Success: Money or Dream? - 4.5 in Gujarati Fiction Stories by Anil Patel_Bunny books and stories PDF | Success: Money or Dream? - 4.5

Featured Books
Categories
Share

Success: Money or Dream? - 4.5

પ્રકરણ ૪.૫ મુખ્ય પાત્ર પરિચય:
મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)
કિંજલ મહેતા રાજવંશી
આયાન રાજવંશી


ગતાંક થી ચાલુ,

પ્રકરણ: ૪.૫ The Love… Life… Experiences

મોહને એની નિયતિ ની ખોજ માં મહેતા સાહેબ નું ઘર છોડી દીધું. તેણે ખૂબ સંઘર્ષ કર્યો. તેણે ઘણી એડ માટે ઓડિશન આપ્યા, ફોટોશૂટ કરાવ્યા પણ તેને ફિલ્મો માં કામ કરવાની તક ના મળી. તે સમય માં આજના સમય ની જેમ વ્યવસ્થિત ઓડિશન લેવામાં આવતા ના હતા. એ પુરી પ્રક્રિયા સાવ અલગ હતી. તમારે જો ફિલ્મો માં કામ કરવું હોઈ તો તમારી પાસે કોઈ ની ઓળખાણ હોવી જરૂરી છે. આ હિસાબે જ મોહન ક્યાંય પસંદગી પામતો નહોતો. ઘણા વર્ષો ની મહેનત બાદ જ્યારે એને ફિલ્મો માં કામ કરવાની તક મળી એ જ સમય માં દુર્ભાગ્યે એની મા નું અવસાન થયું. એ પછી એણે ફિલ્મો માં કામ કરવાનું સપનું માંડી વાળ્યું અને તે સફળ એક્ટર બનવા કરતા સફળ વ્યક્તિ બનવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો, કેમકે શરત માટે ખૂબ જ ઓછો સમય હતો. તેણે એક એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ની કંપની માં કામ મળી ગયું. ત્યાં સારું કામ કમાઈને તેણે ખુદ નો બિઝનેસ ચાલુ કર્યો.

તેણે ખુદ નું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. ભગવાન ની દયા થી એ બિઝનેસ ખૂબ જ ચાલ્યો. હવે એ ભારત ના સફળ ઉદ્યોગપતિઓ માંથી એક હતો. 30 વર્ષ ની ઉંમરે એ મહેતાજી પાસે કિંજલ નો હાથ માંગવા આવ્યો. મોહન ને આટલો સફળ ઉદ્યોગપતિ થવામાં 7 ની જગ્યા એ 9 વર્ષ થવા છતાં મહેતાજી લગ્ન માટે રાજી થઈ ગયા કેમકે એને સફળ વ્યક્તિ થવામાં 5 જ વર્ષ થયાં હતાં, પણ એ ત્યાંથી થોભી ના ગયો અને બીજા વર્ષો માં એ સફળ ઉદ્યોગકાર બન્યો. આમ કિંજલ ને 2 વધારે વર્ષ રાહ જોવી પડી. તેમના લગ્ન થઈ ગયા અને તેના 2 વર્ષ બાદ તેમને ખુબ જ સુંદર બાળક અવતર્યો જેમનું નામ એ લોકો એ આયાન રાખ્યું. હવે એ લોકો સુખી જીવન જીવી રહ્યા હતા. એ લોકો જેવું જીવન જીવી રહ્યા હતા એવી જિંદગી જીવવા ઘણા લોકો તરસતા હોઈ છે. દુર્ભાગ્યે એ લાંબો સમય ના ચાલ્યું. શાયદ કોઈ ની ખરાબ નજર એમના સુખી સંસાર પર લાગી ગઈ.

મોહન એના બિઝનેસ માં વ્યસ્ત રહેવા લાગ્યો. આયાન નું પૂરું ધ્યાન કિંજલ રાખવા લાગી. કિંજલ જીવન માં ઘણું બધું કરવા માંગતી હતી, પણ તે કરી શકતી ના હતી. એકવાર મોહને આયાન ની સારસંભાળ રાખવા બેબી સીટર માટે કહ્યું, કે જેથી કિંજલ પોતાની કારકિર્દી બનાવી શકે, પણ તેણી એ ના પાડી દીધી. કિંજલ હંમેશા થી નિર્દેશક બનવા ઇચ્છતી હતી, જે કોઈ નાટક કે ફિલ્મ નું નિર્દેશન કરી શકે. પણ એ માટે સમય ફાળવી શકતી ના હતી. લગ્ન પછી એની પ્રાથમિક્તા હતી મોહન ની સંભાળ અને પ્રસુતિ બાદ આયાન ની સંભાળ. જ્યારે મોહન ની પ્રાથમિક્તા હવે ફક્ત પૈસા કમાવાની થઈ ગઈ હતી. એકવાર એને આ લત લાગી ગઈ પછી ક્યારેય છૂટી જ નહીં. આ જ મુખ્ય કારણ હતું બંને વચ્ચે ના અણબનાવ નું. બંને નાની-નાની વાત માં બાખડી પડતા. જેની સીધી અસર આયાન ના માનસપટ પર પડતી. તે રડવાથી વિશેષ બીજું કંઈ ના કરી શકતો. એની ભલાઈ માટે મોહન અને કિંજલ ઝઘડવાનું બંધ કરી દેતા, પણ આવું કેટલા સમય ચાલે? કિંજલ ની સહનશક્તિ નો હવે અંત આવી ગયો હતો. જેને હિસાબે એણે મોટું પગલું ભરવા વિચાર્યું. તેણે મોહન ને છૂટાછેડા આપવા અને અલગ થઈને મોહન થી મુક્ત થવા કોર્ટ માં અરજી કરી દીધી.

