Baani-Ek Shooter - 43 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 43

Featured Books
Categories
Share

“બાની”- એક શૂટર - 43

બાની- એક શૂટર

ભાગ : ૪૩



"એહ ડોહા શંભુ...!! તને યાદ તો છે ને કંઈ જગ્યા પર પિસ્તોલ સંતાડી હતી??" બાનીએ ધીમેથી ખીજથી શંભુકાકાને પૂછ્યું.

બાની કેદાર અને શંભુકાકા ત્રણેય ખંડરની પાછળ નીચે આવેલી એક વિરાન ભોંયતળિયે આવી પહોંચ્યા. ત્રણેયે પોતાનો ચહેરો આવ્યા ત્યારે કામળાથી ઢાંકયો હતો. તેમ જ ત્રણેયે પોતાની વેશભૂષા પણ બદલી કરી હતી. બાનીએ પુરૂષનો વેશધારણ કર્યો હતો.

અવાવરું જગ્યા પર પહોંચતા જ અંધારામાં એ પણ રાતના બે વાગ્યે નીરવ શાંતિમાં જીવજંતુઓનો ઝીણો પણ ડરાવનો અવાજ આવી રહ્યો હતો. બંજર જમીન તેમ જ વરસાદી મૌસમને કારણે સાપનો ખતરો અહીં બની જ રહેતો. શંભુકાકાની નજર આમમતેમ ફરી રહી હતી, એ પિસ્તોલ છુપાવેલી જગ્યાને શોધી રહી હતી.

"છોટી મેડમ...!! એક તો તું ડોહો પણ મને કહે અને યાદ પણ છે કે નહીં એ પણ પૂછે...!!"શંભુકાકા દાઢમાં હસ્યાં.

"એહ ડોહા...!! મજાક કરવાનો સમય લાગે તને..?? કામે લાગ.!!" બાની ફરી ખીજવાઈ.

કેદાર બંનેનો વાર્તાલાપ સાંભળતો જતો હતો અને ચારેતરફ નજર ફેરવતો જતો હતો એ શંકાથી કે કોઈની નજર કે પછી કોઈ પીછો કરતું એમના પાછળ તો આવ્યું ના હોય..!!

કેદાર થોડી થોડી વારે મોબાઈલની ટોર્ચ ઓન કરતો. બહુ જ કમી એ ટોર્ચનો ઉપયોગ કરતો. કારણ એટલું જ કે એમની ઉપસ્થિતીની જાણ થવા ન જોઈએ.

"છોટી મેડમ...!! તને જરા પણ નથી યાદ?" શંભુકાકાએ ગંભીર થઈને પૂછ્યું.

"ઓહ કેદાર...!! આપણી શું વાત થયેલી?? શંભુકાકાને એક રાઉન્ડ આ સ્થળેનું દિવસે લેવા કીધેલું ને..!! એટલે એમને યાદ તો આવતે. હવે આ અંધારામાં...!!"કહીને બાની અટકી.

"દીદી...!! તમે જે કામ સોંપ્યું અને એ ન થાય એવું બને જ કેવી રીતે...!!" કેદારે ધીમેથી કહ્યું.

"એટલે....!! તો પછી રાહ શેની જોવાય છે. કેમ શોધવામાં સમય વેડફો છો.. !!" બાનીએ આતુરતાપૂર્વક પણ ધીમે સ્વરે કહ્યું.

તે સાથે જ શંભુકાકો જમીનને ડાબા પગથી ખોદતો હોય તેમ ત્રણ ચાર વાર જમીનમાં પગ માર્યો. પછી ઝટથી તે જ જગ્યા પર બેસી ગયો, " છોટી મેડમ...!! તને ઉતાવળ જ કેટલી છે. હજુ અત્યારે જ તો આવ્યા." શંભુકાકાએ જમીનની માટી ખૂંદવાનું કામ ચાલુ કરતાં કહ્યું.

બાની પણ તે સાથે જ ઝટથી બેસી ગઈ.

"શંભુ....!! તું સ્યોર છે?? આ...આ એ જ જગ્યા છે?? આપણે બંને આ જ જગ્યા પર પિસ્તોલ છુપાવી છે!??" બાની મિશ્ર ભાવોથી પૂછવા લાગી. બાનીના આ મિશ્ર ભાવમાં બાળકીની જેમ નિર્દોષતા સાથે આશ્વર્યનો ભાવ સાફ દેખાતો હતો.

"હા... બાપાએ આ જગ્યાની આપણા પ્લાન બાદ ત્રણ વાર મુલાકાત લીધી છે. પછી વિશ્વાસ બેસતાં જ હવે એ જ જગ્યાએ ખૂંદવા બેસ્યા છે." કેદારે ધીમે સ્વરે કહ્યું.

બાનીએ સાંભળ્યું. એ પણ શંભુકાકા સાથે મદદમાં લાગી ગઈ. ખોદવાના ઓજારથી બાની કામ કરવા મંડી પડી હતી.

