THE CURSED TREASURE - 11 in Gujarati Adventure Stories by Chavda Ajay books and stories PDF | શ્રાપિત ખજાનો - 11

Featured Books
Categories
Share

શ્રાપિત ખજાનો - 11

ચેપ્ટર - 11

વિક્રમ અને રેશ્મા બંનેના હૃદય જોરજોરથી ધડકી રહ્યા હતા. લગભગ અડધી કલાક ઊંટોને એમની મેક્સિમમ ઝડપ પર દોડાવીને એ બંને ગજનેર આવી ગયા હતા. આવીને એમણે ઊંટોને એમના માલિક પ્રતાપ પાસે પહોચાડી દિધા હતા. પ્રતાપે એમને રાત રોકાવા માટે એક લોકલ ગેસ્ટહાઉસ ની ભલામણ કરી હતી.

અત્યારે એ બંને ગેસ્ટહાઉસના પોતાના રૂમમાં બેઠા હતા. રેશ્મા પલંગ પર જ્યારે વિક્રમ સોફા પર આડો પડ્યો હતો. પણ બંનેના દિલોદિમાગ માં એક જ વસ્તુ ફરી રહી હતી. અને એ હતા એ ભયાનક જીવો જે એમણે રણની એ કબરમાં જોયા હતા. બંનેની આંખો સામેથી એ નજારો ખસવાનું નામ નહોતો લેતો. એવો નજારો એમણે આજ પહેલા ક્યારેય નહોતો જોયો. રેશ્માના ચહેરા પર તો હજુ ખૌફ પથરાયેલો હતો. એની આંખો સામે વારંવાર એ નજારો આવી રહ્યો હતો.. એ ભયાનક સડેલો ચહેરો, એમની રાક્ષસી તાકાત,એમાંથી એકે તો એક જીવતા માણસની છાતી ફાડીને એનું હૃદય બહાર કાઢી લીધું. એ દ્રશ્ય યાદ આવતા ફરી એક વાર રેશ્માના શરીર માંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. વિક્રમ હવે ધીરેધીરે સહજ થઇ રહ્યો હતો.

રેશ્મા પથારીમાંથી ઉઠીને બેસી ગઇ. એણે વિક્રમ સામે જોયું. વિક્રમ કંઇક વિચારોમાં ખોવાએલો હતો. એણે વિક્રમ તરફ જોઇને કહ્યું, " વિક્રમ..."

વિક્રમે રેશ્મા સામે જોયું. એની આંખોમાં હવે ભય ન હતો. પણ એક ઉદાસીનતા છવાયેલ હતી. વિક્રમે પુછ્યું, " બોલ.."

રેશ્માની નજરો નીચે હતી એ બંને હથેળીઓની આંગળીઓને એકબીજા સાથે ગુંચવવાનો પ્રયાસ કરી રહી હતી એવું એને લાગતું હતું. એણે ભીના અવાજે કહ્યું, " મને વિજય માટે ખૂબ જ અફસોસ થઇ રહ્યો છે.. આપણે એને ત્યાં મરવા માટે છોડી દિધો.."

વિક્રમ એની વાત સારી રીતે સમજી શકતો હતો. એને પણ અફસોસ થઇ રહ્યો હતો. વિજય એનો પ્રતિસ્પર્ધી હતો અને ક્યારેક ક્યારેક એનો શત્રુ પણ બની જતો એમાં ના ન હતી. પણ એણે ક્યારેય વિજયને મારવાનો વિચાર નહોતો કર્યો. અને વિજય જે રીતે મર્યો છે એ કેટલું દર્દનાક રહ્યું હશે એના માટે એ વિક્રમ વિચારી પણ નહોતો શકતો.

વિક્રમ સોફા પરથી ઉઠીને પલંગ પર રેશ્માની બાજુમાં બેસ્યો. એણે રેશ્માના ખભા પર હાથ રાખીને ધીમાં અને સહાનુભૂતિ ભરેલા અવાજે કહ્યું, " અફસોસ તો મને પણ થાય છે. પણ આપણે આમાં કંઈ કરી શકતા ન હતા. મે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ જડ બુદ્ધિ માન્યો જ નહીં. એટલે એની મૃત્યુ માટે એ પોતે જવાબદાર છે. આપણે હવે આગળ શું કરવું એ વિચારવું જોઈએ."

