Revenge 3rd Issue: - 8 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ તૃતીય અંક: - 8

Featured Books
Categories
Share

પ્રતિશોધ તૃતીય અંક: - 8

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-8

જેસલમેર, રાજસ્થાન

સમીરને જમાડવા ગયેલા કાલુને આવવામાં જ્યારે પાંચેક મિનિટનું મોડું થઈ ગયું તો પોતાના ધંધામાં સચેત એવો રાકા સમીરને જ્યાં કેદ કરવામાં આવ્યો હતો એ અલાયદા મકાન તરફ આવ્યો.

"નારંગ, કાલુ ક્યાં છે?" મકાનની બહારના રૂમમાં દારૂની મહેફિલ જમાવીને બેઠેલા પોતાના બે સાગરીતમાંથી દાઢીધારી સાગરીતને ઉદ્દેશીને રાકાએ પૂછ્યું.

"ભાઈ, એ તો પાંચેક મિનિટ પહેલા જ અહીંથી નીકળી ગયો.." જવાબ આપતા નારંગ બોલ્યો. "એ અમારી સાથે અવાજ આપવા પર ના બેઠો એટલે એનો અધૂરો પેગ પણ ના છૂટકે મારે પી જવો પડ્યો."

નારંગના આ જવાબથી મનને સંતોષ થવાના બદલે રાકાનો રઘવાટ વધી ગયો..એ ઉતાવળા ડગલે સમીરને જ્યાં કેદ રાખવામાં આવ્યો હતો એ અંધારિયા ઓરડામાં પ્રવેશ્યો. ત્યાં પહોંચી રાકાએ જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોઈ એના ચહેરો ગુસ્સાથી ઘગી ઊઠયો. પોતાના સૌથી ખાસ ગુર્ગા એવા કાલુની કરપીણ હત્યા કરી સમીર ત્યાંથી નાસી છૂટ્યો છે, જેને દારૂના નશામાં બહાર બેસેલા પોતાના બંને સાગરીત ઓળખી નથી શક્યા એવું અનુમાન કરતા રાકા બહાર આવ્યો અને વ્યગ્ર બની દરવાજા જોડે જઈને ફાર્મહાઉસની ફરતે નજર ઘુમાવવા લાગ્યો.

આમ કરતા એની નજર દીવાલ પર ચડવા મથી રહેલી એક માનવાકૃતિ પર પડી, એ નક્કી સમીર જ હતો એ સમજી રાકાએ આવેશમાં આવી પોતાની ગન નીકાળી એને સમીર તરફ પોઈન્ટ તો કરી પણ અચાનક એને ક્રિસ્ટોફર દ્વારા સમીરને જીવિત પહોંચાડવાની વાત યાદ આવી એટલે એને પોતાની ગનને પેન્ટના અને કમરની વચ્ચે ખોસી દીધા બાદ પોતાના માણસોને મણમણની ગાળો ભાંડતા સમીરને પકડવાનો આદેશ આપ્યો.

છેલ્લી ઘડીએ પોતે રાકાની નજરમાં આવી ગયો હોવાથી સમીરનો જોશ ઠંડો પડી ગયો. પોતે જો ભાગવાની કોશિશ કરશે તો નક્કી આ ક્રૂર લોકો પોતાની ઉપર ગોળી ચલાવતા નહિ અચકાય એવું સમીરને મનોમન યાદ આવ્યું એટલે એને ભાગવાનો વિચાર પડતો મૂકવાનો નિર્ણય લઈ લીધો.

"એને જીવતો પકડવાનો છે, ભૂલેચૂકે એને કંઈ થઈ ગયું તો તમારા લોકોની ખેર નથી સાલા હરામીઓ.!" જ્યારે સમીર હામ હારીને ભાગવાનો પ્રયાસ પડતો મૂકવા માંગતો હતો ત્યારે રાકાના આ શબ્દોએ એના મગજની બત્તી સળગાવી દીધી.

 

આ લોકો પોતાનો જીવ નહિ લે, કેમકે..પોતાને જીવિત રાખવામાં આ લોકોનો ફાયદો હોવો જોઈએ. આવો મનોમન કયાસ લગાવતા સમીરે દીવાલનો ઉપરનો ભાગ પકડ્યો અને પોતાના ઇષ્ટદેવને યાદ કરી દીવાલની બીજી તરફ છલાંગ લગાવી દીધી.

