તેતાળીસ
“આપ કોણ? અરે! વરુણ? શું થયું?” સુંદરીએ ડોરબેલ વગાડ્યા બાદ દરવાજો ખોલતાની સાથે હર્ષદભાઈની નજર પહેલા સુંદરી પર નજર પડી અને પછી સુંદરીના સહારે ઉભા રહેલા વરુણને જોતાંની સાથેજ એમના મોઢામાંથી નીકળી પડ્યું.
“શું થયું?” હર્ષદભાઈના આ પ્રકારનો ચિંતાજનક અવાજ સાંભળીને અંદરથી રાગીણીબેન દોડતાં આવ્યા.
રાગીણીબેનની પાછળ પાછળ ઇશાની પણ દોડી અને ચિંતાતુર ચહેરા સાથે એમની બાજુમાં આવીને ઉભી રહી ગઈ.
“આ જુઓ વરુણને કશુંક થઇ ગયું છે.” હર્ષદભાઈએ જવાબમાં કહ્યું.
“આપણે અંદર જઈએ તો? એમને ખૂબ દુઃખે છે.” સુંદરીએ હર્ષદભાઈ અને રાગીણીબેનને પરિસ્થિતિનું ભાન કરાવ્યું.
“ઓહ... હા...હા...હા... આવો અંદર આવો.” હર્ષદભાઈએ તરતજ આખું બારણું ખોલ્યું અને સુંદરી અને વરુણને અંદર આવવાનો ઈશારો કર્યો.
વરુણના કસરતી શરીરનો ભાર સુંદરીનું નાજુક શરીર માંડ સહન કરી રહ્યું હતું, પરંતુ વરુણની ચિંતામાં ગભરાઈ ગયેલા હર્ષદભાઈ કે પછી રાગીણીબેન બંનેને એ ખ્યાલ ન આવ્યો કે આટલી નાજુક સુંદરીને પડી રહેલી તકલીફને એ બંનેમાંથી કોઈ એક જણ પણ હળવી કરે. સુંદરી તો સમજુ હતી જ એટલે એણે એની ફરજ નિભાવતા વરુણને વધુ તકલીફ ન પડે એ રીતે એકદમ ધીરેધીરે ચાલતા તેને ઘરના મુખ્ય દરવાજાથી લિવિંગરૂમમાં લઇ ગઈ અને હળવેકથી તેને સોફા પર બેસાડ્યો.
“પ્રેક્ટીસ કરતાં એમને ડાબા પગના અંગૂઠા પર બોલ વાગ્યો છે. થેન્ક ગોડ કે એમના શૂઝ મજબૂત હતા એટલે ફક્ત અંગૂઠો ઉખડી ગયો, નહીં તો કદાચ અંગુઠામાં ફ્રેક્ચર થઇ જાત. અને બોલ પણ સહેજ ઉંચો હોત તો કદાચ પગનો નળો પણ તૂટી શકત.” વરુણને સોફા પર બેસાડ્યા બાદ સુંદરીએ હર્ષદભાઈ અને રાગીણીબેનને ઉદ્દેશીને કહ્યું.
“બહુ દુઃખતું હશેને?” રાગીણીબેન વરુણની બાજુમાં જઈને બેઠાં.
“બહુ નહીં, ડ્રેસિંગ તરતજ કરી આપ્યું એટલે...” વરુણે સુંદરી તરફ પોતાનો ચહેરો ફેરવ્યો તો ખરો પણ નજર નીચી રાખીને ઈશારામાં પોતાના માતાપિતાને કહી દીધું કે સુંદરીએ તેનો તરત ઈલાજ કરી દીધો.
“થેન્ક્સ અ લોટ! તમે...? તમારી ઓળખાણ ન પડી.” વરુણની સામે અને સુંદરીથી સહેજ દૂર ઉભેલા હર્ષદભાઈએ સુંદરીની ઓળખાણ પૂછી.
“એ ભાઈના પ્રોફેસર છે. અમે મારા બર્થ ડેના દિવસે રેસ્ટોરન્ટમાં મળ્યા હતા.” ઈશાનીએ વરુણની તકલીફ વરુણના કહ્યા વગરજ દૂર કરી દીધી.
“ઓહ ઓકે! થેન્ક્સ અગેઇન, તમને જોઇને તો એવું જ લાગ્યું કે તમે વરુણના કોલેજ ફ્રેન્ડ હશો. પણ, એક પ્રોફેસર હોવા છતાં તમે વરુણની આટલી સંભાળ લીધી. આવું બહુ ઓછું જોવા મળે છે. ખૂબ સરસ.” હર્ષદભાઈએ સુંદરીનો આભાર માનતા કહ્યું.
