ચુમાંલીસ
“સરસ છોકરી છે નહીં?” સુંદરીની કેબ ગયા બાદ ઈશાની જ્યારે ઘરમાં પાછી આવી ત્યારે રાગીણીબેને હર્ષદભાઈને ઉદ્દેશીને કહ્યું.
“હા, એકદમ વિવેકી અને આટલી નાની ઉંમરે પણ કેટલી જવાબદાર છે? વાતચીત પણ વ્યવસ્થિત કરી.” હર્ષદભાઈએ પણ રાગીણીબેનની વાતમાં સહમતી દર્શાવી.
“બહાર જ્યારે એમને હું કેબ સુધી મુકવા ગઈ, ત્યારે એમણે મને કહ્યું યુ આર સો સ્વીટ!” રાગીણીબેન અને હર્ષદભાઈ દ્વારા સુંદરીના થતાં વખાણ સાંભળીને ઈશાની પણ ઉત્સાહમાં આવીને બોલી પડી.
“હવે બહુ હવામાં ન ઉડતી!” વરુણે ઈશાનીના ઉત્સાહમાં પંક્ચર પાડતા કહ્યું, એ આટલી પીડામાં પણ હસી રહ્યો હતો.
“ઉડવામાં તને તકલીફ પડશે, એક પગ તૂટી ગયો છે તારો.” ઈશાનીએ વરુણની મશ્કરીનો જવાબ મશ્કરીથી તો આપ્યો પણ આ વખતે તેણે પોતાના ભાઈના ગાલ પર હેતથી ટપલી મારી કારણકે તેને પણ તેના વરુણભાઈની ખૂબ ચિંતા હતી.
“હવે ભાઈને જરા હાથ પકડીને એના રૂમમાં લઇ જા, એને થોડો આરામ કરી લેવા દે.” રાગીણીબેને ઇશાનીને ઉદ્દેશીને કહ્યું.
“ભાઈને ડોક્ટર પાસે નથી લઇ જવો? મેડમે કહ્યું હતુંને કે સરખું ડ્રેસિંગ કરાવીને ઇન્જેક્શન અપાવવાનું છે ભાઈને? એમને પેઈન કિલર્સ પણ જોઇશે.” ઈશાનીએ યાદ દેવડાવ્યું.
“અરે હા! એ તો હું ભૂલી જ ગયો. હું ગાડી બહાર કાઢું છું તું ભાઈને બહાર લેતી આવ.” હર્ષદભાઈ તરતજ ઉભા થયા.
ઈશાનીએ વરુણ તરફ પોતાનો હાથ લાંબો કર્યો અને વરુણ તેને પકડીને ઉભો થયો. પોતાનું સમગ્ર કુટુંબ પોતાની પસંદ એટલેકે સુંદરીથી અત્યંત પ્રભાવિત થયું છે એ જોઇને તેને ખૂબ આનંદ થયો અને તે ઈશાનીના સહારે ઘરની બહાર નીકળતી વખતે મંદ મંદ સ્મિત વેરી રહ્યો હતો.
==::==
“તું રડવાનું બંધ કર તો હું કાંઈક બોલું.” છેલ્લી ત્રણ-ચાર મિનિટથી સુંદરીની આંખમાંથી ચોધાર આંસુ વહેતા જોઇને શ્યામે કહ્યું.
“અડધી રાત્રે મને છોડીને ગયા ત્યારે તો પારકી કરી જ દીધી હતી, પણ મને મળવા, મારી સાથે વાત કરવા, હું બરોબર છું કે નહીં એ જાણવા તમારે મારો પીછો કરવો પડે? ભાઈ તમે તો મને સાવ અળગી કરી દીધી.” સુંદરી ડૂસકાં ભરતાં ભરતાં બોલી.
“અરે! એવું નથી. તારો આ શ્યામભાઈ હવે પહેલા જેવો નથી રહ્યો.” શ્યામે કહ્યું.
