સપનાનું સ્વપ્ન*મઢુલી*
વિરાજ આજે ખુશ હતો ,તે બસસ્ટેન્ડ પર જવા નીકળી ગયો.તે પાલઘર પાસેના નાના ગામડામાં રહેતો હતો.જયારે મા-બાપેએને ભણાવ્યો ગણાવ્યો
સંસ્કાર આપ્યા ,સારા ટકા આવ્યાને તે મેડિકલમાં ગયો
ત્યારે પિતાજીએ ખેતીનો એક એક ટૂકડો વેચી વેચી તેને
ડોક્ટર બનાવા પાછળ પોતાની કુરબાની આપી દીધી હતી. આજે તે એ માતાને જેણે રુખું સૂકું ખાય ને એને ક્યારેય ઉણપ નહોતી આવવાદીધી તેને તે લેવા જઈ રહ્યો હતો.
પિતાજી ચાર વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા.મા
તો આજે પણ આવવા આનાકાની જ કરી રહી હતી.તેની
સાથે આવી રહેલી સપના મોટી થઈ ગઈ હશે..પોતે કામને લીધે જરા પણ ગામ તરફ જઈ જ શક્યો નહોતો.
ઓહ !વિચારોમાં બસ સ્ટેન્ડ પણ આવી ગયું.બાને સપના સાથે નાનપણથી જ સારું ફાવે..બન્ને જણાં કંઈકને
કંઈક ગડમથલ કર્યા કરે.સપના પણ નાનપણમાં અનાથ થઈ ગયેલી.જ્યારે એણે જોઈ ત્યારે તેર ચૌદ વરસની હશે.
જેવી તેની નજર બસ પર પડી તો તેણે ગાડી બાજુ પર કરી ,લોક કરી તે બસ તરફ વળ્યો.બસનો દરવાજો
ખૂલ્યોને તેણે મા અને સાથે પાછળ બે ચોટલા વાળેલી
તેજસ્વી આંખો વાળી એક સીધી સાદી પંજાબી પહેરેલી
ગુલાબી ચુંદડી ઓઢેલી એ જ રંગની ગુલાબ જેવી સુંદર
યુવતી ઉતરતી જોઈ.બે ક્ષણ તે વિચારમાં પડ્યો પછી
આજુબાજુ જોવા લાગ્યો ને માને પગે લાગી પૂછી બેઠો,
“ મા ,ક્યાં છે સપના ? આવી નહિ..?
માએ પાછળ સામાન ઉતારી રહેલી યુવતી બતાવી
કહ્યું,” વિરાજ ! તને થયું છે શું? આ સપના છે,ઓળખતો
નથી ?”
વિરાજની સપના માટે વિચારેલી કલ્પના કરતા આ અલગ જ યુવતી હતી.સ્વચ્છ સુઘડ ને આકર્ષક..તેણે
નમસ્તે કર્યા ને સામાન લઈ તેણે ગાડીમાં મૂક્યો.બન્ને જણાં ગાડીમાં બેઠા ને ગાડી ઉપડી.રસ્તામાં મા બોલતી
રહી તે સાંભળતો રહ્યો.સપના બહારનાં સુંદર દ્રશ્યો સરસ પર્વતમાળાઓ ને નાના નાના લીલાછમ ખેતરો નિહાળી રહી હતી..ઘર આગળગાડી ઉભી રહી તો
ઘર જોઈ માની આંખો પહોળી થઈ ગઈ..સુંદર પહાડની
તળેટીમાં બગીચા વચ્ચે બેઠા ઘાટની એક મઢુલી હતી.
વિરાજ પૂછી ઉઠ્યો,” કેમ મા કંઈ બોલ્યા નહિ?
ન ગમ્યું ઘર..?
મા એ એક નજર સપના પર નાંખી તો સપના ઈશારાથી ના ના કરી રહી.હસતા હસતા માએ કહ્યું..
“ ન ગમે એવું તો નથી પણ કોઈકના સપનાનું ઘર જરૂર
આવું જ હતું.”
થાક ઉતારીને મા ને સપનાને મૂકી તે દવાખાને ગયો.માના બોલ તેના કાનમાં ગણગણ થતા હતા. કોઈકના સપનાનું ઘર...કોના?