પાછા 1999 માં,

“શું કામ?” મોહને કિંજલ ને પૂછ્યું.
“તું મને આ પૂછી શકવાની હિંમત પણ કેમ કરી શકે છે? તું મારા વકીલ થી વાત કર.”
“પણ આવું તું મારી સાથે કેમ કરી શકે છે, કિંજલ?”
“હું આવું કેમ કરી શકું? એમ? હું આવું કેમ કરી શકું? આ સવાલ તું ખુદ ને પૂછ.”
“હું તને પ્રેમ કરું છું કિંજલ, અને આયાન ને પણ એટલો જ પ્રેમ કરું છું. હું તમારા બંને વિના રહી શકું એમ નથી. મને આખરી મોકો આપ. હું સારો પતિ બની ને બતાવીશ, હું સારો પિતા બની ને બતાવીશ. બસ મને આખરી મોકો આપ. હું તને ફરિયાદ ની કોઈ તક નહીં આપું, ભરોસો રાખ.” મોહને ઝળઝળિત આંખે આજીજી કરી.
“મેં તને એ બધી તક આપી જેનો તું હકદાર હતો. દર વખતે લાગતું કે બધું પહેલા જેવું સામાન્ય થઈ જશે, પણ એવું ક્યારેય ના થયું. હવે હદ થઈ ગઈ છે, મોહન. શાયદ તું ભારત નો સૌથી સફળ અને અમીર ઉદ્યોગપતિ હશે પણ તું એક પિતા અને પતિ તરીકે નિષ્ફળ થઈ ગયો. મેં આ 15 વર્ષ સહન કર્યું હવે નહીં થાય, મોહન.” કિંજલે મક્કમ થઈને કહ્યું.
“પણ…”
“અને તું કહે છે કે તું તારા દીકરા ને પ્રેમ કરે છે, મને એક વાત કહે, તે એને આટલા વર્ષો માં કેટલો સમય આપ્યો? તે કેટલા વર્ષ નો છે? તે ક્યાં ધોરણ માં ભણે છે એ ભી ખબર છે તને? તને બસ એના સ્કૂલ ની વાર્ષિક ફી કેટલી છે એ જ ખબર છે. શું તને ખબર છે એણે એની ડાયરી માં ‘હું પપ્પા થી નફરત કરું છું.’ એવું લખ્યું છે? હા એ તને નફરત કરે છે, અને આ નફરત મેં એના મગજ માં નથી ભરી, એ દેન તારી છે.”
મોહને એના દીકરા ને જોયો જે રૂમ ના દરવાજા પાસે ઉભો હતો. તે એની પાસે ગયો અને કહ્યું, “આયાન, આ મમ્મી શું કહે છે? કહી દે આ ખોટું છે!”
“એનાથી વાત ના કર.” કિંજલે કહ્યું.
“આયાન, પ્લીઝ મારી વાત સાંભળ. હું શાયદ એક ખરાબ પિતા રહ્યો છું, પણ હું એક સારો પિતા બની ને બતાવીશ, ભરોસો કર મારો. તારી મમ્મી ને સમજાવ કે આવું ના કરે. હું બંને ની સંભાળ રાખીશ.”
“આયાન, રૂમ ની અંદર જા બેટા.” કિંજલે કહ્યું.
“પ્લીઝ જવાબ આપ મને બેટા, શું હું સારો પિતા છું કે ખરાબ?”
“આયાન મેં કહ્યું ને રૂમ માં જા અને ભણવા લાગ.” કિંજલે કહ્યું.
“મને એક મિનિટ આપ, કિંજલ. મારે એનાથી વાત કરવી છે.” મોહને વિનંતી કરી.
“તે છેલ્લી વાર એની સાથે ક્યારે વાત કરી હતી, તને યાદ ભી છે?” કિંજલે પૂછ્યું.
“ના, મને યાદ નથી પણ મને એની જોડે વાત કરવા દે. પ્લીઝ મને આ હક તો આપ, પ્લીઝ.” મોહને રડતા રડતા આજીજી કરી.
“મારાથી વાત ના કરો, મને તમે પસંદ નથી. હું તમને નફરત કરું છું.” આયાને દ્રઢ અવાજે કહ્યું. એની અવાજ માં તિરસ્કાર ની ભાવના હતી. એ કહીને અંદર રૂમ માં જતો રહ્યો. મોહન કશું જ કરી ના શક્યો. બસ એ જમીન પર બેસી ગયો અને રડવા લાગ્યો.
“તને તારો જવાબ મળી ગયો, મોહન? હવે નીકળી જા અહીં થી. હવે અહીંયા અને મારી કે આયાન ની જિંદગી માં તારા માટે કોઈ જગ્યા નથી.”
મોહને અંતિમ વાર આશાભરી નજરે કિંજલ ને જોયું, પણ કિંજલે એને ફરીને ના જોયું. મોહન ની આશા નિરાશા માં ફરી ગઈ અને તે ત્યાં થી ચાલ્યો ગયો.

(ક્રમશ:)

આ સંપૂર્ણ નવલકથા English ભાષા માં Amazon તેમજ Google Play Books પર e-book અને paperback format માં ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે લેખક નો સંપર્ક કરો:

Anil Patel (Bunny)
Mobile: 91 9898018461 (Only Whatsapp)
E-mail: anil_the_knight@yahoo.in