Parku Sapanu – Divyesh Trivedi in Gujarati Moral Stories by Smita Trivedi books and stories PDF | પારકું સપનું – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
  • दरिंदा - भाग - 14

    अपनी बहन अल्पा के साथ हुई क्रूरता की सच्ची कहानी सुनकर मौलिक...

  • अजीब लड़की - 2

    यह कहानी मैंने अपने गाँव के ही एक बुजुर्ग जो कोलकाता में काम...

  • My Devil Hubby Rebirth Love - 56

    अब आगे रूही रूद्र को मारते हुए बोली  यह क्या कह रहे हो मां प...

  • दो पत्थरों की कहानी

    दो पत्थरों की कहानीनदी पहाड़ों की कठिन व लम्बी यात्रा के बाद...

  • आखेट महल - 9

    नौ पुलिस का आखेट महल रोड के पेट्रोल पम्प पर तैनात सिपाही उस...

Categories
Share

પારકું સપનું – દિવ્યેશ ત્રિવેદી

લોકલ ટ્રેનની ગતિ સાથે કેતવના વિચારોની ગતિનો મેળ બેસતો નહોતો. ઘડીકમાં વિચારો આગળ નીકળી જતા હતા તો ઘડીકમાં લાગણીઓ સડસડાટ દોડતી હતી. ટ્રેન ગમે ત્યાં વનવગડામાં ઊભી રહી જતી તો એને એવું લાગતું કે જાણે બધું જ થંભી ગયું છે. એમ તો એને ખબર હતી એ અમદાવાદ જઈ રહ્યો છે. મામાને ઘેર રહીને ભણવાનું છે. માતા-પિતાનું સ્વપ્ન એણે પૂરું કરવાનું છે. એકનો એક દીકરો છે. શિક્ષક માતા-પિતાની તીવ્ર ઈચ્છા એકના એક દીકરા કેતવને એમ.બી.એ.નો અભ્યાસ કરાવીને કોઈક મોટી કંપનીમાં મેનેજર તરીકે જોવાની છે. બહુચરાજી જેવા મધ્યમ કક્ષાના ગામની સ્કૂલમાંથી સારા ટકાએ એસ.એસ.સી. પાસ કર્યા પછી એના શિક્ષક પિતા નરેન્દ્રની ઈચ્છા હતી કે કેતવ હાયર સેકન્ડરી કૉમર્સનો અભ્યાસ અમદાવાદ રહીને જ કરે. કેતવનાં મમ્મી શોભનાબહેનના ભાઈ પ્રમોદરાય મહેતા અમદાવાદમાં સારો વેપાર ઘરાવતા હતા અને રાજકીય રીતે સક્રિય હોવાથી વગદાર પણ હતા. શોભનાબહેન અને પ્રમોદરાયના પિતા એટલે કે કેતવના નાનાજી અમૃતલાલ નિવૃત્ત સરકારી અધિકારી હતા અને પ્રમોદરાયની સાથે જ રહેતા હતા. પ્રમોદરાયને પણ એક દીકરો હતો. એ કેતવ કરતાં બે વર્ષ મોટો હતો. બહુચરાજી અને અમદાવાદના વાતાવરણ વચ્ચેના ભેદ હજુ કેતવના મનમાં બહુ સ્પષ્ટ નહોતા. છતાં એના મનમાં એટલું સ્પષ્ટ હતું કે એણે પિતાનું સ્વપ્ન પૂરું કરવા જ અમદાવાદ જવાનું છે.