 

રાકાનો આદેશ સાંભળી ફાર્મહાઉસનાં ગેટ નજીક ઊભેલો સલીમ નામક રાકાનો માણસ રાકાના બીજા સાગરીતોની રાહ જોયા વિના જ સમીરની નજીક આવી પહોંચ્યો. હટ્ટોકટ્ટો સલીમ જો પોતાને પકડશે તો પોતાની આ કેદમાંથી ભાગી નીકળવાની યોજના પડી ભાંગશે એમ વિચારી સમીરે એક ક્ષણનો પણ સમય વ્યય કર્યાં વિના કાલુ જોડેથી લીધેલી રિવોલ્વર નીકાળી એમાંથી બે ગોળીઓ સલીમ તરફ ચલાવી.

 

અચાનક થયેલા ગોળીબારથી ચમકી ગયેલો સલીમ કોઈ પ્રત્યાઘાત આપે એ પહેલા તો એક ગોળી એના હાથમાં ઘસરકો કરીને નીકળી ગઈ અને બીજી ગોળી એના ડાબા સાથળમાં ખૂંપી ગઈ. સમીર ત્રીજી ગોળી ચલાવવા જતો હતો પણ એને જોયું કે બંદૂકમાં ફક્ત બે જ ગોળીઓ હતી જેને પોતે ખર્ચી ચૂક્યો હતો. સલીમની હાલત જોઈ એ અત્યારે પોતાને પકડવા નહીં આવે એટલું મનમાં આવતા જ સમીરે પોતાના જોડે રહેલી ખાલી રિવોલ્વરને પાછી પેન્ટમાં રાખી અને ફાર્મહાઉસથી દુર જતા કાચા રસ્તે ભાગી નીકળ્યો.

 

હવે પોતે રાકાના માણસોના હાથમાં નહીં જ સપડાય એવો મક્કમ નિર્ધાર કરી સમીરે હાથની મુઠ્ઠીઓ બરાબરની ભીંસી અને દોડવા લાગ્યો. પોતાને દોડીને ક્યાં જવું અને આગળ કઈ તરફ જવું એ જાણતો ના હોવા છતાં સમીર એ બાબતે તો ચોક્કસ હતો કે પોતે હવે શ્વાસ નહિ અટકે ત્યાં સુધી ભાગતો જ રહીશ.

 

આ તરફ રાકાના બધા માણસો હડકાયા કૂતરાની જેમ સમીરનું પગેરું શોધી એની શોધખોળમાં લાગી ગયાં. સમીરને જ્યાં છુપાવાયો હતો એ ફાર્મહાઉસ શહેરથી ઘણું દૂર હતું એટલે સમીર ઘણું દોડ્યો છતાં એને રસ્તામાં કોઈ અન્ય વ્યક્તિનો ભેટો ના થયો. શિકારી કૂતરાથી જીવ બચાવવા નાસતા સસલાની માફક સમીર દોડી રહ્યો હતો.

 

પોતાની મંજીલ ક્યાં હતી અને ક્યારે આવવાની નહોતી એ જાણતો હોવા છતાં સમીરે દોડવાનું ચાલુ રાખ્યું. વચ્ચે-વચ્ચે સમીર શ્વાસ લેવા અટકતો અને પોતાની પાછળ કોઈ આવી તો નથી રહ્યું ને? એની તપાસ કરી લેતો. લગભગ કલાક જેટલું સતત દોડ્યા બાદ સમીરના કાને ટ્રેઈનના દોડવાનો અવાજ પડ્યો.

 

રેલવે લાઈન નજીકમાં જ હોવી જોઈએ એવી ગણતરી સાથે થાકેલો-હારેલો સમીર અવાજની દિશામાં દોડવા લાગ્યો. આ જ સમયે એના કાને અવાજ પડ્યો કે 'એ પેલો રહ્યો, પકડો એને..!'

