પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૪
વિદેશી ડેલિગેશન સાથેની મુલાકાત પતાવીને વિરેન ફેકટરી પરથી ઘરે જવા નીકળ્યો ત્યારે રીલોક તો એમ જ સમજતો હતો કે સીધો ઘરે જ જઇને ઊભો રહેશે. હજુ લગ્નના દિવસ આંગળીના વેઢે ગણાય એટલા જ થયા હતા. રેતા એની કાગડોળે રાહ જોતી હશે એની એને ખબર હતી. તે જલદી ઘરે પહોંચવા માગતો હતો. એ સાથે રેતાને સરપ્રાઇઝ આપવા એક સ્થળ જોઇ લેવા માગતો હતો. ફેકટરી પરથી કાર લઇને નીકળેલો વિરેન થોડે દૂર ગયો પછી એક વળાંક આવ્યો ત્યાં બીજા રસ્તે વળી ગયો. તેણે ઘડિયાળમાં જોયું અને એક કલાક મોડું થશે એવી ગણતરી કરી. તે કારને ઝડપથી ચલાવીને ઘર પહોંચતાં સુધીમાં અડધો કલાક બચાવી લેવાનો હતો.
વિરેને તારાગઢ ફેકટરીના એક માણસ પાસેથી જાણ્યું હતું કે નજીકમાં જ એક સનસેટ પોઇન્ટ છે. અને તે જગ્યા બહુ સુંદર છે. રીલોક પાસેથી પણ વાતવાતમાં એ સનસેટ પોઇન્ટના તેને વખાણ સાંભળ્યા હતા. કુદરતી સ્થળોનો એ ચાહક હતો. રેતાને આ સ્થળ ગમશે એવા આશયથી આજે એ એકલો સાંજે નીકળ્યો છે ત્યારે સનસેટ પોઇન્ટનું અવલોકન કરી લેવા માગતો હતો. તેણે અત્યાર સુધીમાં અનેક સનસેટ પોઇન્ટ જોયા હતા. તે ફરવા જતો ત્યારે તેના માટે ઘણી જગ્યાનું આકર્ષણ સનસેટ પોઇન્ટ રહેતું હતું. તારાગઢ નજીક ઘાટી પછી એક નાનકડા ડુંગર જેવા સ્થળ પરથી દેખાતા સનસેટ પોઇન્ટનો અદભૂત નઝારો જોવા તે તલપાપડ થઇ ગયો હતો. તેને આ માર્ગની પૂરી જાણકારી ન હતી. વળાંક પછી કારને આગળ દોડાવી. રસ્તા જોખમી હતા. રસ્તા પર સતત ઢાળ-ચઢાવ આવતા હતા. એ ચાહતો હોવા છતાં સર્પાકાર રસ્તાઓ પર કારને ઝડપથી ચલાવી શકતો ન હતો. સામેથી આવતા ભારે વાહનોથી સંભાળીને કાર ચલાવવી પડતી હતી.
થોડે દૂર ગયા પછી બે રસ્તા આવ્યા. ત્યાં કોઇ નિશાનીનું પાટિયું માર્યું ન હતું. એણે નજીકમાં એક નાનકડી હોટલના ઝૂંપડા પાસે કારને અટકાવી અને કાચ ઉતારી ત્યાં ઊભેલા એક ભાઇને સનસેટ પોઇન્ટ વિશે પૂછ્યું. એ આદિવાસી જેવા ભાઇને જલદી ખ્યાલ ના આવ્યો. વિરેને આથમતા સૂરજને જોવાનું સ્થળ એમ ગુજરાતીમાં સ્પષ્ટ પૂછ્યું. એને થોડો ઘણો ખ્યાલ આવ્યો. અને જમણી તરફનો રસ્તો ચીંધી દીધો. વિરેને એ માર્ગ પર કારને મારી મૂકી. થોડે દૂર ગયા પછી વિરેનને લાગ્યું કે એક પક્ષી તેની કારની સાથે ઊડી રહ્યું છે. વૃક્ષોના પડછાયાને લીધે એવો વહેમ થતો હોવાનું માની તેણે રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આકાશમાં સૂરજના છેલ્લા કિરણોનું અજવાળું દેખાતું હતું. આસપાસમાં ઘાટી અને વૃક્ષો હતા એટલે ગોળ ગોળ જતા રસ્તા પર સનસેટ પોઇન્ટ ક્યાં આવશે તે કળી શકાતું ન હતું. સૂરજ સંપૂર્ણ ડૂબી ગયા પછી તે સનસેટ પોઇન્ટ શોધી શકે એમ ન હતો. પોતે સાચા રસ્તે જઇ રહ્યો છે કે નહીં એનો પણ ખ્યાલ આવતો ન હતો. અચાનક જે પક્ષી હોવાનો ભ્રમ હતો એ ખરેખર તેની કારની આગળ ઉડવા લાગ્યું હતું. આ પક્ષી કોઇ રસ્તો બતાવી રહ્યું છે કે તેની કારનો પીછો કરી રહ્યું છે એવી ગડમથલ સાથે તે સાચવીને કાર હાંકી રહ્યો હતો.