કેતવને બારીની બહાર એકીટશે જોઈ રહેલો જોઈને નરેન્દ્રએ એના ખભે હાથ મૂકીને કહ્યું, “મને ખબર છે બેટા, તને એકલા અમદાવાદ રહેવાનું નહીં ગમે. પરંતુ સાચી વાત એ છે કે અમને પણ તારા વિના સૂનું જ લાગવાનું છે. જીવનમાં કંઈક મેળવવું હોય તો કંઈક જતું પણ કરવું પડે. આમ તો તને બારમા ધોરણનો અભ્યાસ બહુચરાજીમાં જ કરાવી શકાયો હોત. પરંતુ બારમા ધોરણનું પરિણામ સારું આવે અને એમ.બી.એ.માં સહેલાઈથી એડમિશન મળી જાય એટલા માટે જ તને અમદાવાદ મૂકવાનું નક્કી કર્યું છે. અમદાવાદમાં સારી સ્કૂલ, સારા શિક્ષકો અને સારા ટ્યુશન ક્લાસનો તને લાભ મળશે. તું એમ.બી.એ. થઈને કોઈક મોટી કંપનીનો મેનેજર થઈશ ત્યારે અમને જે આનંદ અને સંતોષ થશે. એની કદાચ તને અત્યારે કલ્પના નહીં આવે. અમારે મન તો તું જ સર્વસ્વ છે. અમારી આશાઓનો બધો જ મદાર તારા પર છે. તું ભણવામાં હોંશિયાર છે અને ધારે તે કરી શકે છે. એટલે જ અમે તારા પર મોટી આશાઓ બાંધી છે. અમને વિશ્વાસ છે કે તું એ આશાઓ પૂરી કરીશ જ.” કેતવ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. એણે કંઈ જવાબ ન આપ્યો. છતાં એના ચહેરાના હાવભાવ નરેન્દ્રને સધિયારો આપતા હતા.

કેતવને અમદાવાદમાં એડમિશન મેળવવામાં બહુ મુશ્કેલી પડી નહીં. પરંતુ લાંબા અંતરનો પ્રશ્ન નડે તેમ હતો. પ્રમોદરાયે સરખેજ - ગાંધીનગર હાઈવે પર હમણાં જ નવો બંગલો બંધાવ્યો હતો. કેતવને શાહીબાગ વિસ્તારની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. નરેન્દ્રના આગ્રહથી કેતવ માટે એક ટ્યુશન ક્લાસ અને એક ખાનગી ટ્યુશનની સગવડ કરાઈ હતી. ટ્યુશન ક્લાસ આશ્રમ રોડ પર હતા અને ખાનગી ટ્યુશન માટે એણે ડ્રાઈવ-ઈન રોડ પર જવાનું હતું. કેતવને તો જાણે સમયની સામે જ દોડવાનું હતું. છતાં એણે તો સ્વપ્ન પુરું કરવાનું હતુ. કેતવને અમદાવાદ મૂકીને નરેન્દ્ર અને શોભનાબહેન તો પાછાં બહુચરાજી પહોંચી ગયાં. બન્ને એને પુષ્કળ શિખામણો અને પ્રોત્સાહનના શબ્દોનાં પોટલાં બાંધીને આપી ગયાં હતાં. પરંતુ સખત હાડમારી અને તંગ મનોદશામાં એ પોટલાં ક્યારે ખાલી થઈ ગયાં એની જ ખબર પડી નહીં.

લગભગ પંદરેક દિવસ થયા હશે. રાત્રે કેતવ આગાશીમાં બેસીને વાંચતો હતો. એનું મન ચોપડીમાંથી બહાર નીકળી ગયું. દર રવિવારે ભાઈબંધો સાથે મોઢેરા જતો હતો એ યાદ આવ્યું. મોઢેરાના સૂર્યમંદિર અને વાવનાં પગથિયાં યાદ આવ્યાં. મિત્રો સાથે પકડદાવ અને સાઈકલની રેસ યાદ આવી. એક અજાણ્યો રોમાંચ એના શરીરમાં ફરી વળ્યો. અચાનક અગાશીની બાજુની રૂમમાંથી મામા-મામીની વાતચીત એના કાને અથડાઈ. એણે કાન સરવા કર્યા અને ધીમે રહીને એ રૂમના દરવાજાની નજીક સરક્યો. મામી મામાને કહેતાં હતાં, “તમારાં બહેન-બનેવી કેતવ પર અત્યાચાર કરે છે. આખો દિવસ દોડાદોડી કરીને છોકરો થાકી જાય પછી શું ભણે? એ આપણે ઘેર રહે એનો વાંધો નથી. પણ આ રીતે એ ભણી શકશે નહીં. મારું માનો તો એને કોઈક સારી હોસ્ટેલમાં મૂકી દો. એને આટલી દોડાદોડી તો ના કરવી પડે !”

