The sound of faith in Gujarati Letter by C.D.karmshiyani books and stories PDF | શ્રદ્ધાનો નાદ

Featured Books
  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

  • जंगल - भाग 7

          कुछ जंगली पन साथ पुख्ता होता है, जो कर्म किये जाते है।...

  • डेविल सीईओ की मोहब्बत - भाग 69

    अब आगे,अर्जुन, अराध्या को कमरे से बाहर लाकर अब उसको जबरदस्ती...

Categories
Share

શ્રદ્ધાનો નાદ

પ્રિય .. • ...
ભગવાન.. ! ..
પ્રેમ ... !
.................તને પત્ર લખવાની ગુસ્તાખી કરવા બદલ ક્ષમા માંગું છું ! પૃથ્વી પર મારા અવતરણ પછી તને પહેલીવાર પત્ર લખી રહ્યો છું ... અને , કદાચ છેલ્લી વાર ... ! હે ભગવાન્ ! રખે માનતો કે મને તારામાં શ્રદ્ધાનો ઓચિંતો ઉભરો આવ્યો છે ... અને તને પત્ર લખવા બેઠો છું ... ! એવું યે નથી કે તારો કોઈ જાતનો આભાર માનવા તને પત્ર લખી રહ્યો છું ... ! .. ના રે ના ... ! મને તારામાં બિલકુલ શ્રદ્ધા નથી ... !! લેશમાત્ર શ્રદ્ધા નથી ... !!
...........યાદ છે ? તે દિવસે કેટલી મહેનતથી ચકલીઓએ મારા ઘરમાં માળો બાંધીને બચ્ચાં મુક્યા હતા ! કેવા હોંશથી બચ્ચાંને ઉછેરવાની શરૂઆત કરી હતી ... ! હવે તો થોડાક જ દિવસોમાં બચ્ચાં ઉડવાના હતા .. ! ત્યાં એક સવારે એક સાંપોલિયાએ એ બચ્ચાંનો સવારના - બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી નાખ્યો .. . ! ત્યારે તેમાંથી માંડ બે બચ્ચાને બચાવી શક્યો ... ! પણ માળો તૂટી ગયો ... આગણાના એ લીલાછમ બદામના ઝાડ પર મેં આર્ટીફીસીયલ માળો બનાવીને તેમાં બચ્ચા મૂકીને પરમાર્થનો સંતોષ માનતો ટીંગાળી દીધો ... તો બીજા દિવસે ખબર પડી કે બચ્ચાને મકોડાએ ફોલી ખાધા ... ! મારી વેદનાને તું ક્યાંથી સમજી શકે ? થોડીવાર બધી જ ચકલીઓ એ વીજળીના વાયરો પર ગોઠવાઈ ગઈ , જાણે બચ્ચાના મોતનું બે મીનીટ મૌન પાડતી હોય તેમ ! ... પણ થોડી જ ક્ષણોમાં મોતનું માતમ મનાવ્યા વગર કે બારમું તેરમું ની ક્રિયાકાંડમાં પડ્યા વગર એટલા જ હોંશથી અને આત્મવિશ્વાસ સાથે એ જ જૂની જગ્યા પર પૂર્વવત ફરીથી માળો બાંધવાનો શરૂ કરી દીધો ... ! બસ .... મને એ ચકલીઓમાં શ્રદ્ધા છે ... તારામાં નહીં .. . એ વાત જવા દે ... ! યાદ છે .... ? મારી પાસે કમાવવાનું કોઈ સાધન ન હતું ... હું સાવ બેકાર હતો ... ! ત્યારે મારી ઉપર લાગ - લગાટ બાર મહિના સુધી અનામી મનીઓર્ડર આવતા હતા .. ! તેના અક્ષર ઉપરથી મેં મારા મિત્રને ઓળખી કાઢયો ... જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે કેવા ભેટીને રડી પડયા હતા ? એના ખંભા પર ક્યાંય સુધી હું માથું ઢાળીને રડતો રહ્યો હતો .. તેનો લાગણીસભર હાથ મારી પીઠ પર ફરતો હતો ... !! .... બસ ... મને એ મિત્રના ખંભા પર અતૂટ શ્રદ્ધા છે ... તારામાં નથી ! ... અને પેલી વિદેશી