ત્યાં જ કોઈકનો શંકા આપનાર અવાજ આવવા લાગ્યો. ખંડરના ઉપલા ભાગથી કોઈ સરકતું નીચે આવી રહ્યું હોય તેવું જાણ થવા લાગી.

"કેદાર કોણ છે??" બાનીએ ધીમેથી પૂછ્યું. શંભુકાકા કામ કરતો બંધ થઈ ગયો. તે સાથે જ પોટલાની જેમ સરકતું નીચે કેદારના થોડે નજદીક કોઈ આવીને પડ્યું. કેદારે તરત જ એના પર ટોર્ચ મારી.

"એહહ મોહન.....ભાગ....ભાગ અહીંથી.!!"કેદારે હડતુતું કરતાં અનાયસે જ મોઢામાંથી મોહનનું નામ કાઢી નાખ્યું.

બાનીએ અંધારામાં પણ કેદાર સામે પ્રશ્નાર્થ નજરે જોયો. કેદારે બાની તરફ જોવા વગર જ કહ્યું, " એ મોહન ભાગ...!! દારૂ પીયને અહીંયા મરવા આવ્યો...!!" કહીને કેદારે મોહનને એક લાત મારી. એ થોડો આઘો ખસ્યો. પણ મોહન અડચણ ઉભી કરી રહ્યો હતો.

મોહનને પૂરી તાકાતથી ખસેડતાં કેદારના હાથમાંથી ટોર્ચવાળો મોબાઈલ છૂટો જમીન પર પડ્યો. મોબાઈલ ઊલટો પડતા જ મોબાઈલની ટોર્ચનો પ્રકાશ આવતા બંધ થઈ ગયો. બાનીએ પોતાના મોબાઈલની ટોર્ચ ઓન કરી. પ્રકાશ સીધો મોહનનાં ચહેરા પર ફેંકાયો. બાનીએ ઝીણી આંખ કરીને જોયું. બાનીએ બરાબર રીતે મોહનના ચહેરાને જોયો. મોહનના ચહેરા પરથી બાનીને જરા પણ લાગ્યું નહીં કે એ પીધેલી અવસ્થામાં હોય...!!

બાનીએ વિચાર્યું, "આ માણસ પીધેલો છે એનો ઢોંગ તો નથી કરી રહ્યો ને...!!"

બાનીએ ટોર્ચ ઓન જ કરી રાખી. કેદારે પૂરી તાકાતથી એને હસડેલી દીધો. શંભુકાકા કામ બંધ કરી હાથમાં હાથ ધરીને નવરો જ બેઠો હોય તેમ શાંતિથી બધું નિહાળી રહ્યો હતો.

"એ મોહન...!! તું જા અહીંથી...!!" કેદારે એને અંધારામાં ત્યાંથી ખસેડવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. પણ એ ત્યાંથી જવા માંગતો ન હોય તેમ ત્યાં જ અટકી રહ્યો.

કેદારે પૂરી તાકતથી ઊંચકીને એને પોતાના ખબા પર નાંખ્યો. એ ઢળાનવાળા તળિયા પર જવા માટે કેદાર એક સેંકેન્ડ માટે પણ થોબ્યો નહીં. એ પૂરી તાકતથી મોહનને પોતાના ખબા પર નાંખીને ખંડરની અંદર પહોંચવા ઉપરની તરફ ભાગ્યો. બાનીએ ટોર્ચનો પ્રકાશ એ બંને દેખાતા બંધ ના થયા ત્યાં સુધી રાખ્યો. શંભુકાકા ફરી કામે લાગ્યા. એ જમીનમાંની માટી ખૂંદવા લાગ્યો, " છોટી મેડમ..!! કેદાર આપમેળે આવશે. ટોર્ચ બંધ કરી દે." શંભુકાકાએ માટી કાઢતા ધીમેથી કહ્યું.

બાનીને ભાન થયું હોય તેમ પોતે પણ અંધારામાં માટી કાઢવા લાગી તો ગઈ. પણ એને એ વિચાર ખાઈ રહ્યો હતો કે આટલા અંધારામાં રાતના બે વાગ્યે ખંડરની વેરાન જગ્યે કોઈ આવવાનું તો દૂર આસપાસ ભટકવાનું પણ વિચારી ના શકે ત્યાં આ મોહન નામનો આદમી એમ આમ અચાનક જ આભમાંથી ટપકી પડ્યો હોય તેમ કેવી રીતે અહીં પહોંચી શકે..!!

"છોટી મેડમ...!! ઓજાર..!!" શંભુકાકાએ ધીમેથી કહ્યું.

"હં..."શંભુકાકાએ બાનીના વિચારમાં ભગ્ન કર્યો હોય તેમ બાનીએ કહ્યું.

શંભુકાકા અને બાની બંને જીવ લગાવીને ખોદી રહ્યાં હતાં. બાની ક્યારેક ટોર્ચનો પ્રકાશ ધીમો કરતી. ક્યારેક બંધ કરી લેતી.

"શંભુકાકા...!! કેદાર હજુ આવ્યો નહીં??" બાનીએ ચિંતીત સ્વરે પૂછ્યું.

