બે ત્રણ દિવસ પૂર્વી અને અપૂર્વ વચ્ચે બંને ઘર વચ્ચેની અસમાનતા વિશે ચર્ચા ચાલતી રહી, અને અંતે પ્રેમ આંધળો હોય છે તે સાર્થક કરતાં પૂર્વીએ સંદિપ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી જ દીધી .અને અપૂર્વ ને મમ્મી પપ્પા ની મિલ્કત નો વહીવટ સોંપવા તજવીજ હાથ ધરી, પરંતુ અત્યારે પણ અપૂર્વ એની વાત પર મક્કમ રહ્યો કે મારે કંઈ જ જોઇતું નથી, પરંતુ પૂર્વી રહે છે તે ફ્લેટ માત્ર અપૂર્વ ની સહી વગર વેચી ના શકાય એટલું, અને મમ્મી પપ્પા ની બેંક ની થાપણો પર નુ વ્યાજ પૂર્વી વાપરે પણ મૂડી ઉપાડી ના શકે તેટલી જોગવણ કરવા માંગ કરી અને સાથે સાથે ઉમેર્યુ," કારણ તુ ચોક્કસ સમજી શકે છે પૂર્વી"
અને પૂર્વી પણ ભીની આંખે અપૂર્વ ને વળગી પડી, થોડીક ક્ષણો એમજ પસાર થઇ રહી અને અપૂર્વ બોલી ઉઠ્યો, "ભગવાન કરે અમારો ડર ખોટો સાબિત થાય અને તમારુ લગ્નજીવન ખૂબજ સુંદર રહે અને આપણા મમ્મી પપ્પા જેવીજ સમજણ તમારી બંને વચ્ચે હંમેશા રહે"
પૂર્વી હજી અપૂર્વ ને વળગી નેજ રહી અને તેની આંખો વહેવા લાગી, અપૂર્વે તેને સોફામાં બેસાડી પાણી આપ્યું અને કોફી બનાવવા રસોડામાં બેનને કહ્યુ, કોફી પીતા પીતા પૂર્વી સ્વસ્થ થઈ અને ભાઈબહેન વચ્ચે લગ્ન, તેના આયોજન, પછીની જીંદગી વિશે અને અપૂર્વના પાછા જવા વિશે ચર્ચા ચાલી.
સળંગ ત્રણ ચાર દિવસ ની ચર્ચા ના અંતે લગ્ન 10 દિવસ બાદ ના નક્કી કરવામાં આવ્યા અને લગ્ન પછી પૂર્વી અને સંદિપ પૂર્વી ના ફ્લેટ માજ રહેશે તેમ નક્કી કરવામાં આવ્યું, ગામડેથી માત્ર માબાપુને બોલાવવા લગ્નમાં અને પછીથી ગામડે જમણવાર કરવો, જેથી બન્ને તરફનો સમાજ અલગ અલગ જ સચવાઇ જાય .
બિનજરૂરી ભપકાથી દૂર અને છતાં ભવ્ય એવા લગ્નસમારંભ અને જમણવાર સાથે પૂર્વી અને સંદિપ સપ્તપદીના બંધને બંધાઈ રહ્યાં, અને તેમની અસમાનતા ની ચર્ચા ઓફિસમાં તથા સંદિપ ના ગામમાં જોરશોરથી ચાલી રહી. લગ્ન પછી સંદિપ પૂર્વી ના ફ્લેટ પર આવી ગયો અને તેમનુ લગ્નજીવન ખૂબજ આનંદ અને ઉત્સાહથી શરૂ થઈ ગયું.
પૂર્વી અને સંદિપ આનંદપૂર્વક દિવસો પસાર કરી રહ્યા, સંદિપ પૂર્વી ના ફ્લેટ પર આવી ગયો અને ઘરખર્ચ માટે પૈસા આપવાની શરૂઆત કરી ત્યારે પૂર્વી એ ખૂબ સરળતાથી પૈસા લેવાની ના પાડી અને સંદિપ ને તેની જરૂરિયાત જેટલા રાખી સંદિપનો બાકીનો પગાર ગામ માબાપુને મોકલી બને એટલી જલ્દી દેવુ ચૂકતે કરી દેવા આગ્રહ રાખ્યો. આઠ નવ મહિના એમજ હંસીખુશી થી પસાર થઈ ગયા દરમિયાન પૂર્વી એક બે વાર જ ગામ આવી પરતુ રાત ત્યાં ના રોકાતી, વળી પોતે ગામ રોકાઇ શકે તે માટે અંગત બચત ખર્ચી ચાર રુમ રસોડાનુ મકાન ચણાવવાનુ ચાલુ કર્યું. સંદિપ આ દરમિયાન મૂંઝવણ અનુભવી રહ્યો, જે પૈસા માટે તે પૂર્વીની નજીક આવ્યો હતો તે પૈસા હવે જ્યારે તેના માબાપુ ના મકાન માટે કે સંદિપ પોતાના માટે વપરાતા ત્યારે તેટલી ખુશી નહોતી અનુભવી શકાતી, ક્યાક કશુ ખૂટતું હોય તેમ લાગતું, પરંતુ તે પૂર્વીને રોકી પણ ના શકતો. આ સમગ્ર સમય દરમિયાન સંદિપ લગભગ દર પંદર દિવસમાં એકવાર ગામ જતો અને એક બે દિવસ રોકાતો. પરંતુ દરવખતે પાછો આવે પછી બેત્રણ દિવસ ખોવાયેલો ખોવાયેલો રહેતો એવુ પૂર્વી અનુભવતી અને વિચારતી કે કદાચ માબાપુની તકલીફ જોઇ એવુ અનુભવતો હશે તેમ વિચારી ગામ વધુ પૈસા મોકલતી કે કોઇને કોઇ ઘરવખરી ખરીદી મોકલતી. આ સમગ્ર સમય દરમિયાન પૂર્વી ફૂટપાથ ના બાળકો અને ગરીબો ને મદદ કરવાનું ચૂકતી નહીં. શરૂઆતમાં સંદિપ તેની સાથે રહેતો પરંતુ સમય જતાં સંદિપ ના મનમાં પોતાની અને ફૂટપાથ પર રહેતા ગરીબો ની સરખામણી થઇ જતી, લાગતું જાણે તેના અને આ ગરીબોમા કોઇ ફરક નથી, બંને પૂર્વીની મહેરબાની હેઠળ જીવતા, ધીમે ધીમે આ લાગણી ગુસ્સા મા પરિવર્તિત થઈ ગઈ અને હવે તે પૂર્વી સાથે જવાનુ ટાળવા લાગ્યો, તો પૂર્વી પણ તેનો અણગમો જોઇ તે સાથે હોય ત્યારે ફૂટપાથ તરફ જવાનુ ટાળતી,બસ આમજ સમય પસાર થતો રહ્યો, લગ્ન ને દોઢ વરસ થઈ ગયું, ગામમાં ઘર પણ તૈયાર થઈ ગયું અને બસ આજે.......
સંદિપ પોતાની યાદોમાંથી જાગ્યો અને સવાર પણ થઈ રહી......