Yuva Sarkar in Gujarati Film Reviews by Kamlesh K Joshi books and stories PDF | યુવા સરકાર

Featured Books
Categories
Share

યુવા સરકાર

ફિલ્મ રિવ્યુ
============
શીર્ષક : યુવા સરકાર
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૧૭, નવેમ્બર ૨૦૨૦, મંગળવાર

એક ફિલ્મ પાસે શું અપેક્ષા હોય? હસા હસી, નાચ - ગાન અને મસ્તી ધમાલ? ના ! ફિલ્મ એટલે કે મીડિયા ને લોકશાહી નો એક આધાર સ્તંભ કહ્યો છે એનું કારણ ફિલ્મો સમાજ ની આંખો ઉઘાડવા નું એક ગંભીર અને ઉતમ કાર્ય પણ કરતી હોય છે. યુવા સરકાર એક એવી જ ફિલ્મ છે. રાજકારણની હર ઘડી રંગ બદલતી દુનિયા ની આસપાસ ગૂંથાયેલી આ ફિલ્મ મને તો બહુ ગમી. એના અનેક ડાયલોગ એવા છે જેનો અર્થવિસ્તાર પાંચ પંદર પાના માં થઇ શકે ( ચાખો: રાજકારણ માં મેલા થવા કરતાં મરવા નું પસંદ કરજે ), એનું મ્યુઝીક (હર્ષલ કર્દમશર્મા) ડાયલોગ્સ જેટલું જ બોલકું છે, એનું સિમ્બોલીઝમ ( ઉડતા પક્ષીઓ, ધૂમાડા ના ગોટા, ગરીબની ઝૂંપડી માં સળગતી આગ, શતરંજ.. ઓહોહો... ) એ પણ આપણને ઘણું બધું શાન માં સમજાવી દે એટલું બારીક છે અને આ બધામાંથી નીકળતો મેસેજ ઈમાનદાર અને જાગૃત યુવાનો ને જબ્બરદસ્ત દિશા નિર્દેશ આપે છે.

આજ નો યુવાન ફેક્ટરી સંભાળવા તૈયાર છે, હોટેલનું મેનેજમેન્ટ કરવા તૈયાર છે પણ દેશનું મેનેજમેન્ટ એટલે કે રાજકારણમાં પડવા માંગતો નથી. એ કલેકટર, કમિશ્નર બનવા તૈયાર છે પણ કોણ જાણે કેમ એ કોર્પોરેટર, મેયર, સી. એમ. કે પી. એમ. ની રેસમાં દોડવા તૈયાર નથી. સાંપ્રત સમય ની આ સળગતી સમસ્યા ને યુવા સરકાર ફિલ્મે સચોટ રીતે પકડી પાડી છે તેમજ એ દિશા માં જનાર વ્યક્તિએ કઈ માનસિક, સામાજિક, વ્યક્તિગત પરિસ્થિતિ માંથી પસાર થવું પડે એ બહુ મજબૂત રીતે રજૂ કર્યું છે.

આ ફિલ્મ માં હીરો આદિત્ય ( હર્ષલ માંકડ ) સુપરમેન નથી, એક હાથે દસ જણાંને હવામાં ઉછાળે એવો નથી પણ સીધો સાદો આપણી આસપાસ ના કોઈ યુવા સજ્જન જેવો છે. આમ છતાં રાજકારણ ના અઠંગ ખેલાડીઓને એ હંફાવી નાંખે છે. આ ફિલ્મના વિલન ભાવિન પંડિત ( હર્ષિત ઢેબર ), કિશોર ( રાજુ યાજ્ઞિક ) એવા મીઠાં ઝેર જેવાં છે જે તમને રાજકારણ ની અસલ દુનિયાનો અસલી ચહેરો ચોક્કસ બતાવી દે છે. શબ્દોના અને સંવાદોના જાદુગર ગુરુજી ( મેહુલ બુચ ) માટે તો તમારે ફિલ્મ જ જોવી પડે. રૂપાળી હિરોઈન ( આસ્થા મહેતા ) નો રોલ પણ એલફેલ નહીં, જાજરમાન છે. હાસ્ય પીરસવા આવેલા અમુક પાત્રોમાં હસમુખભાઈ ( જીતેન્દ્ર ઠક્કર ), પાંચ દસ સેકન્ડ માં જ તમને ખડખડાટ હસાવી જાય છે. ફિલ્મના ગીતો ( ચેતન જેઠવા, આનંદી આચાર્ય, હર્ષલ માંકડ ), એના શબ્દો જબરી ફિલોસોફીથી ભરેલા છે. ફિલ્મ ડાયરેક્ટર ( રક્ષિત વસાવડા ) નો બારીક અભ્યાસ અને જબ્બરદસ્ત મહેનત તમને નાની નાની બાબતો માં ઉડીને આંખે વળગે એવી છે.
કોરોના કાળ બાદ આપણે નવું જીવન શરુ કરવા જઈ રહેલા આપણે સૌ થોડા નિર્ભય બની સમાજ માં નવી દિશા માં પહેલ કરવા નું વિચારી રહ્યા છીએ ત્યારે આ ફિલ્મ આપણને, ખાસ એજ્યુકેટેડ યુવા પેઢી ને રાજકારણનો કક્કો અને બારાક્ષરી શીખવવામાં સો ટકા સફળ રહી છે. એક વાર તો જોવી જ રહી.
હા, સોશિયલ દૂરી ના તમામ નિયમો નું તમામ થિયેટરમાં ચુસ્ત પાલન થઇ રહ્યું છે એટલે પૂરી તૈયારી સાથે જજો. અમારા જામનગરી તેજસ્વી બાળક ‘સૌમ્ય પંડ્યા’ એ આ ફિલ્મમાં મસ્ત મજાનો ટચુકડો રોલ કર્યો છે એટલે અમને તો આ ફિલ્મ બહુ પોતીકી લાગી.
લવ યુ સૌમ્ય એન્ડ ટીમ ‘યુવા સરકાર’.
#yuva_sarkar
#yuvasarkarthefilm