એકાંત
આખી રાત હોસ્પિટલમાં વિતાવી. આંખ ખોલી ત્યારે આંખ સામે ડૉક્ટરનો ચહેરો. મારી બાજુમાં બેસીને બોલ્યા, કેવું છે હવે ? દુખાવો છે ? હું કંઈ બોલું એ પહેલાં એમણે નર્સને કહ્યું, સિસ્ટર પાટો ખોલો. નર્સે પાટો ખોલ્યો અને ડૉક્ટર ચેકઅપ કરવા લાગ્યા. ડૉક્ટરે કહ્યું, ગૌરવ તારે એક મહિનામાં તું એકદમ ઠીક થઈ જઈશ. પણ અઠવાડિયું તો ફક્ત બેડ રેસ્ટ જ કરવાનો છે. બાજુમાં ભાભી બેઠા હતા એમણે મને કહ્યું, તો ગૌરવ તારી ફ્લાઇટની ટીકીટ કેન્સલ કરાવી દે...બે મહિના સુધી તું ક્યાંય નથી જવાનો ! મર કહ્યું, પણ ભાભી...ત્યારે ભાઈ બોલ્યા, હા ગૌરવ.. યુ નીડ ટૂ રેસ્ટ. ડોક્ટરે કહ્યું, તો આજ સાંજે હું રજા આપી દઈશ. દર અઠવાડિયે ડ્રેસિંગ માટે આવવું પડશે. બધાં લોકો રૂમની બહાર જતા રહ્યાં.
મારા મનમાં હજુ ગ્રીષ્માના મમ્મીના શબ્દો ગુંજતા હતા. બીજો વિચાર એ પણ હતો કે ભાભીના શબ્દોથી ગ્રીષ્માના મમ્મીને ખોટું તો નહીં લાગ્યું હોય ને ! મનના અવકાશમાં વિચારોના વાદળ ઘેરાઈ ગયા હતા અને એ ચિંતા બનીને વરસે એ પહેલાં મેં જીજ્ઞેશને ફોન લગાવ્યો. મેં કહ્યું, હેલો જીજ્ઞેશ, ગ્રીષ્મા તો ઠીક છે ને ? એણે કહ્યું, એ પણ ક્યાં ઠીક છે ! હું બોલ્યો, શું થયું..ક્યાંક એ તો દાઝી નથી ને ! જીગ્નેશે જવાબ આપતા કહ્યું, ના ના તું એની ચિંતા કરે છે એ અને એની મમ્મી તારી ચિંતા કરે છે. કાલે સાંજે હું ગયો હતો એના ઘરે. ગ્રીષ્માએ તો કંઈ ખાધું પણ નથી. મેં કહ્યું, સારું જીજ્ઞેશ હું તને આરામથી કોલ કરું. મેં વ્હોટ્સએપમાં ગ્રીષ્માને મેસેજ ટાઈપ કર્યો, હાય ગ્રીષ્મા, કાલે જે પણ થયું એ માત્ર એક્સિડન્ટ હતો રમાં તારો કંઈ જ વાંક નથી. અને હું એકદમ ઠીક છું. આપણે મળીને વાત કરીશું. મેસેજ સેન્ડ કર્યો. ગ્રીષ્મા ઓફ લાઈન હતી. કાકા-કાકી અને ભાભી મારા માટે નાસ્તો લઈને આવ્યા. હું નાસ્તો કરતો હતો ને ત્યારે વ્હોટ્સએપમાં મેસેજ આવ્યો. હું ઇગ્નોર કરીને નાસ્તો કરવા લાગ્યો. ફરથી મેસેજ આવ્યો. મેં ફોનની સામે જોયું. મારો ફોન ટેબલ પર પડ્યો હતો. ત્રીજી વાર મેસેજ આવ્યો અને ભાભીએ મારો ફોન લઈ લીધો અને નોટિફિકેશન જોઈને બોલ્યા, આ માણસ છે..તું હોસ્પિટલમાં છે અને આ તને મળવા બોલાવે છે ! હું ગભરાઈ ગયો. કાકા બોલ્યા, કોણ છે..? ભાભીએ કહ્યું, કોણ હોય, આનો મિત્ર જીજ્ઞેશ. હાશ...મેં રાહતનો શ્વાસ લીધો.