 

રાકાના માણસો પોતાની લગોલગ પહોંચી ચૂક્યા છે એ સચ્ચાઈથી વાકેફ થતા જ સમીરે પોતાની રહીસહી હિંમત એકઠી કરી અને ટ્રેઈનના દોડવાના અવાજ તરફ દોટ મૂકી. ખુલ્લા પગે દોડતો હોવાના લીધે સમીરના પગની પાની છોલાઈ ચૂકી હતી, જેમાંથી લોહીની ટશર ફૂટી નીકળી હતી. આમ છતાં પોતાના દર્દની રતિભાર પણ ચિંતા કર્યા વિના સમીર બસ એકધાર્યું દોડે જ જતો હતો.

 

આખરે બીજું અડધો કલાક જેટલું દોડ્યા બાદ સમીરને એ બાબતની હાશ થઈ કે પોતે ખોટી દિશામાં નહોતો દોડ્યો..અંધારી રાતે રેલના પાટાની બંને તરફ દેખાતી લાઈટ અને નજીકથી પસાર થતી ટ્રેઇનનો અવાજ સાંભળી મદદની આશાથી સમીર એ તરફ ભાગ્યો.

 

આખરે સમીર રેલવે ક્રોસિંગ નજીક આવી પહોંચ્યો..અહીં આવીને એને જોયું કે આ કોઈ રેલવે સ્ટેશન નહિ, પણ રેલવે ક્રોસિંગ હતું; જે ખોલવા કે બંધ કરવા માટેની કોઈ સુવિધા પણ ત્યાં નહોતી.

 

અહીં આવ્યા પછી પણ પોતાની મદદ કરી શકે એવી એકપણ વ્યક્તિ નજરે ના ચડતા સમીરથી મોટો નિઃસાસો નંખાઈ ગયો અને એ માથું પકડીને રેલવે ટ્રેક પર જ બેસી ગયો. હવે એનામાં અહીંથી ચાર ડગલાં ખસવાની પણ હિંમત નહોતી. પોતાના નસીબને ભાંડતો સમીર હવે સામેથી આવી રહેલા રાકાના માણસોને જોઈને હેબતાઈ ગયો હતો. પોતાને પાછું એ અંધારિયા ઓરડાની કેદમાં જવું પડશે એ વિચારી એના શરીરમાં કંપારી છૂટી ગઈ.

 

આ તરફ જ્યાં સમીર માટે ભાગી છૂટવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા ત્યાં બીજી તરફ સમીરની પાછળ આવેલા રાકાના માણસો અતિ ઉત્સાહિત થઈ ગયાં. સમીરને ફટાફટ પકડીને ત્યાંથી પાછો ફાર્મહાઉસ લઈ જવાની ખેવના સાથે એ લોકો સમીર તરફ આગળ વધ્યા.

 

"શું વિચારીને ભાગ્યો હતો તું..મા@@##$" રાકાનો બીલ્લા નામનો સાગરીત સમીરને ભાંડતા બોલ્યો.

"બે@#!%%, કાલુની હત્યા કરીને અને સલીમને ઘાયલ કરીને પોતાની જાતને મોટી તીસમરખા સમજે છે." એ લોકોમાં નારંગ પણ હતો, જેનો બધો નશો સમીરના ત્યાંથી ભાગવા પર ઊતરી ગયો હતો.

 

"મોં સંભાળીને વાત કરજો, નહિતર.." રાકાના માણસોને ઉદ્દેશીને સમીર હજુ આટલું બોલ્યો ત્યાં નારંગ ઉતાવળા ડગલે એની તરફ ગુસ્સાથી ઘસી આવ્યો..નારંગ સમીરને લાત મારવા જ જતો હતો ત્યાં નારંગે જોયું કે સમીર જે રેલવે ટ્રેક પર હતો એની ઉપર ટ્રેઈન આવી રહી હતી એટલે એ અટકી ગયો અને સમીરને બાવડેથી પકડી પોતાની સાથે ઢસડી જવા લાગ્યો.

 

જ્યારે તમારા છટકવાના બધા દરવાજા બંધ થાય ત્યારે કિસ્મત એક બારી ખુલ્લી મૂકે જ છે..એવો ખ્યાલ મનમાં આવતા જ સમીરે કરો યા મરોની એક યોજના બનાવી.