યુવતીની વાતથી તું ક્યાં અજાણ હતો ? તે દિવસે મારા ઘેર આવીને મારા તૂટા - ફૂટા અધકચરા અંગ્રેજીનો બીચારી સામનો કરતી અને મને સમજાય તેવા જવાબ આપવા પ્રયત્ન કરતી હતી ... ! ચા પીતા પીતા ... તેના મેલા - ઘેલા જીન્સ પર ચા ઢોળાઈ ગઈ ત્યારે ... હંમેશાં ભોળપણના પાઠ શીખેલી , મમતાની મૂર્તિ સમાન મારી માએ એ જીન્સને જ્યારે નેપકીનથી ફટાફટ સાફ કરી દીધું .... ત્યારે પેલી વિદેશી યુવતી મારી માને વળગી પડી અને રડવા લાગી ... ! ભાષાની અસમાનતાના કારણે કશું જ શબ્દ દ્વારા વ્યક્ત ના કરી શકી , પણ તેની ભૂરી આંખમાંથી આંસુની ધાર ટપકવા લાગી .. ! જાણે પ્રેમ - લાગણીથી અભિભૂત કોઈ નિર્મળ ઝરણું વહી રહ્યું હોય ... ! ..બસ મને તે ભોળી મા અને તે વિદેશી યુવતીની આંખમાંથી નિતરતી - પ્રેમ - લાગણીની મૌન ધારમાં શ્રદ્ધા છે ... હે ભગવાન મને તારામાં તો શ્રદ્ધા નથી જ . ... તારી યાદ શક્તિ વિશે વળી શંકા કેવી ... ? યાદ છે ? હું સાતમાં ધોરણમાં ભણતો હતો ત્યારે સ્કૂલમાં એક પ્રવાસનું આયોજન થયું હતું ... ? જેમાં રૂ . પંદર ભરવાના હતા ! મારા ઘરની ગરીબી વિશે ત્યારે તું કાંઈ અજાણ નહોતો ... !! તે દિવસે મેં પ્રવાસે જવાની . મોટાબહેન પાસે કેવી જીદ કરી હતી ... ? મારી જીંદગીની પહેલી અને છેલ્લી જીદ તે જ હતી ! ત્યારે ... મોટાબહેન કોઈ શ્રીમંત ખેડૂતના ઘેર જઈને પ્રવાસના રૂપિયા પંદર ઉછીના લાવ્યા હતા . એમ કહીને કે “ હું તમારી વાડીમાં બે દિવસ મજૂરી કરી જઈશ .. , પણ હમણા પંદર રૂપિયા આપો ... મારા ભાઈને પ્રવાસે જવું છે ... ! ” એક ખૂણામાં રીસાઈને રડતો હતો ત્યારે - મોટાબહેને પોતાના મેલા સાડલાથી મારી આંખો લૂછીને કહ્યું હતું કે “ ચૂપ થઈ જા , લે આ પંદર રૂપિયા .... !! ' એ મેલા સાડલાની સોડમમાં મેં ક્યાંય સુધી મારું મોઢું લપેટી રાખ્યું હતું ... ! બસ એ વહાલસોયી બહેનના ત્યાગ - પ્રેમ - લાગણીની પમરાટ રેલાવતા મેલા સાડલાના પાલવમાં મને ભરપુર શ્રદ્ધા છે .. તારામાં શ્રદ્ધા નથી ... ! ... અને બીજી વાત ... કોમવાદને નામે તે કેટકેટલાય દંગાફસાદ જોઈ નાખ્યા હશે ... અરે તારા નામ માટે તે કેટલાય ઝગડા કરાવ્યા છે .. ! પણ તારાથી કંઈ ભલીવાર થયો ... ? .... ના જ થાય ને ... ! ... પણ સાંભળ ... ! અમારા પડોશી કુંવરડોશીને તું ઓળખે છે ... ? તેની પાસે દરરોજ આંધળી મુસ્લિમ સકીના ડોશી આવે છે ... ! હિન્દુ કુંવરડોશી તેનું દરરોજનું ખાવાનું ધાન સાફ કરી દે છે ... ! સકીના ડોશીના માથાનાં જૂ વીણી દે છે ... ! અરે ... ! માથામાં તેલ સુધ્ધાં નાખી દે છે ... પણ બંને ડોશીઓને એ વિચાર ક્યારેય નથી આવ્યો કે આપણે હિન્દુ - મુસલમાન નિ છીએ ... ! જરા જેટલો પણ ધર્મના નામે રાગ - દ્વેષ નથી છેડયો ... ! .