મામા તાડૂક્યા હતા, “મારું ઘર છે અને હું એને હોસ્ટેલમાં મૂકવાનું કહું તો બહેન-બનેવીને અને બાપુજીને કેવું લાગે? મારે એક જ બહેન છે અને એનો આ એકનો એક દીકરો છે. મારાથી આવું વિચારાય જ નહીં….”

“તમે મારી વાત સમજતા નથી. હું તો એના ભલા માટે જ કહું છું. આમ ને આમ તો છોકરો ખેંચાઈ જશે.”

અને ખરેખર એવું જ થયું. કેતવ બિમાર પડ્યો. બે દિવસ તાવ આવ્યો અને પછી ઝાડા-ઊલટી થઈ ગયાં. ચાર-પાંચ દિવસ સ્કૂલમાં રજા પાડવી પડી. નરેન્દ્ર અને શોભનાબેન આવી ગયાં. એમને કેતવને થોડા દિવસ પાછો સાથે બહુચરાજી લઈ જવાની ઈચ્છા થઈ. પરંતુ સાથે અભ્યાસ બગડવાની પણ ચિંતા હતી. નરેન્દ્ર અને શોભનાબેન આવ્યાં એટલે રાત્રે પ્રમોદરાયે કેતવને પડતી હાડમારીનો અછડતો ઉલ્લેખ કર્યો. નરેન્દ્રનો પ્રતિભાવ બહુ કડક હતો. એણે કહ્યું, “જીવનમાં હાડમારી તો વેઠવી જ પડે. એ વિના સિદ્ધિ મળે નહીં. એને આપણે બધી જ સગવડ આપીએ છીએ. આજે હાડમારી વેઠશે તો જ કાલે એનું ભાવિ બનશે. એકનો એક દીકરો હોય એથી આવો વિચાર ના કરાય થોડા દિવસમાં ટેવાઈ જશે….”

બીજે દિવસે કેતવને કંઈક સારું હતું. સાંજે એ અગાશીમાં બેઠો બેઠો કશુંક વાંચતો હતો, એવામાં અમૃતલાલ એની પાસે આવી ચડ્યા. કેતવ દાદાજીને વળગી પડ્યો. એ કંઈ બોલ્યો નહીં. અમૃતલાલને લાગ્યું કે કેતવ કંઈક મૂંઝાયો છે. એમણે એના માથે હાથ ફેરવ્યો અને હળવેથી પૂછ્યું, “તને કંઈ થાય છે બેટા? તને કંઈ મૂંઝવણ હોય તો મને કહે…. મને, ખબર છે કે તું બહુ થાકી જાય છે. ભણવાનું ગમે છે? સ્કૂલમાં અને ટ્યુશનમાં તને ફાવે છે?”

અમૃતલાલે એક સામટા સવાલો પૂછી નાંખ્યા. કેતવ થોડીવાર ચૂપ રહ્યો. અમૃતલાલે ફરી એ જ સવાલો પૂછ્યા એટલે કેતવે નીચું જોઈને જવાબ આપ્યો, “દાદાજી, એક તમે જ મને આવું બધું પૂછ્યું છે. બીજું તો કોઈ મને કશું પૂછતું જ નથી….” અમૃતલાલે એના માથે હાથ ફેરવતા ફેરવતા એની સાથે વાતો કરવા માંડી. એમને લાગ્યું કે કદાચ પહેલી વાર કેતવ કોઈકની પાસે મન ખોલીને વાત કરી રહ્યો હતો. અમૃતલાલ એને શાંતિથી સાંભળતા રહ્યા.