સાંજે હું હોસ્પિટલથી ઘરે આવ્યો. કાકીએ મારી નજર ઉતારી. ઘરે આવીને વધારે દુખતું હતું. રાત્રે પાડોશી અને સગા સંબંધીઓ મળવા આવ્યા. આમ ને આમ બેડ પર જ ચાર દિવસ વીતી ગયા. પણ, ગ્રીષ્માએ મારો મેસેજ જ સીન ના કર્યો! ચિરાગ ઘરે આવ્યો અને બોલ્યો, ચાલ બહાર જઈએ મારી વાડીએ ! મેં કહ્યું, અત્યારે કેમ ? અને આ હાલતમાં તો. એ બોલ્યો, હું કાર લઈને આવ્યો છું અને એમાં એસી છે અને વાડીએ તો મસ્ત ઠંડી હવા આવે છે. ભાભીએ આ સાંભળી ગયા અને બોલ્યા, ચિરાગ....ગૌરવને હમણાં આરામની જરૂર છે એટલે આરામ કરવા દે. ચિરાગે કહ્યું, ભાભી આખો દિ ગૌરવ આમ ને આમ રૂમમાં બેસીને કંટાળી ગયો છે અને વાડીએ જશે તો બારની હવા મળશે અને મૂડ ફ્રેશ થશે. કાકીએ ચિરાગની વાતમાં હા પુરી ને કહ્યું, જવા દે ને.. આખરે ભાભી માની ગયા અને હું ચિરાગની સાથે વાડીએ જવા નીકળ્યો. ચિરાગે બીજા રસ્તેથી મને લઈ ગયો જે રસ્તે ગ્રીષ્માની દુકાન નથી આવતી. મેં કહ્યું, કેમ યાર આ રસ્તેથી જઈએ છીએ ? ચિરાગે કહ્યું, તારા ભાભીએ મને આ રસ્તેથી જવા કહ્યું છે એટલે. મેં કહ્યું, હવે તું ક્યારથી એમની વાત માનવા લાગ્યો ? ચિરાગ હસવા લાગ્યો અને બોલ્યો, તું આરામથી બેસ..બધું જ સારું થશે. ચિરાગે શોર્ટકટમાં મને કઈક દીધું પણ મને સમજાયું નહીં.
હું અને ચિરાગ વાડીએ પહોંચ્યા અને ચિરાગ મને એની વાડીના છેલ્લે ખૂણે લઈ ગયો. એક ઝાડની પાસે કાર ઉભી રાખી અને બોલ્યો, ગૌરવ હું એક કલાક પછી આવીશ. બીજું કોઈ અહીંયાં નહીં આવે. મેં કહ્યું, શું ?તું નીચે ઉતર. હું નીચે ઉતર્યો અને ઝાડના નીચે ગ્રીષ્મા બેઠી હતી. ચિરાગે મને આંખ મારી અને બોલ્યો, બાય બાય હું કલાક પછી આવીશ. ચિરાગ ત્યાંથી જતો રહ્યો અને ગ્રીષ્મા મારી નજીક આવી અને રડતા રડતા બોલવા લાગી, ગૌરવ...તને હવે કેમ છે ? આ બધું મારા લીધે જ થયું. એ બોલતી જતી હતી અને હું સાંભળતો જતો. એ ઝાડના નીચે અમે બંને બેઠા. ગ્રીષ્મા બોલતી જ હતી અને મેં એના હોઠ પર હાથ રાખ્યો અને બોલ્યો, જો ગ્રીષ્મા આમાં તારો કંઈ જ વાંક નથી. આ માત્ર એક અકસ્માત છે. અને મેં તો તને ચાર દિવસ પહેલાં વ્હોટ્સએપમાં મેસેજ પણ કર્યો હતો. તું જોવે તો ને. શાંત વાતાવરણમાં હું અને ગ્રીષ્મા બન્ને એકલા બેઠાં હતાં. વરસો બાદ ગ્રીષ્માએ મારી સાથે આટલી બધી વાત કરી હતી. હું ગ્રીષ્માની સામે જોતો હતો અને એક સેકેન્ડ માટે તો મારી અને ગ્રીષ્માની નજર મળી. એ મને ધ્યાનથી જોતી હતી અને ત્યારે હું બોલ્યો, તારા મમ્મીને કે'જે કે હું એકદમ ઠીક છું, ખોટી ચિંતા ના કરે. ગ્રીષ્માએ હાકારમાં મોઢું હલાવ્યું અને મારા હાથ સામે જોવા લાગી. એની આંખમાં આંસુ આવે એ પહેલાં મેં હાથ પાછળ લીધો અને કહ્યું, દુકાન કેવી ચાલે છે? એ બોલી, સારી ચાલે છે. કાલે એક ઓર્ડર છે. મેં કહ્યું, ગુડ...