"એ આવે કે નહીં આવે. આ અંધારી રાતમાં જ આ કામ પૂરું થવા જોઈએ." શંભુકાકાએ કામ કરતાં ધીમે સ્વરે કહ્યું.

વર્ષો વીતી ગયા હતા પિસ્તોલને આ અવાવરું જગ્યે છુપાવીને. શંભુકાકાએ એવી જગ્યાએ છુપાવી હતી પિસ્તોલ જયાં ના તો કોઈ ઊભા રહે ના આ બંજર જમીનનો ઉપયોગ થાય.

વરસાદી મૌસમના કારણે ચીકણી થયેલી માટીમાં ઘણી મહેનત બાદ શંભુકાકા અંતે સફળ થયા.

"શું...!!" બાનીએ મોટી આંખ કરીને પૂછ્યું.

શંભુકાકા તરફથી કશો જવાબ નહીં મળ્યો.

"શું....શંભુ.....!!કાકા........!!"બાનીના સ્વરમાં આશ્વર્ય સાથે ઉતાવળ હતી. બાનીએ ટોર્ચનો પ્રકાશ થોડો વધાર્યો.

શંભુકાકાએ ઊંડો કરેલા ખાડામાંથી ખૂબ જ સાવચેતીથી એક નાનકડી લોખંડની પેટી કાઢી જે બીલકુલ પણ સારી સ્થિતિમાં હતી નહીં. ખૂબ જ શ્રમ બાદ એ પેટીની કડીને ઓજારથી જ ખોલવામાં આવી. એના અંદર પણ એક બીજું કવર સ્વરૂપે લોખંડની જ નાનકડી પેટી હતી. એ પણ જર્જરિત અવસ્થામાં હતી. પરંતુ જે ચામડાના કવરમાં રાખેલી પિસ્તોલ આટલા વર્ષો બાદ પણ કેવી હશે એ જોવા માટે શંભુકાકા બાની કરતા પણ વધુ ઘેલા થયા. એને ઉતાવળે જ જર્જરિત નાનકડી પેટીને પણ ઓજારથી ખોલી દીધી. પિસ્તોલ ચામડાના કવરમાં રાખેલી હતી. ચામડાનું કવર પ્રમાણમાં સારી સ્થિતિમાં દેખાઈ રહ્યું હતું.

શંભુકાકાએ પિસ્તોલનું મેઈન કવર ખોલવા પહેલા બાની તરફ જોયું. બાનીએ 'હા' માં ડોકું ધુણાવ્યું કે શંભુકાકા તમે જ ખોલો.

એ કવર ખોલવા પહેલા બાની સાથે શંભુકાકાની ધડકન પણ તેજ ચાલી રહી હતી.

શંભુકાકાએ ધીમેથી ચામડાના કવરમાંથી પિસ્તોલ કાઢી. પિસ્તોલ થોડીક સારી અવસ્થામાં દેખાઈ રહી હતી. શંભુકાકાના મોઢા પર નાની અમસ્તી ચમક આવી. બાનીની આંખ તેમ જ મોઢું પિસ્તોલને જોતાં જ પહોળું થઈ ગયું.

"લે....!!" શંભુકાકાએ કહ્યું.

શંભુકાકા થતા બાની બધું જ ભૂલીને સમગ્ર ધ્યાન એ પિસ્તોલને નિહાળવામાં જ લગાવી દીધું હતું. તેઓ ભૂલી ગયા હતા કે તેઓ શંકાસ્પદ કામ કરી રહ્યાં હતાં. એમને પકડાઈ જવાનો ડર પણ ઉડી ગયો હતો એટલા બધા ધ્યાનમગ્ન એ પિસ્તોલ જોવામાં થઈ ગયા હતા.

"લે...બાની.....!!" શંભુકાકાએ બાનીના હાથમાં પિસ્તોલ થમાવી.

બાનીએ એ પિસ્તોલને હાથમાં લીધી. અસંખ્ય વિચારો સાથે બાની એ પિસ્તોલને શૂન્યમસ્ક નજરે નિહાળવા લાગી. અચાનક એ પિસ્તોલવાળો હાથ ધ્રુજવા લાગ્યો. બાનીને ઉબકા આવવા લાગ્યાં. બાનીએ એ પિસ્તોલને ફેંકી. પિસ્તોલ ખાડામાં જઈને જ પડી.

બાની ત્યાંથી ઉઠીને ભાગી એને ઉપરાઉપરી પેટ પર હાથ મૂકી થોડી નીચી વળીને ત્રણ ચાર ઊલટી કરી.

બાનીનું આ વર્તન જોઈને શંભુકાકાને આશ્ચર્ય તેમ જ અવિશ્વાસ પેદા થયો. એને ફાળ પડી. એ ઉઠ્યા. બાનીની નદજીક જતાં પૂછ્યું, " શું થયું??"

બાની પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. એને જેમ તેમ પોતાને સંભાળી, "એ...એ...બચપણની ઘટના....!!"


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)