કેતવે દાદાજીને કેટલીક પેટ છૂટી વાતો કરી. એણે કબૂલ કર્યું કે એને અમદાવાદનું વાતાવરણ હજુ જામ્યું નથી. સ્કૂલના બીજા વિદ્યાર્થીઓ સાથે અનુકૂળ થવામાં મુશ્કેલી પડે છે. બહુચરાજી જેવા નાના ગામમાંથી આવતો હોવાથી એને થોડીક નાનમ પણ અનુભવાય છે. એણે દાદાજીને કહ્યું કે પપ્પા એમ.બી.એ. કરાવવા ઈચ્છે છે, પણ મને કોમર્સમાં જરાય રસ પડતો નથી. દાખલા ગણવાનો કંટાળો આવે છે. વાર્તાઓ અને કવિતાઓ વાચવાનું વધારે ગમે છે. ચિત્રો દોરવાનું મન થાય છે. પરંતુ વાંચવામાંથી ટાઈમ મળતો નથી. એણે વાતવાતમાં મામા-મામી વચ્ચે એને હોસ્ટેલમાં મૂકવા અંગે સાંભળેલી વાત પણ દાદાજીને કરી. પછી એણે ખુલ્લા દિલે દાદાજીને વિનંતી કરી કે તમે મામા અને પપ્પાને સમજાવો અને એક ખાનગી ટ્યુશન અથવા ક્લાસ છોડાવી દો. હું ઘરે મહેનત કરીશ. ધીમે બધું જ કોઠે પડી જશે. મારે પપ્પાનું સ્વપ્ન પૂરું કરવું છે.

અમૃતલાલ પણ વિચારમાં પડ્યા. એમને થયું કે સ્વપ્ન કોનું અને એ પૂરું કોણે કરવાનું? એમણે કેતવને મૂક સધિયારો આપ્યો એને હિંમત પણ આપી.

રાત્રે અમૃતલાલે પ્રમોદરાય સાથે વાત છેડી. એમણે કહ્યું કે આ છોકરાને કોમર્સમાં રસ પડતો નથી. એને મારી ઠોકીને ભણાવવાનો શો અર્થ છે? એને શેમાં રસ છે એ એને પૂછવાનું જ નહીં? પ્રમોદરાયને પણ વાત તો સાચી લાગી. છતાં એમણે કહ્યું, “બાપુજી, તમારી વાત તો સાચી છે. પરંતુ બહેન-બનેવીને કેવું લાગે?”

અમૃતલાલ તરત બોલી પડ્યા, “એ છોકરાને કેવું લાગે છે એનો તો કોઈ વિચાર જ કરતું નથી!”

દિવસે દિવસે કેતવ સૂકાતો જતો હતો. એની આંખ પર કાળાં કુંડાળાં ઊપસી આવ્યાં હતાં. ઘણી વાર એ સૂનમૂન બની જતો. વચ્ચે વચ્ચે નરેન્દ્ર અને શોભનાબહેન એની ખબર લઈ જતાં. છેલ્લે એ લોકો આવ્યાં ત્યારે અમૃતલાલે વાત વાતમાં શોભનાબહેનને કહ્યું પણ ખરું કે કેતવને કોમર્સમાં બહુ રસ પડ્યો નથી. પરંતુ નરેન્દ્રએ વચ્ચે જ વાત કાપી નાખીને ચુકાદો આપી દીધો હતો, “બુધ્ધિશાળી માણસે રસનો વિચાર ન કરવાનો હોય. મહેનત કરીએ તો બધામાં રસ પડે. એમ.બી.એ. કંઈ એમને એમ થવાય છે?” અમૃતલાલ જમાઈની આમન્યા રાખીને ચૂપ રહ્યા. કેતવનું એક ટ્યુશન છોડાવી દેવાનું સૂચન કરવાનું પણ એમણે પછી માંડી વાળ્યું.