સાંભળીને ભજિયા બનાવજે. એણે હાકારમાં મોઢું હલાવ્યું અને ફરીથી એની અને મારી નજર એક થઈ અને ત્યારે જ હોર્નનો અવાજ આવ્યો. એણે નજર નીચે કરી. ચિરાગ મને લેવા આવ્યો હતો. મેં કહ્યું, સારું ગ્રીષ્મા હું નીકળું. થોડા દિવસ બાદ મળીશ. પણ વ્હોટ્સએપ ચેક કરતી રહેજે ! હું ઉભો થતો હતો અને ગ્રીષ્માએ મારો પકડ્યો. એણે કહ્યું, બાય...મેં સ્માઈલ કરી અને કહ્યું, બાય ફરી મળીશું. હું ચિરાગની કારમાં બેઠો અને એણે કહ્યું, ચાલ ગૌરવ ક્યાંક લોન્ગ ડ્રાઇવ પર જઈએ. મેં કહ્યું, હા એમ પણ થોડી દુખાવો ઓછો થયો છે. એણે હસીને કહ્યું, હા એ તો થાય ને..હમણા જ ડૉક્ટર પાસે ડોઝ લઈને આવ્યા છો ! અમે બન્ને હસતા હતા અને ત્યારે ગ્રીષ્માનો વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો, હાય..સોરી ગૌરવ મને ચિંતા થતી હતી એટલે ચિરાગે મને આમ મળવા કહ્યું. હું અને ચિરાગ ફરતાં ફરતાં ઘરે ગયા.
ઘરે કાકા-કાકી, ભાઈ-ભાઈ બધાં બેસીને કંઈક ચર્ચા કરતાં હતાં. ત્યારે ભાઈ બોલ્યા, હું એમને લેવા રાત્રે જ નીકળી જઈશ. ભાભીએ મને જોયો અને બોલ્યા, અરે ગૌરવ તું ક્યારે આવ્યો. મેં કહ્યું, બસ હમણાં જ કોણ આવવાનું છે અને કોને લેવા જવાનું છે? ભાઈ બોલ્યા,કાંઈ નહીં એક મહેમાન કાલે આવવાના છે પણ એમનું હજી પણ કંઈ જ નક્કી નથી. મેં કહ્યું, ઓકે. કાકીએ કહ્યું,બેટા તું જામી લે અને દવા પણ લઈ લે. ભાભી ઊભા થયા અને બોલ્યા, ચાલ ગૌરવ હું તને પીરસી દઉં. હું જમતો હતો ત્યારે ભાભી બોલ્યા, જો ગૌરવ તારે પેલી ભજિયાવાળીની આજુબાજુ પણ નથી ફરવાનું, ખબર નહીં કેવી અપશુકનિયાળ છે ! મેં કહ્યું, પણ કેમ ભાભી. એ તો મારી બાળપણની મિત્ર છે અને મને એ ગમે છે. ભાભીએ કહ્યું, હેં...! મેં કહ્યું, એટલે એમ નહીં..જેમ ચિરાગ, જીજ્ઞેશ મારા મિત્રો છે એમ એ પણ છે. ભાભીએ મારા હાથ સામે જોઈ બોલ્યા, હજુ દુખે છે ? મેં કહ્યું, હમણાં નહોતું દુખતું પણ હવે થોડું થોડું દુખે છે ! ભાભી બોલ્યા, સારું તું જમી એ હું તારી દવા લઈ આવું. હું સ્કૂલમાં હતો ત્યારે ભાભી અહીં પરણીને આવેલા અને ત્યારથી લઈને આજ સુધી મા ની જેમ મારું ધ્યાન રાખે છે. હું દવા લઈને ધાબા પર બેઠો અને ગામના ફોટો પાડવા લાગ્યો.
(ક્રમશઃ)
- પ્રદિપ પ્રજાપતિ