યાં ઓછી હતી. જાન ન્યોછાવર કરતી કે... પગલી પાગલની જેમ દોડી આવતી મને મળવા. મને જોવા. મને માણવા... હેતની લાલીથી ભીંજવી દેતી. મનને ઉમંગ થી ભરી દેતી. આંખોને સ્નેહથી રંગી દેતી. નજરથી જ મને તો ખુદનું ભાન ભુલાવી દેતી...

ચંચળ, ગભરુ તો યે કોમળ. કર્ણીકા ક્યાં એટલી દેખાવળી હતી. પણ હદય એનું એટલું જ નિર્મળ હતું. કનકને તો કર્ણીકા જોડે આત્માનો સંબંધ હતો. કર્ણીકા જીવન ન હતી. જીવન જીવવાની રીત હતી. એને પામવાની તલપ ન હતી પણ માલ્યાની તૃપ્તિ હતી. જીવન બની ને નહોતી આવી એક આધાર બની ને આવી હતી.. પ્રેમ સમજાવી ગઈ.. જીવન સજાવી ગઈ...પ્રેમ... પહેલી વાર નો પ્રેમ...

" કનક અંધારું થઈ ગયું છે મારા ખ્યાલ થી આપડે જવું જોઈએ"

અને જીવનની સફરમાં જેમ કર્ણીકા નો સાથ અધુરો રહ્યો એમ જ આજ એની યાદોના રંગો પણ અધૂરા રહ્યાં. કનક ફરીથી ખંડેર હદયના દ્વાર બંધ કરવા મજબૂર બન્યો. મનને એણે જોહુકમીથી વર્તમાનની પ્રતીતિ કરવી. સમીર ના ખભે હાથ મૂકીને આજ ના વાતવરણ ની રંગત માણતો કનક ઘર તરફ ચાલતો થયો.

પાછળ એ આંબા નીચે એક શબ્દ મૂકી ને ગયો હતો:

"મારી પહેલી વાર નો પ્રેમ !"