દરમ્યાન પહેલી ટેસ્ટ આવી. પરીક્ષા શરૂ થઈ એના બીજા જ દિવસે કેતવને પરીક્ષા ખંડમાં ચક્કર આવ્યા અને ઊલટીઓ થવા માંડી. પરીક્ષા આપી શકાઈ નહીં. નરેન્દ્ર અને શોભનાબહેન એને બહુચરાજી લઈ ગયા. અઠવાડિયા પછી પાછાં આવ્યાં અને નરેન્દ્રએ જ કેતવને હોસ્ટેલમાં મૂકવાનો વિચાર રજૂ કર્યો. પ્રમોદરાયે હળવી દલીલ કરી, પરંતુ પછી નરેન્દ્રની વાતને માની પણ લીધી. રાત્રે કેતવે અમૃતલાલ પાસે ફરી વાર મન ખોલ્યું અને કહ્યું, “દાદાજી મને હવે થોડું ફાવી ગયું છે. સ્કૂલમાં થોડા મિત્રો પણ બન્યા છે. હોસ્ટેલમાં મારે નવેસરથી ગોઠવાવું પડશે. એના કરતાં તમે મામાને અને પપ્પાને કહો ને કે મને એક લ્યૂના કે સ્કૂટી અપાવે તો મારો ટાઈમ પણ બચે…..”

કેતવને હોસ્ટેલમાં નહીં મૂકવાનું અમૃતલાલનું સૂચન કોઈએ ધ્યાન પર લીધું નહીં. કેતવને લ્યૂના કે સ્કૂટી અપાવવાની વાત નરેન્દ્રને જામી નહીં. એણે કહી દીધું, “બારમામાં સારા ટકા આવે તો લ્યૂના નહીં, સ્કૂટર લાવી આપીશ.”

કેતવને છેવટે હોસ્ટેલમાં મૂક્યો. ઉસ્માનપુરા વિસ્તારની એક ખાનગી હોસ્ટેલમાં કેતવ ધીમે ધીમે ગોઠવાવા લાગ્યો. હવે એને સ્કૂલ અને ક્લાસ તો અનુકૂળ હતા. પરંતુ ડ્રાઈવ-ઈન રોડ પર ખાનગી ટ્યુશને જવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ એ ટ્યુશન છોડાવી દેવાનું મમ્મી-પપ્પા કે મામા સમક્ષ સૂચન કરવાની એની હિંમત નહોતી. થોડા દિવસ તો જેમ તેમ ખેંચ્યું. પરંતુ એ પછી એણે કોઈક ને કોઈક બહાને ટ્યુશનમાં ગુલ્લીઓ મારવા માંડી. મામાને ઘરે કેતવ માંડ ગોઠવાયો હતો. ત્યાં એણે હોસ્ટેલમાં ગોઠવાવાની મથામણ શરૂ કરવી પડી હતી. હોસ્ટેલમાં બધી જ કાળજી જાતે રાખવાની હતી. વળી હોસ્ટેલનું જમવાનું એને માફક આવતું નહોતું. છતાં એના મનમાં તો એક જ વાત હતી. પપ્પાનું સપનું પૂરું કરવાનું હતું. પરંતુ મનની વાત શરીર માનતું નહોતું. દિવાળીની રજાઓ આવી ત્યારે કેતવ ફરી બીમાર પડ્યો. છતાં એણે રજાઓમાં બહુચરાજી જવાને બદલે હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ નરેન્દ્ર એને રજાઓમાં બહુચરાજી લઈ ગયા.