" એ જીવો કેટલા ભયાનક અને ખૂંખાર હતા. તને શું લાગે છે કે એ શું હતા?"

" સાચું કહું તો મને તો એ માણસો હોય એવું લાગ્યું. " વિક્રમે કહ્યું.

" પણ આજ સુધી તે એવા માણસો ક્યાંય જોયા છે? " રેશ્માએ પુછ્યું," અને મે તો એમના વિશે એક પણ ગ્રંથ કે તામ્રપત્રો માં કંઇ નથી વાંચ્યું.

" મે પણ નહીં. પણ એ કદાચ એમના વિશે લખાયું જ નહીં હોય. પણ તે એ નોટિસ કર્યું હતું કે એમણે કમરથી નીચેના ભાગમાં ધોતી પહેરી હતી?"

" હા.."

" કદાચ એ માણસો જ હશે. હવે એ એવી સ્થિતિમાં કેમ હતા એનો જવાબ નથી મારી પાસે."

રેશ્માએ વિક્રમ સામે જોયું. જે થયું એ પછી પણ વિક્રમ સ્વસ્થ હતો. રેશ્માએ પુછ્યું," આપણે જે જોયું એ પછી પણ તું વધારે ડિસ્ટર્બ નથી લાગતો.. એ કેમ?"

" વેલ.. કદાચ મને વધારે આશ્ચર્ય નથી થયું. કારણ કે મને ખબર હતી કે એક આર્કિયોલોજીસ્ટ તરીકે એક દિવસ મારે એવી વસ્તુ સાથે સામનો જરૂર થશે જે મનુષ્યની સમજની પરે હશે. એક આર્કિયોલોજીસ્ટ નું વાસ્તવિક કામ તો એ જ છે ને કે જે વસ્તુ મનુષ્ય મગજ સમજી નથી શકતું એની પાછળ ના રહસ્યો ને સોલ્વ કરવા.. કદાચ આપણી લાઇન ના બધા જ લોકોને એ મોકો નહીં મળતો હોય. પણ આપણને મળ્યો છે. અને... " હજુ વિક્રમ બોલી રહ્યો હતો ત્યાં જ એમના રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. ટકોરા પડવાથી વિક્રમનું ધ્યાન ત્યાં દોરવાયુ. એણે ઉભા થઇને બારણું ખોલ્યું. વેઇટર જમવાનું લઇને આવ્યો હતો. વિક્રમે જમવાનું અંદર લઇને દરવાજો બંધ કરી દીધો. એણે જમવાનું ટેબલ પર સજાવીને રેશ્માને કહ્યું, "બીજી બધી વાતો પછી.. પહેલા જમી લઇએ." રેશ્મા હળવું હસવા લાગી. હવે એ પણ સ્વસ્થ થઇ ગઇ હતી. એ બાથરૂમમાં જઇને હાથ મોં ધોવા ગઇ જ્યારે વિક્રમે ટેબલ પર મટર પનીર, નાન, કચુંબર, અને છાશ પ્લેટમાં કાઢ્યા. પછી બંને એ સાથે મળીને ભોજન કર્યું. ભોજન પતાવીને વિક્રમ થોડીવાર બહાર ચાલ્યો ગયો. કારણ કે એને રાત્રે જમ્યા પછી સિગારેટ પીવાની આદત હતી. તો એ સિગારેટ પીવા ગયો. જ્યારે રેશ્મા કમરાં માં બેસીને વિચારી રહી હતી કે શું વિક્રમ હવે એની સાથે સંબલગઢ શોધવા આવશે? જે ઘટના યુવરાજ શુદ્ધોદન ની કબરમાં ઘટી હતી એ પછી એ પોતે પણ સંબલગઢ જવા ઇચ્છતી ન હતી. પણ એ શું કરે? એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. સંબલગઢના લોકોનું અમર કહી શકાય એવા જીવન પાછળ ના રહસ્ય ઉપર જ રેશ્માએ મીટ માંડી હતી. એટલે જો વિક્રમ સંબલગઢ શોધવા એની સાથે ન આવે તો એને પોતે જ જવું પડશે. અને એ વિક્રમને પોતાની સાથે આવવા માટે ફોર્સ નહીં કરી શકે. કારણ કે એ એ હક ખોઇ ચૂકી છે. એટલે હવે આગળનો સફર કદાચ એને એકલીને જ કરવો પડશે.

