Aage bhi jaane na tu - 11 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 11

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આગે ભી જાને ના તુ - 11

પ્રકરણ - ૧૧/અગિયાર

ગતાંકમાં વાંચ્યું.....

રતન અને રાજીવ ખીમજી પટેલને મળવા જાય છે. ખીમજી પટેલ એમને આઝમગઢની કહાણી સંભળાવે છે. રાત્રે જોરાવરસિંહ સાથે વાત કરતાં રાજીવ અને રતનને ખબર પડે છે કે અનંતરાય અને જોરવરસિંહ બાળપણના મિત્રો છે. જોરવરસિંહ બંનેને બાળપણની વાત કરે છે.....

હવે આગળ......

"જમનામાસી, આજે નાસ્તામાં ગરમાગરમ ઉપમા થઈ જાય," રોશની મોબાઈલમાં મેસેજ વાંચતી દાદરો ઉતરી રહી હતી.

"આજકાલની પ્રજા તોબા તોબા. જ્યારે જુઓ ત્યારે દસે આંગળીઓ મોબાઇલ પર ચોંટેલી હોય. છોકરીઓ રોટલી તો દુનિયાના નકશા જેવી બનાવશે પણ સ્ટેટસ પર ગોળ દડા જેવા ફુલકાનો ફોટો મુકશે ને પાછું લખશે મેડ બાય મી અને છોકરાઓ ઘરમાં ઘરઘાટીની જેમ ફરતા હશે પણ પ્રોફાઈલમાં તો એવા ફોટા અપલોડ કરશે જાણે દુનિયા એમની મુઠ્ઠીમાં છે." સુજાતાએ બળાપો કાઢ્યો, "રોશની, દીકરા ચાલતા ચાલતા જરા આજુબાજુ પણ ધ્યાન રાખ, ક્યાંક દાદરો ચુકી ગઈ તો તારા ને તારા મોબાઈલના બંનેના હાડકાં ખોખરા થઈ જશે ને બંનેને એમના સ્પેશિયલીસ્ટ પાસે લઈ જવા પડશે." સુજાતા આરતીની થાળી અને પ્રસાદ લઈ ઘર મંદિરમાં ગઈ.

"અરે..... મમ્મી.... કાંઈ નહીં થાય. અમને તો ઉઠાડેય મોબાઈલ ને સુવડાવેય મોબાઈલ. માસી ઉપમા થોડો તીખો બનાવજો. મનીષને તીખું ખાવાની આદત છે."

"વા......હ....., મનીષકુમારની પસંદ નાપસંદનો બહુ ધ્યાન રાખે છે તુ," જમનાબેને ઉપમા બનાવવાની તૈયારી શરૂ કરી.

"એ તો શું છે ને માસી, પતિના દિલ સુધી પહોંચવાનો રસ્તો એના પેટથી થઈને જાય છે ને અને દિલ પાસે જ ખિસ્સું હોય છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો તો જોઈએ ને," રોશની મંદિરમાં જઈ સુજાતા સાથે કુળદેવીની આરતી પૂજાની તૈયારીમાં લાગી ગઈ.

મનીષકુમારને અનંતરાય હાથ પકડી બંને વાતો કરતા કરતા ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા હતા. નીચે આવી મનીષકુમારે ઓફિસની બ્રિફકેસ કોર્નર ટેબલ પર મૂકી ને બંને રોશની અને સુજાતા સાથે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. જમનાબેન ઉપમાની પ્લેટો અને ચાના કપ ગોઠવી ગયા. રોજિંદી વાતો સાથે ચા-નાસ્તો પતાવી અનંતરાય અને મનીષકુમાર ઓફિસ જવા રવાના થયા.

*** *** ***

સવારમાં રોટલા ને ચાનો નાસ્તો કરી રતન અને રાજીવ નિત્યક્રમ આટોપી તૈયાર થઈ મંદિરે જઈ ખીમજી પટેલને મળવા નીકળી ગયા.

"રાજીવ, આપણું કોલેજમાં મળવું, દોસ્ત બનવું, તારું અહીં આવવું, આપણા બંનેના પિતા પણ એકબીજાના મિત્ર હતા, આ બધું અનાયાસે ક્યાંક ને ક્યાંક કોઈ કડીથી જોડાયેલુંછે. જોગ સંજોગ કે ઋણાનુબંધ જે હોય, મને તો આમાં પણ કુદરતનો કોઈ સંકેત લાગે છે." મંદિરેથી નીકળી બુલેટ પર બેસતા જ રતને રાજીવને આગલી રાત્રે જોરવરસિંહ સાથે થયેલી વાતચીતનો તાળો મેળવવાનો પ્રયાસ કર્યો.