રજાઓ પૂરી થઈ એ પછી કેતવે ફરી વાર ભણવામાં મન લગાવ્યું. હવે હોસ્ટેલમાં પણ ઘણા મિત્રો થયા હતા. હોસ્ટેલનું ભોજન પણ ધીમે ધીમે ફાવવા માંડ્યું હતું. કેતવને ડ્રાઈવ-ઈનનું ખાનગી ટ્યુશન ઘણી મુશ્કેલી ઊભી કરતું હતું. એથી એ ટ્યુશનમાં ખૂબ અનિયમિત થઈ ગયો હતો. એક વાર સળંગ દસ દિવસ ટ્યુશનમાં ગયો નહીં એટલે એના ટીચરે પ્રમોદરાયને ફોન કરીને પૂછપરછ કરી. અનાયાસ એ જ દિવસે નરેન્દ્રને અમદાવાદ આવવાનું થયું. પ્રમોદરાયે એમને વાત કરી કેતવ દસ દિવસથી ટ્યુશન જતો નથી. રાત્રે નરેન્દ્ર હૉસ્ટેલ પર પહોંચ્યા ત્યારે કેતવ હૉસ્ટેલના ઝાંપે બીજા બે-ત્રણ છોકરાઓ સાથે ગપ્પા મારતો ઊભો હતો. નરેન્દ્રને આમ અચાનક જોઈને એને આંચકો લાગ્યો. એણે જોયું તો નરેન્દ્રની આંખમાં ગુસ્સો હતો. એણે સીધું જ પૂછ્યું, “ટ્યુશન કેમ નથી જતો? કોને પૂછીને ટ્યુશન બંધ કર્યું?”

“જાઉં છું ને! હમણાં જ આવ્યો!” કેતવે ડરતાં ડરતાં જવાબ આપ્યો.

પરંતુ નરેન્દ્રનો પિત્તો ગયો. એણે કેતવને એક લાફો લગાવી દીધો અને કહ્યું, “મારી સાથે જૂઠું બોલે છે? બનાવટ કરે છે?”

બીજે દિવસે નરેન્દ્રે નિર્ણય જાહેર કર્યો અને કેતવને પાછો બહુચરાજી લઈ જઈ ત્યાંથી સ્કૂલમાં જ ભણાવવાનું નક્કી કર્યું. એમ.બી.એ. વિષે બારમું પાસ કર્યા પછી વિચારવાનું કહ્યું અમૃતલાલ આ બધું સાંભળી રહ્યા. એમનાથી ન રહેવાયું એટલે એમણે માત્ર એટલું જ કહ્યું,” આ છોકરાને શું કરવું છે અને એ કેવી મથામણ કરે છે. એની તો કોઈ પરવા જ નથી કરતું. એ સહેજ ઠરીઠામ થાય છે ત્યાં તમે એને ઉખાડી નાંખો છો. એને પોતાને એના મૂળ તો નાંખવા દો.”

“બાપુજી, તમે એનું ખોટું ઉપરાણું ના લો. અમે જે કંઈ કરીએ છીએ તે એના હિતમાં જ છે. એનું ભવિષ્ય બનશે તો એનો લાભ એને જ થવાનો છે. અમે એના માટે કોઈક સપનું જોઈએ છીએ એમાં અમારો કોઈ સ્વાર્થ નથી…” નરેન્દ્રના અવાજમાં ફરિયાદ અને અણગમો બન્ને હતાં.

અમૃતલાલ થોડીવાર ચૂપ રહ્યા પરંતુ પછી એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, “સપનું તમારું છે, આંખ પણ તમારી છે, એમાં છોકરાને શા માટે વચ્ચે લાવો છો? એને પણ પોતાનું કોઈ સપનું છે કે નહીં એ તમે પૂછ્યું છે?

“સપનું જોવાની એની ઉંમર નથી. એનો વખત આવશે ત્યારે એને એના સપનાં જોતાં કોઈ રોકવાનું નથી. અત્યારે તો એના સપનાં પૂરાં કરવાની જવાબદારી આપણી જ છે!” નરેન્દ્રએ પોતાની ફિલસૂફી રજૂ કરી.

કેતવ ચૂપચાપ બેઠો હતો. અમૃતલાલ ચૂપચાપ ઊભા થઈને પોતાના રૂમ તરફ ગયા. કેતવ એમની પાછળ ગયો એ અમૃતલાલની કમર પર હાથ વીંટાળીને વળગી પડ્યો. અમૃતલાલ એના માથે હાથ મૂકીને બોલ્યા, ”બેટા, બધા જ એમ માને છે કે બાળકના સપનાં શરૂ નથી થતાં હોતાં અને વૃદ્ધનાં સપનાં પૂરાં થઈ ગયાં હોય છે. એટલે તારે અને મારે બીજાના સપનામાં જ જીવવાનું છે!”