એટલામાં બારણે ટકોરા પડ્યા. રેશ્માએ દરવાજો ખોલીને જોયું તો વિક્રમ હતો. વિક્રમ અંદર આવીને સોફા પર બેસ્યો. રેશ્મા એની બાજુમાં બેસી ગઇ. એ વિક્રમ સામે તાકી રહી હતી. વિક્રમે એની સામે જોયું. એ થોડી અસમંજસમા હોય એવું એને લાગ્યું. એણે રેશ્મા બોલે એની રાહ જોવાનું નક્કી કર્યું.

" તો...?"

" તો શું તો...?"

" અહીંથી આગળ એટલે સંબલગઢ તરફ કે અમદાવાદ તરફ?" રેશ્માએ અચકાતા અવાજે પુછ્યું.

" તું કઇ બાજુ જવાનું વિચારી રહી છે?" વિક્રમે સામો પ્રશ્ન કર્યો.

પહેલા તો રેશ્માએ કંઇ જવાબ ન આપ્યો. થોડીવાર શાંત રહીને એણે મન મક્કમ કરીને વિક્રમને કહ્યું," હું સંબલગઢ તરફ જવા માગું છું."

વિક્રમ બે ઘડી એની આંખોમાં જોઇ રહ્યો. જાણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો હોય કે રેશ્મા શું બોલી રહી છે. આજે જે ઘટના ઘટી એ પછી વિક્રમને લાગ્યું ન હતું કે રેશ્મા હજુ સંબલગઢ શોધવા માગે છે. આજે એમનો જીવ માંડ માંડ બચ્યો છે. સંબલગઢમાં આનાથી પણ મોટો ખતરો હોવાની સંભાવના છે. અને રેશ્મા પણ એ વાત સારી રીતે સમજે છે. છતાં એ સંબલગઢ શું કામ જવા માગે છે એ એને સમજાતું ન હતું. સંબલગઢની શોધ એના માટે આટલી જરૂરી શું કામ છે? વિક્રમે મનનું સમાધાન કરવા માટે રેશ્માને પુછ્યું, " આજે આપણે મુસીબતનો સામનો કર્યો હતો... નહીં નહીં... સામનો કર્યો હતો નહીં.. પણ મુસીબતથી બચીને ભાગ્યા હતા એ મુસીબત જો સંબલગઢમાં કે સંબલગઢ જવાના રસ્તામાં પડી તો તું શું કરીશ?"

રેશ્માને વિક્રમના પ્રશ્નમાં ટોણાનો રણકો સંભળાય રહ્યો હતો. એની પાસે વિક્રમના પ્રશ્ન નો જવાબ નહોતો. છતા એણે કહ્યું," એની પુર્વ તૈયારી હું કરી રાખીશ. પણ હું સંબલગઢ શોધીને જ રહીશ. "

રેશ્માની મક્કમતા જોઇને વિક્રમને અચંબો થયો. અને સાથે સાથે મનોમન એને ખુશી પણ થઇ. કારણ કે એણે પોતે પણ નિર્ણય લઇ લીધો હતો. એ પોતે પણ સંબલગઢ જવા માગતો હતો. આજે જે થયું એ પછી એને થોડો ડર જરૂર લાગવા લાગ્યો હતો. પણ હવે એની જીજ્ઞાસા ખૂબ વધી ગઈ હતી. જો આજે એ ડરીને પાછળ હટી ગયો તો જીંદગીભર પોતાનું સ્વપ્ન પુરૂ ન કરી શક્યો એનો અફસોસ એને જરૂર રહી જશે. એથી એ પણ સંબલગઢ જવા તૈયાર થયો હતો. એણે રેશ્માને કહ્યું, " તો.. હવે આપણે સાથે જ સંબલગઢનું રહસ્ય ઉકેલીશું."