“મને બધીજ ખબર પડી ગઈ છે. અને ખબર પડી ન હોત તો પણ તમારે મારો પીછો કરવાની જરાય જરુર ન હતી. તમે સીધા મારી પાસે આવીને મારી સાથે વાત કરી હોત તો મને વધુ ગમત.” સુંદરીએ પર્સમાંથી રૂમાલ કાઢીને પોતાના આંસુ લૂછ્યા.
“બધી ખબર પડી ગઈ છે? હમમ... જો બધી ખબર પડી જ ગઈ છે તને તો મારે તને એ જણાવવાની જરૂર નથી લાગતી કે હું હવે એક ક્રિમીનલ બની ગયો છું. મારા ઘણા દુશ્મનો છે સુના, મારે કારણે તને કોઈ તકલીફ ન પડે અને વગર લેવા-દેવા તું કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ ન જાય એટલે હું તારાથી દૂર રહીને તને કેમ છે?, તું બરોબર છે કે નહીં એ જોઈ રહ્યો હતો.” શ્યામે પોતાની મુશ્કેલી જણાવી.
“એ હું કશું ન જાણું. તમને ખબર છે તમારા ગયા બાદ હું સાવ એકલી પડી ગઈ...” સુંદરીનું બસ આટલું બોલવું અને તેનું રુદન ફરીથી અમર્યાદ બની ગયું.
આ વખતે શ્યામે સુંદરીને ગળે વળગાડી લીધી. સુંદરી પણ શ્યામને ભેટી પડી અને રડવા લાગી. શ્યામ સુંદરીની પીઠ પર હાથ ફેરવીને તેને શાંત પાડવાની કોશિશ કરી રહ્યો હતો. થોડીવાર બાદ સુંદરી શાંત થઇ. શ્યામે તેના કપાળ પર હળવું ચુંબન કર્યું.
“હવે મારી વાત ધ્યાનથી સાંભળ. આજે મને એવું બિલકુલ લાગે છે કે જોશમાં આવી જઈને અને પપ્પાને કશુંક કરી દેખાડવાની તાલાવેલીમાં ઘર છોડી દઈને મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. હું ઘરેથી ભાગ્યો હતો પોતાની મેળે કશુંક બનવાની ઈચ્છાથી પણ મને ભટકાઈ ગયા ભીમજીભાઈ. ભીમજીભાઈ એ મારા વિસ્તારના બહુ મોટા ગુંડા હતા. દિલના સારા પણ કામ બધાજ ખરાબ. એમનો દેખાવ જોઇને હું ભોળવાઈ ગયો સુના. નો ડાઉટ, એમણે મને એમના દીકરાથી પણ વધુ પ્રેમ આપ્યો પણ મને ગુનાની દુનિયામાં ધકેલી દીધો. ત્રણ વર્ષ પહેલા ભીમજીભાઈ એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા પછી એમનો બધો જ ધંધો હું સંભાળું છું. પણ હવે બહુ થયું. બસ એક બદલો લેવાનો બાકી છે, એ લઇ લઉં પછી હું જાતેજ પોલીસ સામે હાજર થઇ જઈશ. આઈ પ્રોમિસ સુના!” શ્યામે સુંદરી સામે હાથ જોડ્યા એની આંખો પણ ભીની હતી.
“કયો બદલો ભાઈ? અમદાવાદના કમિશનર કિશનરાજ જાડેજાને મારવાનો બદલો? શું મળશે તને ભાઈ? અત્યારસુધી તો તો નાના-મોટા ગુનાસર જેલમાં જઈને છૂટ્યો પણ છે, પણ આ બદલો લઈને તને ફાંસી પણ થઇ શકે છે. મૂકી દે આ બધું, ભાઈ.” સુંદરીના અવાજમાં આજીજી હતી.
“શું મળશે? મારા આત્માને શાંતિ મળશે... એક મિનીટ! તને કેવી રીતે ખબર પડી સુના કે મારે કોની સાથે બદલો લેવાનો છે?” શ્યામના ચહેરા પર આશ્ચર્ય હતું.