"હા... રતન, મને પણ એવું જ કંઈક લાગે છે. ક્યાંક, કશુંક, કોઈ ખૂટતી કડી છે જે આપણે શોધવાની છે."

મંદિરેથી પાછા ફરતા ગામની બજાર વચ્ચેથી નીકળી રતને ગામના ચોરે બેઠેલા લોકો સાથે રાજીવની ઓળખાણ કરાવીને ડાબે જમણે થઈ બે-ત્રણ ફળીયા વટાવી બંને ખીમજી પટેલની ડેલીએ આવી પહોંચ્યા ત્યારે ખીમજી પટેલ આંગણામાં ઢાળેલા ખાટલે એક હાથે મોબાઈલ કાને ધરી કોઈની સાથે વાત કરી રહ્યા હતા અને બીજા હાથે બીડીના કશ લઈ રહ્યા હતા. રતન અને રાજીવને જોઈ એમને સામે ખાટલે બેસવાનો ઈશારો કરી ફોન પર વાત ટૂંકાવી ફોન કટ કરી નોકરને ત્રણે જણ માટે ચા બનાવવાનું કહી ગઈકાલે અડધી મુકેલી વાતને આગળ વધારી.

"તમને આગળ જણાવ્યું એમ તરાનાનું નૃત્ય જોવા રાજમહેફિલમાં ભીડ જામતી. વીજળીવેગે નાચતી તરાનાને જોતા ત્યાં હાજર રહેલા લોકોના શરીરમાં પણ વીજળી જેવો કરંટ પાસ થતો. એની મારકણી અદા, એના ઘૂંઘરૂંઓનો રણકાર અને આમિર અલીની તબલા પર પડતી થાપ અનેરું વાતાવરણ ઉભું કરતા. રાજા ઉદયસિંહ એ બંને પર આફરીન પોકારી જતા. આમિર અલી અને તરાના પર રાજા ઉદયસિંહની ચારે હાથે મહેર હતી. તરાના નૃત્યમાં જેટલી માહેર હતી એટલી જ ઇન્સાનને ઓળખવામાં પણ ઉસ્તાદ હતી. ગમે એવી વ્યક્તિ પણ એની બાજનજરમાંથી છટકી નહોતી શકતી. એને માણસ ઓળખવાની કળા હતી. કોની સાથે કેવી રીતે વર્તવું એ બરાબર જાણતી હતી. કેટલું બોલવું, ક્યારે અટકવું અને ક્યારે છટકવું એ ત્રણે બાબતે તરાનાને કોઈ પહોંચી શકે એમ નહોતું તો આમિર અલી પણ ભડવીર હતો. પોતાની અને તરાનાની સુરક્ષાનો ખ્યાલ એ હમેશા રાખતો. તરાનાના વ્યક્તિત્વથી પરિચિત લોકો એનાથી બે ગજ દૂર જ રહેતા. એની દેહયષ્ટિ પર નજર બગાડનાર વ્યક્તિને જ્યારે તરાના પાઠ ભણાવતી ત્યારે ભલભલી વ્યક્તિઓ એ ઝેરીલી નાગણ જેવી તરાનાને છંછેડવાનું ભૂલી જતા. શિકારી સિંહણ જેવી તરાના સામે આંગળી પણ ચીંધવી એ લોઢાના ચણા ચાવવા જેવી હતી. બસ એક જ વાત વિસ્મયકારક હતી કે તરાનાને ક્યારેય પણ કોઈએ કમરપટ્ટા વગર નહોતી જોઈ. એ ગમે ત્યાં જાય કે ગમે એ કામ કરતી હોય એની કમરેથી ક્યારેય કમરપટ્ટો દૂર નહોતો થતો. સૂતી વખતે પણ એ કમરપટ્ટો ઓશિકા નીચે મૂકી રાખતી"

અવિરત બોલવાથી ખીમજી પટેલના ગળે શોષ પડવાથી એમણે રતનને પાણી આપવા માટે ઈશારો કર્યો. રતન ઉભો થઇ અંદર રસોડામાં જઈ પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. પાણી પી ફરીથી બીડી સળગાવી ખીમજી પટેલે નિરાંતનો કશ લઈ ખાટલે મુકેલા તકીયાને અઢેલીને બેઠા એટલીવારમાં નોકર ચાના કપ મૂકી ગયો.

"વા....હ.... ચા તો સરસ છે જ પણ ચા ના કપ એનાથી વધુ સરસ છે. ખીમજીબાપા તમે તો એકલા રહો છો તો તમારી પાસે આવા સરસ રજવાડી સ્ટાઇલના કપ ક્યાંથી?" રતને ઓફ વ્હાઇટ કલરના કપ પર સુંદર ગોલ્ડન વેલબુટીનું પેઇન્ટિંગ વર્ક જોઈ ખીમજી પટેલને પ્રશ્ન પૂછ્યો.