બે ત્રણ દિવસમાં માને સપના બરાબર ગોઠવાય ગયા ત્યારે તેણે માને કહ્યું,” હવે સપના માટે સારો છોકરો શોધી પરણાવી દે,મા.”
માનો જવાબ સાંભળી વિરાજ ને આશ્ચર્ય થયું.
સપનાને તો હજું આગળ ભણતર પૂરું કરવું છે. તેને નવાઈ લાગી સપના શું ભણી છે? ભણી તો ક્યાં ભણી?
માને બદલે સપનાએ જવાબ વાળ્યો ,” બસ તે
હવે બી.એના છેલ્લા વર્ષમાં છે. તેણે મુખ્ય વિષય અંગ્રેજી
અને ગૌણ વિષય સાયકોલોજી લીધા છે. તે યુનિવર્સિટીમાંથી પરીક્ષાઓ ઘરે અભ્યાસ કરી આપી રહી છે.બે દિવસ પછી તે પરીક્ષાઆપવા જશે.”
બે દિવસ વિતી ગયા..સપનાને પાછી બસસ્ટેન્ડ પર છોડવા ગયો ત્યારે એણે માની કાળજી લે જો એ સિવાય બીજું એક પણવાક્ય ન કહ્યું .વિરાજને હતું તે કંઈ બોલે પણ શાંતને મધુર સપના તો વાતાવરણ ગંભીર
કરી ચાલી ગઈ.
ઘરે આવી સૂનમૂન બેસી રહ્યો,બરામદામાં આવી બેઠો.એક કાગળ બગીચામાં ઉડી રહ્યું હતું તેને જોતો રહ્યો.માળી પર ગુસ્સોઆવ્યો ,ઉઠીને પોતે કાગળ ઉપાડ્યું..તો કાગળ પર સુંદર મરોડદાર અક્ષરે કંઈક
લખ્યું હતું...વાંચતાજ તેની આંખો ભરાય આવી..
*મઢુલી,*
*નાની મઢુલી*સપનાનું સ્વપ્ન* હતી,*
*પણ,*
*અનાથને સપના જોવાના અધિકાર નથી હોતા.*
તે વાંચતા વિરાજ મલકી પડ્યો..મા પાસે જઈ નીચે બેસી
માના ખોળામાં માથું મૂકી એટલું જ બોલ્યો ,” મા મને સપના ગમે છે તને ગમે છે..?”
મા ઉભા થયા એક સરસ મઢાવેલી સ્કેચ બુક લઈ
આવ્યા..જેમાં સુંદર આબેહુબ વિરાજની* મઢુલી*નું ચિત્ર
અંકિત હતું.માએ ચોખવટ કરી ,”ચૌદ વરસની હતી ત્યારે તું આવ્યો હતો છેલ્લો ત્યારે દોરી હતી”
વિરાજની નજર નીચેના લખાણ પર ગઈ .
*સપનાનું સ્વપ્ન*
પરીક્ષા પતીને સપના જ્યારે પાછી ફરી બસમાંથી
ઉતરી ત્યારે વિરાજે તેનાં માટે ગાડીનો આગળનો ડોર
ખોલ્યો...એજ મૌન ને બન્ને ઘર આગળ ઉતર્યા ત્યારે અંધારું થવા આવ્યું હતું .ઝાંપાના દરવાજે તક્તી પર ઝીણા પ્રકાશમાં તેણીએ વાંચ્યું*સપનાની મઢુલી*
તેની આંખોમાં એક પ્રકાશની ઝલક ચમકી ગઈ ,આકાશમાંથી ચાંદની બગીચાના લીલા તૃણને સ્પર્શી રહી હતી..વિરાજે ધીરે રહીસપનાના મુલાયમ
હાથને પકડી પોતાના હાથમાં લઈ ચૂમી લીધો..જે માએ જોયું ને અંદરના કાચમાંથી મંજૂરી રૂપે પોતાની આંખો ઢાળી દીધી.એક મૂક પ્રેમનુંસ્વપ્ન પૂર્ણ થતું જોય ચાંદ પણ મલકી ઉઠ્યો.
જયશ્રી પટેલ
૧૦/૮/૨૦૨૦