“કારણકે તું તે દિવસે જે છોકરીનો પીછો કરતો હતો એ સોનલબા જાડેજા મારી સ્ટુડન્ટ છે અને એ મને એના પિતાને મળવા લઇ ગઈ હતી. ભાઈ, સોનલ પણ કોઈની દીકરી છે, કદાચ કોઈની બહેન પણ છે, મારી જેમ... તારી સુનાની જેમ. તું તારો બદલો કિશન અંકલને મારીને લઈશ, કિશન અંકલનો બદલો કોઈ તારી સાથે લેશે. ક્યાં સુધી ચાલશે આ બધું. હું હજી કહું છું, મૂકી દે આ બધું. પ્લીઝ. જો તને વાંધો ન હોય તો હું તારી મુલાકાત કરાવી દઉં કિશન અંકલ સાથે.” સુંદરીએ હાથ જોડ્યા.
“સુના હું જે દુનિયામાં છું એને છોડવી એટલી સરળ નથી. ચાલ બદલો તો હું એક વખત ભૂલી પણ જાઉં, પણ મારી દુનિયાના લોકો? એમનું શું? એ એમના નાના મોટા બદલા લેશે મારી સાથે.” શ્યામે સુંદરીને પોતાની મજબુરી જણાવી.
“ભાઈ, જો આપણે એક પગલું સત્ય તરફ ભરીશુંને? તો બાકીનો રસ્તો આપોઆપ મળી જશે. તું પ્લીઝ એક વખત કિશન અંકલને મળ તો ખરો? એ જે રસ્તો બતાવે તેનું પાલન કરીશું આપણે. મને ખાતરી છે કે એમ કરવાથી તમને પણ કોઈજ આંચ નહીં આવે.” સુંદરીએ શ્યામને રસ્તો બતાવતાં કહ્યું.
“મને વિચારવા માટે થોડો સમય આપ, સુના. આવા નિર્ણયો આમ અચાનક નથી લેવાતા.” શ્યામે સુંદરી પાસે સમય માંગ્યો.
“તમારા ભીમજીભાઈ સાથે જોડાવા માટે તમે એમની પાસે સમય માંગ્યો હતો ભાઈ? તકના નાણા હોય છે ભાઈ, આજે તમારી સામે તક આવીને ઉભી છે, પકડી લે એને જવા ન દે.” સુંદરીની આંખોમાં આશા હતી કે શ્યામ એની વાત નહીં ટાળે.
“એ તો બધું બરોબર પણ પછી હું કરીશ શું? આ રીતે તો હું પપ્પાને જ સાચા સાબિત કરીશ કે હું કોઈ કામને લાયક જ નથી. અને એટલે હું ઘરે પણ પાછો નહીં આવી શકું.” શ્યામના અવાજમાં નિરાશા હતી.
“પછીની વાત પછી. બોલો મળવું છે કિશન અંકલને? હું વ્યવસ્થા કરી આપું. આપણે બંને સાથેજ જઈશું એમને મળવા.” સુંદરીને હવે વિશ્વાસ થવા લાગ્યો હતો કે શ્યામ એની વાત માની જ લેશે.
“ઠીક છે. હું પણ થાકી ગયો છું, છુપાતાં છુપાતાં, લોકોને ધમકી આપતા, ચોરી કરતા, પોલીસથી ડરીને ભાગતાં, ગાળો બોલતાં. ભલે થોડો સમય જેલમાં વિતાવવો પડે, કદાચ મારી ભૂલનું એ પ્રાયશ્ચિત હશે. પણ એક શરતે!” શ્યામ સુંદરીની વાત સાથે સહમત તો થયો પરંતુ તેણે એક શરત મૂકી.
“કઈ શરત?” સુંદરીના ચહેરા પર શ્યામની શરત સાંભળવાની ઉત્કંઠા હતી.
“તારે મારો સાથ સતત આપવો પડશે. પપ્પા પાસેથી તો પહેલા પણ કોઈ આશા ન હતી અને અત્યારે પણ નથી જ. જો તું મારી સાથે ન રહીને સુના તો પછી...” આટલું કહીને શ્યામ ભાંગી પડ્યો.