“હવે ઉભા ઉભા વાતો જ કરશો કે એમને બેસાડશો?” રાગીણીબેને હર્ષદભાઈને યાદ દેવડાવ્યું.
“અરે! હા, સોરી હું ભૂલી જ ગયો. પ્લીઝ બેસોને?” હર્ષદભાઈએ સુંદરીને વરુણની બાજુમાં આવેલા સોફામાં બેસવાનું કહ્યું.
પરંતુ કુદરતી આદેશ હોય કે અન્ય કોઈ કારણ હોય, સુંદરી આપોઆપ વરુણની બાજુમાં જ બેસી ગઈ, તેને હજી પણ વરુણની તબિયતની ચિંતા હતી અને તે વારેવારે વરુણની સામે ચિંતાતુર નજરથી જોઈ રહી હતી.
“તમે બને તેટલું જલ્દી એમને ડોક્ટર પાસે લઇ જઈ અને વ્યવસ્થિત ડ્રેસિંગ કરાવી લેજો અને ટેટનસનું ઇન્જેક્શન પણ લેવડાવી લેજો, પ્લીઝ.” સુંદરી હજી પણ વરુણ સામે જોઈ રહી હતી.
“ચોક્કસ. તમે પારકા હોવા છતાં મારા દીકરાની આટલી સંભાળ લીધી એટલે હવે અમારી ફરજ બને છે કે અમે તેને વધુ તકલીફ ન પડવા દઈએ.” હર્ષદભાઈએ સુંદરીને કહ્યું.
ત્યાંજ ઈશાની રસોડામાંથી બધા માટે પાણી લઇ આવી. સુંદરી અને વરુણે એક-એક ગ્લાસ લઈને પાણી પીધું જ્યારે હર્ષદભાઈ અને રાગીણીબેને પાણી પીવાની ના પાડી. રાગીણીબેન સતત વરુણના માથે હાથ ફેરવી રહ્યા હતા.
“મારી ફરજ હતી... તો હું નીકળું?” સુંદરી સોફા પરથી ઉભા થતાં બોલી.
વરુણને સુંદરીનું જવું ગમ્યું નહીં, પરંતુ તેને એ સ્વીકારવા સિવાય બીજો કોઈજ રસ્તો ન હતો.
“ચોક્કસ પણ તમે જશો કેવી રીતે?” હર્ષદભાઈએ પણ ઉભા થતાં સુંદરીને પૂછ્યું.
“હું અહીંથી ઓટોમાં જ કોલેજ જતી રહીશ ત્યાં મારું હોન્ડા પાર્ક કર્યું છે. પછી ત્યાંથી ઘરે.” સુંદરીએ વળતો જવાબ આપતાં કહ્યું.
“ના, એમ તમે ઓટોમાં જાવ એ સારું ન લાગે. ઈશાની, ભાઈના મોબાઈલમાંથી મેડમ માટે કેબ બુક કરી આપ તો?” હર્ષદભાઈએ સુંદરીને આગ્રહ કર્યો.
“અરે! ના ના હું જતી રહીશ, અહીં બહારથી જ મને ઓટો મળી જશે.” સુંદરીએ વિવેક કર્યો.
“ના, હવે તમે થોડીવાર બેસો. ઈશાની...” હર્ષદભાઈએ ઇશાનીને ફરીથી કહ્યું.
ઈશાનીએ હર્ષદભાઈનો હુકમ માનતા વરુણ પાસેથી એનો મોબાઈલ લીધો અને કેબ બુક કરાવવા લાગી. સુંદરી પણ ફરીથી વરુણની બાજુમાં બેસી ગઈ. હર્ષદભાઈએ પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.
“દસ મિનીટ લાગશે.” કેબ બુક કરાવવાની સાથેજ ઈશાની સુંદરી સામે જોઇને બોલી સુંદરીએ વળતું સ્મિત આપ્યું.
“હવે જો આપણી નવી ઓળખાણ થઇ જ છે, તો વરુણ સાજો થાય પછી જમવા આવો એક દિવસ.” રાગીણીબેને સુંદરીને કહ્યું.
