કવિતા ડૉક્ટરની કેબિનમાં ગઈ. ડૉક્ટરે એને બેસવા માટે કીધું. કવિતા બેઠી એટલે ડૉક્ટરે વાત શરૂ કરી. એક-બે દિવસમાં આકાશને ડિસચાર્જ કરવા અંગે જણાવ્યું. આકાશને કઈ મેડિસિન્સ કેટલાં દિવસ માટે આપવાની છે એનાં વિશે માહિતી આપી. ફિઝિયો થેરપી ટ્રીટમેન્ટ ચાલુ કરવાં માટે કહ્યું. આકાશની કેવી રીતે સંભાળ રાખવાની છે તે સમજાવ્યું.
કવિતા લગભગ દોઢ કલાક પછી ડૉક્ટરની કેબિનમાંથી બહાર આવી. જે મેડિસિન્સ નહોતી એ લઈ આવી. રૂમમાં આવી લંચ કર્યું. પછી થોડીવાર આરામ કર્યો. સાંજે ફરી એને થયું કે 'વર્ષા જોડે વાત કરી લઉં.' જેવો એણે મોબાઈલ હાથમાં લીધો જ હતો ને વૉર્ડ બૉય આવ્યો,
"પેશન્ટને દસ મિનિટમાં અહીંયા શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે."
કવિતાએ મોબાઈલ મૂક્યો. આકાશનાં આવવા પહેલાં રૂમ સરખો કરવા લાગી. આકાશ આઈ.સી.યૂ.માંથી રૂમમાં શિફ્ટ થઈ ગયો. ડૉક્ટરે જે વાત કહી એ આકાશને જણાવી. હૉસ્પિટલમાંથી જ આપવામાં આવેલું ડિનર કર્યું. સૂઈ ગયાં. બીજાં દિવસે સવારે અનંત આવ્યો. કવિતા ઘરે પહોંચી. કામ પતાવ્યું. બપોરે જમીને જરા આડી પડી ને આકાશનો ફોન આવ્યો.
"હૅલૉ, કવિતા. તું હમણાં હોસ્પિટલ આવી જા. ડૉક્ટર સાંજે ડિસચાર્જ આપવાનું કહે છે."
" ઠીક છે. પહોંચું છું હમણાં."
કવિતા પહોંચી હોસ્પિટલમાં. ફોર્માલિટિસ પતાવી. હોસ્પિટલનું બિલ ચૂકવ્યું. આકાશને લઈ ઘરે આવી. આકાશને ઘરે લાવ્યા પછી પણ આખો દિવસ એનો આકાશની સેવામાં, ઘરનાં કામમાં નીકળી જતો હતો. ન તો એ વર્ષાનાં ઘરે જઈ શક્તી હતી કે આકાશને લીધે ન વર્ષા એનાં ઘરે આવી શક્તી હતી.
આકાશનું કામ બંધ થઈ ગયું હતું. હોસ્પિટલ પાછળ પણ ઘણાં પૈસા ખર્ચાઈ ગયાં હતાં. એક રાત્રે આકાશ ને કવિતા વાતો કરતાં હતાં . કવિતા એ આકાશ સામે એક વાત મૂકી,
"આકાશ, એક વાત કરવી છે."
"હા, બોલ."
"મને વિચાર થાય છે કે અંદરની નાની રૂમમાં બ્યૂટી પાર્લર શરૂ કરું. ઘરબેઠાં જે આવક થાય તે ખરી."
"ઘરનું કામ કરવાનું, મને સંભાળવાનું, ને પાછું આ કામ. બધું એકસાથે કેવી રીતે કરી શકીશ?"
"થઈ જશે, હું મેનેજ કરી લઈશ."
"ઠીક છે, તને ફાવે તો કર."
કવિતાએ ઘરની બહાર બોર્ડ લગાડ્યું. પેમ્પલેન્ટ બનાવી ઘરે ઘરે પહોંચતાં કરવાં માટે આપી દીધાં. ધીરે ધીરે કસ્ટમર આવવા લાગ્યાં. શરૂમાં એકદમ જ ઓછાં આવતાં હતાં. પણ પછી વધારે આવવા લાગ્યાં. કવિતા એકદમ જ સારી રીતે બધું જ મેનેજ કરી રહી હતી. આવક થતી હોવાથી નિરાંત પણ હતી. આકાશ પણ કવિતાની મહેનત જોઈ ગર્વ અનુભવી રહ્યો હતો.
કવિતાને હવે ફુરસદ રહેતી જ નહિ. મોબાઈલથી વર્ષા જોડે ક્યારેક સંપર્ક કરી લેતી હતી. પણ પહેલાં જેવી વાતચીત થતી હતી , હવે એવી થતી ન હતી. આમ પણ વર્ષાને પહેલાં જ નજીવી વાત માટે મનમાં ખટરાગ થઈ જ ગયો હતો. જે હવે ધીરે-ધીરે વધી રહ્યો હતો. બંને વચ્ચે હવે માત્ર ઔપચારિકતાનો સંબંધ જોવા મળતો હતો. કવિતાનું કામ ખૂબ જ વધી ગયું હતું. વર્ષા સાથેનાં સંબંધને તો ઠીક પણ બીજાં પોતાનાં અંગત સંબંધો સાચવવા માટે પણ ટાઈમ રહેતો ન હતો. પોતાનાં કામમાં જ ઘણી વ્યસ્ત રહેવાં લાગી હતી. વર્ષા કવિતાથી નારાજ જણાતી હતી. કવિતાને સમજાતું તો હતું પણ હમણાં એની પરિસ્થતિ જ એવી થઈ ગઈ હતી કે વર્ષા સાથેનાં સંબંધ કરતાં આકાશની સેવા અને પાર્લર ચલાવવું વધારે મહત્તવનું થઈ ગયું હતું.
આકાશ પણ હવે બેડ રેસ્ટ કરી કરીને કંટાળ્યો હતો. ધીરે-ધીરે વૉકર પકડીને ઘરમાં ને ઘરમાં ચાલતો હતો. પગની એક્સર્સાઈઝ કરતો રહેતો હતો. જેમ બને એમ જલ્દી રીકવરી કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. થોડું થોડું પોતાનું કામ જાતે કરી રહ્યો હતો. કવિતાનો ભાર હળવો કરવા પ્રયાસ કરી રહ્યો હતો.
(ક્રમશ:)