“આપણે બંને એકબીજાના સહારે જ છીએ ભાઈ. તમે ભાગ્યા ન હોત તો પણ એમ જ રહેવાનું હતું. અને હવે તો એમ જ રહીશું. આપણે બંનેએ કાયમ એકબીજાનો સાથ આપવાનો છે.” સુંદરીએ શ્યામના માથે હાથ ફેરવતાં કહ્યું.
“ઠીક છે, તો કર કિશનરાજને કૉલ. હું તૈયાર છું સરેન્ડર કરવા માટે.” શ્યામના અવાજમાં આત્મવિશ્વાસ હતો.
“થેન્કયુ, ભાઈ. હું તમને કહી નથી શકતી કે હું આજે કેટલી ખુશ છું. પણ મારે કિશન અંકલનો નંબર કોઈ પાસેથી લેવો પડશે. એક મિનીટ!” સુંદરીનો ચહેરો હસુંહસું થઇ રહ્યો હતો.
સુંદરીએ પોતાનો મોબાઈલ પર્સમાંથી કાઢ્યો અને કોન્ટેક્ટ્સમાંથી વરુણનો નંબર શોધીને ડાયલ કર્યો.
“હાઈ! પહોંચી ગયા ઘરે? મેસેજ કર્યો હોત તો પણ ચાલત.” સુંદરીએ વરુણને કોલ કરતાની સાથે જ સામેથી વરુણનો ઉત્સાહભર્યો અવાજ આવ્યો.
“ના થોડું અરજન્ટ કામ હતું. તમે જઈ આવ્યા ડોક્ટર પાસે? ઇન્જેક્શન લઇ લીધું? કેવું ફિલ થાય છે?” સુંદરીએ વરુણની તબિયત પૂછી.
“હા, બસ જમણા જ ઘરે આવ્યો, ઇન્જેક્શન લીધું. ખાસ વાંધો નથી એમણે કહ્યું. કાલથી કૉલેજ પણ આવીશ.” વરુણનો ઉત્સાહ સમાતો ન હતો.
વરુણને એમ હતું કે સુંદરીએ એને એટલા માટે કૉલ કર્યો છે કે તેને એની ખૂબ ચિંતા થાય છે એટલે એના અવાજમાં અતિશય ઉત્સાહ છલકાઈ રહ્યો હતો.
“સરસ. મારે એક કામ છે તમારું.” સુંદરીએ વરુણને કહ્યું.
“હા બોલોને!” વરુણને તો ગમ્યું કે સુંદરીને એનું કોઈ કામ પડ્યું.
“મારે કિશન અંકલનો નંબર જોઈએ છીએ, તમે પ્લીઝ મને વોટ્સએપ કરશો?” સુંદરીએ વિનંતી કરી.
“કેમ ફરીથી કોઈ તકલીફ?” વરુણનો ઉત્સાહ એક સેકન્ડમાં ઉતરી ગયો અને તેના અવાજમાં સુંદરી પ્રત્યેની ચિંતા ફરી વળી.
“ના, ના. થોડું પર્સનલ કામ છે. હું તમને પછી ડીટેઈલ્સ જણાવીશ.” સુંદરીએ કહ્યું.
“શ્યોર, હું તમને હમણાંજ એમનો નંબર વોટ્સએપ કરી દઉં છું.” વરુણે જવાબ આપ્યો.
“થેન્ક્સ અ લોટ! એન્ડ ટેઈક કેર!” કહીને સુંદરીએ કૉલ કટ કરી દીધો.
થોડીજ વારમાં વરુણનો વોટ્સ એપ પર મેસેજ પણ આવી ગયો જેમાં કિશનરાજ જાડેજાનો નંબર હતો.
સુંદરીએ પોતાના ફોનમાં એ નંબર સેવ કર્યો અને તરતજ કૉલ જોડ્યો.
સુંદરીના કિશનરાજને કૉલ જોડવાની સાથેજ છેલ્લા કેટલાક વર્ષોથી કઠોર બની ગયેલા શ્યામના હ્રદયના ધબકારા પણ વધી ગયા.
==:: પ્રકરણ ૪૪ સમાપ્ત ::==