“હા, કેમ નહીં? હોપ યુ વોન્ટ માઈન્ડ. ભલે તમે વરુણના પ્રોફેસર હોવ પણ, પર્સનલ રિલેશન હવે થઇ જ ગયા છે તો જરૂર જમવા આવો એક દિવસ. આરામથી વાતો કરીશું.” હર્ષદભાઈએ પણ વિવેક કર્યો.
“હું જરૂર વિચારીશ.” સુંદરીએ પ્રમોદરાયનો વિચાર કરીને કોઈ પાક્કું વચન ન આપ્યું.
આ બધી ચર્ચા મૂંગામૂંગા સાંભળતા વરુણને ખૂબ ગમી રહ્યું હતું. સુંદરીની ઓળખાણ આપોઆપ પોતાના કુટુંબ સાથે થઇ ગઈ અને ઈશાની ઉપરાંત હવે એના માતાપિતા પણ સુંદરીથી અને તેના સ્વભાવથી ઈમ્પ્રેસ થઇ ગયા હતા. આમ વરુણને લાગ્યું કે સુંદરીને પોતાના ઘરમાં લાવવા માટે લડનારા અનેક યુદ્ધોમાંથી તે પહેલું પરંતુ નાનકડું યુદ્ધ જીતી ગયો છે.
“બસ હવે આવતી જ હશે, આવો હું તમને ગેટ સુધી મૂકી જાઉં?” ઈશાનીએ તેના સ્વભાવ અનુસાર અત્યંત મીઠાશથી સુંદરીને કહ્યું.
“હા ચાલો. આવજો. અને તમે તમારું ધ્યાન રાખજો. બે-ત્રણ દિવસ કોલેજ ન અવાય તો ચિંતા ન કરતા ઓકે? હું કૃણાલભાઈને કહી દઈશ કે તમને અપડેટ કરતા રહે.” સુંદરી ઉભી થઇ અને વરુણ સામે ઉભતાં કહ્યું.
“શ્યોર! તમે ઘેર પહોંચીને મને મેસેજ કરી દેજો કે તમે પહોંચી ગયા છો.” વરુણે સુંદરીને જવાબ આપતાં સુંદરી હજી એક વખત તેને મેસેજ કરે એ પાક્કું કરી દીધું.
જવાબમાં સુંદરીએ માત્ર સ્મિત કરીને હકારમાં પોતાનું ડોકું હલાવ્યું.
હર્ષદભાઈ અને રાગીણીબેનને આવજો કરીને સુંદરી ઈશાની સાથે ઘરની બહાર આવી.
“તું પણ આવજે કોઈ વખત મારે ઘેર વરુણ જોડે, આપણે ખૂબ ગપ્પાં મારીશું.” બહાર આવતાં જ સુંદરીએ ઇશાનીને કહ્યું.
“હા, પણ તમે ઘેર જમવા આવો પછીજ.” ઈશાનીએ હસતાં હસતાં કહ્યું.
“યુ નો સમથિંગ? યુ આર સો સ્વીટ!” સુંદરીએ અજાણતાં જ ઈશાનીનો ગાલ પકડીને તેને સ્હેજ ખેંચ્યો.
“થેન્ક્સ. તમે પણ ખૂબ બ્યુટીફૂલ છો.” ઈશાની સુંદરીની આ પ્રતિક્રિયાથી ખુશ થઇ ગઈ.
સુંદરીને પણ ઈશાનીનું તેને સુંદર કહેવું ખૂબ ગમી ગયું, સુંદરીના અતિશય ગોરા ગાલ લાલ થઇ ગયા!
ત્યાંજ કેબ આવી અને સુંદરી ડ્રાઈવરની પાછલી સીટમાં બેસી. જેવી કેબ ચાલુ થઇ કે સુંદરી અને ઈશાનીએ એકબીજાને સ્મિત આપતાં આવજોનો સંકેત કર્યો.
==::==
કોલેજના ગ્રાઉન્ડ પર પહોંચીને સુંદરી પાર્કિંગમાં ગઈ અને ત્યાંથી તેણે પોતાનું વેહિકલ લીધું અને પોતાના ઘર તરફ નીકળી. મનમાં તો સુંદરીને ઊંડે સુધી ભય હતો કે પિતા પ્રમોદરાય આજે ફરીથી તેના મોડા આવવા પર તેના પર ગુસ્સે થશે. આમતો સુંદરી દ્વારા રવિવારે કોલેજની ફરજ બજાવવા જવું એ જ પ્રમોદરાયને ગમ્યું ન હતું કારણકે તેમને સમયસર ચ્હા-નાસ્તો મળવાનો ન હતો. પરંતુ પોતે ભૂતકાળમાં એક કોલેજના પ્રિન્સીપાલ રહી ચુક્યા હતા એટલે કોલેજ માટે આવી છૂટક ફરજો બજાવવી પડે અને એ પણ રવિવારે અથવાતો રજાના દિવસે તેનું તેમને સુપેરે ભાન હતું એટલે એમણે વધુ વિરોધ કરવાનું ટાળ્યું હતું.