રેશ્માની આંખો સુખદ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. એને વિશ્વાસ ન આવ્યો વિક્રમની વાત પર. મતલબ વિક્રમ પણ એની સાથે જ આવશે. એને લાગ્યું કે વિક્રમ નહી આવે પણ એ તો તૈયાર થઇ ગયો. સારૂ થયું જો વિક્રમ એની સાથે આવે છે. બંનેને એકબીજાનો સાથ મળશે. અને બંનેનું સ્વપ્ન પુરુ થશે. એણે વિક્રમને કહ્યું, "વિક્રમ, તારો આ ફેંસલો સાંભળીને મને બવ જ આનંદ થયો. પણ સાચું કહું તો મને નહોતું લાગ્યું કે તું મારી સાથે આવીશ. આજની ઘટના બાદ મને લાગ્યું કે તું અમદાવાદ જવાનું નક્કી કરીશ. જાણું છું કે એ નિર્ણય જરાય ખોટો નથી. પણ સંબલગઢ શોધવા મારી સાથે આવવા બદલ આભાર તારો.."

" તને યાદ છે મારા પપ્પા શું કહેતા હતા? ", વિક્રમે કહ્યું," જેના જીવનમાં કોઈ સપનાં નથી હોતા એ સાવ નિરર્થક જીવન જીવે છે. પણ એનાથી પણ વધુ નિરર્થક એ છે કે જે સપનાં તો જુએ છે પણ એને પુરા કરવાની હિંમત નથી કરતો. એ વિચિત્ર જીવો સાથેની ભયાનક અથડામણ પછી મને થોડો ડર જરૂર લાગ્યો છે પણ હવે હું સંબલગઢનું રહસ્ય જાણવાની તાલાવેલી અનેક ગણી વધી ગઈ છે. એ જાણ્યા વગર મને ચેન નહીં પડે. એટલે આપણે સાથે જઇશું. "

રેશ્માને એની વાત ગળે ઉતરી ગઇ. વિક્રમના પિતાજી પણ વિક્રમની જેમ એક આર્કિયોલોજીસ્ટ હતા. સંબલગઢ શોધવાનું સપનું વિક્રમને એમની પાસેથી જ વિરાસતમાં મળ્યું હતું.

વિચારો ખંખેરીને એણે કહ્યું," તો હવે શું કરવાનું છે? "

" સંબલગઢ કર્ણાટક રાજ્યમાં કાલી નદીની દક્ષિણમાં આવેલું છે. તો આપણે ત્યાં જવાની તૈયારી કરવાની છે."

"હંઅઅઅ.." રેશ્માએ જાણે કંઇ સાંભળ્યું ન હોય એમ બોલી.

" શું વિચારે છે?" વિક્રમે પુછ્યું.

" મને એક વાત નથી સમજાતી..." રેશ્માએ કહ્યું," કે યુવરાજ શુદ્ધોદનની કબર રણમાં કેમ હતી?"

વિક્રમને કંઇ સમજાયું નહીં. આ શુદ્ધોદન વળી કોણ? એણે કહ્યું, " રેશ્મા આ તું શું બોલી રહી છે?"

રેશ્માએ એની સામે જોયું. અચાનક એને ભાન થયું કે એને કબરમાં જે જાણ્યું છે એ વિક્રમને કહ્યું જ નથી. એને અફસોસ સાથે" ઓહ્... શીટ.. " કહેતા પોતિની હથેળી કપાળ પર મારી. પછી એણે નજર ઉપાડીને વિક્રમ તરફ જોતા કહ્યું, " વિક્રમ... આઇ એમ સો.... સો સોરી. પેલા વિજય અને પેલી ટ્રેપ અને પછી ઓલા ભયાનક જીવોને લીધે મને એ કબર માંથી શું જાણવા મળ્યું છે એ તો હું તને કહેતા જ ભુલી ગઇ."

" તને ત્યાં થી કંઇ જાણવા મળ્યું છે..?" વિક્રમે આશ્ચર્યચકિત સ્વરે પુછ્યું.

" હા.."

" શું જાણવા મળ્યું છે.. "

રેશ્માએ કહ્યું," એ કબર માં જે વ્યક્તિ સુતી હતી એ કોઈ યુવરાજ શુદ્ધોદન ની કબર હતી."