"આ કપ પણ આઝમગઢના રાજમહેલના છે. એક વખત રાજા ઉદયસિંહએ રાણી ચિત્રાદેવી માટે એક નવલખો હાર બનાવવા આપ્યો હતો અને મારા શેઠ વલ્લભભાઈ પારેખે આપેલા સમય કરતાં પહેલાં એ હાર બનાવી મારી મારફત આઝમગઢ ઉદયસિંહને હાથોહાથ સોંપવા મને મોકલ્યો હતો. આપેલી મુદત પહેલા જ એમને હાર મળી જતાં એમણે મને આ રજવાડી કપનું ખોખું ભેટ આપ્યું હતું જેમાં બાર કપ હતા જેમાંથી સમયાંતરે અમુક તૂટી ગયા હવે ચાર-પાંચ કપ બચ્યા હશે."

"હમમમમમ...." રતન અને રાજીવે સાથે જ હોંકારો પુરાવ્યો.

વાતોવાતોમાં સમયની રેતી સરકી રહી હતી. આગળ શું થયું હશે એ જાણવાની આતુરતા દિલમાં અકબંધ ધરબી ખીમજી પટેલ વાત આગળ વધારે એની રાહ જોતા રતન અને રાજીવ એકબીજાને જોતા ગુમસુમ બેઠા હતા પણ ખીમજી પટેલ મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા. આમપણ જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિની રાહ જોતા હોઈએ ત્યારે સમય પણ ધીમો ચાલતો હોય એવું લાગે. એક એક પળનો ઇન્તેઝાર કલાકોનો લાગવા માંડે છે આવું જ કંઈક અત્યારે રતન અને રાજીવ સાથે થઈ રહ્યું હતું. જેમ જેમ એ બંને રહસ્ય જાણવાની ઉતાવળ કરતા હતા તેમ તેમ ખીમજી પટેલ ભૂતકાળની પળોમાં ખોવાઈ જઈ નિરાંતે વાતને આગળ વધારતા હતા.

"હવે મૂળ વાત પર આવીએ. ઉદયસિંહનો એક નાનો ભાઈ હતો અર્જુનસિંહ જે એ જમાનામાં વિલાયત જઈને ભણીગણીને આવ્યો હતો. અર્જુનસિંહની નજર અને દિલ બંનેમાં તરાના વસી ગઈ હતી પણ તરાના આગળ એની દાળ ગળતી નહોતી. એ તરાનાને પોતાના વશમાં કરી શરીરમાં ભભૂકતી કામવાસના ઠારવા માંગતો હતો. તરાનાને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો એટલે એ અર્જુનસિંહથી ચેતીને ચાલતી. પણ એક દિવસ અર્જુનસિંહને મોકો મળી ગયો. ઉદયસિંહે આમિર અલીને કોઈ મહત્વનું કામ સોંપતા એ જોધપુર ગયો હતો અને તરાના એની હવેલીમાં નોકરાણી લાજુબાઈ અને એની દીકરી સાથે એકલી હતી. આમ તો અરવલ્લી-રાજસ્થાન પ્રદેશમાં કાયમ વરસાદની અછત રહેતી પણ એ કાળઘેરી અમાસી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો જેના પગલે આમિર અલીને જોધપુરમાં જ રોકાવું પડ્યું હતું. આ તકનો લાભ લઈ મોડી રાતે અર્જુનસિંહ તરાનાની હવેલીએ આવી પુગ્યો. લાજુબાઈ દરવાજા પાસેના ઓરડામાં પોતાની દીકરી સાથે સૂતી હતી અને તરાના ઉપર એના ઓરડામાં સૂતી હતી. બહાર તૈનાત ચોકીદાર હરિલાલને થોડાક રજવાડી રૂપિયાની લાલચ આપી અર્જુનસિંહે એની પાસે રહેલી ચાવીથી હવેલીની દરવાજો ખોલીને અંદર દાખલ થઈને ચોર પગલે તરાનાના ઓરડામાં દાખલ થયો. એક તરફ ગાજવીજ સાથે વરસી રહેલો વરસાદ અને બીજી તરફ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકની અસરથી તરાના આવનારી આફ્તથી અજાણ શાંતિથી પલંગમાં સૂતી હતી. ઝુમ્મરમાં સળગતી મીણબત્તીઓના આછા પ્રકાશમાં તરાનાનું સૌંદર્ય વધુ નિખરી ઉઠ્યું હતું.

