કાલે પાર્ટીમાં બહુ મોડું થઈ ગયેલું એટલે આજે ઉઠવામાં મોડું થઈ ગયું. સવારમાં જલ્દી જલ્દી દર્શનને જગાડીને મેં મોઢું ધોયા વગર જ ચા મૂકી. બીજી બાજી નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. હજુ એમના ટિફિનની પણ તૈયારી કરવાની હતી. જો કે આ બધું મારા માટે નવું ના હતું. છેલ્લા 40 વરસથી આજ તો કરતી આવી છું. પણ અત્યારે જ્યારે આ કામ કરૂં છું ત્યારે અંદરથી એક અજીબ પ્રકારનો ખાલીપો વર્તાય છે. શું કામ આવું થાય છે? એની પાછળ પણ ઘણા કારણો છે. મેં લગભગ 20 વરસ એક પણ પળની નવરાશ વગર કાઢ્યા છે અને હવે એટલી ફ્રી થઈ ગઈ છું કે સમય જ સમય છે.
દર્શનએ જલ્દી જલ્દી નાસ્તો કર્યો ત્યાં સુધીમાં મેં એમનું ટિફિન ભરી દીધું. ખબર નહિ કેમ પણ આ માણસ હજુ થાકતો ના હતો. 50 વર્ષે પણ 30 વર્ષના યુવાનની ઉર્જાથી જ કામ કરતો હતો. જ્યારે બીજી તરફ હું થાકી ગઈ હતી, મારે હવે કાંઈ જ કરવું ના હતું. મારા માટે ભવિષ્ય લગભગ પૂરું થઈ ગયું હતું. હું ભૂતકાળમાં વધુ જીવતી હતી કારણ કે હવે મને ભવિષ્ય પાસેથી કોઈ અપેક્ષા ના હતી.
તે દિવસ પછીથી હું ક્યારેય દીપકને મળી નહિ. મેં બધી વાત રેખા દ્વારા દિપક સુધી પહોંચાડી દીધી હતી. પછી ખબર નહીં દિપક શુ સમજ્યો હશે. પછી દિપકે પણ મને ક્યારેય મળવાનો પ્રયત્ન ક્યારેય ના કર્યો. અરે રેખા દ્વારા એનો મને કોઈ મેસેજ પણ ના મળ્યો. ક્યારેક ગામમાં એમ જ સામે મળી જતા તો પણ એકબીજા સામું જોયા વગર જ ચૂપચાપ એમ જ પસાર થઈ જતા. દિલમાંથી છૂટતી કંપરીઓને ચહેરા સુધી ના પહોંચવા દેવી પણ એક કળા છે. એક સમયે જેના વગર રહી શકતા ના હોય એને ઇગ્નોર કરવું એટલું સહેલું તો નથી જ. દિલ તૂટ્યા પછી આ કળા સ્વંનુભવે જ આવી જતી હોય છે. મારામાં પણ આવી ગઈ હતી.
ધીમે ધીમે સમય વીતતો ગયો. કહેવાય છે કે સમય જ લાગણીના દુઃખોની દવા છે. પીડા ઓછી થતી ગઈ પણ એ લાગણીઓ પણ મારતી ગઈ. હવે કોઈ સાથે આકર્ષણ જ ના થતું. એક સમયે મને દરેક બીજો છોકરો ગમતો અને પાંચ વર્ષના ગાળામાં છોકરા સામી નજર નાખવાનું પણ મન ના થતું. ક્યારેક ડર લાગતો કે મારા લગ્ન થશે તો શું થશે.
પણ આટલા વર્ષોમાં ફરીથી હું મારા પરિવાર અને નાના ભાઈ બહેન સાથે હળીમળી ગઈ હતી. ઘર લગભગ હું જ સાંભળતી. નાના ભાઈને શુ ભાવે, શુ ના ભાવે, એના કપડાં વ્યવસ્થિત કરવા, એના ચોપડા ગોઠવવા, એના બુટને ગાભો મારી આપવો વગેરે કામ એમ જ ઉત્સાહથી હું કરતી. ઘરનું આંગણું લગભગ દિવસમાં ત્રણ વખત સાફ કરતી. બહેનપણીઓ પણ મને મળવા આવતી રહેતી. ક્યારેય હું એકલી જ ના પડતી. કોઈ ના હોઈ તો બા સાથે બેઠા બેઠા મલકભરની વાતો કરતી. આ રીતે હું આજુબાજુવાળાની પ્રિય પણ બની ગઈ હતી. પણ ક્યારેક એકલી પડું તો એક અલગ જ ખાલીપો મહેસુસ થતો જે અનુભવી શકાય, કહી ના શકાય.
કૃતિકાના લગ્નની વાત આવી હતી. મને એ ચાલી જશે તો ઘરે વધુ એકલું લાગશે એ ડર હતો. હા એ કોલેજ પુરી કરીને બાજુના ગામમાં જ સરકારી નોકરી કરતી હતી. એમના માટે મુરાતીયાઓની લાંબી લાઇન લાગી રહેતી. કૃતિકા ભણવા, બોલવામાં તો હોશિયાર હતી જ ઉપરથી સરકારી નોકરી અને દેખાવમાં થોડી કહેવાય એવી જાડી પણ ગમ્યા જ કરે એવો ભરાવદાર ગોરો ચહેરો. આવી છોકરીને કોણ જવા દે? દૂર દૂરના ગામમાંથી માંગા આવતા હતા.
આ સાથે જ ઘરમાં બાએ નવી વાત મૂકી, બેય બહેનોનું સાથે જ કરી નાખીએ તો? ખરચ ય ઓછો થાય અને માથેથી ભાર ઓછો?
મને સમજ ના પડી કે હું કેમ ભાર હતી? લગભગ આખા ઘરના કામ હું જ કરતી હતી. હું જતી રહું તો જાગૃતિ હજુ નાની હતી. બા પર જ બધુ આવી પડે એમ હતું. તો પણ બા ક્યારેક આમ બોલી જતી.
આખો દિવસ તો એમ જ નીકળી ગયો. પણ રાત્રે ખ્યાલ આવ્યો કે મારા પણ લગ્ન થઈ જશે તો? કોઈક અજાણ્યા છોકરાને ગમાડવો પડશે? એની સાથે સૂવું પડશે? એ મારો સ્વીકાર કરશે? આ ઘરનું શું થશે? ભાઈનું કોણ ધ્યાન રાખશે? ભાઈને ગમતું બધું કોણ બનાવી આપશે? એમ જ આંખો છલકાઈ ગઈ, એક આંસુ આંખમાંથી નીકળ્યું, ગાલ પર શેર કરતું કરતું ઓશિકા પર પડ્યું અને હું અર્ધજાગ્રત મને સુઈ ગઈ.
(ક્રમશઃ)
તમને આ ભાગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. તમને આ વાર્તા ગમતી હોય તો ફેસબુક, વોટ્સ અપ, ટ્વીટરમાં શેર કરજો.