તારાગઢ વિસ્તારનો આ જાણીતો સનસેટ પોઇન્ટ હતો. પણ અત્યારે ચોમાસુ ચાલતું હોવાથી પ્રવાસીઓ દેખાતા ન હતા. પેસેન્જર વાહનોની અવરજવર દેખાતી ન હતી. ગુડસ વાહનો વધારે દોડી રહ્યા હતા. વિરેન અંદાજ બાંધીને આગળ જઇ રહ્યો હતો. મેના જેવું એ પક્ષી હવે કારના બોનેટની ઉપર આગળના કાચની સામે જ ઉડી રહ્યું હતું. એ શા માટે પોતાની કાર સાથે હજુ આવી રહ્યું છે એવા વિચાર શરૂ થઇ ગયા. વિરેનને ડર લાગ્યો. એક વખત તો એ કાચ સાથે અથડાયું. પક્ષીની પાંખોનો ફફડાટ એને સંભળાતો ન હતો. એના દિલમાં ફફડાટ વધી ગયો હતો. થોડે દૂર ગયા પછી એણે કારની લાઇટ ચાલુ કરવી પડી. તેને ખ્યાલ આવી ગયો કે સૂરજ ડૂબી ગયો છે. હવે ચારેકોર અંધારું ફેલાઇ જશે. પેલું મેના પક્ષી વારંવાર કાચ પર અથડાવા લાગ્યું. વિરેનને થયું કે એ કાચ તો તોડવા માગતું નથી ને? વિરેન સમજી ગયો હતો કે હવે પોતે કોઇપણ સંજોગોમાં સનસેટ પોઇન્ટ શોધી શકવાનો નથી. પાછા ફરવા સિવાય કોઇ રસ્તો ન હતો. અહીંથી જ પાછા ફરવાનું શક્ય ન હતું. કારને રીવર્સમાં લઇ શકાય એટલી જગ્યા એ ઢોળાવ પર ન હતી. તેણે કારની ઝડપ ઘટાડી દીધી હતી. એક ટેકરો ચઢતી વખતે પાછળથી આવતી ટ્રકના ડ્રાઇવરે સતત હોર્ન વગાડવાનું ચાલુ રાખ્યું હતું. વિરેનની કાર ધીમી ગતિએ ચાલતી હતી. તે કારની ઝડપ વધારીને કારને જલદી ઉપર ચઢાવવામાં સફળ રહ્યો પણ ત્યાં અચાનક આવેલા એક વળાંક પર પક્ષીએ કારના દરવાજાના કાચ પર જોરથી ચાંચ મારી અને તેનું ધ્યાન ફંટાયું. પછી સામેથી આવતા એક ટેમ્પોની હેડલાઇટથી આંખો એવી અંજાઇ ગઇ કે તેને કંઇ દેખાયું જ નહીં. એક જોરદાર ધડાકો થયો.
ટેમ્પો સાથે તેની કાર અથડાઇ અને થોડી જ મિનિટોમાં કાર રસ્તા ઉપરથી ઘાટીમાં ગબડી. ગબડતી ગબડતી કાર ઘાટીમાં વૃક્ષોને અથડાતી અડધે પહોંચી હશે અને એક જોરદાર વિસ્ફોટ થયો. વિરેનની કારમાં આગ લાગી ગઇ. સળગતી કાર એટલી ઊંડી ખાઇમાં જઇને પડી કે દિવસે ઉપરથી જોનારને તો નીચે કંઇ પડયું છે એ દેખાય પણ નહીં.
*
નણંદ ગિનીતાએ કપાળ કોરું હોવાનું કહ્યું એટલે રેતા કબાટમાં ચાંદલાનું પેકેટ શોધી રહી હતી. કબાટમાં એકપણ પેકેટ ના દેખાયું એટલે તેણે ચોંકીને ગિનિતાને ચાંદલા માટે પૂછ્યું.
ગિનીતાએ નવાઇ પામીને કહ્યું:"ભાભી, મેં તો તમારા કબાટમાં હાથ નાખ્યો નથી..."
"તો પછી બધા ચાંદલા કયાં ગાયબ થઇ ગયા?" કોરા કપાળ પર હાથ ફેરવીને કોઇ અશુભ ના બને એવી પ્રાર્થના સાથે રેતા બોલી.
"ભાભી, બરાબર જુઓ, ત્યાં જ હશે. નીચે ક્યાંક પડી ગયું હશે..."