" યુવરાજ.?", વિક્રમે કહ્યું, તો એ કોઇ રાજાની કબર ન હતી જેવું આપણને લાગ્યું હતું? "

" નહીં. એ પંચાવતી રાજ્યના યુવરાજ શુદ્ધોદન હતા. અને એ કોઇ લક્ષ્ય તરફ જઇ રહ્યા હતા. પણ ત્યાં પહોંચતા પહેલા જ શુદ્ધોદન મૃત્યુ પામ્યા અને એના સૈનિકો એ એમના મૃતદેહ માટે એ કબર બનાવી હતી. "

પંચાવતી રાજ્ય નું નામ સાંભળતા જ વિક્રમને ઝાટકો લાગ્યો. પંચાવતી રાજ્ય. એને વિશ્વાસ ન આવ્યો. એણે રેશ્માને ફરી પુછ્યું," તને પાક્કી ખાતરી છે કે ત્યાં પંચાવતી જ લખ્યું હતું? વાંચવામાં ભૂલ તો નથી થઇને? "

વિક્રમનો આવો પ્રતિભાવ રેશ્મા માટે અપેક્ષિત ન હતો. એણે વિક્રમને કહ્યું, "હા વિક્રમ.. પણ તું એવું કેમ પુછે છે? પંચાવતી અને સંબલગઢ વચ્ચે કોઇ સંબંધ છે?

" તને ખબર નથી?"

" નહીં."

વિક્રમે કહ્યું, " સંબલગઢ એ જ પંચાવતી છે. "

રેશ્માને ખુબ આશ્ચર્ય થયું. સંબલગઢ અને પંચાવતી બંને એક જ છે! એ કઇ રીતે શક્ય છે.? " વિક્રમ જરા મને સમજાવ કે તું શું કહેવા માગે છે."

" તો સાંભળ.. " વિક્રમે કહ્યું, " તને તો ખબર જ છે કે મારા પિતા પણ સંબલગઢ શોધવા માગતા હતા. તો એમના પ્રયાસો દરમિયાન મારા પપ્પાએ એક ડાયરી બનાવી હતી. જેમાં એમણે એમની રિસર્ચ નોટડાઉન કરી હતી. એમાં એમણે લખ્યું હતું કે સંબલગઢ એ જ પંચાવતી છે. ગઢ નો સામાન્ય મતલબ કિલ્લો થાય છે એ તો તને ખબર જ છે."

" હંઅ.. "

" હવે પંચાવતી નો ગઢ એટલો મજબૂત હતો કે એના આજુબાજુના રાજ્યો એને 'સબલગઢ' કહીને બોલાવતા હતા. સબળ એટલે મજબૂત યુ નો.. એટલે શરૂઆતમાં એને સબલગઢ કહીને બોલાવાતો, પછી એનું અપભ્રંશ થઇને સંબલગઢ થઇ ગયું હશે. " વિક્રમે કહ્યું.

હવે રેશ્માને આખી વાત ગળે ઉતરી ગઇ. તો સંબલગઢ એ જ પંચાવતી છે. પણ એને એ વાતની ખબર નહોતી કે વિક્રમના પપ્પા પાસે એક ડાયરી પણ હતી. વિક્રમે એના વિશે ક્યારેય વાત તો કરી ન હતી. એણે પુછ્યું," વિક્રમ, તે આ ડાયરી વિશે મને ક્યારેય જણાવ્યું નહી.."

વિક્રમે કહ્યું, " જરૂર જણાવત... પણ તું તો પ્રોફેસર નારાયણની ટીમમાં જોડાઇ ગઇ હતી."

રેશ્મા કંઇ ન બોલી. એને ખબર હતી કે અત્યારે આ બાબત પર વિવાદ કરવાનો કોઇ અર્થ નથી. સામી બાજુ રેશ્માના મૌન પર વિક્રમે પણ કંઈ પ્રતિક્રિયા ન આપી.

" હા પણ પ્રશ્ન તો હજુ એનો એ જ છે ને વિક્રમ, " થોડીવાર રહીને રેશ્માએ કહ્યું.

" સંબલગઢના યુવરાજ પોતાના ઘરેથી આટલા દુર શું કામ હતા અને એ ક્યાં જઇ રહ્યા હતા?"

(ક્રમશઃ)

* * * * *