બસ મને એ હિન્દુ કુંવરડોશી અને અંધ મુસ્લીમ સકીના ડોશીમાં ગળાડૂબ શ્રદ્ધા છે ... પણ તારામાં ... હે ભગવાન તારામાં લેશમાત્ર મને શ્રદ્ધા નથી ... ! ... અને .... હા ... ! .. પેલી ભારતીય નારી મંગુની તને ખબર નહીં હોય ... દશ દશ વરસ થઈ ગયા ભરયુવાનીમાં વિધવા થઈ ગઈ . બાપના જ ગામમાં રહેતી હોવા છતાં ... અને ... પાણીના રેલાની જેમ યુવાની સરકતી જતી હોવા છતાં પણ તેણીએ ક્યારેય માથાના સાડલાને સરકવા નથી દીધો ... ! ... એ સંયમની મૂર્તિ સમી ભારતીય સન્નારી વિધવા મંગુમાં મને અત્યંત શ્રદ્ધા છે ... પણ તારામાં તો નથી જ નથી ... ! પેલા બસ સ્ટેશનમાં દરરોજ બાંકડા પર બેસીને ગજરા વેચતો કાલુ તારી નજરમાં ક્યાંય ચડયો છે ખરો ? કાં ના ચડે ... ? એ કાંઈ ફક્ત ગજરા જ નથી બનાવતો .. કાલુ તો તને પહેરવાના હાર પણ બનાવે છે ... તે દિવસે મોડી રાત સુધી બિચારાના એકેય ગજરા ના વહેંચાયા ... ત્યારે ... લાંબી મુસાફરી માટે બસની રાહ જોતા પેસેંજરોની નાની - નાની બાળકીઓને મફતમાં ગજરા વહેંચી દીધા ... !! જેનામાં સંગ્રહ કરવાની બિલકુલ વૃત્તિ નથી તેવા એ ગજરાવાળા કાલુમાં મને ખુશ્બુદાર શ્રદ્ધા છે .... પણ તારામાં નહીં ... ! .. જીંદગીની વાંકીચૂકી રેખાને પોતાના આત્મવિશ્વાસના જોરે સીધી દોર કરી નાખનાર ... જીંદગીની અર્ધશતક પૂરી કરનાર એ પચાસ વરસની સુરેખા તારા સંપર્કમાં ક્યારેય આવી છે ... ? શહેરના એ બસ સ્ટેશનમાં પાર્કીંગનો વ્યવસાય સંભાળનાર , મોઢામાં સિસોટી રાખી બધાને વાહન પાર્કીંગ કરાવીને બે રૂપિયાની પહોંચ પકડાવે છે ... ! કોઈ પાસે બે રૂપિયા છૂટા ના હોય તો સીધી રેખામાં આત્મવિશ્વાસ સાથે જવાબ આપતા કહે છે ... “ ચાલશે - જવા દો !! મને એ આત્મવિશ્વાસના મજબૂત થાંભલા જેવી ૫૦ વર્ષની એ સુરેખામાં મજબૂત શ્રદ્ધા છે ... પણ તારામાં નથી ... ! ... હે ભગવાન ... ! છેલ્લે એક ખાસ વાત લખી નાખું ... ! તારા અને મારા વચ્ચે હજુ સંબંધનો સેતુ ચાલુ છે .. એટલે જ તો પત્ર લખવા બેઠો . પણ મારા મનમાં એક શક છે ... એ શકના કારણે જ હું તારાથી છેડો ફાડવા નથી માંગતો . કારણ કે તું બહુ લુચ્ચો છે .. અમારા જેવા પામર માનવીઓની મતિ બદલાવતા તને વાર કેટલી ? મને શક છે કે ... એ ચકલીઓમાં ... , એ મિત્રના ખંભામાં ... , એ વિદેશી યુવતી અને મારી ભોળી મા માં .... , એ વહાલસોયી મોટીબહેનના સાડલાના પાલવમાં .. , એ કુંવરડોશી અને સકીનાડોશીમાં ... , પેલી વિધવા મંગુમાં .... , કે પછી ઓલ્યા ગજરાવાળો કાલુમાં .... , કે એ પચાસ વર્ષની સુરેખામાં ... ક્યાંક તું તો નથી છૂપાયેલો ને ..... ? ... કારણ કે તું પે'લેથી જ નાટકીયો છે અને વળી બહુરૂપિયો તો ખરો જ ... મને શક છે કે તું એ બધામાં ક્યાંક અલક અલગ સ્વરૂપે છૂપાઈ બેઠો છે .. બસ .. મારો આ શક જો એક વખત સત્યમાં પલટી ગયો તો તો પછી તું નથી કાં હું નથી ... ! બાકી રખે માનતો કે મને તારામાં શ્રદ્ધા છે ... !!! -
પ્રેમ ..........!!!!!
------સી. ડી.કરમશીયાણી