તો બીજી તરફ સુંદરીને પણ હવે થોડા સમયથી પ્રમોદરાય કે તેમના ગુસ્સાથી હવે પહેલા જેવી બીક લાગતી ન હતી. સુંદરી હવે એના પિતાના અવિવેકી વર્તનનો જવાબ તોછડાઈથી તો નહોતી આપતી પરંતુ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ તેને આવડી ગયું હતું. એટલે પિતાના ગુસ્સો થવાની વાત જ્યારે પોતાનું વેહિકલ સ્ટાર્ટ કરતાં સુંદરીને યાદ આવી ત્યારે બીજીજ પળે તેને અચાનક જ હિંમત આવી ગઈ કે તે કોઈને કોઈ રીતે તેનો સામનો કરી જ લેશે. એટલે આપોઆપ મંદ મંદ સ્મિત કરીને સુંદરીએ પોતાનું વાહન ચલાવવાનું શરુ કર્યું.
સુંદરી કોલેજના કેમ્પસમાંથી હજી બહાર નીકળીને મેઈન રોડ પર પહોંચી જ હતી કે તેનું ધ્યાન જમણી તરફના મિરર પર ગયું અને તેણે જોયું કે આટલા બધા દિવસના વિરામ બાદ આજે શ્યામ તેનો પીછો કરી રહ્યો હતો. હવે સુંદરીને ખબર પડી જ ગઈ હતી કે તેનો ભાઈ જ તેની ચિંતા કરતો કરતો અને પોતાને તેની ખબર ન પડે એટલે એનો સતત પીછો કરી રહ્યો હતો એટલે અત્યારે તેને બિલકુલ ભય ન લાગ્યો. બલ્કે સુંદરીએ મનોમન નિર્ણય લઇ લીધો કે આજે તો એ શ્યામ સાથે વાત કરીને જ ઝંપશે.
એટલે સુંદરીએ છેલ્લી વાર જે રસ્તે વરુણને પોતાની સાથે આવવાનું કહ્યું હતું એ રસ્તે એટલેકે પોતાના ઘરે જવાના ખોટા રસ્તે પોતાનું વાહન વાળી લીધું. સુંદરીની અપેક્ષા અનુસાર શ્યામે તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. આ રસ્તો યુનિવર્સીટી કેમ્પસનો હતો એટલે આમ પણ વાહનોની અવરજવર વગર શાંત રહેતો હતો એમાં આજે રવિવાર ભળ્યો હતો એટલે આ રસ્તા પર નિરવ શાંતિ હતી.
કેમ્પસની લગભગ મધ્યે પહોંચ્યા બાદ સુંદરીએ જમણી તરફના મિરરમાં શ્યામને જોતાં જોતાં પોતાના વાહનની ઝડપ ઓછી કરી અને અચાનક જ શ્યામના આશ્ચર્ય વચ્ચે યુ ટર્ન લીધો. શ્યામ તો પોતાની ગતિ અનુસાર જ વાહન ચલાવી રહ્યો હતો એટલે સુંદરીના આમ અચાનક જ યુ ટર્ન લેવાને કારણે એ ગૂંચવાયો. એ ન તો પોતાના વાહનની ગતિ ધીમી કરી શક્યો કે ન તો યુ ટર્ન લઈને ભાગી શક્યો.
યુ ટર્ન લેવાની સાથેજ સુંદરીએ પોતાના વાહનની ગતિ વધારી દીધી અને પળવારમાં જ શ્યામ સામે આવીને ઉભી રહી ગઈ.
સુંદરીએ માથા પરથી હેલ્મેટ ઉતારી અને શ્યામ સામે જોઇને તેણે સ્મિત તો કર્યું પરંતુ સાથે સાથે તેની બંને આંખોમાંથી દડદડ આંસુ પણ વહી રહ્યા હતા.
==:: પ્રકરણ ૪૩ સમાપ્ત ::==