 

સમીરે અચાનક નારંગને જોરથી ધક્કો માર્યો જેથી પોતાના બાવડા પર રહેલી નારંગની પકડ તુરંત છૂટી ગઈ. સમીરે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના પોતાના જોડે રહેલી ખાલી રિવોલ્વરને નારંગ સહિતના રાકાના માણસો તરફ પોઈન્ટ કરી. આ રિવોલ્વર ખાલી છે એ સત્ય ફક્ત પોતે જાણતો હતો પણ પોતાને પકડવા આવેલા આ લોકો નહિ, એ વિચાર મગજમાં આવતા જ સમીરે આ ખાલી રિવોલ્વરના જોરે ત્યાંથી ભાગવાનો આખરી પ્રયાસ કરવાનું મન બનાવી લીધું.

 

"તમારામાંથી કોઈપણ મારી આગળ વધ્યું છે તો હું એના શરીરમાં ગોળી ધરબી દઈશ.!" સમીરની આ ધમકીની ઘારી અસર થઈ હોય એમ બીલ્લા અને નારંગ સહિતના રાકાના માણસો બે ડગલા પાછળ હટી ગયા.

 

"તું અમારી પકડમાંથી અત્યારે તો બચી જઈશ પણ કેટલો સમય તું આઝાદ રહી શકીશ એ વિચાર્યું છે તે?" સમીરને બીક બતાવતા નારંગ બોલ્યો તો ખરો પણ એના શબ્દો નજીક આવતી ટ્રેઈનના અવાજમાં ક્યાંક ખોવાઈ ગયા.

 

જેવી ટ્રેઈન નજીક આવી એ સાથે જ સમીર રેલવે ટ્રેકની બીજી તરફ જતો રહ્યો..રાકાના માણસો વચ્ચે હવે એક મસમોટી ટ્રેઈન હતી. એ ટ્રેઈન એક ગુડ્સ ટ્રેઈન હતી જે જયપુર જઈ રહી હતી. પોતાને છટકવાનો આ ઉત્તમ અવસર છે એમ વિચારી સમીરે ચાલતી ટ્રેઈનના એક ડબ્બાનું હેન્ડલ પકડ્યું અને સ્ફૂર્તિ સાથે ટ્રેઈનમાં સવાર થઈ ગયો.

 

"એની માં ને, સાલો ટ્રેઈન પર ચડીને ભાગી ગયો." ટ્રેઈન પસાર થતા જ હકીકતનો ખ્યાલ આવતા જ નારંગ ક્રોધવેશ બબડયો.

 

"આ વિશે ભાઈને જણાવવું પડશે, આપણે જેમ બને એમ આ ટ્રેઈન જયપુર પહોંચે એ પહેલા જયપુર પહોંચવું પડશે." બીલ્લાના આ પ્રસ્તાવ સાથે સંમતિ દર્શાવતા સમીરને પકડવા આવેલા રાકાના તમામ લોકો ફાર્મહાઉસ તરફ ચાલી નીકળ્યા.

 

પોતે રાકાના માણસોને આબાદ રીતે છેતરીને એમની પકડમાંથી તો છૂટી ગયો હતો પણ કેટલો સમય એ આમ આઝાદ ફરી શકશે એ વાતથી અજાણ સમીર ટ્રેઈનમાં ખડકાયેલા કોલસાના ઢગલા પર આ વિષયમાં વિચારતા-વિચારતા જ ક્યારે નિંદ્રાધીન થઈ ગયો એની એને ખબર જ ના રહી.

 

નારંગે રાકાને કોલ કરી અહીં જે કંઈપણ બની ગયું હોવાની જાણકારી આપી એટલે રાકા એ લોકોના ત્યાં આવવાની રાહ જોયા વિના જ ફાર્મહાઉસમાં હાજર પોતાના ત્રણ-ચાર માણસોને લઈને કારમાં બેસી જયપુર તરફ રવાના થઈ ગયો.

રાકા અને સમીરમાંથી કોનું નસીબ કેટલું બળવત્તર હતું એની ખબર ટૂંક સમયમાં પડી જવાની હતી.!

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

 

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)