"કોણ છે..... કોણ છે? હરિલાલ.... " તરાનાએ ઉભા થવાનો અસફળ પ્રયાસ કર્યો. એના શરીર પર એક ઓળો ઝળુંબી રહ્યો હતો. ધીમે ધીમે એની ઓઢણી છાતી પરથી નીચે સરકતી લાગી. એ ઓળાનો ભાર હવે તરાનાને વધતો જણાઈ રહ્યો હતો. એણે ઓળાને બંને હાથે ધક્કો મારવાની વ્યર્થ કોશિશ કરી જોઈ.

"હરિલાલ..... લાજુબાઈ.... હ...રિ....લા...." આગળના શબ્દો મોઢામાં જ રહી ગયા. ઓળારૂપી અર્જુનસિંહે તરાનાનું મોં દબાવી દીધું. એક હાથે તરાનાનું મોઢું દબાવી રાખી અર્જુનસિંહનો હાથ ધીમે ધીમે તરાનાના શરીર પર ફરવા લાગ્યો. તરાનાએ શરીર પર સેંકડો સાપ સરકતા હોવાની લાગણી અનુભવી. અર્જુનસિંહનો હાથ તરાનાની પીઠ પાછળ જઈ એની ચોળીની બાંધેલી દોરીઓના ફુમતા પર જઇ અટક્યો. એક જ ઝાટકે ફુમતા ખેંચતા દોરીઓ ખુલી ગઈ. હવે અર્જુનસિંહનો હાથ તરાનાની પીઠ પસરાવતો નીચે તરફ સરકવા લાગ્યો.

તરાનાએ લાગ જોઈ મોઢે દાબેલા અર્જુનસિંહના હાથે જોરથી બચકું ભરી લીધું અને જેવો અર્જુનસિંહે હાથ હટાવ્યો કે તરત જ તરાનાએ અર્જુનસિંહના બે પગ વચ્ચે બને એટલી તાકાતથી લાત ફટકારી. અર્જુનસિંહ તરાનાના અણધાર્યા વારથી હેબક ખાઈ પલંગ પરથી નીચે પડ્યો. જેવો અર્જુનસિંહ નીચે પડ્યો કે તરાના એની છાતી પર ચડી બેઠી ને ચાર પાંચ તમાચા અર્જુનસિંહના ગાલ પર જડી દીધા, "અમે તો તારી રૈયત કહેવાઈએ અને રૈયતની આબરૂ એ રાજાની આબરૂ. નીચ.... તે મારી આબરૂ પર હાથ નાખીને રાજાની આબરૂ લીલામ કરવાની કોશિશ કરી છે, છોડીશ નહીં તને..." ક્રોધ અને આંસુઓથી તરાનાનો ચહેરો રાતોચોળ થઈ ગયો હતો.

"હરિલાલ..... ક્યાં મરી ગયો છે? લાજુબાઈ..... લાજુબાઈ..." તરાનાએ બુમો પાડી, "આ હરામી.... અહીં આવ્યો કેવી રીતે?" તરાના હજી અર્જુનસિંહને લાતો ફટકારી રહી હતી. અવાજ સાંભળી હરિલાલ ગભરાતો ગભરાતો ઉપર આવ્યો.

"ક્યાં મરી ગયો હતો અત્યાર સુધી, ક્યારની બુમો પાડું છું." એક હાથે હરિલાલની બોચી પકડી તરાના એની પૂછપરછ કરવા લાગી. તરાનાનું રૌદ્ર રૂપ જોઈ ડરીને ડઘાયેલો હરિલાલ બધું જ સાચેસાચું બકી ગયો. હકીકતની જાણ થતાં જ તરાના પલંગ પર હાથ ફેરવી ફંફોસતી ધૂંધળા પ્રકાશમાં કાંઈક શોધવા લાગી.

રતન અને રાજીવની ધીરજનો હવે અંત આવી ગયો હતો. બંને તરાનાના કમરપટ્ટાના રહસ્ય સુધી પહોંચવા માંગતા હતા.

"છોકરાઓ હવે બપોર વેળા થઈ ગઈ છે. જમવા ટાણું પણ થઈ ગયું છે. તમે પણ ઘરે જઈ જમીને આરામ કરો આપણે સાંજે વાત આગળ વધારશું," ખીમજી પટેલ ઉભા થઇ અંદરના ઓરડામાં જવા લાગ્યા.

"બાપા.... ખીમજી બાપા....... "રતન અને રાજીવ ખીમજી પટેલને રોકવાની કોશિશ કરવા લાગ્યા પણ ખીમજી પટેલ એકના બે ના થયા અને ઓરડામાં જઈ ધડામ કરતું બારણું બંધ કરી દીધું.

રતન અને રાજીવ સાંજે પાછા આવી વધુ જાણકારી પ્રાપ્ત કરવાની આશા મનમાં લઈ નિરાશ પગલે ઘર તરફ પાછા ફર્યા.

વધુ આવતા અંકે......

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.