"મને ખબર છે કે સવારે મેં ચાંદલાના ડબ્બામાંથી નવું પેકેટ કાઢીને ચાંદલો કર્યો હતો અને એ ખોલેલું પત્તુ પ્લાસ્ટિકના ડબ્બાની બાજુમાં જ મૂક્યું હતું. નીચે પણ કશું દેખાતું નથી. આખો ડબ્બો તો ગાયબ ના થઇ જાય ને? ચાંદલા ખોવાય તો એ સારું ના કહેવાય..."
ગિનીતાએ કબાટમાં નજર નાખી જોઇ. એને ચાંદલાનું ખુલ્લું પેકેટ કે ડબ્બો દેખાયા નહીં. તે બોલી:"ડબ્બો ક્યાંક આમતેમ મુકાઇ ગયો હશે. એ તો મળી જશે. હું હમણાં મારા રૂમમાંથી ચાંદલો લઇ આવું છું...."
ગિનીતા એના રૂમમાં ગઇ. રેતા કોઇ અજાણ્યા ભયથી ધ્રૂજવા લાગી. તેના કપાળ પર પરસેવો વળી ગયો. તેને વિરેનની ચિંતા થવા લાગી હતી. તેણે ઝડપથી ફોન હાથમાં લીધો અને વિરેનનો નંબર ડાયલ કર્યો. થોડી જ ક્ષણોમાં ટેલિફોન કંપનીનો 'આ નંબર અસ્તિત્વમાં નથી' એવો રેકોર્ડેડ મેસેજ સાંભળીને તેનું હૈયું જોરથી ધડકવા લાગ્યું. અત્યાર સુધી તો નેટવર્ક ન હોવાનો સંદેશ આવતો હતો. અચાનક ફોનમાં આવો મેસેજ આવવાનું શું કારણ હશે?
ગિનીતા આવે એ પહેલાં જ વિરેનના મમ્મી દક્ષાબેન આવી ગયા. અને એનું કપાળ કોરું જોઇ બોલ્યા:"બેટા, કપાળ પરનો ચાંદલો ક્યાં ગયો?"
હાથમાં રહેલા મોબાઇલમાં વિરેનનો નંબર લગાવતી અસ્વસ્થ રેતાને સમજાયું નહીં કે શું જવાબ આપવો. તે કપાળ પરથી રેલાવા લાગેલા પરસેવાના ટીપાંને લૂછવા જતી હતી ત્યાં ગિનીતા ચાંદલો લઇને આવી અને બોલી:"મા, ભાભીના ચાંદલાનું પેકેટ ખોવાયું છે." પછી રેતાને ચાંદલો આપતાં બોલી:"લો ભાભી, હમણાં આ લગાવી લો..."
રેતાએ તરત જ કપાળ પર ચાંદલો લગાવી દીધો. તેને જાણે દિલમાં રાહત થઇ. તે દોડીને વિરેનના ફોટા પાસે ગઇ અને એને બાથમાં લેતાં બોલી:"મા, જુઓને...એમનો નંબર જ લાગતો નથી.."
"બેટા, તું ચિંતા ના કરીશ. એ આવતો જ હશે...પણ બેટા હવે ધ્યાન રાખજે ચાંદલો નીકળી ના જાય. પરિણીત સ્ત્રીના કપાળ પર ચાંદલો રહેવો જ જોઇએ. કોરું કપાળ અશુભ મનાય છે." દક્ષાબેન તેના માથે હાથ ફેરવતાં બોલ્યા.
"મા, તું આવું બધું શું બધું માને છે. આજના જમાનામાં ચાંદલાનું શુભ-અશુભ એવું કંઇ માનવાનું નહીં..." ગિનીતા બોલી.
"ગિની, તારે પણ આ બધી વાત સમજવી જોઇએ. હવે તારા લગ્ન થવાના છે..." દક્ષાબેન એને સમજાવતા બોલ્યા.
ચિંતાગ્રસ્ત રેતા એમની વાતચીત સાંભળવાને બદલે વિરેનને સતત ફોન લગાવી રહી હતી. અચાનક ગિનીતા બોલી:"ભાભી, આ શું? ફરી ચાંદલો પાડી નાખ્યો? આ ચાંદલામાં ગુંદર ઓછો વાપરવામાં આવે છે કે શું? ઘડીઘડી નીકળી જાય છે?"
ગિનીતાની વાત સાંભળી રેતા અને દક્ષાબેનના દિલમાં ફાળ પડી.
વધુ પાંચમા પ્રકરણમાં...
***
ઓકટોબર -૨૦૨૦ સુધીમાં ૫.૩૮ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' વાંચવાનું ચૂકશો નહીં. હોરરના ચાહકો માટે રહસ્ય- રોમાંચ અને સસ્પેન્સ સાથેની 'આત્માની અંતિમ ઇચ્છા' પણ છે. સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને કોઇ સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે. જે ૧ વર્ષમાં ૧ લાખથી વધુ ડાઉનલોડ થઇ ચૂકી છે.